વચનામૃત લોયાનું - ૧૦
સંવત ૧૮૭૭ના માગશર સુદિ ૮ આઠમને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાખાચરના દરબારમાં ઢોલિયા ઉપર પ્રાતઃકાળને સમે વિરાજમાન હતા ને ધોળી છીંટની ડગલી પહેરી હતી તથા ધોળો સુરવાળ પહેર્યો હતો તથા ધોળો ફેંટો મસ્તક ઉપર બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ તે સમયમાં નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) આ જગતમાં કેટલાક મનુષ્યને સ્ત્રીઆદિક પદાર્થમાં એવું હેત થાય છે જે તેનો વિયોગ થયો હોય તો પ્રાણનો ત્યાગ થઈ જાય અને કેટલાકને સ્ત્રીઆદિક પદાર્થમાં હેત છે પણ સાધારણ છે માટે તેના વિયોગે કરીને પ્રાણનો ત્યાગ ન થાય ને એ બે પ્રકારના જીવ છે તે જેમ સંસારમાં હેતે કરીને જોડાય છે તેમ તે હેતવાળાને જો ભગવાન મળે તો તેમાં પણ એમ જ જોડાય જે ભગવાનનો વિયોગ થાય તો પ્રાણ જાય અને જેને સંસારમાં સાધારણ હેત છે ને તેને ભગવાન મળે તો ભગવાનમાં પણ સાધારણ હેત થાય, તે એ બે પ્રકારના જે મનુષ્ય તેને વિષે કર્મે કરીને એવો ભેદ છે કે એ બે પ્રકારના જીવ અનાદિના જ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એ ભેદ જીવમાં સ્વાભાવિક નથી; એ તો કર્મે કરીને થાય છે. (૧) તે કેવી રીતે થાય છે તો જ્યારે જીવ કર્મ કરે છે ત્યારે જીવની વૃત્તિનો વેગ ત્રણ પ્રકારે થાય છે : એક મંદ વેગ, બીજો મધ્ય વેગ ને ત્રીજો તીવ્ર વેગ તેમાં જેવે વેગે વૃત્તિ પદાર્થમાં ચોંટે ત્યારે તેને તેવી જાતનું કર્મ લાગે છે તે કર્મે કરીને સ્નેહમાં પણ ત્રણ પ્રકાર છે. (૨)
૨ પછી વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) વૃત્તિના વેગમાં એ ત્રણ પ્રકાર થયા તે ગુણે કરીને થયા કે કોઈ બીજા હેતુએ કરીને થયા ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એ ત્રણ પ્રકારના જે ભેદ તે ગુણે કરીને નથી; એ તો જે પદાર્થમાં કેવળ ઇન્દ્રિયો જ પ્રવર્તે ત્યારે મંદ વેગ થાય છે, અને જ્યારે મને સહિત ઇન્દ્રિયો પદાર્થમાં જાય ત્યારે મધ્ય વેગ થાય છે અને જ્યારે ઇન્દ્રિયો, મન ને જીવ એ ત્રણે ભેગા થઈને પદાર્થમાં પ્રવર્તે છે ત્યારે તે વૃત્તિનો તીવ્ર વેગ થાય છે. અને તે તીવ્ર વેગ એક ચક્ષુ-ઇન્દ્રિયને વિષે લાગ્યો હોય તો બીજી ઇન્દ્રિયો તેને અનુવર્તી થઈને સર્વે ઇન્દ્રિયોમાં લાગે છે, એવી રીતે જે જે ઇન્દ્રિયમાં મુખ્યપણે તીવ્ર વેગ લાગ્યો હોય ત્યારે બીજી ઇન્દ્રિયો તેને અનુવર્તી થઈ રહે છે અને એ જે તીવ્ર વેગ તે રજોગુણી, સત્ત્વગુણી ને તમોગુણી એ ત્રણેને લાગે છે, અને એક એક ઇન્દ્રિયમાં તો સર્વેને તીવ્ર વેગ હોય છે અને તદનુસારે પદાર્થમાં હેત થાય છે. (૩)
