વાર્તા ૧૪૮
બીજે દિવસે સવારે બાપાશ્રી નિત્યવિધિ કરી સભામાં પધાર્યા. ત્યારે પૂછ્યું જે, સ્વામી ! તમે શું નક્કી કર્યું ? રાત્રે વિચાર કર્યો હોય તે અમને કહો. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી કહે, બાપા ! મારે તો આપ રાખો ત્યાં સુધી રહેવું છે. બીજા સંતો હજી વિચાર કરે છે, પણ તમે રાજી હો તેમ કરે. ત્યારે બાપાશ્રી કહે, સંતોને જવાની તાણ અમને જણાય છે, તેથી જવાનું કરો. થોડા જાય ને થોડા રહે એમ જુદા પડો એ ઠીક ન કહેવાય. એમ કહીને બોલ્યા જે, સ્વામી ! આપણે મૂર્તિ વિના બીજું કાંઈ જોવું નહીં. મહારાજે દયા બહુ કરી, પોતાના જાણ્યા તે કામ ભારે થયું. આવા અનાદિમુક્ત મળ્યા એ કાંઈ સાધારણ વાત નથી. અક્ષરધામમાં મળવા જવું હોય તો શું બને ? આ તો સહેજમાં મેળાપ ! એ કાંઈ જેવીતેવી વાત નથી. પછી કહ્યું જે, સ્વામી ! તમે તો ઘણા જીવોને મૂર્તિને સુખે સુખિયા કરો છો. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, બાપા ! આપ આ વખતે અમારા પર બહુ રાજીપો જણાવો છો. તેથી હેતે કરીને મળતાં, જમાડતાં, પ્રશંસા કરતાં, બોલાવતાં સંતો ઘણા સુખિયા થાય છે. તે વખતે બાપાશ્રી કહે, સ્વામી ! વારેવારે આવો અવસર ક્યાંથી આવે ! આ તો તમને ભૂજથી પાછા તેડાવ્યા ત્યારે આ મેળાપ થયો. બે મહિના રહેવાનું થયું હોય તો તમને ને અમને ઘણો લાભ થાત, પણ એ તો સૌની મરજી પ્રમાણે કરવું. એમ કહી બાપાશ્રી ઘેર ગયા. પછી ઠાકોરજી જમાડીને મંદિરમાં પધાર્યા. તે વખતે સંતો વચનામૃતની કથા વાંચતા હતા, તે સર્વેને જય સ્વામિનારાયણ કહી એમ બોલ્યા જે, સ્વામી ! જવાનો શો વિચાર કર્યો ? ત્યારે સ્વામીશ્રી કહે, બાપા ! આપ અંતર્યામીપણે બધુંય જાણો છો, તેથી જેમ આજ્ઞા કરો તેમ કરીએ. અમે તો હજી કાંઈ નક્કી કર્યું નથી. ત્યારે બાપાશ્રી કહે, આ સ્વામી ઈશ્વરચરણદાસજી કહે છે કે, અમે રહીએ ને બીજા સંતોને જવું હોય તે ભલે જાય, કેમ કે થોડાક સંતોને જવાની તાણ છે, એમ કહે છે, પણ અમને એમ થાય છે જે નોખાં નોખાં ન જાવું. તાણ હોય તો બધાય સાથે જાઓ. જુદા પડો એ ઠીક નહીં. આજ પાછલી રાત્રે ચાલજો ને ભૂજ રેલે બેસી જજો, એમ કહી પોતે ઘેર પધાર્યા. પછી બપોરના બાપાશ્રી હરિભક્તોને બોલાવીને ગાડાનું નક્કી કરવા લાગ્યા. તે વખતે પણ ગાડાવાળાને એમ કહ્યું જે, સંતોને રોકાવાનું છે એમ જાણીને તમને મેં કહેલ નહોતું, પણ હવે સંતોને જવાનું નક્કી થયું છે તેથી તમો ગાડાં જોડીને સંતોને ભૂજ મૂકી આવજો, એમ હરિભક્તોને આજ્ઞા કરી.
