ગઢડા પ્રથમ પ્રકરણ ૧ લું : “ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ કઠણ સાધન પણ નથી ને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી.” “ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતે જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહીએ.” ૮ મું : “ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો ભગવાન ને તેના ભક્તની સેવાને વિષે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે. ને અનંત કાળનાં જે પાપ જીવને વળગ્યાં છે તેનો નાશ થઈ જાય છે. અને જો ઇન્દ્રિયોની વૃત્તિઓને સ્ત્રીઆદિકના વિષયમાં પ્રવર્તાવે છે, તો એનું અંતઃકરણ ભ્રષ્ટ થાય છે. અને કલ્યાણના માર્ગ થકી પડી જાય છે.” ૧૫ મું : “જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેને એવી વૃત્તિ રહે જે, ભગવાન તથા સંત તે મુને જે જે વચન કહેશે તેમ જ મારે કરવું છે, એમ તેના હૈયામાં હિંમત રહે, અને આટલું વચન મુંથી મનાશે ને આટલું નહિ મનાય એવું વચન તો ભૂલે પણ ન કહે.” ૧૮મું : “પંચે ઇન્દ્રિયોને યોગ્ય-અયોગ્ય વિચાર્યા વિના જે મોકળી મેલશે તેનું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જશે. અને પંચે ઇન્દ્રિયો દ્વારે જીવ જે આહાર કરે છે, તે આહાર જો શુદ્ધ કરશે તો અંતઃકરણ શુદ્ધ થાશે અને અંતઃકરણ શુદ્ધ થાશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે.” ૨૦મું : “પોતે પોતાના સુખને ભોગવતો નથી ને પોતે પોતાના રૂપને જાણતો નથી એ જ સર્વે અજ્ઞાનીમાં અતિશે અજ્ઞાની છે, ને એ જ ઘેલામાં અતિશે ઘેલો છે, ને એ જ મૂર્ખમાં અતિશે મૂર્ખ છે, ને એ જ સર્વે નીચમાં અતિશે નીચ છે.” ૨૫મું : “ને તે સમજણને કેફે કરીને છકી પણ જાવું નહિ, અને પોતાને અકૃતાર્થપણું પણ માનવું નહિ, અને જો અકૃતાર્થપણું માને તો એને ઉપર જે એવી ભગવાનની કૃપા થઈ તે જાણીએ ખારાપાટમાં બીજ વાવ્યું તે ઊગ્યું જ નહિ, ને જો છકી જઈને જેમ તેમ કરવા લાગે તો જાણીએ અગ્નિમાં બીજ નાખ્યું તે બળી ગયું.” ૨૭મું : “પૂર્વે જે જે અનંત પ્રકારનાં આશ્ચર્ય થઈ ગયાં છે તથા હમણાં જે થાય છે તથા આગળ થાશે તે સર્વે મુંને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વતે જ થાય છે... માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વે પ્રકારે નિવાસ કરીને રહે છે.” ૩૩મું : “ભગવાનનો જે દૃઢ આશરો એ જ એક સર્વ સાધનમાં મોટું સાધન છે... તે આશરો અતિ દૃઢ જોઈએ, જેને વિષે કાંઈ પોલ રહે નહીં.” ૩૪મું : “ભગવાનથી જે વિમુખ જીવ હોય તેને જે સુખ-દુઃખ આવે છે તે તો પોતાને કર્મે કરીને આવે છે ને જે ભગવાનના ભક્ત હોય તેને જેટલું દુઃખ થાય છે... તે ભગવાનની આજ્ઞા લોપવે કરીને થાય છે ને જેટલું સુખ થાય છે તે ભગવાનની આજ્ઞા પાળવે કરીને થાય છે.” ૪૯મું : “પરમેશ્વરના ભક્ત હોય તેને તો જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી એ જ કઠણ છે અને જે જગતના જીવ છે તેને પરમેશ્વરમાં વૃત્તિ રાખવી તે ઘણી કઠણ છે, માટે જેને પરમેશ્વરમાં વૃત્તિ ન રહે તે પરમેશ્વરનો ભક્ત નહીં.” ૫૧મું : “જેમ હીરે કરીને જ હીરો વેંધાય છે પણ બીજા વતે નથી વેંધાતો, તેમ ભગવાનનો નિશ્ચય તે ભગવાન વતે જ થાય છે ને ભગવાનનું દર્શન પણ ભગવાન વતે જ થાય છે.” ૫૪મું : “જેવો એ જીવને પોતાના સંબંધીને વિષે દૃઢ પ્રસંગ છે, તેવો ને તેવો જ પ્રસંગ જો ભગવાનના ભક્તને વિષે થાય તો એ ભગવાનના માર્ગ થકી કોઈ દિવસ પાછો પડે નહીં.” ૫૬મું : “કેટલાક સિદ્ધ થાય છે ને કેટલાક સર્વજ્ઞ થાય છે ને કેટલાક દેવતા થાય છે, ઇત્યાદિક અનંત પ્રકારની મોટ્યપ પામે છે તથા પરમપદને પામે