વાર્તા ૪૮
રાત્રે સભામાં વચનામૃત વંચાતું હતું. તેમાં ત્યાગીએ જડ-ચૈતન્યમાં લેવાવું નહિ, એ પ્રસંગની વાત માંહોમાંહી સંતો કરતા હતા. ત્યારે બાપાશ્રી કૃપા કરીને બોલ્યા જે, સંતો સત્સંગમાં દેખાઈ રહેજો. જોગ કર્યો તે લેખે લગાડજો. પણ જડનાં લેખાં થાય તેમ ન દેખાવું. અમારાથી કોઈ જુદો પડે ત્યારે અમને એમ બળતરા થાય જે બાપડાનું બગડી જશે, એવી અમારી નજર છે. આવા જોગમાં હારી ન જવું; મોટાં ભાગ્યવાળાને આ જોગ મળે છે. અમે આ બોલીએ છીએ, ચાલીએ છીએ, તેનું અમારે કાંઈ નથી. પણ જેમ રાજાનો છોકરો મરી જાય તેનો શોક થાય તેમ મહારાજની મૂર્તિથી નોખું પડી જવાય તો શોક થવો જોઈએ. આ લોકમાં ચાર દિવસ રહેવું તેમાં છેલ્લી એક ઘડી મૃત્યુ આડી રહી હોય, એટલામાં પણ આવા મોટાને વિષે જોડાય તો આત્યંતિક મોક્ષ થાય. અમારા બ્રહ્મચારી નિર્ગુણાનંદજીએ અમને કહ્યું જે, આપણે ઘેર ચાલો ત્યારે અમે કહ્યું કે, ઘર કયું ? તો કહે, મહારાજની મૂર્તિ. ત્યારે અમે કહ્યું જે, ચાલો એમ કહેતામાં તો મૂર્તિમાં જોડાઈ ગયા. બીજા તો જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિએ ન ઓળખે એવા હોય તે આ ખરું ઘર શું ઓળખે ? આજ મૂર્તિમાં જોડાઈ બેઠા હોય ને કલેવરને ગમે તેમ થાય એવી સ્થિતિમાં સદાય રહેવું. સુખ આવે કે દુઃખ આવે તોપણ કોઈનો અભાવ ન આવવા દેવો. સ્થિતિ જાણ્યા વિના અભાવ આવે. ૨૦ની સાલમાં ધ.ધુ. આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને અમે જોવા ગયા હતા. તે શહેરમાં વંતાક જોઈને અમે કહ્યું જે, આ શું છે ? ત્યારે વેપારીએ હસીને કહ્યું જે, આ લોક ક્યાંથી આવ્યા છે ? પણ એણે સ્થિતિ ન ઓળખી. “દરદીની વાતો દરદીડા જાણે, બેદરદીને શું ભણીએ ?” આ નૈમિષારણ્ય ક્ષેત્ર છે, મૂર્તિમાં જોડાઈ જવાય એવું આ ક્ષેત્ર છે. તે અનુભવજ્ઞાન થાય ત્યારે મૂર્તિમાં જોડાય એવું સાક્ષાત્ પુરુષોત્તમનું અનુભવજ્ઞાન કહેવાય અને અક્ષરાદિકને ખોટા કરવા તે જ્ઞાન આવું ન કહેવાય. માટે અનુભવજ્ઞાન સિદ્ધ કરીને મૂર્તિમાં રસબસ થઈ જવું. ગૃહસ્થ પોતાનો ધર્મ સાચવે તો તે આજ્ઞાએ કરીને ઘરમાં રહ્યો કહેવાય. એને માથે એ ભાર રાખ્યો, જેમ મુક્તાનંદ સ્વામીનું નામ લઈને મહારાજે દૃષ્ટાંત દીધું જે એવા રહે કે ન રહે. આજ કળી ખરેખરો આવ્યો છે તેમાં આપણે સત્યુગ સ્થાપવો છે, તેથી ખબડદાર રહેવું. કેમ કે હવે સિદ્ધિઓનું જોર વધ્યું છે. આવો ભાઈ ! આવો