વચનામૃત મહિમા
સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના સર્વોપરીપણાનાં વિશિષ્ટ લક્ષણોમાંનું આ એક લક્ષણ છે કે, તેમણે પોતાની હયાતીમાં પોતાના શાસ્ત્રો રચ્યાં અને રચાવ્યાં છે. બીજા કોઈ અવતારોએ પોતાની હયાતીમાં પોતાનાં શાસ્ત્રો રચ્યાં-રચાવ્યાં નથી.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણાં શાસ્ત્રો છે. પરંતુ એ તમામ શાસ્ત્રોમાં વચનામૃત એ અજોડ શાસ્ત્ર છે. વચનામૃત એટલે શ્રીજીમહારાજની સ્વમુખવાણી. શ્રીજીમહારાજ સર્વોપરી હોય તો તેમની વાણી પણ સર્વોપરી જ હોય ને...!
સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવેલ કોઈ પણ વ્યક્તિ વચનામૃત શબ્દથી અજાણ ન હોય. વચનામૃત એટલે સ્વયં અનંતકોટિ બ્રહ્માંડના અધિપતિ સ્વામિનારાયણ ભગવાનના મુખકમળમાંથી નીકળેલાં અમૃત વચનો.
- વચનામૃત એટલે સમગ્ર બ્રહ્માંડોના જીવોને આત્યંતિક કલ્યાણ મેળવવા માટેનું ‘યાવદ્ચંદ્રદિવાકરૌ’ સદાવ્રત.
- વચનામૃત એટલે શ્રીજીમહારાજની રુચિ, અંતર્ગત અભિપ્રાય.
- વચનામૃત એટલે શ્રીજીમહારાજનું સ્વરૂપ.
શિક્ષાપત્રીના ૨૦૯મા શ્લોકમાં પણ શ્રીજીમહારાજે કહ્યું છે ને કે, “આ જે અમારી વાણી તે અમારું સ્વરૂપ છે.”
“જગતના સર્વ ગ્રંથોમાં વચનામૃત ગ્રંથ સારો છે,
જીવોના મોક્ષને માટે, સર્વોત્તમ સૌથી ન્યારો છે.”
વચનામૃતનો મહિમા એટલે સ્વયં શ્રીજીમહારાજનો મહિમા.
પોતાના આશ્રિત ભક્તોને કેવું જીવન જીવવું ? કેવી સમજણ દૃઢ કરવી ? કેવી રીતે સત્સંગમાં રહેવું ? વગેરે જીવનઉપયોગી, જ્ઞાનઉપયોગી અને મોક્ષઉપયોગી અનેક વચનો તથા પોતાના અંતર્ગત અભિપ્રાયો, અંતરના રહસ્યો તથા પોતાના સ્વરૂપની જેમ છે તેમ વાતો શ્રીજીમહારાજે આ વચનામૃત ગ્રંથ દ્વારા આપી છે.
પૂર્વે થઈ ગયેલા અવતારો તથા તેમના ભક્તો, તેમને પોતાની ઉપાસના તથા પોતાનું સ્વરૂપજ્ઞાન સમજાવીને તેમને (પોતાના) અક્ષરધામમાં લઈ જવા એ શ્રીહરિનો પ્રગટ થવાનો ચોથો હેતુ છે.
સાચા અર્થમાં આત્યંતિક કલ્યાણ એ જ એકમાત્ર કલ્યાણ છે અને તે તો સર્વોપરી એવા અક્ષરધામની પ્રાપ્તિ વગર તો ક્યાં શક્ય હતું જ ? અને એ માટે જ આપણા સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા. પોતાના ટૂંકા ગાળાના દેખાતા મનુષ્યભાવ દરમિયાન, શ્રીજીમહારાજે અનેક લીલાઓ કરી છે. અનેક ગામોમાં વિચર્યા છે. અને એકીસાથે અનેક ભક્તોને સુખ આપ્યાં છે. જ્યાં જ્યાં પોતે વિચર્યા ત્યાં ત્યાં પોતાના ધ્યેય-કાર્યને પૂર્ણ કરવા અને જીવને માયાથી રહિત કરવા, શ્રીજીમહારાજે કથાવાર્તાના અખંડ ધોધ વહાવ્યા છે. તેમાં પોતે અને પોતાના સંતોએ કદીએ પાછું વાળીને જોયું જ નથી.
શ્રીજીમહારાજની આ દિવ્ય અમૃતમય-પરાવાણીનો એ વખતે મોટેરા પાંચ નંદસંતોએ જેવા કે, અ.મુ. સદ્ગુરુશ્રી ગોપાળાનંદ સ્વામી, અ.મુ. સદ્ગુરુશ્રી મુક્તાનંદ સ્વામી, અ.મુ. સદ્ગુરુશ્રી નિત્યાનંદ સ્વામી, અ.મુ. સદ્ગુરુશ્રી બ્રહ્માનંદ સ્વામી તથા અ.મુ. સદ્ગુરુશ્રી શુકાનંદ સ્વામીએ સંગ્રહ કરી, શોધી, લખી આપણી પાછળની પેઢી પર મહામોટો પરોપકાર કર્યો છે. આ મહાસંજીવની સમાન ગ્રંથ એટલે જ ‘વચનામૃત’ ગ્રંથ.