છે એ સર્વે ભગવાનની ઉપાસનાને બળે પામે છે પણ ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થાતી નથી.” ૬૩મું : “જેને પરિપક્વ નિશ્ચય હોય તેને તો મનમાં એમ રહે જે, મારે સર્વે પ્રાપ્તિ થઈ રહી છે, અને જ્યાં પ્રત્યક્ષ ભગવાન રહ્યા છે ત્યાં જ પરમધામ છે.” ૭૧મું : “બીજા સર્વે અપરાધ ભગવાન માફ કરે છે પણ ભગવાનના ભક્તનો દ્રોહ કરે એ અપરાધને ભગવાન માફ નથી કરતા, માટે ભગવાનના ભક્તનો કોઈ પ્રકારે દ્રોહ કરવો નહીં.” ૭૨મું : “જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય મહાત્મ્યે સહિત હોય ને સંતનું ને સત્સંગીનું મહાત્મ્ય ઘણું જાણતો હોય ને તે ભક્તનું જો કર્મ કઠણ હોય ને કાળ પણ કઠણ હોય તોપણ તે ભક્તને એવી ભક્તિનું અતિશે બળ છે તે કાળ ને કર્મ તે બેય મળીને તેનું ભૂંડું કરી શકતા નથી અને જેને ભગવાન ને ભગવાનના સંતને વિષે જો નિષ્ઠામાં કાંઈક ફેર હોય તો તેનું ભગવાન રૂડું કરવાને ઇચ્છે તોય પણ રૂડું થાતું નથી.” સારંગપુર પ્રકરણ ૭મું : “મનોમયચક્રની ધારા કુંઠિત થઈ ગઈ... એવું સંતના સમાગમરૂપી નૈમિષારણ્ય ક્ષેત્ર જ્યાં દેખાય ત્યાં કલ્યાણને ઇચ્છવું ને ત્યાં અતિ દૃઢ મન કરીને રહેવું.” ૧૦મું : “ભગવાનનાં ધામ તેને બાહ્યદૃષ્ટિએ કરીને જોઈએ તો ઘણાં છેટે છે અને આત્મદૃષ્ટિએ કરીને જોઈએ તો એક અણુ જેટલું પણ છેટું નથી, માટે બાહ્યદૃષ્ટિવાળાની સમજણ છે તે મિથ્યા છે અને આત્મદૃષ્ટિવાળાની સમજણ છે તે સત્ય છે.” “અને જે સાધુ એમ સમજતો હોય જે, મારા ચૈતન્યને વિષે આ ભગવાન સદાય વિરાજમાન છે એમ સમજે તો તે સંત થકી ભગવાન અથવા ભગવાનનાં ધામ તે અણુમાત્ર છેટે નથી...એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું જે મુને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું.” ૧૭મું : “ભગવાનના ભજનનો કરનારો જે જીવ તેની દૃષ્ટિ જેમ જેમ સૂક્ષ્મ થાતી જાય છે તેમ તેમ એને પરમેશ્વરનું પરપણું જણાતું જાય છે ને ભગવાનનો મહિમા પણ અધિક અધિક જણાતો જાય છે.” “માયારૂપી અંતરાય ટાળીને જેમ જેમ ભગવાનને ઢૂંકડું થવાય છે તેમ તેમ ભગવાનની પણ અતિ અપાર મોટ્યપ જણાતી જાય છે અને ભગવાનને વિષે દાસપણું પણ અતિ દૃઢ થાતું જાય છે.” કારિયાણી પ્રકરણ ૩જું : “મનુષ્યને પરસ્પર હેત થાય છે તે ગુણે કરીને થાય છે ને અવગુણ આવે છે તે દોષે કરીને આવે છે તે ગુણ ને દોષ તો માણસની ઉપરની પ્રકૃતિએ કરીને ઓળખાતા નથી, કાં જે કોઈક મનુષ્ય તો બિલાડાની પેઠે હેઠું જોઈને ચાલતો હોય પણ માંહી તો અતિ કામી હોય તેને દેખીને અણસમજુ હોય તે કહે જે, એ તો બહુ મોટો સાધુ છે અને કોઈક તો ફાટી દૃષ્ટિએ ચાલતો હોય તેને જોઈને અણસમજણવાળો હોય તે એમ કહે જે, આ તો અસાધુ છે પણ તે માંહી તો મહાનિષ્કામી હોય, માટે શરીરની ઉપરની પ્રકૃતિ જોઈને મનુષ્યની પરીક્ષા થાતી નથી; પરીક્ષા તો ભેળે રહ્યાથી થાય છે.” ૭મું : “પ્રત્યક્ષ પુરુષોત્તમને વિષે જે દૃઢ નિષ્ઠા તેને આત્યંતિક કલ્યાણ કહીએ. અને એવી નિષ્ઠાને પામીને જે સિદ્ધદશાને પામ્યો હોય... તે મૂર્તિને સ્થાવર-જંગમ સર્વે આકારને વિષે જ્યાં જ્યાં દૃષ્ટિ જાય ત્યાં ત્યાં સાક્ષાત્કાર દેખે ને એ મૂર્તિ વિના બીજું અણુમાત્ર પણ ભાસે નહીં.” ૧૦મું : “અને જીવનું કલ્યાણ તો આટલી જ વાતમાં છે જે પ્રગટ પ્રમાણ એવા જે શ્રી સ્વામિનારાયણ તેનું જ કર્યું સર્વે થાય છે પણ કાળ, કર્મ ને માયાદિક કોઈનું કર્યું કાંઈ થાતું નથી, એવી રીતે ભગવાનને વિષે જ એક કર્તાપણું સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ છે... જે જીવ ભગવાનને સર્વ કર્તા-હર્તા નથી જાણતો તો તેથી બીજો કોઈ પાપી નથી અને ગૌહત્યા, બ્રહ્મહત્યા, ગુરુસ્ત્રીનો