વાર્તા ૧૦૭

બાપાશ્રીએ વાત કરી જે, આપણે શ્રીજીમહારાજના પ્રતાપે સુખિયા છીએ તેથી મોટા મોટા હવેલા તથા જે જે ઇચ્છીએ તે ભેળું હાજર થાય છે, એ બધી મહારાજની કૃપા છે. પણ આપણે વિચાર રાખીને ભોગવવું. પછી સભા સામું જોઈને કહ્યું જે, કોઈને ખોટું તો નથી લાગતું ને ? જો ખોટું લાગતું હોય તો ન કહીએ. ત્યારે સંતોએ કહ્યું જે, બાપા ! કોઈને ખોટું લાગતું નથી. ખોટું લગાડીએ તો મહારાજ કેમ રાજી થાય ? તે સમે બાપાશ્રી અતિ પ્રસન્નતા જણાવીને બોલ્યા જે, ફકર રાખશો મા, માયાનો શો ભાર છે, તે બાપડી શું કરનારી છે ? આપણે તો મારી નાખી છે. આપણે ભેળા ચાલશું. આ તો મરેલ શત્રુથી બીતા રહેવું, નહિ તો એનો શો ભાર છે ? જેમ સિંધુ, સરસ્વતી આદિ નદીઓ સમુદ્રમાં આવે છે, તેનો એવો વેગ જે, મોટાં મોટાં ઝાડ, પહાડ, ખેંચીને સમુદ્રમાં મળે છે. તે સમુદ્રમાં પણ તેનું પાણી મીઠું જ રહે છે. તેનો રંગ પણ બીજો; તે પડખે ખારું અને એ નદીનું મીઠું. તેમ આપણે તેનો જોગ છે. પણ આ મીઠાં પાણીની પેઠે નિર્લેપ રહેવું અને બહુ ખટકો રાખવો; નહિ તો જડ માયા તો તાણી જાય એવી છે. આ સત્સંગમાં કોઈનો અવગુણ ન લેવો. સર્વેને દિવ્ય જાણવા. પણ બીજો ઘાટ ન ઘડવો. આપણને કેવું સુખ મળ્યું છે ! કેવી પ્રાપ્તિ થઈ છે ! કેવા મોટા ધણી મળ્યા છે ! દિવ્ય જ્ઞાન અને તે જ્ઞાન આપનારા પણ દિવ્ય મળ્યા છે, તોપણ જીવ એ સુખ લે નહીં. એ તો જેમ ગાંડાને ગાદીએ બેસાડે એવું કરે છે. તે શું ? તો, શાસ્ત્રમાં ખોળે, અગમ-નિગમમાં ખોળે અને એમ જાણે કે ક્યાંઇક હશે, પણ સત્સંગમાં બધુંય છે. તોપણ વલખાં કરે જે, હવે સત્સંગમાં કાંઈ નથી. પણ જેમ છે તેમ મહિમા ન સમજાય, તેથી આ સભા ભેગા મહારાજ અને મોટા છે એવું ન મનાય, એટલું નાસ્તિકપણું છે. તે ટાળીને ખરા આસ્તિક થવું. ખરેખરા થઈને મહારાજ અને મોટાને વિષે જોડાઈ જવું. પછી એમ બોલ્યા જે, આંખમાં ઝોંકો વાગે તો વોયકારો થઈ જાય, તેમ જીવમાં ઝોંકો વાગે નહિ એવો ખટકો રાખવો. મોટા મુક્તના અવગુણ લેવાથી જીવને ઘણું દુઃખ વેઠવું પડે છે; માટે એ માર્ગે ચાલવું નહીં. વિચાર ન હોય તો સત્સંગમાં કેટલીક જાતના વેગ ચઢી જાય છે. તેથી કોઈ ઝાડ રોપે, કોઈ ઉછેરે ને કોઈ કુહાડા પણ મારે, એવું કેટલુંક અજ્ઞાનથી થઈ જાય છે, માટે ખબડદાર રહેવું. શૂરવીર થઈને આવી સભાનો જોગ કરી લેવો. તમને પોતાના જાણીને કહું છું. આ લોકમાં સમજણ વિના કેટલાકને તનના, મનના ને ધનના અથવા બુદ્ધિના મદ હોય છે, તેથી આવો લાભ લઈ ન શકે ને ઝીણા હોય તે કામ કાઢી જાય. જેને ભગવાનની લગની હોય તેને તો ભગવાન વિના