૩ ત્યારે વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૩) એને ભગવાનમાં કેમ તીવ્ર વેગે કરીને હેત થાતું નથી ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, દીક્ષા, ઉપદેશ ને દેવતા એટલાને યોગે કરીને શુભ અથવા અશુભ આચરણ થાય છે. તે જો રૂડા દેશ, કાળ, સંગાદિક પ્રાપ્ત થયા હોય તો ભગવાનને વિષે પણ તીવ્ર વેગે કરીને સ્નેહ થાય છે અને જો ભૂંડા દેશાદિકનો યોગ થાય તો ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ થાય છે. (૪)
૪ ત્યારે ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૪) કાળ વિષમ હોય ત્યારે કેમ કરવું ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જ્યારે જે સ્થળમાં કાળનું વિષમપણું હોય ત્યારે તે ઠેકાણેથી અન્ય સ્થળમાં ભાગી જાવું પણ વિષમ કાળમાં રહેવું નહીં. (૫) તે કાળ સત્યયુગ, ત્રેતા, દ્વાપર ને કળિ રૂપે કરીને બહાર વર્તે છે ને પોતાના અંતરમાં પણ વર્તે છે, તે જ્યારે હૈયામાં કળિ વર્તતો હોય ત્યારે ભગવાનની મૂર્તિ હૈયામાં ધારવી નહિ; બાહેર નેત્રને આગળ ધારવી. (૬)
૫ પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૫) જેના હૃદયમાં મંદ વેગ, મધ્ય વેગ ને તીવ્ર વેગ વર્તતો હોય તે કેમ જાણવો ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જ્યારે મંદ વેગ વર્તતો હોય ત્યારે નાની બાળકી તથા નવયૌવનવાળી સ્ત્રી તથા વૃદ્ધ સ્ત્રી એ ત્રણેને દેખીને સરખો ભાવ રહે, કેમ જે ત્યાં એકલી ઇન્દ્રિયની જ વૃત્તિ ગઈ છે માટે તેમાં મંદ વેગ છે. અને જ્યારે ઇન્દ્રિયને વિષે મન ભળે છે ને એ ત્રણ પ્રકારની સ્ત્રીને દેખે છે ત્યારે બાળકી ને વૃદ્ધ સ્ત્રી તેનો તો ભૂંડો ઘાટ નથી થાતો અને યુવાન સ્ત્રીને વિષે ભૂંડો ઘાટ થાય છે ને વિકારને પામી જાય છે એને મધ્ય વેગ જાણવો. અને જ્યારે ઇન્દ્રિયને વિષે મન ને જીવ એ બેય ભળીને એ ત્રણ પ્રકારની સ્ત્રીને દેખે છે ત્યારે તો એ ત્રણે પ્રકારની સ્ત્રીને વિષે ભૂંડા ઘાટ થાય છે ને વિકારને પામે છે અને પોતાની મા-બોન હોય તો તેને દેખીને પણ વિકારને પામે એને તીવ્ર વેગ જાણવો. (૭)
૬ પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૬) એ ત્રણ પ્રકારની જે સ્ત્રીઓ તેને દેખીને વ્યક્તિ જણાય તથા રૂપ-કુરૂપ પણ જણાય અને વિકાર તો થાય નહિ ત્યારે તેને કિયો વેગ જાણવો ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જે પદાર્થને અત્યંત દુઃખદાયી જાણીને મનન થયું હોય પછી તે મનને કરીને તે પદાર્થને વિષે અત્યંત દોષ જણાય છે તે દોષનો મનમાં વિચાર થઈને જીવમાં તે દોષ પ્રવેશ કરે છે અને જીવથી પર જે સાક્ષી તેણે પણ તે દોષનું પ્રમાણ કર્યું છે તેણે કરીને એ દોષની અતિ દૃઢતા થઈ છે, માટે પદાર્થને વિષે જ્યારે ઇન્દ્રિયોની વૃત્તિ જાય છે ત્યારે તે વૃત્તિ ભેળે મન તથા જીવ એ બેય આવે છે પણ જીવમાં જે અતિશે દોષની દૃઢતા છે તે દોષની સેડ્ય મન-ઇન્દ્રિયોને વિષે સોંસરી નીસરે છે, માટે તે