સંગ તથા બ્રહ્મવેત્તા સદ્ગુરુનો દ્રોહ તે થકી પણ એને વધુ પાપી જાણવો, કાં જે ભગવાન વિના બીજા જે કાળ-કર્માદિક તેને એ કર્તા જાણે છે, માટે એવો જે નાસ્તિક ચંડાળ હોય તેની તો છાયામાં પણ ઊભું રહેવું નહિ ને ભૂલમાં પણ તેના મુખનું વચન સાંભળવું નહીં.” “આ સંસારને વિષે કેટલીક રાંડું છે તે ધણી મરી ગયો હોય તો તેને વાંસે છાતી કૂટી કૂટીને રોયા જ કરે છે અને કેટલીક બાઈઓ છે તે પોતાના પરણ્યા ધણીનો પણ ત્યાગ કરીને ભગવાનનું ભજન કરે છે અને કેટલાક મૂર્ખ પુરુષ હોય છે તે પોતાની સ્ત્રી મરી ગઈ હોય તો તેને વાંસે રોયા કરે છે અને બીજી સ્ત્રીને વાસ્તે હાયવોય કરતા ફરે છે અને કેટલાક વૈરાગ્યવાન પુરુષ હોય તે ઘરમાં પરણેલી સ્ત્રી હોય તેનો ત્યાગ કરીને પરમેશ્વરનું ભજન કરે છે.” ૧૧મું : “જેને પોતાના પ્રીતમ જે ભગવાન તેને વિષે પ્રીતિ હોય તે પોતાના પ્રીતમની મરજીને લોપે નહિ એ પ્રીતિનું લક્ષણ છે.” લોયા પ્રકરણ ૩જું : “જેને ભગવાનનો અને સંતનો મહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે અને સંતને અર્થે શું ન થાય ? એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોક-લાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે ને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે.” “હરિભક્ત હોય તેનો દેહ પગ ઘસીને પડે, વાઘ ખાઈ જાય, સર્પ કરડે, શસ્ત્ર વાગે, પાણીમાં બૂડી જાય ઇત્યાદિક ગમે તેવી રીતે અપમૃત્યુએ કરીને દેહ પડે તોપણ એમ સમજે જે, ભગવાનના ભક્તની અવળી ગતિ થાય જ નહિ; એ તો ભગવાનના ધામને જ પામે અને ભગવાનથી વિમુખ હોય તેનો દેહ સુધી સારી પેઠે પડે ને ચંદનના લાકડામાં સંસ્કારે યુક્ત બળે તોપણ તે તો નિશ્ચે યમપુરીમાં જાય.” ૬ઠ્ઠું : “વર્તમાન પણ સૂધાં સારાં પાળતો હોય ને નિશ્ચય સૂધો હોય ને તે પાસે આપણે રહેતા હોઈએ ને આપણને ટોકે નહિ ને પંપોળીને રાખે ને જાપરો રાખે તો તે મુક્તાનંદ સ્વામી જેવો લોકવ્યવહારે મોટો કહેવાતો હોય તેનો પણ સંગ ન કરવો અને જે સંત પોતાને ટોક્યા કરે ને જે સ્વભાવ દેખે તે ઉપર ખટકો રાખે ને તે ન ટળે ત્યાં સુધી વાત કર્યા કરે ને લલોચપો રાખે નહિ ને તે લોકવ્યવહારે મોટો ન કહેવાતો હોય તોપણ તેનો સંગ કરવો.” ૧૦મું : “માયા છે તે જે ભગવાનથી વિમુખ છે તેને તો અતિ બંધન કરનારી છે અને અતિ દુઃખદાયી છે અને જે ભગવાનના ભક્ત છે તેને તો એ માયા અતિશે સુખદાયી છે.” ૧૧મું : “જેવી ભગવાનની મૂર્તિ પોતાને મળી હોય તેનું જ ધ્યાન કરવું અને પૂર્વે ભગવાનના અવતાર થઈ ગયા તે મૂર્તિનું ધ્યાન ન કરવું, અને પોતાને ભગવાનની જે મૂર્તિ મળી હોય તેને વિષે જ પતિવ્રતાની પેઠે ટેક રાખવી.” “સત્શાસ્ત્રનું શ્રવણ કરવું તે સત્પુરુષ થકી જ કરવું, પણ અસત્પુરુષ થકી સત્શાસ્ત્રનું કોઈ દિવસ શ્રવણ કરવું નહીં.” ૧૪મું : “સર્વેથી પર એક મોટો તેજનો સમૂહ છે તે તેજનો સમૂહ અધોઊર્ધ્વ તથા ચારે કોરે પ્રમાણે રહિત છે ને અનંત છે ને તે તેજના સમૂહના મધ્ય ભાગને વિષે એક મોટું સિંહાસન છે, ને તેની ઉપર દિવ્યમૂર્તિ એવા જે શ્રી નારાયણ પુરુષોત્તમ ભગવાન તે વિરાજમાન છે.” ૧૭મું : “જેમ પારસમણિ હોય તે કોઈક લોઢાને અડીને તેનું સોનું થયું તે સોનું પાછું પારસમણિનું કર્યું પણ લોઢું થાય નહિ, તેમ એવું જેણે ભગવાનનું મહાત્મ્ય જાણ્યું છે તે ભગવાનનો પાડ્યો પણ તે ભગવાનનાં ચરણારવિંદથી પડે નહિ, તો શું બીજે પદાર્થે કરીને એ પડે ?” ૧૮મું : “ભગવાનનો નિશ્ચય થાવો તે સૌથી મહાકઠણ છે ને નિશ્ચયની વાર્તા અતિ અટપટી છે માટે કહેતે બીક લાગે છે જે, શું જાણીએ વાત કરીએ ને તેમાંથી કોઈને અવળું પડે ને તેણે જે પોતાના અંગની દૃઢતા કરી