વાર્તા ૪૪
સવારે સભામાં કથા વંચાઈ રહ્યા પછી બાપાશ્રી બોલ્યા જે, આ મહારાજની મૂર્તિ (પ્રતિમા રૂપે) છે તે દિવ્ય અક્ષરધામમાં છે તે જાણવી. “આ સભા દિવ્ય અક્ષરધામની છે. તે જો અમે ખોટું કહેતા હોઈએ તો અમને નરનારાયણનાં સમ છે.” એમ મહારાજે સમ ખાધા છે. આ સભા અનાદિમુક્તની છે. આ સભામાં પ્રત્યક્ષ મહારાજ બિરાજે છે. તે જો અમે ખોટું કહેતા હોઈએ તો અમને ભાર છે. એ બે વાતો દૃઢ કરવી જોશે. એ બે વાતો દૃઢ થઈ તો અંતર્વૃત્તિ થઈ જાણવી. જો એ બે વાતો સિદ્ધ થાય તો ખરેખરો એકાંતિક થાય. તે એકાંતિક કેને કહીએ ? તો આંખે આંધળો થાય, કાને બહેરો થાય, ત્વચા, રસના, નાસિકા આદિના સર્વે વિષયે રહિત થયો ને માંહી રાગ ન રહે તે એકાંતિક કહેવાય, તે કૃપાનો પાત્ર થયો. પછી પરબ્રહ્મ પરમાત્મા ભગવાનને આત્મામાં પધરાવે ત્યારે પરમએકાંતિક થાય છે, તે ખરી કૃપાનો પાત્ર થયો. પછી મહારાજ તેના ઉપર પૂર્ણ દયા કરે ત્યારે અનુભવજ્ઞાન મૂર્તિમાંથી છૂટે છે, તે અનુભવજ્ઞાન ભક્તને મૂર્તિમાં ખેંચે છે ને મૂર્તિમાં જોડી દે છે, ત્યારે અનાદિમુક્ત થાય છે. સાધનકાળમાં પણ મોટાની કૃપા હોય તો જ સિદ્ધ થવાય છે.મોટાની સહાયતા વિના કાંઈ થાય નહીં. ઇંદ્રથી લઈને અક્ષર સુધી સાધન છે, અક્ષરથી પર એકાંતિક, પરમએકાંતિક થાય ત્યારે કૃપા થાય. પછી કૃપાથી મૂર્તિના સુખમાં પહોંચાય છે. એ સારુ મોટા અનાદિ સાથે દૃઢ આત્મબુદ્ધિ કરવી. જેવી દેહને વિષે આત્મબુદ્ધિ છે તેવી કરવી. મહારાજ અને મોટાની આજ્ઞા બરાબર પાળવી, ઉપાસના પરિપક્વ સમજવી, મૂર્તિમાં ધ્યાને કરીને જોડાવું; તે જો પ્રત્યક્ષ મહારાજની મૂર્તિ પધરાવીને પ્રદક્ષિણા કરે તો અનંત બ્રહ્માંડ, અનંત અક્ષર, અનંત પાર્ષદ ને દિવ્ય સભા તે સર્વે આવી જાય છે.
પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, બાપા ! અનુભવજ્ઞાન મૂર્તિમાં ખેંચે છે તે અનુભવજ્ઞાન કોને કહીએ ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મૂર્તિમાં ખેંચે છે, મૂર્તિનું પ્રમાણ કરે છે, મૂર્તિના સુખનું પ્રમાણ કરે છે અને મૂર્તિમાં જોડાવે છે તે અનુભવજ્ઞાન કહેવાય. અને એમ જાણે જે આ ગોપાળાનંદ સ્વામી, આ મુક્તાનંદ સ્વામી, આ બ્રહ્માનંદ સ્વામી, આ દાદાખાચર, આ પર્વતભાઈ એવી રીતે જાણપણું રહે તે અનુભવજ્ઞાનથી રહે છે. પછી મધ્ય પ્રકરણનું ૪૭મું વચનામૃત વંચાતું હતું. તેમાં આવ્યું જે, “આ રોગે સારું સારું ખાવાનું ખંડન કરી નાખ્યું. તે મુમુક્ષુ હોય તેને એમ જણાય જે, આ ક્ષયરોગ રૂપે મોટાપુરુષનો સમાગમ થયો.” ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ભગવાનના ભક્તને રોગ થાય તો મોટાનો સમાગમ મળ્યો જાણી તેમાં દુઃખ માનવું નહીં.
