વાર્તા ૧૫૩
અષાડ સુદ ૩ને રોજ બાપાશ્રી સવારે નાહી, પૂજા કરી ઓસરીમાં આસને સૂતા હતા. સમય થયે હરિભક્તોએ કથા કરી પણ પોતે કાંઈ બોલ્યા જ નહીં . સૌને એમ જે આજે બાપાશ્રીને શરદી જેવું છે. પછી જ્યારે ઘેર ઠાકોરજીને જમાડવા ગયા, ત્યારે પણ મને આજ રુચિ નથી એમ કહી થોડી ખીચડી અને છાશ જમ્યા. પાછા મંદિરમાં આવી ઓરડે સૂતા, તે સાંજે હળવે હળવે ઘેર ગયા. રાત્રે સભામાં આવ્યા પણ એમ જણાય જે, આજે બાપાશ્રીને શરીરે ઠીક નથી. એમ ને એમ સભામાં કથા થઈ રહી ત્યાં સુધી બેઠાં. પછી ઊઠતી વખતે ઊભા થઈ સભાને હાથ જોડી જય સ્વામિનારાયણ કર્યા. તે વખતે લથડિયું આવી ગયું, તેથી પૌત્ર જાદવજી તથા હીરજીભાઈના દીકરા પ્રેમજીએ હાથ ઝાલ્યા ને ઓરડામાં આસન પર લઈ ગયા. ત્યારે જાદવજી કહે, બાપા ! આજ આપને ઠીક નથી ? ત્યારે બાપાશ્રી કહે જાદવા, મને કાંઈ નથી. જરા ટાઢ વાય છે તેથી ગોદડું ઓઢાડ, એમ કહેવાથી બાપાશ્રીને ચોફાળ તથા ગોદડું ઓઢાડ્યું. હરિભક્તો જાય, આવે ને પૂછે, તે સૌને એમ કહે જે, આજ મને જરા ટાઢ વાય છે, હું પછાડનો નાહ્યો ત્યારથી ટાઢ ચડી છે. વળી આજ ખીચડીમાં છાશ લીધી હતી તેથી શરદી થઈ ગઈ જણાય છે. હવે ગોદડું ઓઢીને સૂતાં સૂતાં મહારાજને સંભારશું એટલે વાંધો નહિ આવે, એમ સૌને કહેતાં બાપાશ્રી પોઢી ગયા. બાપાશ્રીના દીકરા બંને ઘણી વાર બેઠા ને સેવા કરવા લાગ્યા. બાર વાગ્યા એટલે સર્વે સૂતા. બાપાશ્રી પોઢી ગયા હતા તે ઓચિંતાના એક વાગ્યાને સુમારે બેઠા થઈ ગયા. ત્યારે સેવક પ્રેમજીએ જાગીને પૂછ્યું જે, બાપા ! કેમ બેઠા થયા, નહાવું છે ? તે વખતે એમ બોલ્યા જે, પ્રેમજી બચ્ચા ! નહાવું નથી પણ જાવું છે. ત્યારે પ્રેમજી કહે, બાપા ! ઘેર જાવું છે ? તો કહે, હા; એટલે પ્રેમજીએ બાપાશ્રીને પાઘડી લાવીને આપી. ત્યારે તે પાઘડી હાથમાં લઈને કહ્યું જે, પ્રેમજી તું અહીં આવ; તને પાઘડી બંધાવું. મારે તો અક્ષરધામની પાઘડી છે. એમ કહી પાઘડી નીચે મૂકી દીધી. ત્યારે સેવક પ્રેમજીને એમ થયું જે બાપાશ્રીને ટાઢિયો તાવ આવ્યો છે તેથી આમ બોલે છે. એમ જાણી કહ્યું જે, બાપા ! સૂઈ જાઓ. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, પ્રેમજી ! તેં મારી નિષ્કામભાવથી સેવા કરી છે તેથી તું મારી પાસે આવ. એમ કહી તેને બાથમાં ચાંપી હેત જણાવી મળ્યા, માથે હાથ મૂક્યા ને કહ્યું જે, તું મારી સેવામાં રહીશને ? મને એમ થાય છે જે આ ટાઢ નડશે ખરી, આ ટાઢ ઊતરે એમ મને જણાતું નથી. ત્યારે પ્રેમજીએ વિચાર્યું જે બાપાશ્રી યજ્ઞમાં બોલ્યા હતા કે, “ગોર મહારાજ ! જોજો આ મૂર્તિ ઊડી જાય નહિ.” તથા સ્વામીશ્રી આદિ સંતોને આ વખતે મર્મમાં રોકવાની ઇચ્છા ઘણી જણાવતા હતા તેથી આ મંદવાડ વધશે તો બાપાશ્રીની મરજી કેવી છે તેની કોઈને ખબર નહિ પડે. એમ વિચાર કરે છે એટલામાં બાપાશ્રી કહે, પ્રેમજી બચ્ચા ! તું તારા મનમાં સંકલ્પ કર્યા કરે છે તે કરતાં સૂઈ જા. હું તારા સંકલ્પ જાણું છું. ત્યારે પ્રેમજી કહે, બાપા ! આજનું આપનું દર્શન સંકલ્પ કરાવે