અક્ષરધામાધિપતિ અનંત મુક્તના સ્વામી, સર્વે અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમની મૂર્તિના તેજનો સમૂહ છે, તેમાંથી અનંત કિરણો પ્રસરે છે. તે જેમ અક્ષરકોટિ આદિને વિષે વ્યાપીને તે સર્વેને પ્રકાશમાન કરે છે. તેમ જ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુખકમળની તેજના પ્રવાહરૂપ દિવ્ય પરાવાણી છે. તે અનંત મુમુક્ષુ જીવોને તથા ઈશ્વરોને પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું મહાત્મ્યજ્ઞાન, ધ્યાન, ઉપાસના - તેના સ્વરૂપને સમજાવીને, અજ્ઞાનરૂપ અંધકારનો લય કરી, આત્મા-પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવે છે. અને શ્રીજીમહારાજની દિવ્ય મૂર્તિના આનંદનો અનુભવ કરાવે છે.
આ વચનામૃત શ્રી સ્વામિનારાયણ ભગવાનની દિવ્યવાણી છે. જેમાં શ્રીજીમહારાજે સર્વ શાસ્ત્રથી અતિશય અધિક પોતાનો સિદ્ધાંત છે એમ જણાવ્યું છે. તે શ્રીજીમહારાજે પોતે જ પંચાળા પ્રકરણના ૧લા વચનામૃતમાં કહ્યું છે, “આ તો અમારો સિદ્ધાંત છે તે તમને સર્વેને કહ્યો છે માટે તે દૃઢ કરીને રાખજો.”
આ ગ્રંથ માંહેના કોઈ એક વિષયનું વિચારપૂર્વક અધ્યયન માત્ર તેને સારમૂલક અને સર્વગ્રાહ્ય હોવાનું વગર વિલંબે સાબિત કરે છે. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના વચનામૃતો આ પૃથ્વી પર ક્યાંથી શ્રવણગોચર થઈ શકે ? એ તો પોતે કૃપા કરીને મનુષ્યને મનુષ્ય જેવાં દર્શન દઈને, પોતાના આશ્રિતજનને દિવ્ય વચનામૃતો સંભળાવે ત્યારે જ બની શકે ને...!
પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમે વચનામૃતો સંભળાવ્યા તો ખરા, પરંતુ સદ્. ગોપાળાનંદ સ્વામી આદિક પાંચ સદ્ગુરુઓએ મુમુક્ષુઓ પર દયા કરી તે વચનામૃતોનો સંગ્રહ કરી રાખ્યો ન હોત તો તે લાભ આપણને ક્યાંથી મળત ? સદ્ગુરુઓએ તે કાર્ય પણ કર્યું અને તે સંગ્રહ તેમણે મહાપ્રભુને બતાવી તેમનો આશીર્વાદ પણ મેળવ્યો.
આ પૃથ્વી પર જ્ઞાનના અનેક ગ્રંથો છે તેમાં વચનામૃત સર્વના મુકુટ સ્થાને બિરાજે છે. અને એટલે જ તો કીર્તનમાં ‘વચનામૃત મહિમા’ વણી લીધો છે તે...
“વચનામૃતનો મહિમા છે મોટો, કહેતાં પાર ન આવે રે;
શ્રીહરિના મુખની પરાવાણીનું, મહાત્મ્ય અંતર ડોલાવે રે.
શ્રીજી તણા મુખમાંથી નીકળતાં, વચનો અમૃત જેવાં રે;
નંદસંતોના હસ્તે લખાણાં, અનહદ સુખના મેવા રે.
જ્ઞાન સિદ્ધાંતોનો નિચોડ કરીને, વચનો બોલ્યાં વા’લો રે;
સ્વરૂપનિષ્ઠાના જ્ઞાનથી પાયો, અમૃત રસનો પ્યાલો રે...”
જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ પણ બીજા ભાગની ૧૦૩મી વાતમાં વચનામૃતની ઓળખાણ કરાવી છે. બાપાશ્રી કહે છે કે, “શ્રીજીમહારાજે તો કાંઈ બાકી રાખ્યું નથી. બધુંય વચનામૃતમાં છે. તે ચોપડો લઈને બેસે તો મહાપ્રુભુની મૂર્તિ વચનામૃતમાંથી હાથ આવે છે. એકેય શબ્દ મૂર્તિ વિના ખાલી નથી. બધાય શબ્દ એમાં છે. બીજાં શાસ્ત્ર તો વૈરાજ સુધી કે પ્રકૃતિપુરુષ સુધી પહોંચે. તે શાસ્ત્ર મહારાજ સુધી ન પહોંચે. બીજાં શાસ્ત્ર અવરભાવના છે ને શ્રીજીમહારાજના વચનામૃત તો પરભાવના છે.”