ત્યારે પુરાણી હરિપ્રસાદદાસજીએ પૂછ્યું જે, રોગ સમાગમમાં વિઘ્ન કરતો હોય તેનું કેમ કરવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મૂર્તિમાં અને સંતમાં હેત રાખવું. મૂર્તિમાં હેત હોય તો હજાર ગાઉ છેટે હોય કે લાખ ગાઉ છેટે હોય તોપણ મહારાજ ને મોટા પાસે જ છે. અને ખરું હેત હોય તો જળમાં, અગ્નિમાં ગમે તે ઠેકાણે હોય તોપણ મહારાજ તથા મોટા ભેગા રહે, દર્શન આપે અને રક્ષા કરે. જેમ કૈવલ્યાનંદ સ્વામીને જળમાં દર્શન દીધાં અને રક્ષા કરી તથા જેમ મામૈયા ભક્તે, હે સ્વામિનારાયણ બાપા !, એમ હેતથી સંભાર્યા તે વખતે મહારાજે દર્શન આપ્યાં, એમ હેતથી સંભારે તો મહારાજ સાથે રહે. આવી દિવ્ય સભામાં મહારાજ પ્રત્યક્ષ બિરાજે છે, મંદ મંદ જુએ છે, મંદ મંદ હસે છે, મંદ મંદ બોલે છે, મંદ મંદ પ્રસાદી આપે છે; પણ જેને દિવ્યદૃષ્ટિ થાય તે દેખે.
પછી લાલુભાઈએ પૂછ્યું જે, અનાદિમુક્ત દ્વારે શ્રીજીમહારાજ સુખ આપે છે એમ કહેવાય છે તે શું સમજવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અનાદિ તો મૂર્તિરૂપ છે, દ્વાર તો બીજા સાધનિક ભક્તને સમજાવવા કહેવાય, પણ અનાદિ તો મૂર્તિ-સ્વરૂપ છે. મૂર્તિથી જુદા નથી. તોપણ દાતા-ભોક્તા અને સ્વામી-સેવકપણું દૃઢ રહે છે; તેમની સાથે ભાષણ કરીએ છીએ, તે સભામાં બેઠા છીએ. એ કેવી મોટી પ્રાપ્તિ છે ! અક્ષર છે તે તો પોતાની જુદી સભા કરીને બેઠા છે. અક્ષરમાં જાવું છે એમ જે કહે છે તે પણ આ સુખમાં રહી ગયા ! રહી ગયા ! રહી ગયા !! આ સુખ તો બહુ જબરું છે, સુખના ઢગલે ઢગલા છે. તે સુખ અત્યારે જીરવાય નહીં. તેવો પાત્ર થાય ત્યારે તે સુખ ભોગવાય. તે સુખ જ્ઞાને કરીને ઓળખાય ત્યારે અહોહો થાય. દીવાના-મસ્તાના થઈ જવાય. તે સુખ મહારાજને કહીને તમને અપાવશું. શ્રીજીમહારાજ અમારું નહિ માને ! માનશે. જરૂર માનશે જ. મહારાજે જય સચ્ચિદાનંદ કહ્યા, તે શું ? તો, પોતાના વ્હાલા અનાદિમુક્તને સંભાર્યા. આ સંત છે તે પરભાવમાં અવતાર છે અને અવરભાવમાં સંત છે. તેથી એમ જાણવું જે શ્રીજીમહારાજ અને મોટાને લઈને આપણી મોટપ છે. માટે કોઈ પ્રકારનું માન આવવા દેવું નહીં. માન છે તે સર્વે સાધનમાં આગળ પડે છે. જેમ રાજા જતો હોય તેની આગળ ઘોડેસવાર દોડ્યા જાય, તેમ માન છે તે સર્વે સાધનમાં આગળ પડે છે; પણ મહારાજ અને અનાદિની આગળ આ સાધનિક શી ગણતરીમાં છે. કાંઈ નથી. હજારો સાધનિક સંત હોય તે અનાદિમુક્તની તુલ્ય થાય નહીં. તે એકાંતિક, પરમએકાંતિક, ઉપશમ અવસ્થાવાળા અને નિરાવરણ દૃષ્ટિવાળા સ્વતંત્રપણે તેડવા જાય એવા સત્સંગમાં હોય, પણ અનાદિમુક્તની વાત તો અલૌકિક છે. તે તો મૂર્તિમાં રસબસ રહ્યા થકા શ્રીજીમહારાજના સંકલ્પે કરીને દેખાય છે. એવા મહા અનાદિમુક્ત તો બહુ ચમત્કારી તથા પ્રતાપી હોય. તે પર વાત કરી જે, સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી જ્યારે પૂર્વાશ્રમમાં હતા, ત્યારે એક વખત મહારાજનાં દર્શને જેતલપુર આવ્યા, ત્યાં મહારાજનાં દર્શન કર્યાં; તે સમે મહારાજે પણ ખુશાલભાઈને બહુ હેત જણાવીને અત્યંત