પાપના પર્વતને પીગાળ્યો

ગુજરાતમાં ચરોતર પ્રાંતમાં ખેડા જિલ્લામાં લવાડ નામનું ગામ છે. તેની નજીક મેશ્વો નામની નદી વહી રહી છે. ગામમાં એક દોલતસિંહ નામના દરબાર રહે. સ્વભાવે ખૂબ ક્રૂર અને ઘાતકી હતા. આજુબાજુના માથાભારે લોકોના તે સરદાર હતા. ફરતા ચારેબાજુના ગામમાં તેમની હાક વાગતી. તેમનું નામ સાંભળતાં લોકો ધ્રૂજી ઊઠતા.

લોકોને રંજાડે એટલું જ નહિ, પરંતુ જ્યાંથી અનંત પાપોના બંધનથી છૂટવાનું છે તેવા સાધુ-સંતોને પણ હેરાન કરે, ગાળો દે. અરે ! મારતા પણ ખચકાય નહીં.

એક વખત આ મેશ્વો નદીના કિનારે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોનું મંડળ સ્નાનાદિક ક્રિયા કરી રહ્યું હતું. તે મંડળના મુખ્ય મંડળધારી સંત આપણા સમર્થ સદ્‌. શ્રી નિર્ગુણદાસજી સ્વામીશ્રી હતા.

સંતો જ્યાં ભગવાનની સ્મૃતિએ સહિત સ્નાન કરી રહ્યા હતા ત્યાં જ અચાનક બૂમો સંભળાવા લાગી :

“અલ્યા એય બાવાઓ ! શું તમારા બાપની આ નદી છે ? અહીં શું દાટ્યું છે ? મારું ગામ બગાડવા આવ્યા છો ?”

આમ, જુવાનીના મદ અને સત્તાના જોરમાં અંધ બનેલા દોલતસંગને આવા સમર્થ સંતના ચરણમાં પડી પોતાના પાપને ધોવાની બુદ્ધિ તો ક્યાંથી સૂઝે ? પણ ઉપરથી અપરાધ સૂઝ્યો. તેથી તેણે સાથીદારોને કહ્યું કે, “આ બાવાઓ એમ નહિ માને. માટે એય વજેસંગ, વીરસંગ, તખુભા, હઠીસંગ, વરસાવો પથરાનો વરસાદ એટલે વગર કીધે ભાગી જાય.”

જ્યાં દોલતસંગનો હુકમ થયો ત્યાં તો બંદૂકમાંથી જેમ ગોળીઓનો વરસાદ થાય તેમ પથ્થરનો વરસાદ શરૂ થયો. તેથી “સ્વામિનારાયણ... સ્વામિનારાયણ”નું સ્મરણ કરતા અને મનમાં સર્વેના હિતનું ચિંતવન કરતા સ્વામીશ્રી સંતો સહિત નદીમાંથી બહાર નીકળી ગયા અને શિક્ષાપત્રીની આજ્ઞા મુજબ તેમનું હિત થાય તેમ ચિંતવન કર્યું તથા મહારાજને પ્રાર્થના કરી વિચરણમાં આગળ બીજે ગામ પધાર્યા.

સાચા સંત તો કદી કોઈનું અહિત ઇચ્છતા જ નથી છતાં પણ સ્વયં શ્રીજીમહારાજે કહ્યું છે કે, ‘અમે સર્વે અપરાધને માફ કરીએ છીએ પણ અમારા સંતના અપરાધને કદી માફ નથી કરતા. સિવાય કે જો તે સંતનો અનુગ્રહ થાય. માફી માગે ને અવગુણ-અભાવના ઘોર પાપથી પાછો વળે તો. બાકી બીજો કોઈ રસ્તો નથી.’

દોલતસંગ દરબારનો એકનો એક દીકરો હતો, જેનું નામ તખુભા હતું. તે મોટો થતાં તેનું લગ્ન લેવાયું. આ તો દરબારના દીકરાનાં લગ્ન. તેથી આખુંય ગામ આનંદમાં ડૂબેલું. શરણાઈ-ઢોલ-ત્રાંસા વાગે ને ગીતો ગવાય. કસુંબા પાણી ને રાત્રે વળી ફૂલેકું. એમ દિવસ દરમ્યાન ખૂબ થાકેલા સર્વે ભરનિદ્રામાં સૂઈ ગયા. બીજે દિવસે સવારે તો હજી જાન જવાની હતી. પ્રભાત થવાની તો હજુ વાર હતી. અને તખુભા વહેલી સવારે પરોઢિયે લઘુ કરવા ખાટલામાંથી ઊઠ્યા અને ઘરની પાછળ આવેલા પોતાના વાડામાં જ્યાં લઘુ કરીને પાછા વળ્યા ત્યાં તો કોઈ સુંવાળી એક વસ્તુ પર પોતાનો પગ પડ્યો. અને તે સાથે જ તેણે કારમી ચીસ પાડી.