હોય તે અંગ આ વાતે કરીને તૂટી જાય તો તે મૂળગેથી જાય ને એ વાત કર્યા વિના પણ ચાલતું નથી અને એ વાત જો સમજતાં ન આવડે તો દૂષણ પણ ઘણાં આવે અને આ વાત સમજે નહિ ત્યાં લગણ તેના નિશ્ચયમાં પણ કાચ્યપ ઘણી રહે છે.” પંચાળા પ્રકરણ ૧લું : “પશુના સુખથી મનુષ્યમાં અધિક સુખ છે ને તે કરતાં રાજાનું સુખ અધિક છે ને તેથી દેવતાનું સુખ અધિક છે ને તેથી ઇન્દ્રનું અધિક છે ને તેથી બૃહસ્પતિનું, તેથી બ્રહ્માનું ને તેથી વૈકુંઠલોકનું ને તેથી ગોલોકનું સુખ તે અતિ અધિક છે ને તેથી ભગવાનના અક્ષરધામનું સુખ અતિ અધિક છે.” ૫મું : “ભગવાનના સંતની આગળ તો જે માન રાખવું તે સારું નથી ને તેની આગળ તો માનને મૂકીને દાસાનુદાસ થઈને નિર્માનીપણે વર્તવું તે જ રૂડું છે.” ૭મું : “જેને પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપની દૃઢ ઉપાસના હોય ને ભગવાનના સ્વરૂપમાં કોઈ દિવસ માયિકપણાનો સંશય ન થાતો હોય ને તેને કદાચિત્ કોઈ કુસંગને યોગે કરીને અથવા પ્રારબ્ધકર્મને યોગે કરીને કાંઈ અવળું વર્તાઈ જાય તોપણ તેનું કલ્યાણ થાય; અને જો આવી રીતે ભગવાનને જાણ્યામાં જેને સંશય હોય ને તે જો ઊર્ધ્વરેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હોય ને મહાત્યાગી હોય તોપણ તેનું કલ્યાણ થાવું અતિ કઠણ છે.” ગઢડા મધ્ય પ્રકરણ ૯મું : “જ્ઞાનમાર્ગ તો એવો સમજવો જે, કોઈ રીતે ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય નહિ ને કોઈક કાળે ભગવાનના વચનનો લોપ થાતો હોય તો તેની ચિંતા નહિ પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાવા દેવો નહીં.” ૧૩મું : “... અને અમે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ, અને તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો એમ હું દેખું છું, પણ આ ગઢડું શહેર કે આ ઓસરી એ કાંઈ દેખાતું નથી. અને જ્યારે એ સ્વરૂપ જેને જાણ્યામાં આવે તેને જેમ અમને કોઈ વિષયસંબંધી સુખમાં આસક્તિ નથી તેમ તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે જ નહિ અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી અને જ્યારે એ વાર્તા સમજ્યામાં આવશે ત્યારે પંચવિષય કે કામ-ક્રોધાદિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થાશે નહિ; સહેજે જિતાઈ જશે.” “ભગવાનના સ્વરૂપની દૃઢતા વિના તો ગમે તેટલો ત્યાગ રાખો કે ગમે તેટલા ઉપવાસ કરો પણ કોઈ રીતે ખામી ભાંગશે નહીં.” ૧૪મું : “જેમ આ લીંબડાનું વૃક્ષ છે તે એક વાર જાણી લીધું છે પછી કોઈ રીતે મનમાં સંકલ્પ થાતો નથી જે લીંબડો હશે કે નહિ હોય ? એવી રીતે ગમે તેનો સંગ થાય અને ગમે તેવાં શાસ્ત્ર સાંભળે પણ કોઈ રીતે કરીને ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય કર્યો હોય તેમાંથી મન ડગમગે નહિ એવો જે નિરુત્થાનપણે ભગવાનનો નિશ્ચય એને અમે તદાત્મકપણું કહીએ છીએ; અને એને જ નિર્વિકલ્પ સમાધિ કહીએ છીએ.” ૨૧મું : “આ સંસારને વિષે જેને ગામ-ગરાસ હોય વા ધન-દોલત હોય એ જ અતિશે દુખિયો છે. અને જેને ધન, દોલત, રાજ ન હોય તે જ સુખિયો છે.” ૨૨મું : “જેમ રાજા હોય ને તેની રાણી હોય તે જેટલામાં રાજાનું રાજ્ય છે તેટલામાં રાણીનું રાજ્ય પણ કહેવાય અને જેવો રાજાનો હુકમ ચાલે તેવો જ રાણીનો પણ હુકમ ચાલે તેમ ભગવાનનો જેવો પ્રતાપ છે તેવો એ સાધુનો પણ પ્રતાપ છે.” ૨૩મું : “જેનું મન ભૂંડા વિષયને દેખીને તપે પણ નહિ અને સારા વિષયને દેખીને ટાઢું પણ થાય નહિ, એવી રીતે જેનું મન અવિકારી રહેતું હોય તેને પરમ ભાગવત સંત જાણવા.” ૨૬મું : “જે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનને તથા ભગવાનના ભક્તને જે