સુખ આપ્યું. પછી મહારાજ વારેવારે એમ કહે જે, આ તો બહુ મોટા મુક્ત છે. એવામાં દામોદરભાઈ શ્રીજીમહારાજને થાળ જમવા બોલાવવા આવ્યા. ત્યારે મહારાજે કહ્યું જે, તમે ગંગામાને પૂછો કે અમે એકલા આવીએ કે મંડળે સહિત આવીએ ? ત્યારે દામોદરભાઈએ ગંગામા પાસે આવીને મહારાજે કહ્યું હતું તેમ સર્વે વાત કરી. ત્યારે ગંગામાએ કહાવ્યું જે, મહારાજ ! થાળ તમારા સારુ કર્યો છે તે તમે સર્વે જાણો છો. માટે તમારી મરજી હોય તેમ કરો. પછી મહારાજ મંડળે સહિત જમવા ચાલ્યા, તે મહારાજ અને ખુશાલભાઈ બંને હાથ ઝાલીને આગળ ચાલ્યા આવે, ત્યાં વાટમાં એક ખાલી કૂવો આવ્યો તેમાં કેટલાંક ભૂત કળાહોળ કરતાં હતાં, ત્યારે મહારાજ કહે કે, જુઓ તો ખરા આ શું થાય છે ? એમ કહીને મહારાજ તથા ખુશાલભાઈ (ગોપાળાનંદ સ્વામી)એ કાંઠા ઉપર ઊભા રહીને તેના સામી કૃપાદૃષ્ટિ કરી અને સ્વામીશ્રીએ તે સર્વે ભૂતનો મહારાજની ઇચ્છાએ કરીને મોક્ષ કર્યો. પછી ત્યાંથી ઘેર પધાર્યા. મહારાજ તો ખુશાલભાઈ ઉપર વારેવારે બહુ હેત જણાવે. પછી ગંગામાને મહારાજે કહ્યું જે, તમે આમને ઓળખો છો ? ત્યારે ગંગામાએ કહ્યું જે, ના મહારાજ. ત્યારે મહારાજે કહ્યું જે, આ તો બહુ મોટા છે. પછી ગંગામા પણ મહારાજ તથા ખુશાલભાઈના સામું બહુ જ જોઈ રહ્યાં. ત્યારે મહારાજ બોલ્યા જે, હવે જમવા સારુ જે થાળ કર્યો હોય તે બહાર લાવો. એમ કહીને મહારાજે સંતને પંક્તિ કરવાની આજ્ઞા આપી, એથી પંક્તિ થઈ. પછી મહારાજ પોતે પીરસવા ઊઠ્યા. ગંગામાએ જે થાળ બહાર મૂક્યો તેમાંથી મહારાજે બે ભાગ કર્યા, તે અર્ધો ભાગ લઈને મહારાજે ખુશાલભાઈને કહ્યું જે, આવો ! આ પંક્તિમાં પીરસો. ત્યારે મહારાજની આજ્ઞાથી ખુશાલભાઈ થાળ લઈને પંક્તિમાં પીરસવા મંડ્યા. તે અડધા થાળમાં સર્વે સંતને બે-ત્રણ વાર પંક્તિમાં ફરીને ખૂબ જમાડ્યા. આવો એમનો પ્રતાપ જોઈને ગંગામાને બહુ જ આશ્ચર્ય થયું. પછી મહારાજ અને ખુશાલભાઈ બેય ભેળા જમવા બેઠા, તે જમતાં જમતાં મહારાજ તેમના ઉપર બહુ હેત જણાવે. તે ગંગામા પણ સામું જોઈ રહ્યાં જે, આ તે કોણ છે ! નવા છે પણ ચમત્કારી બહુ જ છે. તે સમે મહારાજ તથા ખુશાલભાઈ, બંનેની મૂર્તિમાંથી ઝળેળાટ તેજના સમૂહ નીકળવા મંડ્યા. તે બેય રૂપ મહારાજ જેવાં જ દેખાણાં; એ જોઈને ગંગામા તો બહુ જ આશ્ચર્ય પામ્યાં જે, આ બેમાં મહારાજ કોણ ! પછી થોડી વાર તેવાં દર્શન દઈને મહારાજે તેજ સમાવી પ્રથમના જેવું રૂપ ધારણ કરી દર્શન દીધાં. એમ મહારાજ અને અનાદિમુક્ત જુદા નથી. તે અનાદિમુક્ત મૂર્તિમાં રસબસ રહ્યા થકા સેવકભાવે સુખ ભોગવે છે. માટે મહિમા સમજવો ને સુખ તો મૂર્તિમાં જ છે, તે જોડાવાય તો સુખિયું થવાય માટે રસબસ રહેવું. જીવને કાર્યમાં બહુ તાન છે, પણ કારણ મૂર્તિ વિના કારણ શરીર ટળે નહીં. માટે ધ્યાન-ભજનનો આગ્રહ રાખવો. મંદવાડમાં જેમ તણાઈ જવાય છે, તેમ સર્વે ક્રિયામાં મહારાજમાં વૃત્તિ રાખવી અને આવા અનાદિમુક્તને વિષે હેત ને વિશ્વાસ રાખી મહિમા સમજવો તે જો હેત અને વિશ્વાસ હોય તો બહુ કામ થાય અને મૂર્તિને સુખે સુખિયું થઈ જવાય.