પછી વળી સાંજના સ્વામી ઈશ્વરચરણદાસજીએ પોતાને રહેવા માટે પ્રાર્થના કરી. તે વખતે પણ એમ બોલ્યા જે, તમને તો આ ફેરે મારે જવા જ દેવા નહોતા. કેમ જે આપણે બે મહિના ભેગું રહેવાનું થાય તો કેટલો લાભ મળે ! અમારે તો અખંડ કથા-વાર્તા ખપે. તે તમે હો તો સદાય કથા-વાર્તા થયા જ કરે. એમ કહીને બોલ્યા જે, સ્વામી ! જો રહ્યા હોત તો આપણે એકાંતનો છેલ્લો યજ્ઞ થાત. હમણાં યજ્ઞ બહુ મોટો થયો, તેમાં હજારો સંત-હરિભક્ત સુખિયા થઈ ગયા, પણ ઉદ્ઘોષ બહુ, પ્રવૃત્તિ પણ ખરી ને આમાં તો નકરી મૂર્તિની જ વાતો થાત, જેથી સમાસ ઘણો હતો. પણ તમારા ભેગા સંતો છે તેમને જવાના વિચાર રહે છે તેથી સૌ સાથે જાઓ. આપણે મૂર્તિમાં સદાય ભેગા રહીશું. અષાડ મહિના સુધી રહેવાણું હોત તો સાત્ત્વિક યજ્ઞ થાત, પણ જેવી શ્રીજીમહારાજની મરજી. હવે તમે તૈયાર થઈ રહેજો. ગાડાનું નક્કી કર્યું છે એટલે ટાણું થયે આવશે. તમે એ વખતે મોડું કરશો નહિ, ને અહીંથી પરબારા સ્ટેશને જજો. ત્યાં નાહી, પૂજા કરી લેજો. પછી સ્વામીશ્રીએ સૌ સંતોને બાપાશ્રીની મરજી જણાવી, પણ જવાનો વિચાર સૌએ કરેલો તેથી બાપાશ્રી આ બધું મર્મમાં કહે છે તે કોઈને ખબર પડી નહીં.
રાત્રિના બે વાગ્યા પછી ગાડાં આવ્યાં. સંતો પણ સર્વે તૈયાર થતા હતા ત્યારે બાપાશ્રી જાગીને મંદિરમાં આવ્યા ને ઠાકોરજીનાં દર્શન કર્યાં. તે વખતે સૌ સંતો દંડવત કરવા લાગ્યા, તે સર્વેને બાપાશ્રી બાથમાં ઘાલીને મળ્યા. તે વખતે સંતોએ પ્રાર્થના કરી જે, બાપા ! અમારા પર આપ કૃપાદૃષ્ટિ રાખજો. અમે આપની મરજી ન જાણી શક્યા હોઈએ તોપણ આપ દયાળુ છો તેથી આવા ને આવા રાજી રહેજો. ત્યારે બાપાશ્રી કહે, અમે તો સદાય રાજી છીએ. મૂર્તિમાં આપણે સૌ ભેળા રહેશું; તમે પણ ભેળા રહેજો. દિવ્યભાવે મૂર્તિમાં રસબસ રહીએ એટલે સદાય સાથે ને સાથે. તમે સૌ આમ ને આમ આ દિવ્ય સભાને સંભારજો. એમ વાત કરતા હતા ત્યાં ગાડાંવાળાઓ ઉતાવળ કરવા લાગ્યા. ત્યારે બાપાશ્રી પણ વળાવવા આવવા તૈયાર થયા. સંતો બાપાશ્રીનાં દર્શન કરે, બાપાશ્રી પણ સંતો પર પ્રસન્નતા જણાવીને વાતો કરે જે, સ્વામી ! આ સુખની કાંઈ તૃપ્તિ થાય તેવું છે ? લાખ વર્ષ સુધી આમ ને આમ દર્શન કરીએ, વાતો કરીએ તોય તૃપ્ત ન થવાય. એમ કહેતાં વળી સૌ દંડવત કરી મળ્યા, પછી બાપાશ્રી કહે, ચાલો સંતો ! હવે તમારે મોડું થાય છે. એમ કહી પોતે માંચીમાં બેસી ગાડાંની આગળ ચાલ્યા. જ્યારે ગામ બહાર આવ્યા, ત્યારે સૌ સંતો બાપાશ્રીને પગે લાગ્યા. બાપાશ્રી પણ હેત જણાવી સૌ સંતોને મળ્યા ને બોલ્યા જે, સ્વામી ! હવે દિવ્યભાવે સદાય ભેળા રહેજો. એમ પોતાને અંતર્ધાન થવાનું મર્મમાં જણાવ્યું. પણ તે વખતે કોઈ એ મર્મવચનને સમજી શક્યા નહીં. સ્વામી ઈશ્વરચરણદાસજીએ તો રહેવાની બહુ ઇચ્છા જણાવી, પ્રાર્થના કરી પણ સૌ સંતોની સાથે જવાની બાપાશ્રીએ આજ્ઞા કરવાથી એ પણ કાંઈ બોલી શક્યા નહીં. એ રીતે સદ્ગુરુઓ તથા સંતો ચાલતાં બાપાશ્રી ફરીવાર સર્વેને મળ્યા; માથે હાથ મૂકીને સદાય મૂર્તિનાં સુખ ભોગવજો એમ આશીર્વાદ આપી તથા આમ ને આમ દિવ્યભાવે આ સભા સંભારજો એમ આજ્ઞા કરી સંતોને વિદાય કર્યા ને પોતે મંદિરમાં પધાર્યા. ।। ૧૪૮ ।।