વાર્તા ૧૧૪
કારતક સુદ ૧૦ને રોજ સવારે ગામ શ્રી કેરાના મંદિરમાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, આ ગામમાં સાત કુંડ છે. તે ગંગાએ શ્રીજીમહારાજે એક મહિનો લાગટ કથા કરી હતી. અને આ ગઢમાં સદાબા રહેતાં હતાં તે મહાસમર્થ હતાં. તેમણે અને માનકુવાના અદાભાઈએ કથા (પારાયણ) કરાવી હતી. વળી એ સ્થળે સદ્. સ્વામી નિર્ગુણદાસજીએ પણ આવીને, સભા કરીને મહારાજના સર્વોપરીપણાની તથા લીલાચરિત્રની બહુ વાતો કરી હતી. તે વખતે એક બાવો આ ગઢના તિલાટનો માનીતો હતો, તે સંવાદ કરવા લાગ્યો. તેને સ્વામીશ્રી શાસ્ત્રનાં વચનોથી સમજાવતા હતા, પણ તે સમજે નહીં. પછી પુરાણી દેવચરણદાસજી શ્લોક બોલ્યા, ત્યારે તેણે કહ્યું જે, તમે ન બોલો. તમારું પ્રમાણ નહિ કરું. આ બુઢ્ઢા સ્વામી ભલે બોલે, પછી સ્વામી સાથે સંવાદ કરતાં કરતાં મિથ્યા જ્ઞાનીની પેઠે બ્રહ્મ નિરૂપણ કરવા લાગ્યો જે, બ્રહ્મ તો નિર્ગુણ હે, ઉનકું કોઈ પાપ-પુણ્ય નહિ હે. પછી તો છકમાં બોલવા લાગ્યો જે, “મા કોન હૈ ? બાપ કોન હૈ ? બહેન કોન હૈ ? સ્ત્રી કોન હૈ ? સબહી કા સરખા આકાર હૈ. પથ્થર મેં ઔર મૂર્તિ મેં ક્યા ભેદ હૈ ?” પછી સ્વામીએ કેટલાંક શાસ્ત્રનાં પ્રમાણ આપી પકડ્યો. તેથી તે કાંઈ બોલી શક્યો નહીં. પછી સ્વામીશ્રીએ તિલાટને કહ્યું જે, જુઓ ! આ તમારા ગુરુ. એના બોલ કેવા છે ? એણે તો બધુંય બોળ્યું. પછી તે તિલાટને પણ રીસ ચડી, તેથી તેને કાઢી મૂક્યો. જગતમાં આવા મિથ્યા જ્ઞાનીને પણ કેટલાક વળગે છે. આપણા ઉપર તો ભગવાને બહુ દયા કરી છે, તેથી સુખિયા છીએ. મહારાજનો મહિમા તથા પ્રતાપ જાણે તેને સુખ બહુ આવે. જુઓને ! શ્રીજીમહારાજ પૂર્વમાં પ્રગટ્યા અને પશ્ચિમમાં આવીને રહ્યા. વળી દેશોદેશમાં ફરી અનંત જીવો ઉપર અપાર કરુણા કરી તેમનો ઉદ્ધાર કર્યો. એ કેવડી મોટી દયા કહેવાય ! ।। ૧૧૪ ।।