પણ મુક્તો, મહાપ્રભુના મુખારવિંદમાંથી નીકળતો ઠેઠનો પ્રવાહ દિવ્ય અને સર્વોપરી છે, સિંહણનું દૂધ છે. આ દૂધને માટીના કે ચાંદીના વાસણમાં ન ઝીલી શકાય.
સમુદ્રનું પાણી ખારું હોય છે પણ વાદળા દ્વારા આવે તો મીઠું થાય છે. તેમ ક્યાં શ્રીજીમહારાજનું સર્વોપરી સ્વરૂપ અને ક્યાં આપણે ? તેમની સ્વરૂપસંબંધી, ઉપાસનાસંબંધી, તત્ત્વજ્ઞાનની વાત કોણ સમજી શકે ? પરંતુ, એમના ઘેરથી જ પધારેલા સત્પુરુષના મુખે સાંભળીએ તો જ યથાર્થ સમજાય. અને એટલે જ શ્રીજીમહારાજે પણ ગઢડા મધ્ય પ્રકરણના ૧૩મા વચનામૃતમાં કહ્યું છે ને કે, “આવી ભગવત્સ્વરૂપસંબંધી જે વાતો તે તો શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે સમજાય નહિ, અને સદ્ગ્રંથોમાં આવી વાર્તા તો હોય પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખ થકી જ આ વાત સમજ્યામાં આવે છે, પણ પોતાની બુદ્ધિબળે કરીને સદ્ગ્રંથોમાંથી પણ સમજાતી નથી.”
અને એટલે જ કીર્તનમાં કહ્યું છે ને કે...
“ઋત વચનામૃત અમૃત જેવું, પોતાની મેળે ન સમજાય એવું.
વચનામૃતમાં જ્ઞાન ઘણું છે, પરોક્ષ શાસ્ત્રોથી અનંત ગણું છે;
શાસ્ત્રો ઘણાં છે નહિ વચનામૃત જેવું, પોતાની મેળે ન સમજાય એવું.
પરોક્ષ શાસ્ત્રો છે ખડને ઠેકાણે, પ્રત્યક્ષનાં શાસ્ત્રો છે કણને ઠેકાણે,
વચનામૃત છે તૈયાર ભોજન જેવું, પોતાની મેળે ન સમજાય એવું.”
વચનામૃતમાં જ્ઞાન ઘણું છે, પરોક્ષ શાસ્ત્રોથી અનંતગણું છે. શાસ્ત્રો પણ ઘણાં છે, પણ વચનામૃત જેવા તો નહિ. કારણ કે, સ્વામિનારાયણ સંપ્રદાય સિવાયના પરોક્ષના શાસ્ત્રોમાં આપણા ઇષ્ટદેવનો મહિમા હોય જ નહીં. માટે તે શાસ્ત્ર આપણા માટે ખડને ઠેકાણે છે. હવે તે ખડ કોણ ખાય ? તો પશુ. એટલે કે માણસ માટે ખડ નકામું છે. તેમ આપણા માટે પરોક્ષનાં શાસ્ત્રો નકામાં છે.
હવે પ્રત્યક્ષનાં શાસ્ત્રો એટલે આપણા સંપ્રદાયના ઢગલાબંધ શાસ્ત્રો છે. તે બધા કણ એટલે અનાજને ઠેકાણે છે. જેમ અનાજને સાફ કરવું પડે, દળવું પડે પછી રાંધવું પડે ને પછી ખાવાના કામમાં આવે. તેમ આ શાસ્ત્રોમાં ઘણુંબધું વીણવું પડે તેવું છે. ઘણું સમજવું પડે. આમ, તે કણને ઠેકાણે છે.
જ્યારે વચનામૃત અને શિક્ષાપત્રી શ્રીજીમહારાજની સ્વમુખવાણી છે. તેમાં આજ્ઞા અને વર્તનની વાત તો બેઠી જીવનમાં ઉતારવા માટેની જ છે. આથી તે તૈયાર ભોજનને ઠેકાણે છે, પણ...
શ્રીજીમહારાજના રહસ્યમય અભિપ્રાયો તથા ક્યારેક રોચક, ભેદક, ભયાનક કે વાસ્તવિક વાતોને કોણ સમજાવી શકે ? શું શાસ્ત્રીઓ, વિદ્વાનો, ભણેલાઓ કે કવિઓ સમજાવી શકે ? ના... એ તો
“જ્યાં ન પહોંચે અનંત કવિ, ત્યાં પહોંચે એક અનુભવી.”
કવિઓ તો કલ્પના કરે. શાસ્ત્રીઓ, વિદ્વાનો, પંડિતો તો શાસ્ત્રમાંથી જ કહી શકે. પરંતુ સાચા અનુભવી હોય તે જ યથાર્થ અર્થ કરી શકે. વળી સ્વાભાવિક જ છે કે પોતાના ઘરની વાત કોણ જાણે ? તો પોતે કાં પોતાના ઘરનાં જ સભ્યો.
તેમ શ્રીજીમહારાજના આવા રહસ્યમય અભિપ્રાયોને યથાર્થ કોણ જાણી શકે ? તો પોતે કાં પોતાના ધામમાંથી પધારેલા મુક્તો, પોતાના સંકલ્પો...