પદાર્થ યથાર્થ દેખાય ને જાણ્યામાં આવે પણ તેને વિષે અત્યંત અભાવ આવી જાય છે, જેમ દૂધ-સાકરનું પાત્ર ભર્યું હોય ને તેમાં સર્પે લાળ નાખી હોય ને તેને નાખતાં દીઠી હોય પછી તે દૂધ જેવું પૂર્વે દેખાતું હતું તેવું ને તેવું જ દેખાય પણ તેનો અતિ અભાવ હૈયામાં વર્તે છે, કેમ જે એણે એમ જાણ્યું છે જે, એને પીએ તો તત્કાળ પ્રાણ જાય, તેમ જેને એમ સમજાણું જે, આ રૂપવાન સ્ત્રી છે તે કલ્યાણના માર્ગમાં વિરોધી છે અને આ લોક-પરલોકને વિષે પરમ દુઃખદાયી છે ને સ્ત્રીની પ્રાપ્તિ તો મુને સર્વે પશુ આદિકના જન્મને વિષે અનંત વાર થઈ છે અને હજી જો પરમેશ્વરને નહિ ભજું તો અનંત સ્ત્રીની પ્રાપ્તિ થાશે માટે એ વાત દુર્લભ નથી, અને ભગવાન ને ભગવાનના સંતનો સંગ તે તો મહા દુર્લભ છે અને દુર્લભ વસ્તુની પ્રાપ્તિને વિષે એ સ્ત્રી જ પરમ વિઘ્નરૂપ છે, એવું જાણીને જે હૈયામાં દોષની દૃઢતા થઈ છે તેણે કરીને ગમે તેવી રૂપવાન સ્ત્રી દેખાઈ જાય તોપણ વિકાર થાય નહીં. અને વળી એને વિષે અવિકારી રહ્યાનું બીજું પણ કારણ છે, જેમ જનક વિદેહી જેવા જે મોટા ભગવાનના ભક્ત રાજા હતા તે રાજ્યમાં રહ્યા હતા ને રમણીક એવા જે શબ્દાદિક પંચવિષય તેને ભોગવતા થકા પણ જ્ઞાનની દૃઢતાએ કરીને નિર્વિકારપણે રહ્યા અને એ જનક જેવા જે જ્ઞાની હોય તે એમ વિચારે જે, હું આત્મા છું, શુદ્ધ છું, ચૈતન્ય છું, નિર્વિકાર છું, સુખરૂપ છું, અવિનાશી છું અને સ્ત્રીઆદિક જે વિષય છે તે તો દુઃખરૂપ છે, તુચ્છ છે, જડ છે ને નાશવંત છે, એમ વિચારીને કેવળ પોતાના આત્મ સ્વરૂપને જ સુખરૂપ જાણે છે અને શબ્દાદિક વિષયમાં જે સુખ જેવું જણાય છે ને સારા જેવું જણાય છે તે આત્મા વતે જણાય છે ને આત્મા દેહમાંથી નીકળી જાય ત્યારે સુખરૂપ હોય તે ભૂંડું થઈ જાય છે, એવી રીતે પોતાના આત્માને વિચારે અને આત્મા થકી પર જે પરમાત્મા તેનો વિચાર કરે જે, આવું જે માયા થકી પર શુદ્ધ આત્માનું જ્ઞાન તેને હું પામ્યો તે સંતને પ્રતાપે પામ્યો છું અને તે સંત પરમેશ્વરના ભક્ત છે અને પરમેશ્વર છે તે તો સર્વાત્મા એવા જે બ્રહ્મ તેના પણ આત્મા છે અને અક્ષરના પણ આત્મા છે અને અનંતકોટિ જે મુક્ત તેના પણ આત્મા છે, એવા જે પરબ્રહ્મ પરમાત્મા નારાયણ તેનો હું બ્રહ્મરૂપ એવો દાસ છું, અને તે ભગવાનનો મહિમા તો એમ સમજે જે ।। धुपतय एव ते न ययुरंत मनंततया ।। ઇત્યાદિક શ્રુતિએ ભગવાનનો મહિમા અતિશે પ્રતિપાદન કર્યો છે, એવી રીતે પોતાના સ્વરૂપનું તથા પરબ્રહ્મના સ્વરૂપનું જેને જ્ઞાન છે તેને ગમે તેવા સુંદર વિષય પ્રાપ્ત થાય પણ તેણે કરીને કાંઈ લેશમાત્ર પણ તેનું મન વિકારને પામે નહિ અને અવશ્ય જે શબ્દાદિક વિષય ગ્રહણ કર્યા જોઈતા હોય તેને ગ્રહણ કરે પણ તે વિષયને આધીન થઈ જાય નહિ; સ્વતંત્રપણે ગ્રહણ કરે, જેમ કરોળિયો પોતાની લાળને વિસ્તારીને પાછી