વચનામૃત લોયાનું - ૧૧

સંવત ૧૮૭૭ના માગશર વદિ ૮ આઠમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાખાચરના દરબારમાં પ્રાતઃકાળને સમે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

       પછી શ્રીજીમહારાજને શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) શ્રીમદ્‌ ભાગવત તથા ભગવદ્‌ગીતા એ આદિક જે સત્‌શાસ્ત્ર તે થકી અસત્પુરુષ જે તે કેવી સમજણનું ગ્રહણ કરે છે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એનો ઉત્તર કરીએ છીએ જે અસત્પુરુષની એમ સમજણ છે જે, આ વિશ્વને વિષે સ્થાવર-જંગમરૂપ એવી જે સ્ત્રી-પુરુષની સર્વે આકૃતિઓ તે જે તે વિરાટરૂપ એવા જે આદિ પુરુષ નારાયણ તે થકી માયાએ કરીને ઊપજી છે, માટે એ સર્વે આકૃતિઓ તે નારાયણની જ છે, તે સારુ જે મુમુક્ષુ કલ્યાણને ઇચ્છતો હોય તેને પ્રથમ પોતાનું મન વશ કરવું તે મન જે તે સ્ત્રીઓ તથા પુરુષરૂપ એવી ઉત્તમ-નીચ જે જે આકૃતિઓ તેને વિષે આસક્ત થાય ત્યારે તેને તે જ આકૃતિનું મનને વિષે ધ્યાન કરવું તો એને સદ્ય સમાધિ થાય; અને તે આકૃતિને વિષે જો મન દોષને કલ્પે તો તેમાં બ્રહ્મની ભાવના લાવવી જે સમગ્ર જગત તે બ્રહ્મ છે એમ વિચાર કરીને તે સંકલ્પને ખોટો કરવો, એવી રીતે જે સત્‌શાસ્ત્રમાંથી અનુભવનું ગ્રહણ કરવું તે અસત્પુરુષની સમજણ છે, અને એમ સમજવું એ એના મનનો અતિ દુષ્ટભાવ છે અને એનું ફળ અંતકાળે ઘોરતમ નરક છે ને સંસૃતિ છે. (૧)

       ત્યારે વળી શ્રીજીમહારાજને શુકમુનિએ પ્રશ્ન કર્યો જે, (૨) એ સત્‌શાસ્ત્ર થકી સત્પુરુષ જે તે કેવી સમજણનું ગ્રહણ કરે છે તે કહો ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એ સત્‌શાસ્ત્રને વિષે જ એ પ્રશ્નનો ઉત્તર કર્યો છે જે, એક પુરુષોત્તમનારાયણ વિના બીજા જે શિવ-બ્રહ્માદિક દેવતા તેનું ધ્યાન જે મોક્ષને ઇચ્છતો હોય તેને કરવું નહિ અને મનુષ્યને વિષે તથા દેવતાને વિષે જે પુરુષોત્તમનારાયણની રામકૃષ્ણાદિક મૂર્તિઓ તેનું ધ્યાન કરવું ને તેને વિષે પણ જે ડાહ્યા છે તે જે તે, જે સ્થાનકમાં એ રામકૃષ્ણાદિક ભગવાનની મનુષ્યરૂપ મૂર્તિઓ રહી છે તે સ્થાનકને વિષે વૈકુંઠ, ગોલોક, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર એ લોકની ભાવના કરે છે અને તે લોકોને વિષે રહ્યા જે પાર્ષદ તેની ભાવના રામકૃષ્ણાદિકના પાર્ષદ જે હનુમાન-ઉદ્ધવાદિક તેને વિષે કરે છે અને કોટિ કોટિ સૂર્ય, ચંદ્રમા, અગ્નિ તેના પ્રકાશ જેવી પ્રકાશમાન એવી તે લોકોને વિષે રહી જે પુરુષોત્તમનારાયણની દિવ્ય મૂર્તિઓ તેની ભાવના તે રામકૃષ્ણાદિકને વિષે કરે છે, એવી રીતે જે સત્શાસ્ત્ર થકી સમજણનું ગ્રહણ કરીને દિવ્યભાવે સહિત મનુષ્યરૂપ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે છે તેને ભગવાનના અવતારની જે મૂર્તિઓ તથા તે વિનાના જે અન્ય આકાર તે બેયને વિષે સમપણું થાય જ નહીં. (૨) અને ભગવાનના અવતારની જે મૂર્તિઓ તે છે તો દ્વિભૂજ અને તેને વિષે ચાર ભુજાની ભાવના, અષ્ટ ભુજાની ભાવના કહી છે તે પણ ભગવાનની મૂર્તિ ને તે વિનાના અન્ય આકાર તે બેમાં જે અવિવેકી પુરુષને સમભાવ થાય છે તેની નિવૃત્તિને અર્થે કહી છે. (૩) અને જેવી ભગવાનની મૂર્તિ પોતાને મળી હોય તેનું જ ધ્યાન કરવું અને પૂર્વે ભગવાનના અવતાર થઈ ગયા તે મૂર્તિનું ધ્યાન ન કરવું અને પોતાને ભગવાનની જે મૂર્તિ મળી હોય તેને વિષે જ પતિવ્રતાની પેઠે ટેક રાખવી, જેમ પાર્વતીએ કહ્યું છે જે “કોટિ જન્મ લગ રગડ હમારી, વરું શંભુ કે રહું કુમારી” એવી રીતે પતિવ્રતાપણાની ટેક તે પણ ભગવાનનું રૂપ ને અન્ય જીવનું રૂપ તે બેને વિષે અવિવેકી પુરુષને સમભાવ થાય છે તેની નિવૃત્તિને અર્થે કહી છે, કેમ જે પોતાને મળી જે મૂર્તિ તેને મૂકીને તેના જ પરોક્ષ અવતાર થયા છે તેનું જો ધ્યાન કરે તો તે ભગવાન વિના બીજા જે દેવ-મનુષ્યાદિક આકાર છે તેનું પણ ધ્યાન કરે માટે પતિવ્રતાના જેવી ટેક કહી છે પણ ભગવાનની મૂર્તિઓને વિષે ભેદ નથી, આવી રીતે સત્પુરુષની સમજણ છે. (૪) માટે સત્‌શાસ્ત્રનું શ્રવણ કરવું તે સત્પુરુષ થકી જ કરવું પણ અસત્પુરુષ થકી સત્‌શાસ્ત્રનું કોઈ દિવસ શ્રવણ કરવું નહીં. (૫) ઇતિ વચનામૃતમ્‌ ।।૧૧।। (૧૧૯)

        રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, સત્‌શાસ્ત્ર થકી અવળું સમજે તે અસત્પુરુષ છે ને અતિ દુષ્ટ છે ને એનું ફળ ઘોરતમ નરક ને સંસૃતિ છે. (૧) બીજામાં જે જે સ્થાનોમાં જે જે અવતારોની મૂર્તિઓ મનુષ્ય રૂપે રહી હોય તે તે સ્થાનોને તે તે અવતારોનાં ધામ જાણવાં એટલે વૈકુંઠનાથની મૂર્તિ જે સ્થાનમાં મનુષ્ય રૂપે વિરાજતી હોય તે સ્થાનને વૈકુંઠ તુલ્ય જાણવું અને તેના પાર્ષદોને વૈકુંઠના પાર્ષદો તુલ્ય જાણવા અને તે મૂર્તિને જેવી વૈકુંઠમાં છે તેવી જાણવી, તેમ જ ગોલોકવાસીની મૂર્તિ જે સ્થાનમાં મનુષ્ય રૂપે દેખાતી હોય તે સ્થાનને ગોલોક તુલ્ય જાણવું અને તે મૂર્તિને ગોલોકમાં છે તેવી જાણવી અને તેના પાર્ષદોને ગોલોકના પાર્ષદો તુલ્ય જાણવા, તેમ જ અક્ષરધામવાસી અમે છપૈયા ધામને વિષે પ્રગટ થઈને મનુષ્ય રૂપે દેખાયા છીએ, માટે અમે જેવા અક્ષરધામમાં છીએ તેવા જાણવા પણ કાંઈ ફેર જાણવો નહિ, અને પ્રથમ આવિર્ભાવસ્થાન એવું જે છપૈયા તે તો અક્ષરધામ જ છે તેમાં તો શું કહેવું ? પણ બીજાં જે જે સ્થાનોમાં અમે વિચર્યા તે તે સ્થાનોને પણ અક્ષરધામ તુલ્ય જાણવાં અને અમારા ભક્તોને અક્ષરધામમાં મુક્તો છે તેવા જાણવા. (૨) અને અમારા અવતારની મૂર્તિઓ દ્વિભુજ છે અને જે ચતુર્ભુજ-અષ્ટભુજની ભાવના કહી છે તે તો મનુષ્યરૂપ મૂર્તિને વિષે અને અન્ય આકારોને વિષે અવિવેકી મનુષ્યોને સમભાવ ન થાય માટે કહી છે. (૩) અને તમને મળ્યા જે અમે તે તમારે અમારી મૂર્તિનું ધ્યાન કરવું પણ બીજા અમારા અવતારો થઈ ગયા તેમનું ધ્યાન કરવું નહીં. (૪) અને સત્‌શાસ્ત્રનું શ્રવણ સત્પુરુષ થકી જ કરવું પણ અસત્પુરુષ થકી ન કરવું. (૫) બાબતો છે.

       પ્ર. પહેલા પ્રશ્નમાં સર્વે આકૃતિઓ નારાયણ થકી જ થઈ છે તેને વિષે બ્રહ્મની ભાવના લાવીને તે આકૃતિનું ધ્યાન કરે તેને શ્રીજીમહારાજે અસત્પુરુષ કહ્યા ને અતિ દુષ્ટ કહ્યા ને એને ઘોરતમ નરક ને સંસૃતિની પ્રાપ્તિ કહી તે એમાં એવું શું દૂષણ આવ્યું તે એને અસત્પુરુષ કહ્યા ?

