વાર્તા ૨૦

આસો સુદ ૩ને રોજ દહીંસરાના મંદિરમાં સવારે સભામાં મધ્ય પ્રકરણનું ૨૧મું વચનામૃત વંચાતું હતું, તેમાં પ્રત્યક્ષ ભગવાન તથા તે ભગવાનના સાધુ તેનું મહાત્મ્ય સમજે તેને કલ્યાણના માર્ગમાં કાંઈ સમજવું બાકી રહે નહિ એમ આવ્યું. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પ્રગટ હોય ત્યારે ઓળખવા ઘણા દુર્લભ છે. આ સભા સર્વે દિવ્ય તેજોમય છે અને અનાદિમુક્ત તો મહારાજની મૂર્તિમાં રસબસભાવે જોડાઈ રહ્યા છે. મુમુક્ષુને પણ મૂર્તિમાં રસબસ કરી મૂકે છે. પરમએકાંતિક તો પોતા જેવા કરે છે, અનાદિ તો મૂર્તિમાં જ છે અને દેખાવ શ્રીજીમહારાજનો છે. તે અનાદિ તો મૂર્તિમાં લુબ્ધ છે એટલે મહારાજ સર્વેને ઉપદેશ કરે છે અને દર્શન આપે છે.

પછી બાપાશ્રી પુષ્પ હાથમાં લઈને બોલ્યા જે, આ પુષ્પ તથા જે જે મહારાજના સંબંધને પામ્યા તે સર્વે દિવ્ય છે. “સ્વામિનારાયણ દિવ્ય મૂર્તિ, સંતન કો વિશ્રામ.” એમ સર્વત્ર દિવ્યભાવ રાખવો. જીવ જ્યાં સુધી કાળો હોય ત્યાં સુધી આ વાત સમજાય નહીં. તે કાળો એટલે માયિક ૫દાર્થમાં આસક્તિવાળો અને ગોરો એટલે મૂળઅક્ષર પર્યંતના ઐશ્વર્યની ઇચ્છાવાળો, તેને પણ આ વાત સમજાય નહીં. એ તો મહારાજ દયા કરે ત્યારે સમજાય. મહારાજ તો જેટલા સંકલ્પ કરે તેટલી મૂર્તિઓ થાય ને જીવનો મોક્ષ કરે. કેમ લાલશંકરભાઈ ! આ વાત સમજાય છે ? આ સંતો ભાતાં બાંધીને મૂર્તિ આપવા આવ્યા છે, તો આપણે પણ એ મૂર્તિના ઘરાક થાવું. પછી સ્વામી ઘનશ્યામજીવનદાસજી આવ્યા એટલે બાપાશ્રી કહે, આ બાવો અમને મૂંઝવે છે. ત્યારે તે બોલ્યા જે, આપને મૂંઝવે એવો કોણ છે ? કોઈ નથી. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, તમે ચરાચર બ્રહ્મ છો પણ ભૂલી જતા નહીં. એટલે પ્રવાહ વાયુમાં જતા રહેતા નહિ, ત્યારે સ્વામી ઘનશ્યામજીવનદાસજી બોલ્યા જે, બાપા ! આપ મળ્યા છો તે વાંધો નહિ આવે. તમે રાજી છો તેથી મારે કોઈ વાતની ફિકર નથી. પછી બાપાશ્રી બોલ્યા જે, કંઈક જીવના કષાય કાઢી નાખે એવા મહારાજ આપણને મળ્યા છે. શ્રીજીમહારાજ સત્સંગમાં રોઝે ઘોડે બેસીને ફરે છે તે જે આજ્ઞા લોપશે, તેને ફડાક ફડાક મારશે. તે દીઠા છે ? ત્યારે સંતોએ કહ્યું જે હા, દીઠા છે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મહારાજ તો કેવળ કૃપાસાધ્ય છે, તે કૃપા કરીને આજ જીવના ઉદ્ધાર કરે છે. તેને રાજી કરવા ખપે. જીવ મહારાજને રાજી કરવા કઈ ક્રિયા કરે ? ક્રિયા એ જે પુરુષપ્રયત્ન કરે ત્યારે મહારાજ ને સંત તેના ઉપર કૃપા કરે. હવે તો ક્રિયાસાધ્ય ગઈ અને કૃપાસાધ્ય રહી. સંતો ! હવે તમે વાતો કરો અમે તો આજ થાકી ગયા. પછી સંતો બોલ્યા જે, આજ રાત્રિએ પોણા વાગે વિરમગામથી નાગરદાસભાઈ આવ્યા હતા ત્યારથી એમની સાથે વાતો કરીને એમને કાગળ લખાવી આપ્યો. એ પાછા ભૂજ ગયા ત્યારથી નાહી, પૂજા કરીને આપ બિરાજ્યા છો અને વાતો કરો છો તે સાત વાગ્યા સુધી રસ રેલાવ્યો. આજ તો બહુ વાતો કરી તે થાક લાગે ખરો જ તો ! પછી બાપાશ્રી બોલ્યા જે, એક હરિભક્તને સંકટ આવ્યું હતું તેને ટાળવા સારુ પ્રાર્થના કરી તે પાછા આજ ને આજ તુરત જ ચાલ્યા ગયા. તેને આપણો ભરોસો છે જે એમના વિના આ કામ બીજા કોઈથી થાય તેમ નથી. એમણે રક્ષાના કરનારા મહારાજ તથા મુક્ત વિના બીજા કોઈને જાણ્યા નથી તેથી પાંચસો ગાઉનો ધક્કો ખાધો, એવા મહિમાવાળા છે. અહીં એવો મહિમા સમજનારા થોડા. અહીંના હરિભક્તોને હેત તો બહુ પણ જાડી બુદ્ધિ છે તેથી કોઈ સંશય નાખનાર મળે ત્યારે મહિમા જાણ્યો હોય, પરચા-ચમત્કાર દેખ્યા હોય; તોય જેમ પ્રવાહ વાયુમાં ઊડી જવાય તેમ કેટલાક ભૂલી જાય છે. પછી સંતોને કહ્યું જે, હવે આ હરિભક્તોને નિયમ-ધર્મની વાતો કરો. પછી સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે, બાપા ! એ વાતો તો સત્સંગમાં થયા જ કરે છે. અને આપ જે જે વાતો કરો છો તેમાં મૂર્તિનું જ મુખ્યપણું આવે છે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, કરી કરીને કારણ મૂર્તિનું જ કામ છે, કરવાનું એ જ છે, તે નિયમ-ધર્મ પાળીને પવિત્ર થાય ત્યારે આ સભા મૂર્તિ પધરાવે છે. માટે મૂર્તિમાં રહેવાય તેવા પાત્ર થાવું અને મૂર્તિમાં રહેનારા અનાદિને ઓળખવા. પછી ખીમજીભાઈએ બાપાશ્રીને વિનંતી કરી જે હરિભક્તો સૌ પોતપોતાને ઘેર આપને તેડી જવા પ્રાર્થના કરે છે, તો સંત-હરિભક્તોએ સહિત ગામમાં પધારવા દયા કરો. તે સાંભળી બાપાશ્રી આખા ગામમાં સંત-હરિજનોએ સહિત દર્શન દેવા પધાર્યા. ત્યાં હરિભક્તોએ કેસર, ચંદન, કુમકુમ આદિકે બાપાશ્રીની તથા સંતોની પૂજા કરી. પછી આરતી વખતે મંદિરમાં પધાર્યા. ।। ૨૦ ।।