સ્વતંત્રપણે ગળવી ઘટે ત્યારે ગળી લે છે તેમ એવો જે જ્ઞાની તે પોતાનાં ઇન્દ્રિયોની વૃત્તિને વિષયમાં પ્રસારીને પાછો સ્વતંત્ર થકો સંકેલી લે છે અને એવો જે હોય તે રાજ્યમાં હોય તોપણ વનમાં છે અને વનમાં હોય તોપણ તેને રાજ્ય કરતાં વધતો આનંદ છે અને એવો જે જ્ઞાની તે રાજ્યમાં રહ્યા હોય અને હજારો મનુષ્ય પોતાની આજ્ઞામાં રહેતા હોય ને સમૃદ્ધિએ યુક્ત હોય તેણે કરીને પોતાને કાંઈ એમ ન માને જે, હું બહુ મોટો થઈ ગયો અને તે રાજ્યનો નાશ થઈ જાય અને હાથમાં મૃત્તિકાનું પાત્ર લેઈને ઘરોઘર માગી ખાય તેણે કરીને એમ ન માને જે, હું તો હવે ગરીબ થઈ ગયો, કેમ જે તે તો પોતાના કેફમાં મહા અલમસ્ત રહે તથા તેણે પોતાના સ્વરૂપનો તથા ભગવાનના સ્વરૂપનો મહિમા જાણ્યો છે તે માટે એને સોનું, કૂચો, લોઢું, પાષાણ એ સર્વેને વિષે સમબુદ્ધિ વર્તે છે તથા માન, અપમાનને વિષે સમબુદ્ધિ વર્તે છે અને એવો જે જ્ઞાની તેને કોઈ પદાર્થ બંધન કરવા સમર્થ નથી, કેમ જે એની દૃષ્ટિ તો અતિ મોટી થઈ ગઈ છે ને માયિક સર્વે પદાર્થને તુચ્છ જાણ્યા છે, જેમ કોઈક પુરુષ પ્રથમ કંગાલ હોય ને પછી તેને રાજ્ય મળે ત્યારે તેની દૃષ્ટિ મોટી થાય છે ને પ્રથમ લાકડાના ભારા વેચતો હોય તથા બીજા તુચ્છ તુચ્છ કામ કરતો હોય તે સર્વે એને વિસરી જાય ને મોટા મોટા રાજ્ય સંબંધી કાર્ય કરવા લાગે, તેમ એવા જ્ઞાનીને સર્વે પદાર્થમાત્ર તુચ્છ થઈ જાય છે ને એવા જ્ઞાનને વિષે એની વિશાળ દૃષ્ટિ થાય છે અને એવી રીતે જે સમજ્યો છે તે સુખિયો છે. તથા જે વિશ્વાસી હોય કહેતાં એમ સમજતો હોય જે, આવા મોટા સંત તથા ભગવાન જે વાત કહે છે તે એમ જ છે પણ એમાં કાંઈ સંશય નથી, એમ સમજીને તે ભગવાન તથા સંત જેમ કહે તેમ કરવા લાગે એ બે જણા સુખિયા છે ને એ વિના જે બીજા છે તે સુખિયા નથી ત્યાં શ્લોક છે :
यश्च मूढममौ लोके यश्च बुद्धे: परं गत: । तावुभौ सुखमेधेते किलश्यत्यंतरितो जन: ।।
તથા ભગવદ્ગીતામાં કહ્યું છે જે :-
विषया विनिवर्तन्ते निराहारस्य देहिन: । रसवर्ज रसोडप्यस्य परं दृष्ट्वा निवर्तते ।।
એવી રીતે જેની અલૌકિક દૃષ્ટિ થાય છે તેને પરમેશ્વર વિના સર્વે પદાર્થ તુચ્છ થઈ જાય છે અને આ બે શ્લોક છે તેનો પણ એકસરખો ભાવ છે. (૮)
પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને કહ્યું જે, હે મહારાજ ! હવે તમે જે પ્રશ્ન પૂછતા હતા તે પૂછો. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, (૭) માયામાં તે કેવળ દુઃખ છે કે સુખ પણ કાંઈક છે ? એ પ્રશ્ન છે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, માયા તો કેવળ દુઃખદાયી છે. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, માયામાંથી ઊપન્યા એવા જે સત્ત્વ, રજ ને તમ એ ત્રણ ગુણ તેમાં જે સત્ત્વ છે તે તો સુખરૂપ કહેવાય છે તથા શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે જે ।। सत्त्वं यद् ब्रह्मदर्शनम् ।। તથા સત્ત્વગુણની સંપત્તિ તે જ્ઞાન, વૈરાગ્ય, વિવેક, શમ, દમાદિક છે એવી જે માયા તે કેઈ રીતે દુઃખરૂપ છે ? અને વળી એકાદશસ્કંધમાં કહ્યું છે જે :
