વાર્તા ૧૦

કારતક સુદ ૧૪ને રોજ શ્રી વૃષપુર મધ્યે સવારે સભામાં પ્રથમ પ્રકરણનું ૫૮મું વચનામૃત વંચાતું હતું. તેમાં રાંક હોય તે રાજા થાય એમ આવ્યું. ત્યારે પુરાણી કેશવપ્રિયદાસજીએ પૂછ્યું જે, બાપા ! એનો અર્થ કેવી રીતે સમજવો ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, વચનામૃતના શબ્દ દ્વિઅર્થી છે. તેમાં પરભાવ તથા અવરભાવ જાણવો જોઈએ. મહારાજની મૂર્તિમાં તથા હજૂરમાં રહે તે રાજા જાણવા. આ પરભાવનો અર્થ છે. બીજો અવરભાવનો અર્થ એ છે જે, આ લોકનું રાજ્ય મળે તે પણ રાજા કહેવાય, પણ તે તો રાંક જ છે. જ્યાં સુધી કામ, ક્રોધ, લોભ, માન આદિક દોષનો દોર્યો દોરાય ત્યાં સુધી રાંક અને એ દોષને જીતીને વશ કરે ને એથી રહિત થાય તે રાજા કહેવાય. આ અવરભાવનો અર્થ છે. પરભાવમાં તો કાળ, કર્મ, માયા આદિક સર્વેથી રહિત થઈને મૂર્તિનો સાક્ષાત્કાર કરવો જોઈએ. પછી પ્રથમ પ્રકરણનું ૫૯મું વચનામૃત વંચાવ્યું. તેમાં શુભ-અશુભ દેશકાળના હેતુ શુભ અને અશુભ બે પ્રકારના પુરુષ છે એમ આવ્યું. ત્યારે બાપાશ્રીએ વાત કરી જે, અમદાવાદની સભામાં ખોરજના શંભુજી ગરાસિયા પોક મૂકીને રોવા લાગ્યા, ત્યારે અમે પૂછ્યું જે, કેમ રુવો છો ? ત્યારે તે બોલ્યા જે, આગળ મોટા મોટા સદ્‌ગુરુઓ અને ધ.ધુ. આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ હતા તે જોયું છે અને આજ આવું જોઈને રોઉં છું. જે કોઈકને મારે છે, લડે છે અને ભડાભૂટ કરે છે, એ દહાડા આવ્યા.

પછી પ્રથમ પ્રકરણનું ૨૫મું વચનામૃત વંચાતું હતું, તેમાં છક ન રાખવો એમ આવ્યું. ત્યારે સાધુ મુક્તવલ્લભદાસજીએ પૂછ્યું જે, તે છક કેમ જાય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, નિશ્ચય હોય તો છક ન આવે. ।। ૧૦ ।।