ન ગમતું હોય તે ન જ કરવું અને પરમેશ્વરને ભજ્યામાં અંતરાય કરતા હોય ને તે પોતાનાં સગાંવહાલાં હોય તેનો પણ ત્યાગ કરવો, અને ભગવાનને ન ગમે એવો કોઈક પોતામાં સ્વભાવ હોય તો તેનો પણ શત્રુની પેઠે ત્યાગ કરવો.” ૩૩મું : “સત્સંગમાં કોઈ પુરુષને તથા કોઈ સ્ત્રીને કદાચિત્ જો નિષ્કામી વર્તમાનમાં ફેર પડે તો અમને સંભળાવશો મા, શા માટે જે જ્યારે અમે એવી વાર્તા સાંભળીએ ત્યારે જેમ વાંઝિયાને ઘેર દીકરો આવ્યો હોય ને તે મરી જાય ને તેને જેવો શોક થાય તેવો અમારે પણ શોક થાય છે તથા મનમાં એમ વિચાર થઈ જાય છે જે બધા સત્સંગને મૂકીને જાતા રહીએ, માટે જે નિષ્કામી વર્તમાન રાખે તે જ અમને વહાલો છે અને તેને ને અમારે આ લોક, પરલોકમાં દૃઢ મેળાપ રહે છે.” ૪૦મું : “ભગવાનના ભક્તના દ્રોહે કરીને જેવું આ જીવનું ભૂંડું થાય છે ને એ જીવને કષ્ટ થાય છે તેવું કોઈ પાપે કરીને થાતું નથી. અને ભગવાનના ભક્તની મને-વચને-દેહે કરીને જે સેવા બણી આવે ને તેણે કરીને જેવું આ જીવનું રૂડું થાય છે ને એ જીવને સુખ થાય છે તેવું બીજે કોઈ સાધને કરીને થાતું નથી.” ૫૦મું : જેને અમારા જેવો અંતરનો દૃઢાવ હોય તે સાથે જ અમારે બને છે અને જેના હૃદયમાં જગતના સુખની વાસના હોય તે સંગાથે તો અમે હેત કરીએ તોપણ થાય નહિ, માટે જે નિર્વાસનિક ભગવાનના ભક્ત હોય તે જ અમને વહાલા છે, એ અમારા અંતરનું રહસ્ય છે.” ૫૬મું : ભગવાનને વિષે પ્રીતિ તો તેની જ સાચી જે જેને ભગવાન વિના બીજા કોઈ પદાર્થને વિષે પ્રીતિ જ ન થાય... અને જેને ભગવાન જેવી બીજા પદાર્થમાં પણ પ્રીતિ હોય તેનો ઘણો જ પાયો કાચો છે.” ૫૯મું : “ભગવાન કે ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ ત્યારે એ જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી; એ જ પરમ કલ્યાણ છે અને ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે પણ થોડા પુણ્યવાળાને મળતી નથી.” ૬૧મું : “ગૃહસ્થ હોય તે તો પોતાનું જે સર્વસ્વ તે ભગવાન ને ભગવાનના ભક્તને અર્થે કરી રાખે અને સત્સંગને અર્થે માથું દેવું હોય તો દે, અને જે ઘડીએ પોતાના ઇષ્ટદેવ આજ્ઞા કરે જે તું પરમહંસ થા તો તે તત્કાળ પરમહંસ થાય, એવાં જેનાં લક્ષણ હોય તે હરિભક્તની સભાને આગળ બેસે અથવા વાંસે બેસે, પણ તેને જ સર્વે હરિભક્તમાં મોટેરો જાણવો અને જે ત્યાગી હોય તે જ્યારે દેશ-પરદેશમાં જાય ને ત્યાં કનક-કામિનીનો યોગ થાય તોય પણ તેમાં ફેર પડે નહિ, અને પોતાના જે જે નિયમ હોય તે સર્વે દૃઢ કરીને રાખે તે સર્વે ત્યાગીમાં મોટેરો કહેવાય.” ૬૨મું : “જેને પોતાના કલ્યાણની ઇચ્છા હોય તેને પોતાનું જે દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર એ સર્વેને ભગવાનની સેવામાં જોડી દેવાં ને ભગવાનની સેવામાં જે પદાર્થ કામ ન આવે તો તેનો ત્યાગ કરી દેવો.” વડતાલ પ્રકરણ ૧લું : “આ આંબાનું વૃક્ષ છે તે એક વાર દૃઢ કરીને જાણ્યું પછી કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, લોભ વ્યાપે તોપણ કોઈ રીતે આંબાને વિષે ભ્રાંતિ ન થાય જે આંબાનું વૃક્ષ હશે કે નહિ હોય. તેમ જેને પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ ભગવાનના સ્વરૂપનો દૃઢ નિશ્ચય થયો ને તેમાં કોઈ જાતનો કુતર્ક ન થાય તો તે પુરુષના પ્રાણ લીન ન થયા હોય તોપણ નિર્વિકલ્પ સમાધિ છે.” ૪થું : “બત્રીસ લક્ષણે યુક્ત એવા જે સંત તેનો જે સંગ તે મન-કર્મ-વચને કરીને રાખે તો જેટલાં કલ્યાણને અર્થે સાધન છે, તેટલાં સર્વે તે સંતના સંગમાં આવી જાય છે.” ૫મું : “ભગવાન ને ઉત્તમ લક્ષણવાળા જે સંત, તેની અતિ પ્રેમે કરીને સરખી સેવા જે કરે તો તે કનિષ્ઠ ભક્ત હોય ને તે બે