પ્રાગટ્ય - બાળપણ

સાત સાત વર્ષો સુધી સ્વયં સર્વોપરી ભગવાને જ્યાં વિચરણ કર્યું અને જીવનપ્રાણ બાપાશ્રી પણ જ્યાં પ્રગટ થયા એ કચ્છની પવિત્ર ભૂમિ પર, વિ.સં. ૧૯૦૬માં, કણબી જ્ઞાતિમાં, ભારાસર ગામે, સદ્‌. વૃંદાવનદાસજી સ્વામીશ્રી પ્રગટ થયા. તેઓશ્રીનું પૂર્વાશ્રમનું નામ હતું શામજીભાઈ.

શ્રીહરિના સંકલ્પનું જ્યારે પ્રાગટ્ય હોય ત્યારે સ્વાભાવિક છે કે એ સ્વરૂપમાં સૌને આકર્ષણ થાય જ. હૃષ્ટપુષ્ટ શરીર અને પૂર્ણિમાના ચંદ્ર સમાન શીતળ છતાં તેજસ્વી મુખારવિંદ સૌને આકર્ષણ કરે, રડવાનું ક્યારેય નહીં. જ્યારે જુઓ ત્યારે હસતા જ હોય. કારણ કે અનંતને હસાવવા ( મૂર્તિસુખમાં રમાડવા ) પધાર્યા હતા !

વિશાળ ભાલમાં તિલક-ચાંદલો અને કંઠમાં તુલસીની બેવડી માળા ધારણ કરેલા અને બાળઅવસ્થા છતાં વૃદ્ધોના જેવી ગંભીરતા અને ધૈર્યવાળા આ મુક્તરાજ ગામમાં સૌથી નોખા તરી આવે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિ અનંત ગુણો જેમના આશરે છે, એવા  મુક્તરાજના સાંનિધ્યમાં સૌને અહેસાસ થાય કે, ‘‘આ તો સૌથી જુદા જ છે.’’

બાળસખાઓની સાથે રમે, પણ રમતમાંય ભગવાન તો મુખ્ય જ હોય. વાતમાં ને વાતમાં મહારાજની વાત તો આવી  જ જાય... કોણ જાણે આ બધું... ક્યાંથી શીખ્યા હશે ? પણ... એમને ક્યાં શીખવાનું હતું ?... પ્રભુના ઘેરથી જ પધાર્યા હતા ને ?!

જરૂરી વિદ્યાભ્યાસ કરી મુક્તરાજ કિશોર અવસ્થાએ પહોંચ્યા.