પરચા - ૧૧૦

ગામ વૃષપુરના રામજી હીરજી ઉદાસ થયા થકા વિચારમાં બેઠા હતા જે, બાપાશ્રી આપણને મૂકીને જતા રહ્યા. તેવામાં બાપાશ્રી જે ઓરડીમાં પોઢતા તે ઓરડીમાં બાપાશ્રીનાં દર્શન થયાં, તે એવી રીતે કે એક બાજુ સ્વામી વૃંદાવનદાસજી અને બીજી બાજુ સ્વામી ઈશ્વરચરણદાસજી અને તેવી જ રીતે બાપાશ્રીના દીકરા એક બાજુ કાનજીભાઈ ને બીજી બાજુ મનજીભાઈ; બે પડખે બબે બેઠેલા, એવાં  દર્શન થયાં. તે સમયે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, આ કાનજીભાઈ ને મનજીભાઈને તો મૂર્તિમાં રાખ્યા છે, ત્યારે રામજીભાઈ અતિ દિલગીર થઈને બોલ્યા જે, મને પણ સદાય મૂર્તિમાં રાખજો. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, તમને પણ મૂર્તિમાં રાખશું; કાંઈ ચિંતા રાખશો નહિ, અમે તમારા ભેગા છીએ. એમ કહીને અદૃશ્ય થઈ ગયા. ।। ૧૧૦ ।।