विद्याविद्ये मम तनू विद्धयुद्धव ! शरीरिणाम् । बधंमोक्षकरी आद्ये मायया मे विनिर्मिते ।।
માટે મોક્ષને કરે એવી જે વિદ્યારૂપ માયા તે કેઈ રીતે દુઃખદાયી છે ? પછી એ પ્રશ્નને સાંભળીને મુક્તાનંદ સ્વામી આદિક સર્વે પરમહંસ બોલ્યા જે, હે મહારાજ ! એનો ઉત્તર અમથી થાય નહિ; એનો ઉત્તર તો કૃપા કરીને તમે જ કરો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેમ યમરાજાનું જે રૂપ તે પાપી જીવને અતિ ભયાનક વિકરાળ જણાય છે તથા મોટા મોટા દાંત ને મોટું મુખ ભયાનક દેખાય છે તથા કાજળ જેવું કાળું ને પર્વત જેવું મોટું ને કાળ જેવું ભયાનક એવું દુઃખરૂપ દેખાય છે, અને પુણ્યવાળા જે જીવ તેને તો તે યમરાજાનું રૂપ અતિશે સુખદાયી વિષ્ણુના જેવું જણાય છે. તેમ માયા છે તે જે ભગવાનથી વિમુખ છે તેને તો અતિ બંધન કરનારી છે ને અતિ દુઃખદાયી છે અને જે ભગવાનના ભક્ત છે તેને તો એ માયા અતિશે સુખદાયી છે અને માયાનાં કાર્ય જે ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેવતા તે સર્વે ભગવાનની ભક્તિને અતિ પુષ્ટ કરે છે, માટે ભગવાનના ભક્તને તો માયા દુઃખદાયી નથી; પરમ સુખદાયી છે. (૯)
૮ પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૮) જ્યારે માયા સુખદાયી છે ત્યારે પરમેશ્વરનો ભક્ત હોય તે ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારીને ભજન કરવા બેસે છે, ત્યારે એને અંતઃકરણરૂપ માયા તે સંકલ્પ-વિકલ્પ રૂપે કરીને કેમ દુઃખ આપે છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને ભગવાનનું માહાત્મ્ય સારી પેઠે સમજીને અતિશે દૃઢ ભગવાનનો આશ્રય હોય તેને તો અંતઃકરણરૂપ માયા છે તે દુઃખ દેતી નથી અને જેને એવા આશ્રયમાં ફેર હોય તેને દુઃખ દે છે, જેમ કાચોપોચો સત્સંગી હોય તો તેને કુસંગી હોય તે ડગાવવાનો આગ્રહ કરે, પણ જે પાકો સત્સંગી હોય તેને ડગાવ્યાની કોઈ લાલચ રાખે નહિ અને તેને સાંભળતા કોઈ સત્સંગનું ઘસાતું બોલી શકે નહિ, તેમ જેને એવો પરિપક્વ પરમેશ્વરનો આશરો થયો છે તેને ડગાવ્યાની લાલચ અંતઃકરણરૂપ માયા રાખે નહિ અને સામી તેની ભક્તિમાં પુષ્ટિ કરવા લાગે; અને જેના જીવને વિષે એવા આશરામાં કાંઈ કાચ્યપ હોય તેને એ માયા ડગાવે છે ને દુઃખ દે છે અને જ્યારે એનો એ જીવ એવી રીતે ભગવાનનો પરિપક્વ આશ્રય કરશે ત્યારે એને ડગાવ્યાને અર્થે ને પીડવાને અર્થે માયા સમર્થ નહિ થાય માટે એનો ઉત્તર એ જ છે, જે જેને ભગવાનનો એવો પરિપક્વ નિશ્ચય છે તેને કોઈ રીતે માયા દુઃખ દેવાને અર્થે સમર્થ થાતી જ નથી. (૧૦) ઇતિ વચનામૃતમ્ ।।