વાર્તા ૧૪૨

વૈશાખ સુદ ૨ને રોજ સવારે શ્રી વૃષપુરના મંદિરમાં સભામાં વચનામૃતની કથા વંચાતી હતી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, વૈરાગ્ય શ્રેષ્ઠ કે ભક્તિ તે કહો ?  ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ ભક્તિ વિશેષ કહી. પછી બાપાશ્રી બોલ્યા જે, ભક્તિમાંથી વૈરાગ્ય આવે. પછી સંતો સામું જોઈને એમ કહ્યું જે, ભક્તિ કરશો તો મહારાજ રાજી થશે. કેમ વૈરાગ્યને ઓળખો છો ? પત્તર ભરીને ખાઈએ તો કૂખો ફાટી જાય, માટે ખૂબ ખાવું નહીં. સ્વામી અક્ષરજીવનદાસજી સંતની પંક્તિમાં પીરસે તે વખતે જુએ, ત્યારે કેટલાક દાળ પીને પૂર્ણ રહે; કેટલાક કહે લાવો બે, ત્રણ, ચાર, પાંચ લાડુ અને સ્વામી તો અડધો લાડુ કાં અડધી રોટલી અને ઉપર દાળ નાખીને પીએ. જ્યારે ડોલું આવે ત્યારે લોઢાની આર ઢીંચણમાં ટચકાવે તે લોહી નીકળે. અને સમૈયો આવે ત્યારે સંતો દર્શન કરવા ગયા હોય પણ તેમાંથી જેને મહારાજનાં વચનમાં ફેર પડ્યો હોય તેને પાછળથી લખે કે તમે અહીં આવશો નહીં. એમ આજ્ઞા વિરુદ્ધ વર્તનારાને બારોબાર રજા આપી દેતા, પણ તેવાને એટલે ધર્મામૃત શિક્ષાપત્રી પ્રમાણે ન વર્તતા હોય તેને મંદિરમાં રહેવા દે નહીં. જ્યારે મંડળ ફરીને આવે ત્યારે ઝોળીઓ તપાસે તે ચપ્પુ કે કાગળ જે હોય તે કાઢી લે અને કાગળ તો મંડળધારી જ લખે. સાધુ વિશ્વજીવનદાસજી નાના છોકરા રાખતા, તેથી તેમને ભૂજમાંથી કાઢી મૂક્યા. પછી તે અમારી પાસે આવ્યા અને એમ કહ્યું જે, સ્વામીએ મને રજા આપી છે. ત્યારે અમે કહ્યું જે, જેમ સંતની રીતિ હશે તેમ સ્વામી કરતા હશે, એનું નામ વૈરાગ્ય. મોટા હોય ત્યાં સુધી એવું પ્રવર્તાવે. પછી એમ બોલ્યા જે, અમે પણ મોટા મોટા સંતોના પ્રતાપે સુખિયા છીએ. અમને ભૂખ હોય તોપણ કોઈ દિવસ જમીએ છીએ ? જો જમીએ તો સ્વામિનારાયણ તાજેણાં મારે. કહો સંતો ! મઠની ખીચડી અને બાજરાના રોટલા વિના લાડુ, પ્રસાદી કે ઘી, ગૉળ, સાકર, ખાંડ દેખો છો ? કોઈક પ્રેમમાં કરે તે દિવસ ભૂખે મરીએ. અમારી વાત આવી છે. કેટલાકને તો ખૂબ પત્તર ભરાય તો જ ઠીક પડે. પછી એમ કહ્યું જે, હું તો ગરીબ માણસ છું, પણ જો એમ થાય તો વૈરાગ્ય શાનો ? અમે તો ભૂજમાં જઈએ ત્યારે પણ મઠની ખીચડી કરાવી ઠાકોરજીને જમાડીએ. લાડુ કે બીજી વસ્તુ નહીં. ખોટી વાત હોય તો પૂછો. આવા કહેનારા નહિ મળે, નહિ મળે, નહિ મળે. તમે