જન્મે, તથા ચાર જન્મે તથા દશ જન્મે કે સો જન્મે કરીને ઉત્તમ ભક્ત જેવો થાનારો હોય તે આ ને આ જન્મે કરીને ઉત્તમ ભક્ત થાય છે. એવું ભગવાન ને તે ભગવાનના ભક્ત તેની સરખી સેવા કર્યાનું ફળ છે.” ૮મું : “દેવ સરખો પવિત્ર થઈને જો દેવની પૂજા કરે ત્યારે તેની જ પૂજાને દેવ અંગીકાર કરે છે.” ૧૧મું : “સત્પુરુષને વિષે દૃઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે, અને સત્પુરુષનો મહિમા જાણ્યાનું પણ એ જ સાધન છે અને પરમેશ્વરનું સાક્ષાત્ દર્શન થાવાનું પણ એ જ સાધન છે.” ૧૨મું : “જેને પરિપૂર્ણ નિશ્ચય હોય તે તો એમ સમજે જે મુને આ ભગવાન મળ્યા તે દિવસથી જ મારું કલ્યાણ થઈ ચૂક્યું છે, અને જે મારું દર્શન કરશે કે મારી વાર્તા સાંભળશે તે જીવ પણ સર્વ પાપ થકી મુકાઈને પરમપદને પામશે, માટે એવી રીતે ભગવાનનો મહિમા સહિત નિશ્ચય રાખીને પોતાને વિષે કૃતાર્થપણું માનવું એ વાત સર્વે ખબડદાર થઈને રાખજો.” ૧૬મું : “જો ભગવાનના ભજન જેવું રાજ્યને વિષે સુખ હોય તો સ્વાયંભુવ, મનુ આદિક જે મોટા મોટા રાજા તે સર્વે રાજ્ય મૂકીને વનમાં તપ કરવા શા સારુ જાય ? અને ભગવાનના ભજન જેવું સ્ત્રીને વિષે સુખ હોય તો ચિત્રકેતુ રાજા કરોડ સ્ત્રીઓને શા સારુ મૂકે ? અને ભગવાનના ભજનના સુખ આગળ તો ચૌદ લોકનું જે સુખ તે નરક જેવું કહ્યું છે... એ અમારા અંતરનો રહસ્ય અભિપ્રાય હતો તે અમે તમારી આગળ કહ્યો.” ૧૮મું : “તમારો સર્વેનો આચાર્ય ને ગુરુ ને ઉપદેષ્ટા ને ઇષ્ટદેવ એવો જે હું તે મારા દેહનાં જે આચરણ તે પ્રમાણે પણ તમારે ન કરવું.” ૧૯મું : ભગવાનના ધામનું જે સુખ છે તેની આગળ માયિક પંચવિષયનું સુખ છે તે તો નરક જેવું છે, અને જે નરકના કીડા છે તે તો નરકને વિષે પરમ સુખ માને છે, પણ જે મનુષ્ય હોય તે તો તે નરકને પરમ દુઃખદાયી જાણે છે, તેમ જેને ભગવાનની ઓળખાણ થઈ તે તો ભગવાનનો પાર્ષદ થયો ને તેને ભગવાનનો પાર્ષદ મટીને વિષ્ટાના કીડાની પેઠે માયિક પંચવિષયના સુખને ઇચ્છવું નહીં.” અમદાવાદ પ્રકરણ ૩જું : “જીવમાત્ર છે તે પંચવિષયને આધારે જીવે છે તે કાં તો બહાર પંચવિષયને ભોગવતો હોય અને જ્યારે બહાર પંચવિષયનો યોગ ન હોય ત્યારે અંતઃકરણમાં પંચવિષયનું ચિંતવન કર્યા કરે, પણ એ જીવ વિષયના ચિંતવન વિના ને વિષયને ભોગવ્યા વિના ક્ષણમાત્ર પણ રહી શકતો નથી અને જેમ વડનું વૃક્ષ છે તેનાં જે મૂળ તે જ વડને લીલો રાખે છે અને બીજાં સર્વે મૂળ ઊખડી ગયાં હોય ને જો એક વડવાઈ પૃથ્વીમાં ચોંટી રહી હોય તોપણ એ વડનું વૃક્ષ લીલું રહે છે, તેમ ઉપર થકી કદાચિત્ પંચવિષયનો ત્યાગ કર્યો છે, પણ અંતરમાં વિષયનું ચિંતવન થાય છે એ જ એને જન્મમરણનો હેતુ છે.” ૭મું : “સર્વ થકી પર એવું જે શ્રી પુરુષોત્તમનું ધામ તેમાં ગયા. ત્યાં પણ હું જ પુરુષોત્તમ છું, પણ મારા વિના બીજો મોટો કોઈ દેખ્યો નહિ... જે સર્વ બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય તેને કર્તા પણ હું જ છું. અને મારે તેજે કરીને અનંત બ્રહ્માંડના અસંખ્ય શિવ, અસંખ્ય બ્રહ્મા, અસંખ્ય કૈલાસ, અસંખ્ય વૈકુંઠ અને ગોલોક, બ્રહ્મપુર અને અસંખ્ય કરોડ બીજી ભૂમિકાઓ એ સર્વે તેજાયમાન છે ને વળી હું કેવો છું તો મારા પગને અંગૂઠે કરીને પૃથ્વીને ડગાવું તો અસંખ્ય બ્રહ્માંડની પૃથ્વી ડગવા લાગે, ને મારે તેજે કરીને સૂર્ય, ચંદ્રમા, તારા આદિક સર્વે તેજાયમાન છે. એવો જે હું તે મારે વિષે એમ સમજીને નિશ્ચય કરે તો ભગવાન એવો જે હું તે મારે વિષે મન કોઈ કાળે વ્યભિચારને પામે નહીં.” ૮મું : “જેની ઉપર ક્રોધ ઊપજે તેને એક સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવો. અને ગદ્ગદ હૃદય થઈને દીનતાએ કરીને