“ઓ મારા બાપ રે... મરી ગયો... બચાવો... બચાવો...” એમ જોર જોરથી બૂમો સાંભળી ભરનિંદ્રામાં સૂતેલા સર્વે લોકો જાગી ગયા. અને અવાજની દિશા તરફ દોડી આવ્યા. ને જોયું તો જેના કાલે તો લગ્ન હતા તેવા દરબારના દીકરા તખુભાને સર્પ કરડી ગયો. ને તખુભા થોડી વારમાં તો નિસ્તેજ બની ધરતી પર ઢળી પડ્યા. જ્યાં આનંદના અતિરેકમાં લગ્ન ગીતો ગવાતાં હતા ત્યાં મરસિયા ગાવાનો સમય આવી ગયો. સૌના મુખ પરનું કરુણ આક્રંદ પક્ષીઓના મુખમાંથી ચણ પડી જાય તેવું કરુણ લાગી રહ્યું હતું. પવન જાણે કે થંભી ગયો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું. આજ સુધી ભલભલાને રડાવનારા મરદ મુછાળા દોલતસંગ દરબાર પણ આજે હૈયાફાટ રુદન કરી રહ્યા હતા.

“મારા દીકરાને કોઈ બચાવો... જે માગો તે આપીશ પણ કોઈ બચાવો.” ભૂવા ભરાડી જંતરમંતરવાળા સૌ દોડી આવ્યા. પરંતુ સૌના પ્રયત્નો નિષ્ફળ ગયા. કોઈ ફાવ્યું નહીં. કારણ કે આ તો.. સર્વોપરી શ્રીહરિના પરમ લાડીલા પોતાના સંકલ્પ સ્વરૂપ સદ્‌. શ્રી નિર્ગુણદાસજી સ્વામીના દ્રોહનું ફળ હતું. તેથી જ ગામના કેટલાક સમજુ માણસો તો કહેવા પણ લાગ્યા કે નિર્દોષ અને પવિત્ર સંતોને માર્યા તેનું આ ફળ મળ્યું છે. આ સાંભળી દોલતસંગને પણ હવે કાંઈક પસ્તાવો થયો હોય તેમ લાગ્યું અને મનમાં વિચાર થયો, “અરેરે ! મેં પાપીએ પેલા નિર્દોષ ને ગભરુ સંતો કે જે ભગવાનનાં ભજન-ભક્તિ સાથે સ્નાન કરતા તેવાને વગર વાંકે મારીને કાઢી મૂક્યા ? અરેરે ! મેં બહુ જ ખોટું કર્યું. અરેરે ! ભગવાન મને માફ કરે !? હવે જો તે પાછા આવે તો હું તેમની જરૂરથી માફી માગું. પણ અરેરે ! એ તો બિચારા ફરીથી અહીં ક્યાંથી આવે ? ને હવે તે ક્યાં હશે ? કે હું તેમની માફી માગી શકું ?”

એટલામાં બહારથી કોઈ વ્યક્તિએ આવીને સમાચાર આપ્યા કે, ‘થોડા દિવસ પહેલાં આવેલા તે સ્વામિનારાયણના સાધુ તો ફરી પાછા નદીકિનારે આવ્યા છે.’ આ સાંભળતાં જ દોલતસંગના જીવમાં જીવ આવ્યો હોય તેમ એકદમ ઊભા થઈ દોડતાં સ્વામીશ્રી પાસે આવ્યા અને ધબ કરતાં સ્વામીશ્રીના ચરણમાં પડ્યા. ચરણરજ માથે ચડાવી પસ્તાવાનાં આંસુથી સ્વામીશ્રીના ચરણ પખાળ્યા. ને અતિ દુઃખ વ્યક્ત કરતાં પોતાની જાતે પોતાના ગાલ ઉપર ઉપરાઉપરી તમાચા મારવા લાગ્યા.

તેમણે પાપનું કાજળ પ્રશ્ચાત્તાપનાં આંસુથી ધોવા માંડ્યું. પાપનો પર્વત પણ પસ્તાવાથી પીગળે અને ભગવાન ને સંતના  તેમ શરણે આવે તો ભગવાન ને સંત તેનો ગુનો માફ કરે જ. તેમ દયાળુ મૂર્તિ સ્વામીશ્રીએ દોલતસંગનો સાચો પસ્તાવો જોયો ને દયા આવી ગઈ. સંત હૃદય હંમેશાં દયાળુ જ હોય છે. તે કદી જીવનાં કરેલાં અપકૃત્યો સામે જોતા નથી. અને જો જુએ તો જીવનો કોટિ કલ્પે પણ વારો આવે તેમ પણ નથી.