અમારા છો તેથી કહું છું, માટે નિઃસ્વાદી રહેવું, સ્વાદે જાવું નહીં. એ વાતનો ખટકો ન રાખે તો એમાંથી સ્વામિનારાયણ રાજી ન થાય. માટે વૈરાગ્ય ને ભક્તિ અવશ્ય રાખવાં. એ તો ઝેર છે, ખટકો ન રાખીએ તો વૈરાગ્ય શાનો ? ‘જ્ઞાન સમ વસ્ત્ર નહિ, ધીરજ સમ નહિ ઢાલ; શિયળ સમ સિંહાસન નહિ’ એવું કરી રાખવું તો ગલોલી આવે તોપણ લાગે નહીં. હું તો તમારા ભલામાં છું તે તમને સાચી વાત કહું છું. તમે પણ ખબડદાર રહેજો. લાડુ પત્તરમાં ન આવે તો ઠીક ન લાગે, અને એક આવે તો બીજો ઇચ્છે, ત્રીજો ઇચ્છે એમ ન કરવું. જો વૈરાગ્ય ન રાખો તો તમે અમારા શાના થયા ? સંતો, કેમ સાચી વાત કે ખોટી ? આ લોકમાંથી જેમ તેમ કરીને લૂખા થાવું છે. સમજ્યા કે ? પછી હાથ જોડીને બોલ્યા જે, કેમ મહારાજ ! સૂરત રાખી જોશે ને ? પછી પાસે બેઠેલા એક હરિભક્તને કહ્યું જે, લડધા સુકાશે તો કામ આવશે. અમે સાચું કહીએ છીએ. વૈરાગ્ય ખરેખરો હોય તોપણ બહુ તો પ્રકૃતિનાં કાર્ય સુધી જાય. આ તો ક્ષર-અક્ષરથી પર પુરુષોત્તમ પામવા છે. એમ કહીને સ્વામી ઘનશ્યામજીવનદાસજી સામું જોઈને બોલ્યા જે, સ્વામી ! કેમ ખરી વાત કે ખોટી ? આવા પુરુષ કોઈ બ્રહ્માંડમાં મળે તેવા નથી. આ સંત તો સર્વે બ્રહ્મની મૂર્તિઓ છે. અમને તો વૈરાગ્ય નથી તોપણ તમને કહીએ છીએ, કેમ જે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને આપણે રાજી કરવા છે. પછી લાલશંકરભાઈ સામું જોઈને બોલ્યા જે, હરિભક્તો ! આપણે પણ વૈરાગ્યની વાત જાણવી જોઈએ. નહિ તો દૂધપાક, પૂરી આદિક ખૂબ ખાઓ, એ વાત તો સંતોની કહી છે એવું થાય; માટે એમ ન કરવું. અમે તો એ વસ્તુનાં પૂરાં નામ પણ ન જાણીએ. પછી બોલ્યા જે, સંતો, તમારે તો દૂધપાક, માલપૂઆ વગેરેના નિત્ય થાળ થાય. આજ શિખંડ છે, આજ જલેબી છે, એવી રસોઈઓ કરો તે વિચારતા રહેજો. વિચાર ન હોય તો એ તો આંતરડાં કાઢે. “રાંડીની પાસે માંડી જાય, આવ બાઈ તું પણ હું જેવી થા” એમ કોઈએ ન કરવું. કામાદિક શત્રુ છે તેનો ઓછાયો પણ ન લેવો. વૈરાગ્યવાળા ન હોય તો એ માથું ઉડાડી દે. રસનામાંથી કામાદિક ઉત્પન્ન થાય છે, એ જાણી રાખવું. સ્થૂળ ઇન્દ્રિયો જિતાય ત્યારે કારણ શરીર બળે. એ કારણ શરીર તો અનાદિ અજ્ઞાનમય જીવમાં રાગ રહ્યો છે, તે છે. તે તો આત્યંતિક પ્રલય જે, જ્ઞાન પ્રલયના ઉપશમે કરીને શ્રીજીમહારાજનું ધ્યાન કરે ત્યારે ટળે. ।। ૧૪૨ ।।