બપોરે મેડા ઉપર આસને સ્વામી વૃંદાવનદાસજીએ કહ્યું જે, બાપા ! તમારો દાખડો ઘણો છે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સ્વામી ! મહારાજે અનંત મનવારો ભરવાનું ધાર્યું છે; એમના મુક્તનું પણ એ જ કામ છે. એ તો સંકલ્પમાત્રમાં અનેક જીવને મૂર્તિના સુખમાં મૂકી સુખિયા કરી દે. એને દાખડો શું પડે ! આ સમે મહારાજે કલ્યાણનું બહુ સુગમ કર્યું છે. આગળ તો રાફડા થઈ જતા તોય કલ્યાણનું કાચું અને આજ તો નાના નાના સત્સંગીના દીકરા પણ મૂર્તિના સુખની વાતો કરે છે. આ બધો પ્રતાપ શ્રીજીમહારાજનો ને તેમના અનાદિ મહામુક્તનો છે. મુક્ત તો મૂર્તિથી જુદા રહેતા જ નથી. તેથી જેમ મહારાજ કલ્યાણકારી તેમ એ પણ એવા જ. આ સમય બહુ ભારે આવી ગયો. જુઓને ! આ દેશમાં અક્ષરધામના જેવું મંદિર. શ્રીજીમહારાજનો પ્રતાપ તો બહુ જબરો. ગામોગામ મોક્ષના દરવાજા ઉઘાડા મેલ્યા છે. કોઈ આવો ! કોઈ આવો ! “જેને જોઈએ તે આવો મોક્ષ માગવા, આજ ધર્મવંશીને દ્વાર.” આવો ઉત્તમ અવસર મળ્યો છે, એમ જાણી પોતાનું પૂરું કરી લેવું.
પછી બાપાશ્રી એમ બોલ્યા જે, ભગવાનના મળેલા કોને કહીએ ? તો જેને માનસીપૂજા કરતાં, ધ્યાન કરતાં, મૂર્તિમાંથી પાછા ખેંચવા પડે તેવી રીતે મૂર્તિમાં જોડાઈ જાય તે મળેલા કહેવાય અને સેવામાંથી પાછા વાળવા પડે તેમ સેવામાં જોડાય તે મળેલા કહેવાય. આ પ્રત્યક્ષ ભગવાનને પૂજેલાં પુષ્પ પણ આત્યંતિક કલ્યાણ કરે, માટે અતિ હેતે કરીને ભગવાનનું ધ્યાન કરવું, કથા-વાર્તા કરવી ને સાંભળવી, કીર્તન બોલવાં ને શીખવાં. તે મને અગિયારસો ચોસર કીર્તન કંઠે આવડતાં હતાં, તે બીજા કીર્તનિયા સાથે કીર્તન બોલીએ અને કીર્તનની ઝૂક મચાવીએ. મંદિરમાં કીર્તન બોલીએ, વાડીમાં બોલીએ, અત્યારે પણ કેટલાક છોકરાઓને એ નોરે ચડાવ્યા છે. તે મંદિરમાં આવીને કીર્તન બોલે ને કથા થઈ રહે ત્યારે વળી બોલે અને પછી છેલ્લી બાકી પણ બોલે; એમ ત્રણ-ચાર થોકે કીર્તન બોલાવીએ. માટે કીર્તન બોલવા-શીખવામાં મહારાજ અને મોટા રાજી થાય. ।। ૪૪ ।।