છે, એમ કહી દિલગીરી જણાવી. ત્યારે બાપાશ્રી કહે, બચ્ચા ! તું મારું માનીશ કે નહીં ? ત્યારે તે કહે, બાપા ! હું આપનું કેમ ન માનું ? જે કહેશો તે કરીશ. પછી બાપાશ્રી બોલ્યા જે, જોજે, તું મારું વચન લોપીશ તો નહિ ને ? ત્યારે પ્રેમજી કહે, બાપા ! આપનું વચન હું ક્યારેય નહિ લોપું. ત્યારે તેના ઉપર અતિ પ્રસન્નતા જણાવી માથે હાથ મૂકી કહ્યું જે, તારે આ વાત કોઈને કહેવી નહીં. તું સંકલ્પ કરે છે કે બાપો જતા રહેશે તો ! અને સ્વામી આદિકને ખબર નહિ પડે તો મને ઠપકો મળશે, પણ હું જાઉં તેવો નથી. હું તો અખંડ છું. પણ હવે આ દેહ દેખાય કે નહિ તે મહારાજની મરજી. તે સાંભળી પ્રેમજીને ધીરજ રહી નહિ, તેથી ખોળામાં માથું મૂકી રોવા લાગ્યો, ને છાનો જ રહે નહીં. ત્યારે તેને ધીરજ આપતાં બાપાશ્રી બોલ્યા જે, તું આમ દિલગીર મ થા. ત્યારે સેવક પ્રેમજી કહે, બાપા ! તમે મને બોલવાની બંધી કરી, તેથી કોઈને કહેવાય પણ નહિ અને જો આ વાત કોઈને કહું તો આપનું વચન લોપાય. ત્યારે બાપાશ્રી કહે, કહેવાનું કાંઈ નહિ; મહારાજ બધું સારું કરશે. તે વખતે પ્રેમજીએ પ્રાર્થના કરી જે, બાપા ! આપણા ઘરમાં સૌને તથા સર્વે હરિભક્તોને આપનાં દર્શનથી સુખ વર્તે છે. સાજો સત્સંગ આપની કૃપાદૃષ્ટિએ સુખિયો છે. તે કોઈને આ વાતની ખબર ન પડે તો કેવું લાગે ? વળી સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજીને તો આ વાત જરૂર જણાવવી ખપે. હું તેમને આપના આ મંદવાડની ખબર આપું ? ત્યારે બાપાશ્રી કહે, એમને ખબર પડે એટલે તો સત્સંગમાં સૌને ખબર પડી જાય. તેથી બધા અહીં આવે, કરગરે, દિલગીર થાય, પ્રાર્થના કરે અને મને જવા દે નહિ; તેમજ ઘણા હરિભક્તો પણ આવે ને તે બધાય પ્રાર્થના કરે ને કરગરે. સ્વામીશ્રીને તો મારે આ વખતે રોકવા હતા પણ બીજા સંતોને જવાની તાણ હતી તેથી રોક્યા નહીં. એ જતાં મને ઠીક ન લાગ્યું તેથી છેલ્લો મેળાપ કરવા માટે ઠેઠ ભૂજથી માણસ મોકલી પાછા અહીં બોલાવી સુખિયા કર્યા છે તેથી કાંઈ ખબર આપવાની જરૂર નથી. આ વાત સાંભળી પ્રેમજીને વધુ દિલગીરી થઈ ને જાણ્યું જે, આ વખતે બાપાશ્રી રહે તેવું જણાતું નથી, તેથી દંડવત કરી પ્રાર્થના કરવા લાગ્યો. ત્યારે બાપાશ્રી કહે તું કહેતો હતો કે હું તમારું માનીશ. હવે આમ શોક શું કરે છે ? હું ક્યાં જાઉં એવો છું ? પણ આ વાત હમણાં તારે કોઈને જણાવવી નહીં. જો કોઈને કહીશ તો હું રાજી નહિ થાઉં. હવે હું બોલીશ નહીં. હું તારા ઉપર બહુ રાજી છું. મેં આજ દિવસ સુધી સૌને મૂર્તિના સુખની વાતો કરી. હવે શ્રીજીમહારાજની આવી મરજી છે એમ જાણી તારે રાજી રહેવું. હું તને મૂર્તિના સુખમાં રાખીશ, એમ કહી તેનો હાથ ઝાલીને પોઢી ગયા. પ્રેમજીને તે વખતે ઘણા વિચારો આવે પણ બાપાશ્રીએ કોઈને કહેવાની બંધી કરેલી તેથી શું કરે ? ઘણી વાર સુધી એમ ને એમ તેનો હાથ ઝાલી રાખ્યો. પછી ઊઠીને બીજી વાર કહ્યું જે, પ્રેમજી ! જોજે મારું વચન લોપતો નહિ હોં ! હું તારા ઉપર બહુ રાજી છું. એમ કહીને સૂઈ ગયા. ।। ૧૫૩ ।।