પંડિતને પરાસ્ત કર્યા

એક વખત સદ્‌. શ્રી નિર્ગુણદાસજી સ્વામીશ્રી વડોદરામાં સભા ભરીને બિરાજમાન હતા અને સૌને કથાવાર્તાનું રસપાન કરાવી રહ્યા હતા. સર્વે સંતો-ભક્તો એકાગ્ર બની લાભ લઈ રહ્યા હતા. જેમ કોઈ શાંત સરોવરના નિર્મળ જળને ગાયો સુખચેનથી પીતી હોય ને અચાનક કોઈ આખલો આવે ને તોફાન કરી સમગ્ર પાણીને ડોળી નાખે તેમ કથા ચાલી રહી હતી, ત્યાં અચાનક સદ્‌ગુરુશ્રીના પ્રૌઢ પ્રતાપને સહન ન કરી શકનાર, ઈર્ષ્યા આગમાં બળી રહેલ એક દ્વેષી પંડિત ત્યાં આવી પહોંચ્યા. તેમની આંખો ક્રોધથી લાલઘૂમ થઈ ગઈ હતી. ક્રોધના આવેશને કારણે તેમનું આખું શરીર થરથર કાંપતું હતું. ઊંટની જેમ તેમના હોઠ ફફડી રહ્યા હતા. તેમની બુદ્ધિ વિદ્વત્તાના ઘમંડથી ક્લુષિત અને દૂષિત થઈ ગઈ હતી. સાર-અસાર, કરવા યોગ્ય અને ન કરવા યોગ્યનું ભાન પણ ભૂલી ગયા હતા. તેથી તે એકદમ સભામાં આવીને, જોરજોરથી બૂમો પાડીને કહેવા લાગ્યા કે, “ઢેબરિયા ! (ઢેબરા ખાનાર-ખેડૂતો) તમને ભગવાન માને તેથી તમે શું મહાન થઈ ગયા ? પણ મારા જેવા પંડિતોને તમારા આશ્રિત કરો તો સ્વામિનારાયણનો ધર્મ સાચો.”

તેમ કહી તેમણે બોલવાનું ચાલુ જ રાખ્યું. સભામાં બેઠેલ તમામ ભક્તોનાં લોહી ઊકળી ઊઠ્યાં. સ્વયં પોતાના ગુરુ માટે અપમાનના શબ્દો સાચો ગુરુમહિમા દૃઢ કરેલ ભક્ત સહન ન જ કરી શકે અને જો કરે તો તેના ગુરુમહિમામાં ફેર છે, મહિમામાં પોલાણ છે.

ક્ષમા અને સાધુતાનું સાક્ષાત્‌ સ્વરૂપ એવા સદ્‌ગુરુ તો ભૂલેલા જીવ પર કેવળ દયાનો ધોધ વહાવતા, એક જ સ્થિતિમાં બિરાજમાન હતા. ઉપરથી તેના માટે ભૂંડો સંકલ્પ તો નહિ પણ ભગવાન તેને સદ્‌બુદ્ધિ આપે અને સાચા સંતના દ્રોહથી પાછો વળે તેવી પ્રાર્થના મહાપ્રભુને મનોમન કરી રહ્યા છે. એ વખતે સભામાં બેઠેલા એક ભક્તનું આ પરિસ્થિતિ જોઈ લોહી ઊકળી ઊઠ્યું. તેણે કહ્યું, “અલ્યા મૂરખ ! બંધ કર તારો બકવાસ, નહિ તો હમણાં સીધો દોર કરી દઉં છું.” ‘લાતોં કા ચોર બાતોં સે નહિ માનતા’ તે મુજબ ભક્તની લાલ આંખ જોઈ પેલા પંડિત શાંતિથી ટાઢાબોળ થઈને બેસી ગયા.

થોડી વાર પછી મંદહાસ્ય કરીને સ્વામીશ્રી પ્રસન્નવદને બોલ્યા કે, “પંડિતજી ! સાંભળો, આજે તો સર્વોપરી ભગવાન પ્રગટ ને પ્રત્યક્ષ છે પરંતુ

“પંડિતથી ગાઉ પચાસ, જ્ઞાનીથી ગાઉ વીસ,

પ્રેમીને આસપાસ અને વિશ્વાસીને શીશ..”

તેમ તમારા જેવા પંડિતથી તો પચાસ ગાઉ દૂર રહે છે. તે નજીક આવતા જ નથી. પરંતુ વિશ્વાસીને સદાય ભેળા રહે છે. તમે પંડિતો શાસ્ત્રોમાં ગોથા ખાઓ અને તર્ક-વિતર્ક કરો તેથી ભગવાન હાથ ન આવે; પરંતુ નાના અને વિશ્વાસી લોકોને અમારા વચનમાં વિશ્વાસ હોય તેથી તેવા મુમુક્ષુઓનું આત્યંતિક મોક્ષરૂપી કામ તત્કાળ સિદ્ધ થાય છે.