રૂડાં રૂડાં વચન બોલીને તેને પ્રસન્ન કરવો એમ અમારી આજ્ઞા છે.” અશ્લાલી પ્રકરણ ૧લું : “જે ભક્ત પોતપોતાની જે ક્રિયા તેનું બળ સમજે છે અને ભગવાનના આશરાનું ને ભગવાનનું બળ નથી સમજતા, ને બીજું બ્રહ્મરૂપ પોતાને નથી માનતા... એ ભૂલ છે.” “આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ તેની નિરંતર અનન્યપણે કરીને સેવાને વિષે નિષ્ઠા રાખે તે ભગવત્નિષ્ઠાર્થી જાણવો ને એ ભક્ત અતિ શ્રેષ્ઠ છે ને અતિ ઉત્તમ છે.” જેતલપુર પ્રકરણ ૧લું : “સર્વે કર્મ અને માયા તેના નાશ કરનારા ને માયાથી પર જે સાક્ષાત્કાર શ્રી પુરુષોત્તમ ભગવાન વા ભગવાનના મળેલ સંત તેમની જીવને પ્રાપ્તિ જ્યારે થાય છે ત્યારે તે સર્વેને ઉલંઘાય છે.” ૩જું : “માન છે તે તો અતિ ભૂંડામાં ભૂંડું છે, જુઓને બીજા વર્તમાનમાં કાંઈક કાચપ થોડી-ઘણી હોય તોપણ સત્સંગમાં નભ્યા જાય છે, પણ માનવાળા તો નભી શક્યા જ નહીં.” “સુષુપ્તિને વિષે જેમ જગતની વિસ્મૃતિ છે એમ જાગ્રત અવસ્થાને વિષે જગતની વિસ્મૃતિએ યુક્ત વર્તે એવો જે હોય તે આપણા સત્સંગમાં મોટેરો છે.” ૪થું : “તમ જેવા સંત જે ધર્મ-નિયમેયુક્ત તેની તો વાત જ નોખી છે, તે કહીએ છીએ જે, તમને કોઈક ભાવે કરીને જમાડે તેને કોટિ યજ્ઞનું પુણ્ય થાય ને અંતે મોક્ષને પામે છે, અને તમારા ચરણનો કોઈ સ્પર્શ કરશે તેનાં કોટિ જન્મનાં પાપ નાશ પામશે ને તમને ભાવે કરીને વસ્ત્ર ઓઢાડશે તેનું પણ પરમ કલ્યાણ થાશે, અને તમે જે જે નદી-તળાવને વિષે પગ બોળો છો તે તે સર્વે તીર્થરૂપ થાય છે, અને તમે જે વૃક્ષ તળે બેઠા હો ને જે જે વૃક્ષનું ફળ જમ્યા હો તે તે સર્વેનું રૂડું જ થાય છે, અને તમારાં કોઈક ભાવે કરીને દર્શન કરે છે ને કોઈ તમને ભાવે કરીને નમસ્કાર કરે છે તેના પાપનો ક્ષય થાય છે, ને વળી તમે જેને ભગવાનની વાત કરો છો અને કોઈને ધર્મસંબંધી નિયમ ધરાવો છો તેનો મોક્ષ થાય છે, ઇત્યાદિક જે ધર્મ-નિયમવાળા તમ જેવા સંત તેની સર્વે ક્રિયા કલ્યાણરૂપ છે, શા સારુ જે પ્રત્યક્ષ શ્રી નારાયણ ઋષિનો તમને દૃઢ આશરો છે, ને તે નારાયણ ઋષિ તમારી સભામાં નિત્ય વિરાજે છે.” (અહીં પોતાની જ વાત કરી છે.) ૫મું : “તમે અમારું જો વચન માનશો તો અમે જે ધામમાંથી આવ્યા છીએ તે ધામમાં તમને સર્વેને તેડી જાશું, અને તમે પણ એમ જાણજ્યો જે અમારું કલ્યાણ થઈ ચૂક્યું છે. અને વળી અમારો દૃઢ વિશ્વાસ રાખશો ને કહીએ તેમ કરશો તો તમને મહા કષ્ટ કોઈક આવી પડશે તેથી અથવા સાતદકાળી જેવું પડશે તે થકી રક્ષા કરશું. અને કોઈએ ઊગર્યાનો આરો નથી એવું કષ્ટ આવી પડશે તોય પણ રક્ષા કરશું, જો અમારા આ સત્સંગના ધર્મ બહુ રીતે કરીને પાળશો તો, ને સત્સંગ રાખશો તો. અને નહિ રાખો તો મહા દુઃખ પામશો. તેમાં અમારે લેણાં-દેણાં નથી.” ગઢડા છેલ્લું પ્રકરણ ૨જું : “જેવી શ્વેતદ્વીપમાં સભા છે ને જેવી ગોલોક-વૈકુંઠલોકને વિષે સભા છે ને જેવી બદરિકાશ્રમને વિષે સભા છે તેથી પણ હું આ સત્સંગીની સભાને અધિક જાણું છું અને સર્વ હરિભક્તને અતિશે પ્રકાશેયુક્ત દેખું છું, એમાં જો લગાર પણ મિથ્યા કહેતા હોઈએ તો આ સંતસભાના સમ છે.” ૭મું : “અમારા અંતરનો જે સિદ્ધાંત છે તે કહીએ છીએ જે, જેને પોતાનું કલ્યાણ ઇચ્છવું તેને તો ભગવાન ને ભગવાનના સાધુ એથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી. માટે જેમ પોતાના શરીરને વિષે જીવને આત્મબુદ્ધિ વર્તે છે, તેવી ભગવાન ને ભગવાનના સંતને વિષે આત્મબુદ્ધિ રાખી જોઈએ અને ભગવાનના ભક્તનો પક્ષ દૃઢ કરીને રાખ્યો જોઈએ, અને તે પક્ષ રાખતાં થકાં આબરૂ વધો અથવા ઘટો અથવા માન થાઓ કે અપમાન થાઓ અથવા દેહ જીવો કે મરો પણ કોઈ રીતે ભગવાન ને ભગવાનના ભક્તનો પક્ષ મૂકવો નહિ, ને એમનો અભાવ આવવા દેવો નહિ, અને ભગવાનના ભક્ત જેવા દેહ ને દેહનાં સગાંસંબંધી વહાલાં રાખવાં નહીં.” ૧૧મું : “જેવી પોતાના દેહને વિષે આત્મબુદ્ધિ ને દૃઢ પ્રીતિ રહે છે તેવી જ ભગવાન તથા ભગવાનના ભક્તને વિષે આત્મબુદ્ધિ ને દૃઢ પ્રીતિ રહે તો જેવી નિર્વિકલ્પ સમાધિમાં શાંતિ રહે છે તેવી શાંતિ સમાધિ વિના પણ સદાય રહ્યા કરે છે.” ૧૨મું : “ભગવાન ને ભગવાનના ભક્તનો તેનો જેને અવગુણ આવ્યો હોય, ને તે સત્સંગી કહેવાતો હોય તોપણ તેને હડકાયા શ્વાન જેવો જાણવો... ને શાસ્ત્રમાં એ પાપથી છૂટ્યાનો ઉપાય કહ્યો છે, પણ ભગવાન ને ભગવાનના ભક્તના અવગુણ લેવાવાળાને કોઈ શાસ્ત્રમાં એ પાપથી છૂટ્યાનો ઉપાય કહ્યો નથી.” ૧૩મું : “આપણે જ્યારે તન, મન, ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે હવે ભગવાનની ઇચ્છા તે જ આપણું પ્રારબ્ધ છે તે વિના બીજું કોઈ પ્રારબ્ધ નથી, માટે ભગવાનની ઇચ્છાએ કરીને ગમે તેવું સુખ-દુઃખ આવે તેમાં કોઈ રીતે અકળાઈ જાવું નહિ, ને જેમ ભગવાન રાજી તેમ જ આપણે રાજી રહેવું.” ૧૪મું : “આ જીવના હૃદયમાં પાપરૂપ વાસના છે માટે એને કોઈ રીતે પરમેશ્વરમાં પ્રીતિ થાતી નથી.” ૧૭મું : “અનંત પ્રકારનાં પાપ છે, પણ તે સર્વે પાપ થકી ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે હેત કરવું તે અતિ મોટું પાપ છે.” ૧૯મું : “એક તો કામના ને બીજી પોતાના કુટુંબીને વિષે પ્રીતિ, એ બે કુલક્ષણ જેમાં હોય તે તો અમને પશુ જેવો જણાય છે, તેમાં પણ જેને પોતાના સંબંધીમાં વધુ હેત હોય તેનો તો અમારે અતિશે અવગુણ આવે છે.” ૨૪મું : “કથાવાર્તામાં જેને આળસ હોય તેની કોરની એમ અટકળ કરવી જે એમાં મોટા ગુણ નહિ આવે.” ૩૬મું : “કલ્યાણનું અસાધારણ સાધન તો એ છે જે પુરુષોત્તમ ભગવાનને બ્રહ્મજ્યોતિના સમૂહને વિષે અનાદિ સાકાર મૂર્તિ સમજવા, ને તેના જ સર્વે અવતાર છે એમ સમજીને તે પ્રત્યક્ષ ભગવાનનો જે તે ભાવે કરીને આશ્રય કરવો, ને ધર્મે સહિત તે ભગવાનની ભક્તિ કરવી, ને તેવી ભક્તિએ યુક્ત જે સાધુ તેનો સંગ કરવો એ કલ્યાણનું અસાધારણ સાધન છે. અને એમાં બીજાં કોઈ વિઘ્ન પ્રતિબંધ કરતાં નથી.” ૩૮મું : “એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિષે પ્રગટ થયા થકા સર્વજનના નયનગોચર વર્તે છે ને તમારા ઇષ્ટદેવ છે ને તમારી સેવાને અંગીકાર કરે છે. ને એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં ને અક્ષરધામને વિષે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી; એ બે એક જ છે અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે ને ઈશ્વરના પણ ઈશ્વર છે ને સર્વ કારણના પણ કારણ છે ને સર્વોપરી વર્તે છે ને સર્વ અવતારના અવતારી છે ને તમારે સર્વેને એકાંતિકભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે.” “એક દ્રવ્યાદિકનો લોભ તથા સ્ત્રીને વિષે બેઠા-ઊઠ્યાની વાસના તથા રસને વિષે જિહ્વાની આસક્તિ તથા દેહાભિમાન તથા કુસંગીમાં હેત રહી જાય તથા સંબંધીમાં હેત હોય એ છો વાનાં જેને હોય તેને કોઈ દિવસ જીવતે ને મરીને પણ સુખ તો ક્યારેય થાય જ નહીં.” ૩૯મું : “દેહને વિષે અહંબુદ્ધિ ને દેહસંબંધી પદાર્થને વિષે મમત્વબુદ્ધિ એ જ માયા છે. તે એ માયાને ટાળવી ને એ માયાને જેણે ટાળી તે માયાને તર્યો કહેવાય ને એ માયાને ટાળીને ભગવાનમાં પ્રીતિ કરવી એટલો સર્વ શાસ્ત્રનો સિદ્ધાંત છે... માટે ભગવાન પાસે એમ જ માગ્યું છે જે અહંમમત્વરૂપ માયા થકી રક્ષા કરજો, ને તમારે વિષે પ્રીતિ થાજો, ને એ માયાને તર્યા હોય ને તમારે વિષે પ્રીતિવાળા હોય એવા જે સાધુ તેનો સંગ થાજો, ને એ સાધુને વિષે હેત ને મમત્વ થાજો.”