       ઉ. પોતાના દેહને દિવ્ય માનીને અથવા બીજા કોઈકને દિવ્ય માનીને ધ્યાન કરે તો તે દેહ તો માયાનો છે તે કાંઈ દિવ્ય માનવે કરીને દિવ્ય થઈ જાતો નથી, જેમ કોડી હોય તેને કોડી છે જ નહિ; હીરો છે એમ માનવાથી કોડીનો હીરો થતો નથી, તેમ માયાના તત્ત્વનો બંધાયેલો જડ દેહ છે તેને દિવ્ય માનવાથી દિવ્ય થઈ જાય નહિ, માટે એવી સમજણવાળો નરકે જ જાય ને જન્મ-મૃત્યુને વારંવાર પામે પણ તેનું કલ્યાણ કોટિ કલ્પે થાય નહિ, માટે આ દેહ તો માયિક ને જડ છે તેને દિવ્ય ન માનવો.

૨      પ્ર આ દેહનો જ્ઞાને કરીને પ્રલય કરી નાખે જે દેહ છે જ નહિ; પુરુષોત્તમ જ છે તો જેમ પૃથ્વી આદિક ચાર ભૂત તે પ્રલય સમે આકાશરૂપ થઈ જાય છે તેમ આ દેહ પુરુષોત્તમરૂપ થાય કે નહીં ?

       . પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ તે સજાતિ છે ને માયાનાં છે તે એકબીજામાં પ્રલય સમે મળી જાય છે અને પુરુષોત્તમ તો દિવ્ય છે માટે વિજાતિ છે તે વિજાતિ એવા જે પુરુષોત્તમ તેમને વિષે દેહ લીન થઈ જાય નહિ, માટે એવી રીતે સમજનારાનો અતિ દુષ્ટભાવ છે અને તે ભૂલો પડ્યો છે માટે દેહને દિવ્ય માનવો નહીં.

       પ્ર. (૨/૪ બીજા પ્રશ્નમાં) શ્રીજીમહારાજે બીજા અવતારોનું ધ્યાન કરવાની ના પાડી અને આ તમને મળી જે મૂર્તિ તેનું ધ્યાન કરવું એમ કહ્યું તે જ્યારે શ્રીજીમહારાજે વાત કરી ત્યારે તો શ્રીજીમહારાજની મૂર્તિ મળી હતી પણ એ મનુષ્યરૂપ મૂર્તિ આજ તો દૃષ્ટિગોચર નથી માટે આજ કઈ મૂર્તિ જાણવી ?

       ઉ. જે મૂર્તિ મનુષ્ય રૂપે હતી તે જ મૂર્તિ આજ પ્રતિમા રૂપે છે માટે પ્રતિમાનું ધ્યાન કરવું. આનો વિશેષ વિસ્તાર (પ્ર. ૧૪ના પાંચમા પ્રશ્નોત્તરમાં તથા ૫૯ના પહેલા પ્રશ્નોત્તરમાં) છે.

       પ્ર. શ્રીજીમહારાજનું ધ્યાન કેવી રીતે કરવું ?

       ઉ. પોતાને શ્રીજીમહારાજનું તેજ જે અક્ષરધામ તે રૂપ માનીને તે તેજમાં મૂર્તિ ધારવી તે પરમએકાંતિકની સ્થિતિ પામવાનું ધ્યાન છે; અને શ્રીજીમહારાજની મૂર્તિમાં રહીને શ્રીજીમહારાજની મૂર્તિને ધારે તે અનાદિમુક્તની સ્થિતિ પામવાનું ધ્યાન છે.

       પ્ર. પાર્વતીની પેઠે ટેક રાખવી એમ કહ્યું તે પરોક્ષ અવતારોને વિષે એવી ટેક રાખી હોય તે શ્રીજીમહારાજને વિષે પતિવ્રતાપણું કરે તો તેને ખોટ્ય આવે કે લાભ મળે ?

       ઉ. શ્રેષ્ઠ ઇષ્ટદેવ મળે તો ન્યૂન ઇષ્ટદેવની ઉપાસના મૂકી દઈને શ્રેષ્ઠ ઇષ્ટદેવની ઉપાસના કરવી ને તેમાં પતિવ્રતાપણાની ટેક રાખવી તેમાં તો લાભ છે. આમાં એમ સમજવાનું છે જે, પાર્વતીએ જેમ પતિવ્રતાપણું ન મૂક્યું તો અમે તો સર્વોપરી મળ્યા છીએ તો અમારે વિષે તો અતિ દૃઢ પતિવ્રતાપણું રાખવું જ એમ સૂચવ્યું છે. ।।૧૧।।