અને એટલે જ કહ્યું છે ને...
“કેવળ કૃપાળુ બાપાશ્રી તણી રહસ્યાર્થ પ્રદીપિકા;
સદ્ગુરુ ઈશ્વરચરણદાસે, પ્રશ્નો પૂછી કરી ટીકા.
વચનામૃતના જ આધારે ઉત્તર પ્રશ્નો તણા કીધા;
રસબસની વાત સમજાવી, જીવોને ન્યાલ કરી દીધા.”
શ્રીજીમહારાજના આવા અલૌકિક ગૂઢતમ અને મૂળભૂત સર્વોપરી સિદ્ધાંતોને સરળપણે સમજાવવા માટે જ શ્રીજીમહારાજના સંકલ્પથી આપણા સૌના જીવનપ્રાણ અબજીબાપાશ્રી પ્રગટ થયા. તેમની સાથે આપણા સૌની મા સમાન સદ્ગુરુવર્ય નીડર સિદ્ધાંતવાદી અનાદિમુક્ત સદ્ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી જેવા મુક્તોને પણ લાવ્યા. પોતે અનંત કલ્યાણકારી ગુણેયુક્ત હોવા છતાં બાપાશ્રી પાસે દાસભાવે વર્ત્યા.
જેમ ગાયના આંચળમાં વચ્છ મોં નાખે અને ગાય દૂધની ધારા છોડે તેમ આપણા આ મહાસમર્થ સદ્ગુરુ વચ્છ બન્યા અને ગાય સમાન બાપાશ્રીને વચનામૃતના એક એક શબ્દના ગૂઢાર્થ પૂછ્યા. બાપાશ્રીએ અનુભવજ્ઞાનના-શ્રીજીમહારાજના અંગત અભિપ્રાયો અને સિદ્ધાંતોને સરળપણે સમજાવવા ઉત્તર રૂપે ખાંગા કર્યા. એટલું જ નહિ પણ આ દિવ્ય, અલૌકિક પ્રશ્ન-ઉત્તરોને સદ્ગુરુશ્રીએ લખી નાખ્યા. ટૂંકમાં, શ્રીજીમહારાજના ગૂઢ રીતે લખાયેલા પરોક્ષાર્થ શબ્દોમાં જ ઝોલા ખાતા આખાયે સંપ્રદાયને પ્રત્યક્ષાર્થના અમૃતપાન પાઈ નવપલ્લવિત કરવાનું અદ્ભુત કાર્ય કર્યું.
“શ્રીજીના વચનાનુસારે ટીકામાં વચનો ગાયાં છે;
પોતાના બાળકો જાણી, અનેરાં અમૃત પાયાં છે.
પોતે દુઃખો ઘણાં વેઠી જીવોને સુખ આપ્યાં છે,
કૃપાથી મૂર્તિ આપીને, જનમનાં દુઃખ કાપ્યાં છે.”
વિક્રમ સંવત ૧૯૮૨માં સરસપુર ખાતે શેઠ બળદેવભાઈને ત્યાં બાપાશ્રી કચ્છમાંથી પધારેલા ને ત્યાં આ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃતની સૌપ્રથમ વખત પ્રતો છપાવી ત્યારે આપણા બાપાશ્રીએ અઢળક ઢળી જઈ આશીર્વાદ આપ્યા કે...
“જે મુમુક્ષુ આ દિવ્ય ગ્રંથ સુણશે, હેતે કરી વાંચશે,
કરશે દર્શન સ્પર્શ જાણી મહિમા, ઉત્તમ સુખો માણશે..”
અબજીબાપાશ્રી આશીર્વાદ આપતા ત્યારે સદ્. ઈશ્વરસ્વામીએ કોઈ જીવ રહી ના જાય તે માટે સાથે સાથે, અબજીબાપાશ્રી પાસે આશીર્વાદમાં સ્પષ્ટતા કરાવી દીધી. બાપાએ કહ્યું, “જે કોઈ વચનામૃત સાંભળશે...” ત્યારે સદ્. ઈશ્વરસ્વામીએ બાપાને અટકાવી દીધા ને પ્રાર્થના કરી, “બાપા, કોઈ કાને બહેરો હોય તો ?” ત્યારે બાપાએ કહ્યું, “જાવ સ્વામી, આ વચનામૃત જે કોઈ વાંચશે.” ત્યાં તરત જ સદ્ગુરુએ બાપાને અટકાવ્યા, “બાપા, કો’ક બિચારો અભણ હશે તો..?” ત્યારે બાપાએ કહ્યું, “જાવ એનાં દર્શન કરશે.” વળી પાછા ત્યાં સદ્ગુરુએ બાપાશ્રીને અટકાવ્યા....
“બાપા, કો’ક આંધળો હોય તો ?” બાપાએ કહ્યું, “સ્વામી, તમે બહુ પાકા હોં. જાવ, આ વચનામૃતને જે કોઈ વાંચશે, સાંભળશે, દર્શન કરશે કે સ્પર્શ કરશે તોપણ તેને મૂર્તિના સુખના અધિકારી કરીશું.”