સ્વામી ! એવાં માન મળે છે. આપણે તો સર્વે સાધનના ફળરૂપ શ્રીજીમહારાજની મૂર્તિ સામું જોઈ રહેવું એ કરવાનું છે. જીવનું ગજું કેટલું ! થાંભલા જેવા અને વૃક્ષ જેવા પણ આપણે ન થઈએ ત્યારે શું કર્યું ! મોટા મોટા સંત ખીજડા, રાયણ, લીમડા હેઠે બેસતા અને વાતો કરતા ત્યારે તે ઝાડ હસતાં. તે જડ પણ કામ કાઢી ગયા અને મનુષ્યથી એટલુંય ન થાય. ઝાડ આખો કલ્પ તપ કરીને મરી જાય તોપણ આવું કામ થાય ? રામજીભાઈ એ ઝાડનો મર્મ જાણતા, એમ કરવું અને અખંડ મૂર્તિમાં જોડાવું. પછી એક હરિભક્તને કહ્યું જે, મોટા મોટાની સ્થિતિઓ જોઈએ તો તમારો શું ધડો લાગે ! વખત ને જોગ સારો છે તે કરી લેવું. જાણ્યા વિના, જોયા વિના ઉપરથી પથરાનો ઘા ન કરવો. સ્થિતિ જાણી ન હોય, ગુણ જાણ્યા ન હોય ને અપમાન કરે એવું ન કરવું. ત્રણે અવસ્થામાં મૂર્તિમાં જોડાઈ રહેવું અને આ ક્રિયા કરું છું તેમાં મહારાજની શી મરજી છે, તે તપાસ કરતા રહેવું. મોટા મોટા ત્યાગી મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા આ સભામાં છે તેમની સામર્થી મહારાજે રૂંધી રાખી છે. વખત ન વંજાવવો, ન વંજાવવો. આ વખત અને આવા નહિ મળે. એમને વિષે ભાવ એવો ને એવો રાખવો. મહારાજે તો કહ્યું છે જે, “આ ને આ તેજોમય સ્વરૂપ જ્યાં સુધી મને દેખાણું નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી.” એવું સમજે તેના મુખ થકી વાત ન સાંભળવી. એવાં વચન સામી નજર રાખવી. આપણે ભેળા બેસીએ છીએ; કથા-વાર્તા કરીએ છીએ, તે સર્વે દિવ્ય છે એમ જાણવું. સ્મૃતિ રાખતાં રાખતાં વૃત્તિ લાલ થઈ જાય, પછી એમ ને એમ વૃત્તિ તેજોમય દિવ્ય થાય એટલે તેજના ફુવારા ઝરર ઝરર દેખાય, તેમાં મૂર્તિ તેજોમય દેખાય ત્યારે પૂરું થયું જાણવું. આ ટાણું સારું છે. પણ જીવના ઠરાવ બધા બહારવૃત્તિના. ત્યારે સંતોએ કહ્યું જે, અગમ-નિગમ દેખવું નથી, મૂર્તિનું સુખ દેખવું છે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મૂર્તિ જોવાનો અભ્યાસ રાખે તેને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એવા વિષય ટૂંકા કરવા. મલિન સત્ત્વગુણ આવી જાય તો મોટા કુરાજી થઈ જાય. કેમ કે, એ વખતે મોટાની સેજા ન રહે; તેથી મહારાજ અને મોટાની કૃપા ન થાય. પછી એમ બોલ્યા જે, ઇન્દ્રિયો જાગ્રત-સ્વપ્નમાં નિયમમાં ન રહે, પાડા જેવી થઈ જાય અને ઉપવાસ ભૂસોભૂસ પાડે એવી છે. માટે તેને નિયમમાં રાખવી. આજ સંત સારા મળ્યા છે અને વખત પણ સારો મળ્યો છે. સત્સંગમાં ઝીણામાં ઝીણું થાવું. પછી દાદાખાચર અને ઝીણાભાઈનાં દૃષ્ટાંત આપીને કહ્યું જે, એણે કેવા મહારાજને રાજી કર્યા ! એ હેતની વાત જુદી. હુતાશનીનો સમૈયો આવ્યો ત્યારે મહારાજ કહે, આવો મળીએ. ત્યાં તો રત્નો ભક્ત મહારાજને મળ્યા અને ચરણમાં લોટી પડ્યા. તેનો નખ મોટો હતો તે મહારાજને લાગ્યો તે લોહી નીકળ્યું. તોપણ મહારાજ કહે કે, રામબાઈના ભાઈ તે અમારા જ ભાઈ છે, એવી હેતની વાત છે. ધ્યાનની લટક કેવી શીખવી ? તો હાલનાર-ચાલનાર અને ક્રિયા કરનાર મહારાજ, પોતાને તો મૂર્તિમાં રહીને સુખ લેવું, તેવી લટક શીખવી.
પછી બાપાશ્રી બોલ્યા જે, આજ સંત-હરિજન ઉપર મહારાજની અપાર દયા છે. અમારે ગૃહસ્થને કોઈ વખત લાખો રૂપિયાની સમૃદ્ધિ હોય અને કોઈ વખત કાંઈ ન હોય. બધા દિવસ સરખા હોય નહીં. તેમ મહારાજ કહે છે કે, અમારે તો સત્સંગ બધો ઉજ્જડ થઈ જાય તોય કાંઈ નથી. આપણે ભગવાનના ભક્તને તો એક ભગવાન ખપે. એનો આનંદ અને એની ખુમારી જોઈએ. ખરેખરી અંતર્દૃષ્ટિ થાય તો આંખોમાંથી ધારાઓ છૂટે ત્યાં સુધી મૂર્તિ સામું જોઈ રહેવું તે મૂર્તિ સામું જોયું કહેવાય. આ જીવનું ગજું કેટલું જે મહારાજની ને મોટા મુક્તની મરજી જાણી શકે ! માટે અખંડ સ્મૃતિ રાખવી. તે ઉપર વાત કરી જે, આ ક્રિયા કરું છું, આ સેવા કરું છું, તેમાં મહારાજની શી મરજી છે, એમ સ્મૃતિ રાખવી. આપણને બધુંય મળ્યું છે, પણ ગ્રહણ કરતાં આવડે તો. ભેળા બેઠા હોઈએ; કથા-વાર્તા કરીએ પણ ખબર ન પડે. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા મોટા સંત સૌની સાથે બેસતાં-ઊઠતાં પણ સ્મૃતિ રૂંધેલી તેથી તેમની મોટપ બીજાને ન જણાય; એમ મહારાજ સૌની સ્મૃતિ રૂંધી રાખે. મોટા અનાદિ તો બધુંય જાણે પણ જણાવે નહિ કારણ કે, એમાં કેટલાયના સમાસ હોય. અધમ જેવા જીવ હોય તેનો ઉદ્ધાર કરવો એ આપણો ધર્મ છે. સત્સંગમાં કોઈ આડોઅવળો વર્તે તોય તિરસ્કાર ન કરવો. કેમ જે, આપણો અહિંસા ધર્મ છે. ઘણાય બિચારા કોઈ આમ બોલે ને કોઈ આમ ચાલે, પણ આપણે તો એમ જાણવું જે, એ મહાપ્રભુજીના ગુનામાં ન આવે તો ઠીક. અમને પણ કોઈ કેમ જાણતા હશે અને કોઈ કેમ કહેતા હશે પણ આપણે તેને કાંઈ કહેવું નહીં. આ લોક જ દુઃખનો ભરેલો છે. અધર્મી તો લાયું વરસાવે છે, એવા પાપીના સંગેથી લાયુ વરસાય. તેવાને જો ઓળખે નહિ તો જીવનું ભૂંડું થઈ જાય. અધિકાર તો ચાર દહાડા