અને તુરત જ સ્વામીશ્રીએ સંતોને આજ્ઞા કરી કે, “આવો સંતો, સ્વામિનારાયણ મહામંત્રની ધૂન તથા પ્રાર્થના કરીએ. તે મંત્રથી કાળા નાગનું ઝેર પણ ઊતરી જાય.” ગમે તેવાં દુઃખ પણ ભજન અને પ્રાર્થનાથી નષ્ટ થાય છે.

સ્વામીશ્રીની આજ્ઞાથી સર્વે સંતોએ મળી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન શરૂ કરી. ધૂનનો મધુર રણકાર સર્વે દિશામાં પ્રસરી રહ્યો હતો. દોલતસંગ દરબાર પણ સાથીઓ સાથે ધૂનમાં જોડાયા. સાચા ભાવથી ધૂન થતી હતી અને થોડી જ વારમાં આંબલીના પોલાણમાંથી સર્વેના દેખતાં એક મોટો કાળો ફણીધર નાગ બહાર આવ્યો. અને સ્વામીશ્રી પાસે નમન કરી ત્યાં સૂવાડેલા તખુભાને પગે જ્યાં ડંખ દીધો હતો, ત્યાં ફરી ફેણ મૂકી સમગ્ર ઝેર ચૂસી લીધું. ને સ્વામીશ્રીને નમન કરી ફરી આંબલીના પોલાણમાં જતો રહ્યો.

થોડી જ ક્ષણોમાં તખુભા આળસ મરડીને બેઠા થયા. સૌએ સ્વામિનારાયણ નામનો જયનાદ કર્યો. દોલતસંગ આનંદથી પોતાના એકના એક દીકરાને ભેટી પડ્યા. અને બંનેએ સ્વામીશ્રીના ચરણમાં પડી ખૂબ પ્રાર્થના કરી, “બાપજી, અમારા ગુનાઓને માફ કરો... માફ કરો.”

ત્યારે સ્વામીશ્રીએ કહ્યું, “હે દોલતસંગ, આજથી પ્રતિજ્ઞા કરો કે કોઈ પણ સાધુ-સંતોને રંજાડીશ નહીં. કોઈનું ભૂંડું કરીશ નહીં. કીડી સરખા જીવને પણ મન, કર્મ, વચને દૂભવીશ નહીં.” ત્યારે દોલતસંગ અતિ ગદ્‌ગદભાવે બોલ્યા કે, “બાપજી, હું આજથી તમારે શરણે છું. અને જીવન પર્યંત કદી કાંઈ ખોટું નહિ કરું.”

સ્વામીશ્રી પણ તેણે લીધેલી પ્રતિજ્ઞાથી રાજી થયા અને પછી ત્યાંથી બીજે ગામ જવા પ્રયાણ કરવા ઊભા થયા. ત્યારે દોલતસંગ પગમાં પડ્યા ને પ્રાર્થના કરી, “દયાળુ ! મારે ત્યાં આપ જમીને જાવ. આ દીકરાનાં લગ્ન છે કે જેને આપે જીવતદાન આપ્યું છે. તેથી આખુંય ગામ જમશે. ને તમે તો મારા સાચા સગાં ને મારા જીવના તારણહાર છો. માટે જમીને જ જાવ તેવી મુજ સેવકની પ્રાર્થના છે.”

ત્યારે સ્વામીશ્રીએ કહ્યું, “દોલતસંગ, અમારાથી તારું અન્ન ખવાય નહીં.” ત્યારે હાથ જોડી કરગરતા દોલતસંગે કહ્યું, “કેમ દયાળુ !” ત્યારે સ્વામીએ કહ્યું, “તમારું ઘર દારૂ, અફીણ વગેરેથી ગંધાતું હશે...” આ સાંભળી તેણે હાથમાં લાકડી લઈને તરત જ સમગ્ર દારૂનાં માટલાં ફોડી નાખ્યાં ને અફીણનાં તાંસળાં ઢોળી દીધાં ને માણસોને હુકમ કર્યો, “જાવ, નદીના નિર્મળ જળ લાવો ને આખા ઘરને ધોઈને સાફ કરીને પછી ગાયનું પવિત્ર છાણ લાવી ઘરને લીંપી નાખો.

સ્વામીશ્રી પણ તેનો સાચો ભાવ જોઈને મંડળે સહિત પધાર્યા ને ઠાકોરજીની રસોઈ કરીને જમ્યા. દોલતસંગ સહિત સર્વે કંઠી બાંધી સત્સંગી થયા ને પંચવર્તમાન પાળતા થયા. અને એકમાત્ર શ્રીહરિની અનન્ય ભક્તિ (પતિવ્રતાની ભક્તિ) કરવા લાગ્યા.

આમ, સદ્‌. નિર્ગુણદાસજી સ્વામીશ્રીના પ્રતાપે ગધેડામાંથી ગાય જેવા તથા પાપીમાંથી પાવન થઈ કેટલાય જીવો સુખિયા થયા છે.