-અને આપણા કીર્તનમાં કહ્યું છે ને કે,
“રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત જે છે;
પારાયણ પાઠ કરતાને, શ્રીજી મૂર્તિ માંહી લે છે.
પ્રમાણ અપ્રમાણનાં ગપ્પાં છોડી, શ્રીજી વચનને જોજો,
દાસાનુદાસ કહે ભાઈ, મૂર્તિસુખમાં સહુ ઠરજો.”
મુક્તો, આ દિવ્ય ગ્રંથ વચનામૃતનું કેટલું બધું મહાત્મ્ય છે તે જોઈએ.
વચનામૃતનું મહાત્મ્ય
- આ વચનામૃત ગ્રંથનું જે સ્ત્રી-પુરુષ શ્રદ્ધા-મહાત્મ્યથી વાંચન, શ્રવણ, મનન આદિનો આગ્રહ રાખે છે તે ભક્તને શ્રીજીમહારાજની પ્રસન્નતાના કારણ જે એકાંતિક ધર્મ, સર્વોપરી શ્રીહરિની ઉપાસના, મહાત્મ્યે સહિત ભક્તિ અને સ્વરૂપનિષ્ઠા આદિ સર્વ સાધન સિદ્ધ થાય છે.
- વચનામૃતના અભ્યાસને વિષે પ્રીતિવાળા જે ભક્ત થાય છે તે વ્યવહારમાં રહ્યા થકા જળમાં કમળવત્ રહે તેમ નિર્લેપ રહે છે અને શ્રીજીમહારાજની મૂર્તિની સ્મૃતિ તેઓને અખંડ રહે છે.
- જે સ્ત્રી-પુરુષ વચનામૃતનું જ્ઞાન લક્ષ્યાર્થ કરે છે તેઓના દેહ, ઇન્દ્રિયો-અંતઃકરણ ને જીવમાં રહેલા પંચવિષયના રાગ તથા કામ, ક્રોધ, લોભ, માન, મત્સર આદિ દોષમાત્ર નિવૃત્તિ પામે છે.
- જે સભાને વિષે વચનામૃત વંચાય છે ને તેના રહસ્યનું વિવેચન થાય છે અને તેનું શ્રવણ થાય છે તે સભાને વિષે મુક્તે સહિત હું નિવાસ કરું છું.
- જે સ્ત્રી-પુરુષ પોતાના ઘરને વિષે વચનામૃતનું પુસ્તક રાખે છે અને તેનો પાઠ કરે છે તેના ઘરને બેય વિષે ઉન્મત્ત ગંગા આદિ સર્વે તીર્થ નિવાસ કરે છે.
- જે સ્ત્રી-પુરુષ મહાત્મ્ય સમજીને નિત્ય એક, બે કે પાંચ વચનામૃતનો પાઠ કરે છે તે મારા સ્વરૂપના જ્ઞાનની સિદ્ધિને પ્રાપ્ત કરે છે.
- જે નિત્ય એક વચનામૃત વાંચે છે તે પાંચસો પરમહંસને જમાડ્યાનું ફળ પ્રાપ્ત કરે છે.
- જે વચનામૃતનું શ્રવણ-મનન કરે છે તે શિખરબદ્ધ મંદિરમાં અમારા સ્વરૂપ પધરાવ્યાં છે તેમનાં દર્શન કર્યાનું ફળ પ્રાપ્ત કરે છે.
- જે સ્ત્રી-પુરુષ પોતપોતાના ધર્મમાં રહીને વચનામૃતની કથા બીજાને સંભળાવે છે તેમના પર મારી પ્રસન્નતા થાય છે.
- સાક્ષાત્ પુરુષોત્તમ એવો જે હું તે વચનામૃત સ્વરૂપે સદાય પ્રત્યક્ષ છું અને જે સ્ત્રી-પુરુષ ભગવાનની પ્રસન્નતાને અર્થે વચનામૃતનું પારાયણ કરાવે છે તે મારા અક્ષરધામને પામે છે.
- જેઓ વચનામૃતનું રહસ્યજ્ઞાન સત્પુરુષ થકી સમજે છે તે અનાદિમુક્તની સ્થિતિ પ્રાપ્ત કરે છે ને મૂર્તિના સુખભોક્તા થાય છે.