બીજું દેખાય જ નહીં. વ્યવહાર ને લોક-ભોગ બધુંય નાશવંત ને દુઃખરૂપ છે. જેમ પૃથ્વીમાં ડુંગળી, લસણ આદિ વસ્તુ થાય છે, પણ ખવાતી નથી. જો ખાય તો ભગવાનના ગુનેગાર થાય ને દંડ ભોગવવો પડે, પણ તેને વેચીને તેમાંથી ભગવાનની તથા સંતની સેવા કરે તો અક્ષરધામમાં જાય. આવું સમજણનું કામ છે. બીજા કોઈ ગમે તેમ જાણતા હશે, પણ અમને તો એક સ્વામિનારાયણ, સ્વામિનારાયણ આવડે છે. એ મૂર્તિ વિનાનો અમારે બીજો એકે ઠરાવ નથી. સૌને મૂર્તિમાં રાખવા છે. તમારે પણ એ મૂર્તિનો ખપ કરવો, એમનો રાજીપો તથા એમની આજ્ઞા, એ વિના બીજું કોઈ સુખદાયી નથી એટલી વાત દૃઢ કરવી. આ વસ્તુ બીજે ન જડે. એમના મુક્ત, સંત પણ એવા જ મોંઘા છે. બજારમાં જાઓ તો જાતજાતના મનુષ્ય તથા પદાર્થો દેખાય, પણ આવા મોટા મુક્ત દેખાય નહિ. એ તો દુર્લભ; ઠામ ઠેકાણે હોય. એમનાં દર્શન, સેવા, પ્રસન્નતા, જોતામાં જડે નહિ; એવી વાતો છે. પણ જીવના સ્વભાવ એવા જે નઠારી વસ્તુનાય વેપાર કરે. ડુંગળી તથા લસણ આદિના ખડિયા ખણી ખણીને વેચે, પણ રત્ન તથા ચિંતામણિરૂપ મૂર્તિનું સુખ, તેની તાણ ન કરે. અંજારમાં ચાગબાઈ મુક્ત હતાં તે એમ કહેતાં કે, મોટા અનાદિનો જોગ તે તો જંઈનો વેપાર ને લાખનો લાભ. તેવું મહારાજ અને સંતના જોગનું છે. આપણે તો મહારાજ અને મુક્ત એ ખરેખરો માલ છે, તે માલનો જ વેપાર કરવો. પછી લાલુભાઈ સામું જોઈને કહ્યું જે, આ બહુ હેતવાળા છે. હીરાભાઈ, સાંવલદાસભાઈ અને નાના-મોટા બધાય સંતોને તથા અમને જવાના સાંભળ્યા છે, ત્યારથી આમથી આમ ને આમથી આમ જાય છે ને આવે છે. જાણે કેમે કરતાં બેપાંચ દિવસ હજી રોકાય. એવા વિચાર સહુનાં અંતરમાં છે. પણ કોઈ  આગ્રહથી કહી શકતા નથી. અહીં અમને આ ફેરે પંદર દિવસ થયા, પણ પંદર મહિના રહીએ, તોય અહીંના હરિભક્ત તૃપ્ત થાય તેમ નથી; એવા તેમનાં હેત છે. એમ કૃપા કરીને વાત કરી. તે વખતે પુરાણી ધર્મકિશોરદાસજીએ આવીને બાપાશ્રીને તથા સંતોને ચંદન ચર્ચ્યું ને પ્રાર્થના કરી કહ્યું જે, બાપા ! સહુને મૂર્તિમાં રાખજો. ત્યારે અતિ હેત જણાવીને સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, તમે સૌ જોજો તો ખરા; આમ ને આમ સાજી સભા અક્ષરધામમાં જઈને બેસશું. તે વખતે સ્વામી વૃંદાવનદાસજીએ કહ્યું કે, બાપા ! સૌ હેતરુચિવાળાને મૂર્તિમાં ભેળા રાખજો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સંતો ! સહુ રહેજો; અમે રાખીશું. જો ન રાખીએ તો અમને હત્યા લાગે. તેના સ્વામિનારાયણ સાક્ષી છે. એમ કહી ઠાકોરજીનાં દર્શન કરીને બાપાશ્રી સભામાં પધાર્યા.  ।। ૧૦૭ ।।