૧૦।। (૧૧૮)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૮) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે અસાધારણ ને સાધારણ હેત થયાના ભેદ કર્મે કરીને કહ્યા છે. (૧) અને ત્રણ પ્રકારના વેગમાં જેવે વેગે વૃત્તિ પદાર્થમાં ચોંટે તેવું કર્મ લાગે છે અને કર્મે કરીને સ્નેહમાં ત્રણ પ્રકાર કહ્યા છે. (૨) બીજામાં ઇન્દ્રિયો, મન ને જીવ ભળવાથી મંદ, મધ્યમ ને તીવ્ર વેગ થાય છે તે તીવ્ર વેગ ત્રણે ગુણવાળાને લાગે છે. (૩) ત્રીજામાં તીવ્ર વેગવાળાને રૂડા દેશાદિક પ્રાપ્ત થાય તો અમારે વિષે સ્નેહ થાય છે અને ભૂંડા દેશાદિકનો યોગ થાય તો અમારા વિના બીજા પદાર્થમાં પ્રીતિ થાય છે. (૪) ચોથામાં વિષમ દેશકાળમાં ન રહેવું. (૫) અને હૃદયમાં કળિ વર્તતો હોય ત્યારે અમારી મૂર્તિને બહાર ધારવી. (૬) પાંચમામાં મંદ, મધ્યમ ને તીવ્ર વેગ જાણવાના ઉપાય બતાવ્યા છે. (૭) છઠ્ઠામાં સ્ત્રીને કલ્યાણના માર્ગમાં વિરોધી ને દુઃખદાયી જાણે તેને વિકાર ન થાય અને બીજું પોતાને આત્મારૂપ માને અને સર્વાત્મા એવા જે બ્રહ્મ તથા અક્ષર તથા મુક્તો એ સર્વેના આત્મા માને અને સર્વાત્મા એવા જે બ્રહ્મ તથા અક્ષર તથા મુક્તો એ સર્વેના આત્મા એવા પરબ્રહ્મ પરમાત્મા જે અમે તે અમારો મહિમા જાણે તેને સર્વે પદાર્થ તુચ્છ થઈ જાય. તે તથા વિશ્વાસી તે સુખિયા છે; તે વિના સર્વે દુઃખિયા છે. (૮) સાતમામાં અમારા ખરા ભક્તને માયા પરમ સુખદાયી છે. (૯) આઠમામાં અમારો અતિશે દૃઢ આશરો હોય તેને અંતઃકરણરૂપ માયા દુઃખ દેવા સમર્થ નથી ને એવા આશરામાં ફેર હોય તેને દુઃખ દે છે. (૧૦) બાબતો છે.
૧ પ્ર. (૪/૫ ચોથા પ્રશ્નમાં) હૃદયમાં કળિ વર્તતો હોય ત્યારે શ્રીજીમહારાજની મૂર્તિ નેત્ર આગળ ધારવી અને બહાર કળિ વર્તતો હોય ત્યારે અન્ય સ્થળમાં ભાગી જાવું એમ કહ્યું તે અન્ય સ્થળ કિયું જાણવું ?
૧ ઉ. મારકૂટ થતી હોય અથવા નિરાકારવાદી, કર્મવાદી, શક્તિપંથી તથા કુડાપંથી એવા દુષ્ટજનો રહેતા હોય તે સ્થળ કહ્યું છે ત્યાંથી બીજે ઠેકાણે જતું રહેવું પણ તે સ્થળમાં ન રહેવું.
૨ પ્ર. (૬/૮ છઠ્ઠા પ્રશ્નમાં) શ્રીજીમહારાજે સર્વાત્મા બ્રહ્મ, અક્ષર તથા અનંતકોટિ મુક્તોના આત્મા પોતાને કહ્યા તે સર્વાત્મા બ્રહ્મ કોને જાણવા ? અને અક્ષર કોને જાણવા ? અને મુક્ત કોને જાણવા ?
૨ ઉ. શ્રીજીમહારાજનું તેજ અનંત મૂળઅક્ષરાદિક સર્વેનું આત્મા છે તેને આ ઠેકાણે સર્વાત્માબ્રહ્મ કહ્યા છે. અને એ તેજમાં રહ્યા જે શ્રીજીમહારાજના સાધર્મ્યપણાને પામેલા મુક્તો તેમને મુક્ત કહ્યા છે. અને તેથી ઓરા શ્રીજીમહારાજના પ્રકાશરૂપ બ્રહ્મજ્યોતિની કિરણોમાં મૂળઅક્ષરની કોટિઓ રહી છે તેને અક્ષર કહ્યા છે તે અક્ષરના આત્મા પોતાના તેજ દ્વારે છે. અને મુક્તોના તથા એ તેજના આત્મા મૂર્તિમાન પોતે છે. ।।૧૦।।