આવો વચનામૃતમાં મહારાજનો અભિપ્રાય છે. માટે શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં સર્વે શાસ્ત્રમાં વચનામૃત ગ્રંથ મુખ્ય છે. શ્રીજીમહારાજે કહ્યું છે, प्रिया हि ज्ञानिनोडत्यर्थमहं स च मम प्रियः ।। કહેતાં જ્ઞાની ભક્ત મને પ્રિય છે, એ જ્ઞાન વચનામૃતમાં છે. પણ બાહ્યદૃષ્ટિવાળાને જેમ છે તેમ સમજાય નહીં. પણ જેને અમારી મૂર્તિઆકારે દૃષ્ટિ થઈ હોય અથવા સદ્ગુરુની દૃષ્ટિ પ્રાપ્ત કરી હોય એને જ યથાર્થ સમજાય છે. અને વચનામૃત તે મારી વાણીરૂપી મૂર્તિ છે, તેમાં હું અખંડ રહ્યો છું. અને એ વચનામૃતનું જ્ઞાન સર્વ ભક્તને સમજાવીને મુક્તદશા પમાડું છું. અને વચનામૃત એ મારી પરાવિદ્યા છે. અને પુરુષોત્તમનારાયણ એવો હું તે મેં જે મારા મુખે કરીને મારા સર્વે આશ્રિતને, વચનામૃતરૂપી અમૃતનું પાન કરાવ્યું છે અને મારી રુચિ તથા મારો રહસ્ય અભિપ્રાય તથા મારો સિદ્ધાંત તે સર્વે વચનામૃતમાં છે અને સત્સંગીજીવન, સત્સંગીભૂષણ ને હરિલીલા કલ્પતરુ આદિ સર્વે શાસ્ત્રનું મૂળ કારણ વચનામૃત છે. અને વચનામૃતમાંથી જ મારું સર્વોપરી જ્ઞાન સમજાય છે ને તે સમજવાથી જ મારા સુખની પ્રાપ્તિ થાય છે.
“વચનામૃત જીવન ભૂષણ જે કહાવે, પ્રત્યક્ષનાં શાસ્ત્રોમાં એ સર્વે આવે;
રહસ્યાર્થ વચનામૃત મૈસુબના જેવું, પોતાની મેળે ન સમજાય એવું.
વચનામૃતના ઉદ્ગાતા શ્રીજીમહારાજ, સત્પુરુષ દ્વારે સમજાવે આજ.”
અને એટલે જ બીજા કીર્તનમાં પણ વચનામૃતનો મહિમા ગાયો છે.
“દુનિયા તણાં એ સર્વે શાસ્ત્રોમાં, શ્રેષ્ઠ સર્વોત્તમ આ ગ્રંથ,
હે... એવી.. શ્રીહરિની દિવ્યવાણી દ્વારે,
રેલાયો મહા અમૃતમય આ ગ્રંથ,
હો... રાજ.. ગ્રંથરાજ મહા વચનામૃત ગ્રંથ
હે દિવ્ય... અનુપમ સર્વોપરી એક સ્વામિનારાયણ પંથ,
હે એવા... સર્વાવતારી શ્રી સ્વામિનારાયણના,
મુખે ગવાયો આ ગ્રંથ... હો રાજ.”
મુક્તો, આ રહસ્યાર્થવાળા વચનામૃતમાં એવું તે શું છે કે... તેને શ્રીજીમહારાજના સર્વોપરી જ્ઞાનનો અખૂટ ખજાનો કહ્યો છે ? તે જોઈએ.
“આ આત્યંતિક કલ્યાણની ચાવીરૂપ વાત તથા આધ્યાત્મિક માર્ગના ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, આત્મનિષ્ઠા, ઉપાસના, નિર્માનીપણું, દાસભાવ, પ્રેમલક્ષણા ભક્તિ વગેરે અનેક સદ્ગુણો તથા મોક્ષના માર્ગમાં પરમ વિઘ્નરૂપ એવા કામ, ક્રોધ, ઈર્ષ્યા, માન, આંટી, હઠ, રસાસ્વાદ, દેહાભિમાન, કુસંગીમાં હેત, સંબંધીમાં હેત, મત્સર, દ્રોહ વગેરે અનેક દોષોની ઊંડાણપૂર્વક યથાર્થ સમજૂતી તથા તે ટાળવાના ઉપાયોની વાત આ વચનામૃત ગ્રંથમાં છે.”
અને હા મુક્તો, ‘રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા’ માં ટીકા એટલે નિંદા કે ટિપ્પણી નહિ પરંતુ સમજૂતી. શ્રીજીમહારાજના વચનામૃતની ટીકા કરનાર આપણે કોણ ?
વચનામૃત રહસ્યાર્થ ટીકા કરી, એ પોતાની બુદ્ધિથી નથી કરી, પરંતુ વચનામૃતના જ આધારે ઉત્તર કર્યા છે. બહારનું પ્રમાણ નથી પરંતુ વચનામૃતનું જ પ્રમાણ છે. સુપ્રીમના કોર્ટમાં બીજી નીચલી કોઈ કોર્ટનું પ્રમાણ ન ચાલે. ત્યાં તો સુપ્રીમનું જ પ્રમાણ જોઈએ. એમ આ સુપ્રીમ એવા વચનામૃતના પ્રશ્નોને સમજવા માટે પણ સુપ્રીમ એવા વચનામૃતમાંથી જ તે પ્રશ્નોના સરળ રીતે ઉત્તર આપી, સમજાવી ટીકા તૈયાર કરી છે.
કચ્છના કુંભારિયા ગામે પારાયણ પ્રસંગે બાપાશ્રી પધાર્યા ત્યારે કોઈને થયું કે વચનામૃત ગુજરાતી ભાષામાં છે. તેમાં ટીકા શું કરવાની હશે ?
