રામજીભાઈને સાચો રાહ બતાવ્યો

એક વખત ઉપરદળના રામજીભાઈ સદ્‌. શ્રી નિર્ગુણદાસજી સ્વામીનાં દર્શને આવ્યા. તેમને સ્વામીશ્રી સાથે હેત ઘણું. તેથી સ્વામીશ્રીને શરીરે મંદવાડ જોઈને રડવા લાગ્યા. તે છાના જ ન રહે ને બોલે જે, “બાપજી ! તમે ધામમાં જવા તૈયાર થયા ને હવે હું કોને આધારે જીવીશ ? મારાથી તમારો વિયોગ કેમ સહન થશે ?” ત્યારે સ્વામીશ્રીએ કહ્યું જે, “ભાઈ ! સત્સંગ આખોય શ્રીજીમહારાજને આધારે જ છે. તેમના મોટા મોટા મુક્તો અહીં પધાર્યા છે ને અનેક જીવોનો મોક્ષ કરવા માટે સદાય પ્રગટ, પ્રગટ ને પ્રગટ જ છે. માટે તમને હું ઓળખાણ કરાવું છું કે કચ્છમાં વૃષપુર ગામમાં જીવનપ્રાણ બાપાશ્રી છે તે મહાસમર્થ છે. અમારા કરતાંય તમને વધારે સુખિયા કરે તેવા છે. ને શ્રીજીમહારાજ સ્વયં અત્યારે બાપાશ્રી દ્વારા સૌને દર્શનદાન આપે છે અને જીવોનો મોક્ષ કરે છે. માટે તેમની સેવા-સમાગમ કરજો ને રાજી કરજો પણ બીજે જ્યાં ત્યાં જશો નહીં.” આવી રીતે સ્વામીશ્રી અનેકને બાપાશ્રીની ઓળખાણ પડાવી જોગ-સમાગમ કરવાની ભલામણ કરતા.

રામજીભાઈને સદ્‌. શ્રી નિર્ગુણદાસજી સ્વામીશ્રીએ ભલામણ કરી તોપણ સ્વામીશ્રી અંતર્ધાન થયા પછી તે વાતને ભૂલી ગયા ને બાર મહિના વીતી ગયા. ત્યારે બાર મહિને સદ્‌. શ્રી નિર્ગુણદાસજી સ્વામીશ્રીએ દર્શન આપીને કહ્યું જે, “અમે જીવનપ્રાણ બાપાશ્રીનો જોગ-સમાગમ કરવાનું કહ્યું હતું તે કેમ ભૂલી ગયા ?”

પછી તુરત જ રામજીભાઈ સ્વામીશ્રીની આજ્ઞાથી બાપાશ્રીનાં દર્શને વૃષપુર ગયા ત્યારે બાપાશ્રીએ અંતર્યામીપણે કહ્યું જે, “રામજીભાઈ ! તમે સ્વામીશ્રીને ફેર દાખડો કરાવ્યો ને ?” એમ કહી મળ્યા. પછી પાસે બેસાડીને કહ્યું જે, “તમે તો અમારા જૂના સેવક છો.” એમ કહીને પૂર્વની સ્મૃતિ કરાવી એટલે રામજીભાઈને બાપાશ્રી સાથે ખૂબ જ એકતા થઈ ગઈ.