વાર્તા ૧૩૪

એક વખતે ભૂજથી વિઠ્ઠલજીભાઈ તથા મગનભાઈ દર્શને આવ્યા ને સાથે લીલી દ્રાક્ષ લાવેલા તે વખતે બાપાશ્રી હરિભક્તોની પંક્તિમાં દર્શન દેવા પધાર્યા હતા. ત્યાં આવી તેમણે દર્શન કર્યાં. ને તે દ્રાક્ષ બાપાશ્રીને આપીને પ્રાર્થના કરી જે, બાપા ! આ મેવો અંગીકાર કરો. ત્યારે બાપાશ્રી પ્રથમ તો એમ બોલ્યા જે, અમે આ લોકના મેવા જમનારા નહીં. અમે તો મહારાજની મૂર્તિના સુખરૂપ દિવ્ય ભોજન સદાય જમીએ છીએ. પણ તમે આખી વાટ સંકલ્પ કરતા આવ્યા છો, તેથી લાવો મહારાજને જમાડીએ. એમ કહી ઠાકોરજીને જમાડી બે દાણા બાપાશ્રી જમ્યા. પછી પાસે ઊભેલા નાના-મોટા હરિભક્તોને બબે દાણા પ્રસાદી આપીને કહ્યું જે, આ વિઠ્ઠલજીભાઈ તથા મગનભાઈનો યજ્ઞ. પછી એક હરિભક્ત છોકરાને તેડીને પગે લગાડવા પાસે ઊભેલ; તે છોકરાને પોતે દ્રાક્ષનો દાણો મોઢામાં આપીને બોલ્યા જે, આ અત્યારે નાનો બાળક છે, પણ મોટો થશે ત્યારે બહુ બળિયો થશે. એમ કહીને તેના માથા પર હાથ મૂકી બાપાશ્રી મંદિરમાં પધાર્યા. મંદિરના ચોકમાં જરાવાર સૂવાની ઇચ્છા જણાવી. પછી સેવકે આસન પાથર્યું તે પર આવીને બેઠા. તે વખતે પુરાણી કેશવપ્રિયદાસજીને પાસે બોલાવીને કહ્યું જે, તમે જરાવાર આરામ કેમ કરતા નથી ? તમારે કથા વાંચવી, તેથી જરા વિસામો કરવો ખપે. ત્યારે પુરાણી કહે, બાપા ! તમને જોઈએ છીએ એટલે આરામ થઈ જાય છે. સંત, હરિભક્તો નાના-મોટા આપની કૃપાથી સુખિયા છે. આ સમયે આપે દયા કરી આ બ્રહ્મયજ્ઞરૂપી મોટું સદાવ્રત ઉઘાડું મેલ્યું છે, તેથી કંઈકનાં કામ થઈ જાય છે. આવા મૂર્તિનાં સુખરૂપ દિવ્ય ભોજન આપના વિના બીજા કોણ જમાડે ? આપની દયાનું અધિકપણું તો, મોટા સદ્‌ગુરુ સ્વામી જેવા છે તે જેમ છે તેમ જાણી શકે. સંત-હરિભક્ત સર્વે નાના-મોટાને આપની કૃપાએ આનંદ વર્તે છે. પણ આપે કાંડું બાંધતી વખતે આ મૂર્તિ ઊડી જાય નહિ એમ જે મર્મવચન કહેલ છે તેથી કેટલાયને વિચાર થઈ પડ્યો છે. ત્યારે બાપાશ્રી કહે જે, પુરાણી ! શ્રીજીમહારાજ બધું સારું કરશે. આપણે ઊડીને ક્યાં જવું છે ? આપણને તો ધણી બહુ જબરા મળ્યા છે, તેથી મૂર્તિમાં જ રાખ્યા છે; માટે અમે જે બોલીએ તેમાં કોઈને બીજો વિચાર ન કરવો. મહારાજ ગમે તેમ રાખે. આપણે તેમની મરજી પ્રમાણે રાજી રહેવું. અમને સદ્‌ગુરુઓ તથા શેઠ બળદેવભાઈ, ચતુરભાઈ, નાગરદાસભાઈ, આદિ પૂછતા હતા જે, બાપા ! તમે કાંડું બાંધતી વખતે સભામાં સૌના સાંભળતા એમ બોલ્યા હતા જે, ગોર મહારાજ ! કાડું તાણીને બાંધજો. જોજો, આ મૂર્તિ ઊડી જાય નહીં. તે આપની શી મરજી છે ? અમારા ઉપર આપ ઘણી પ્રસન્નતા જણાવો છો, આવા મોટા બ્રહ્મયજ્ઞ કરો છો તથા કાંઈ કાર્ય આદરો છો ત્યારે કહો છો કે આનું કેમ કરશું ? આપનાથી અજાણ્યું કાંઈ નથી. તોપણ અમને રાજી કરવા આપ એમ કહો છો; પણ આટલી વાત અમારાથી અજાણી રાખો છો તેનું કારણ અમે સમજી શકતા નથી. ત્યારે અમે તેમને કહ્યું જે, સ્વામી, આપણે ક્યાં જુદા છીએ ? મૂર્તિમાં સદાય ભેળા જ છીએ. આ લોકમાં તો કોઈનું ધાર્યું કાંઈ કામ આવતું નથી. “મારી મરજી વિના રે, કોઈથી તરણું નવ તોડાય” એમ શ્રીજીમહારાજે કહ્યું છે. માટે એમની મરજી પ્રમાણે આપણે રહેવું. તમારે કોઈ વાતનો વિચાર મનમાં લાવવો નહીં. આપણે તો અખંડ મૂર્તિમાં ભેગા જ છીએ. ક્યારેય જુદા નથી; એમ કહ્યું હતું. એ પ્રમાણે પુરાણી કેશવપ્રિયદાસજીને કહીને ધીરજ આપી.

સાંજે બાપાશ્રી સભામાં આવ્યા ત્યારે શ્રીજીમહારાજની તથા પુસ્તકની અને પુરાણીની ચંદન-પુષ્પાદિકે પૂજા કરી. સભાને જય સ્વામિનારાયણ કરી આસને બેઠા. તે વખતે બાપાશ્રી કેડિયું તથા પાઘડી ઉતારી ધોતિયું ઓઢી હાથમાં ચંદનનો વાટકો લઈ સંત-હરિભક્તોને ચંદન ચર્ચવા લાગ્યા. ત્યારે બાપાશ્રીના મોટા દીકરા કાનજીભાઈએ હાથમાંથી વાટકો લઈ બાપાશ્રીને સભામાં બેસવાની પ્રાર્થના કરી, સૌને ચંદન ચર્ચ્યું. ।। ૧૩૪ ।।