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “વચનામૃત છે તે શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુના મુખકમળની વાણી છે. ને તેનો રહસ્યાર્થ સમજવો અતિ ગહન છે તેથી પોતાની મેળે તે રહસ્યાર્થ સમજ્યામાં આવે નહીં. એ તો અખંડ મૂર્તિમાં રહેતા હોય ને શ્રીજીમહારાજની મરજી જાણતા હોય એવા અનાદિમુક્ત સમજાવે ત્યારે સમજાય માટે સર્વેને સમજાય તે સારુ વચનામૃતની ટીકા વચનામૃતના આધારે પ્રશ્નોત્તરરૂપે અમે કરી છે, ને સ્વામી ઈશ્વરચરણદાસજીએ તે લખી લીધી છે. આ ટીકા પ્રમાણે વચનામૃતમાંથી શ્રીજીમહારાજનો મહિમા સમજાશે તે સર્વેને શ્રીજીમહારાજ પોતાની મૂર્તિમાં રાખશે, ને મૂર્તિમાં રહેવું તે જ આત્યંતિક મોક્ષ છે.” અને સદ્ગુરુશ્રીએ તો બાપાશ્રીને આશીર્વાદ માગતા પૂછ્યું, “આ વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાની પારાયણ કરે તો શું ફળ થાય ? ” ત્યારે બાપાશ્રી કૃપા કરીને બોલ્યા, “આ પારાયણ જે કરશે-કરાવશે તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થની સિદ્ધિને પામશે અને પારાયણ કરાવનાર પારાયણ કરાવીને તે પારાયણને અંતે નહાતા હોય, તે પાણીમાં મહિમાએ સહિત જે નહાય અથવા તે પાણી માથે ચઢાવે તેના પંચમહાપાપ બળી જાય.” ત્યારે વળી સદ્ગુરુશ્રીએ પૂછ્યું, “કેટલી પારાયણ વાંચવાથી આત્મામાં અખંડ મૂર્તિ દેખાય ?” ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “પાંચ પારાયણ કરે અને આજ્ઞા યથાર્થ પાળીને દિવસ દિવસ પ્રત્યે પાઠ કરે તેનું આત્યંતિક કલ્યાણ થાય.” મુક્તો, આજે વર્તમાનકાળે સિદ્ધાંતવાદી રહી શ્રીજીમહારાજના બાપાશ્રીએ સમજાવેલા સિદ્ધાંતોનું પ્રવર્તન કરવું એ ઘણું અઘરું કાર્ય છે. સંપ્રદાયમાં અનેક સંસ્થાઓ સત્સંગ પ્રચારનું કાર્ય કરે છે. પરિણામે સંખ્યાબળ કૂદકે ને ભૂસકે વધતું જાય છે. પણ જે સિદ્ધાંતબળ વધવું જોઈએ કે જે માટે જ શ્રીજીમહારાજનું અને મોટા સત્પુરુષનું પ્રાગટ્ય હતું, જે માટે નંદસંતોએ માર ખાધા છે તે કાર્યમાં એટલે કે ઉપાસનાના પ્રવર્તનમાં શિથિલતા આવતી જણાય છે.
ત્યારે આપણા સૌના જીવનમાં અને રગેરગમાં જેણે શ્રીજીમહારાજની ઉપસાના દૃઢ કરાવી છે તેવા આપણા સૌના લાડીલા ગુરુવર્ય પ.પૂ.અ.મુ. સદ્. શ્રી દેવનંદનદાસજી સ્વામીશ્રી કે જેમને આપણે ગુરુવર્ય પ.પૂ. બાપજીના નામથી ઓળખીએ છીએ તેમણે આ બીડું ઝડપ્યું છે. આ શુદ્ધ કારણ સત્સંગ એ જ સાચા અર્થમાં સત્સંગ છે. એ જ સાચો સિદ્ધાંત છે એવું વચનામૃતના આધારે જ શ્રીજીમહારાજના શબ્દોમાં જ પ્રમાણ કરી હજારોના જીવમાં છતા દેહે મોક્ષની હા પડાવે છે. ‘અડ્યો નથી કે ઉપાડ્યો નથી’ એ ન્યાયે જે કોઈ જોગમાં આવે તેને અક્ષર સુધી તમામનો ભાર કઢાવી, અક્ષર થકી પર અક્ષરાતીત કરી મૂકે છે. વચનામૃતના એક એક શબ્દને શબ્દાતીત થઈ, ઠેઠ મૂર્તિ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. અને એ કાર્ય શ્રીજીમહારાજના અનાદિમુક્ત વિના અન્ય કોણ કરી શકે ? અને એટલું જ નહિ મુક્તો, આપણે તો સોનામાં સુગંધ ભળી છે. એટલે કે આપણને આવા દિવ્ય ગ્રંથોનો મહિમા કેવો છે તેની ઓળખાણ કરાવનાર મળી ગયા છે. આપણા વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી (પૂ. સત્યસંકલ્પદાસજી સ્વામી) વચનામૃત એટલે શું ? તેની જરૂરિયાત શું છે ? તેમાં શું છે ? વિગેરેનો ખ્યાલ આપતાં ઘણી વાર જણાવે છે કે..વચનામૃત એટલે મહારાજનો સંકલ્પ છે. મહારાજનો સિદ્ધાંત છે. વચનામૃત એટલે મૂર્તિ. મુક્તો. વચનામૃતનું પ્રીતિએ સહિત વાંચન કરવું. જેને વચનામૃતમાં પ્રીતિ નથી એટલે સમજવું કે એને મહારાજમાં પ્રીતિ નથી. વચનામૃતમાં પ્રીતિ એટલે શ્રીજીમહારાજમાં પ્રીતિ. જો વચનામૃતમાં સ્થિર થવાશે તો મૂર્તિમાં સ્થિર થવાશે. વચનામૃતમાં સ્થિર થવું એટલે એકાગ્રતાપૂર્વક-પ્રીતિપૂર્વક વચનામૃતનું મનન-ચિંતન કરવું. નિયમપૂર્વક કરવાખાતર ન કરવું. અને જો કારણ સત્સંગના સભ્ય થઈ, ભગવાનના ભક્ત થઈને હજુ જો વચનામૃત સિવાય બીજાં પુસ્તકો, બીજી વાતો વાંચવાનું મન થાય તો સમજવું કે હજુ મહારાજમાં પ્રીતિ નથી.