રહે, એટલામાં પણ વિચાર ન રાખે તો જડ ને ચૈતન્ય માયા દુઃખ દે. એ બેય વસ્તુ તમે મેલી છે. બેમાંથી એકેયનો પ્રવેશ થાય તો નખોદ વાળે, હરામના સમ ખાઈને નીસર્યા છો. આ હું વઢતો નથી હોં ! પણ સૌએ ખટકો રાખવો. જળમાં પડે તે કોરો રહે નહીં. ઇન્દ્રિયું બધી શીતળ થઈ અખંડ ભગવાનનું ચિંતવન કરે એવો જોગ આપણને મળ્યો છે. ધ્યાન કરતાં કરતાં, માળા ફેરવતાં ફેરવતાં, મૂર્તિથી બહાર નીકળાય નહિ, વૃત્તિઓ મૂર્તિમાં તણાઈ જાય. માટે એક પુરુષોત્તમ ભગવાન ને તેમના અનાદિ રાખીએ તો બીજું કાંઈ ભાસે જ નહિ અને આનંદ આનંદ થઈ જાય. મહારાજ કહે, મંદવાડ એવો ખરેખરો કરી દેવો કે લોક-ભોગમાં ક્યાંય વૃત્તિ રહે નહીં. એક મૂર્તિને સુખે સુખિયું થઈ જવાય એ સાધનમાં સર્વેને રહેવું. એ સાધન બહુ જબરું છે. મહારાજની મૂર્તિ તો મોટાં ભાગ્યવાળાને મળે છે. તે મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવી. એમની આજ્ઞામાં અખંડ જોડાઈ રહેવું, એ જબરી વાત છે. એ માટે સૌએ હળીમળીને એક થઈ રહેવું. મહારાજ કહે છે કે, ભગવાનને મળેલા સંત મળે ત્યારે કલ્યાણ થાય. તે કોઈ વખત જરાય પણ મૂર્તિથી જુદાં ન પડે એ મળેલા કહેવાય. એવા આપણને મળ્યા છે તોય પણ સાધન ઉપર તાન થઈ જાય છે. રસનામાં વૃત્તિ તણાઈ જાય છે તે માર્ગ બંધ રાખવો; શ્રીજીમહારાજની મૂર્તિનો માર્ગ લેવો. મોટાની સ્થિતિ આપણે શું જાણીએ ! મોટા તો મૂર્તિથી બહાર રહે જ નહીં. એમની દૃષ્ટિ જેના ઉપર પડે તે બધાયનું કલ્યાણ થાય, એવાના જોગમાં આવ્યા હોય તેને પણ અંતરમાં ખુમારી રહે તે માટે મોટાનો ખપ કરવો. જ્યાંત્યાં પડી ન રહેવું. મૂર્તિના ઘરાક થાશો તો જડશે; કિંમત કરીને નાસવા માંડશો તો થયું. તન જેવા અને પ્રાણ જેવા તે પણ મોટાને જોગે અભાવ લઈને ખસી જાય તેને શું કરીએ ? માટે સર્વે સરત રાખજો. આપણે તો સૌનું સારું કરવું છે. જીવને રજોગુણ-તમોગુણના ભાવ વધતા જાય છે અને મોટાને તો મૂર્તિનો રસ હોય. મૂર્તિમાં રસબસ જોડાઈ બેઠા હોય. એ મૂર્તિમાં તેજના ફુવારા છૂટે છે તે શીતળ-શાંત અને સુખરૂપ અને આનંદરૂપ. એવા સંત મહારાજની મૂર્તિને સુખે સુખિયા છે. માટે આપણે મૂર્તિના ઘરાક થાવું. સાધન તો ચાલી ચાલીને બહુ કરે તો અક્ષરધામ સુધી જાય, તોય લૂખું ને લૂખું. દરેક કાર્ય કરતાં મહારાજની મૂર્તિથી નોખું પડવું નહીં. નોખું પડાય તો સત્સંગમાં તેની જય થાય નહીં. મૃત્યુ સામી નજર રાખવી. ।। ૪૮ ।।