વચનામૃત આગળ બીજાં બધાં જ પુસ્તકો બાળપોથી જેવાં છે. આજે કાલે ૫-૨૫ વર્ષે પણ વચનામૃતમાં સ્થિર થવાશે તો મૂર્તિમાં સ્થિર થવાની શક્યતાઓ થશે.
વચનામૃતમાં પ્રીતિનું લક્ષણ શું છે ? તો વચનામૃત સાંભળે કે તરત જ દૃઢાવ થઈ જાય. તત્પરતા જાગે. જ્યાં સુધી વચનામૃત ન વાંચે ત્યાં સુધી ચેન ન પડે. વચનામૃત એ (૧) જ્ઞાન, (૨) સમજણ, (૩) વર્તન, (૪) અનુભવ આ ચાર પાયાને મજબૂત કરનારો ગ્રંથ છે.
વચનામૃત એટલે આપણો અરીસો. કાચનો અરીસો એ દેહનો અરીસો છે ને વચનામૃત એ આત્માનો અરીસો છે.
આત્મામાં મૂર્તિ છે કે તે સિવાય બધું જ છે તે આરપાર દેખાય. આત્મદર્શન કરવું હોય, આત્માના ડાઘ જોવા હોય તો તેના માટેનો આ અરીસો છે. આ અરીસા વગર કોઈને ના ચાલે. છેવટે ચાંદલા માટે પણ જોઈએ. સ્પષ્ટ મહારાજ દેખાડે. નહિ હોય તો કેવી રીતે ચાલશે ? એટલે કે વચનામૃતનું વાંચન-મનન-ચિંતન દરેકને માટે ફરજિયાત છે.
વચનામૃત એ આપણો રસ્તો (સરનામું) છે : આત્માની મૂર્તિ સુધીની મુસાફરી છે, સાધનકાળનો ભગવાનનો કોઈ પણ આશ્રિત મુસાફર જ છે. તેને રસ્તાની જ ખબર ના હોય તો તે ક્યાં જાય ? એટલે રસ્તો છે. બીજો અર્થ સરનામું છે.
(ભોમિયાપુરુષની જરૂર પડે જ. એટલે કે અનુભવીપુરુષ જરૂર જોઈએ. પણ વચનામૃતમાં પ્રીતિ થાય તો જ એમની વાણી સમજાશે ને તો જ તેમનો લાભ લઈ શકાય.)
વચનામૃત એ વાહન છે : મહારાજ સુધી પહોંચવાનું વાહન એટલે જ વચનામૃત. ફરજિયાત તેમાં બેસવું જ પડે. તેમાં ગરુડ - પોઠિયો... પણ ના ચાલે. વચનામૃતરૂપી વાહનનો આશરો લેવો પડે જ, ફરજિયાત છે.
વચનામૃત મુકામ : જે વચનામૃતને અનુસરે, માત્ર વાંચન નહીં. મનન-ચિંતન દ્વારા અનુસરે તે જરૂર મુકામ સુધી પહોંચે જ. વચનામૃત પાણી નથી કે ગટગટાઈ જવાય. તે ચાવવાની વસ્તુ છે. જેમ ચાવીશું તેમ મીઠું લાગશે.
વચનામૃતની વાણી મહારાજના મુખમાંથી આવે છે. વચનામૃત એક પુસ્તક છે તેવું પણ ન સમજાય કારણ કે પુસ્તક એ એક આકાર છે. વચનામૃત એટલે મહારાજ.
જેને કલ્યાણકારી ગુણો પ્રાપ્ત કરવા હોય તેને વચનામૃતનું વાંચન-મનન-ચિંતન ફરજિયાત છે.