વાર્તા ૮૦
રાત્રે આરતી થયા પછી બાપાશ્રી સભામાં વાતો કરતા હતા, ત્યારે ડોસાભાઈએ પૂછ્યું જે, બાપા ! મહારાજ અને મોટા મુક્ત મળ્યા ત્યારથી મૂર્તિમાં રાખ્યાની વાત સમજાણી છે, છતાં મોટા મુક્ત જેવું સુખ ભોગવે છે તેવું સુખ કેમ આવતું નહિ હોય ? તથા વ્યવહારમાંથી અરુચિ કેમ નહિ થતી હોય ? અને પ્રકૃતિ ટળતી નથી તેનું શું કારણ હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મહારાજની મૂર્તિના સુખભોક્તા થવામાં પાત્ર થવાની જરૂર છે. પાત્ર થયા વિના એ સુખ જીરવાય નહીં. જો હમણાં જ એમ થાય તો પછી કોઈની ગરજ રહે નહિ અને પૂર્ણપણું જ મનાઈ જાય, તેથી કરીને વૃદ્ધિ પામી શકાય નહિ, તેથી કોઈને જણાવવાનું મન થાય જે, આ મિત્ર છે, આ હેતુ છે, આને કહ્યા વિના કેમ ચાલે એમ થાય તેથી ઠીક ન રહે. જીવનો તો એવો જ સ્વભાવ છે જે સારું સ્વપ્ન આવ્યું હોય તોપણ બીજાને કહે ત્યારે સુખ થાય. જુઓને ! આ જીવને કેટલું બધું અજ્ઞાન છે, કેટલો બધો મોહ છે અને કેટલી બધી વાસના છે; જે પોતાની સ્ત્રી-છોકરાં સારુ આખો દહાડો ખડિયો ખંભે લઈને ફર્યા કરે અને સાંજે માંડ ચાર પૈસા કે આઠ પૈસા રળે. એ લાવીને સ્ત્રી-છોકરાને ખવરાવે અને રાજી રાજી થાય પણ કષ્ટ વેઠવું પડ્યું હોય તેનું દુઃખ મનમાં ન ધરે અને વૈરાગ્ય પણ ન થાય. જો એટલું ભગવાન સારુ કરે તો કેવડું સુખ પ્રાપ્ત થાય, પણ જીવથી એ થાય નહિ અને માયિક નાશવંત, તુચ્છ ને દુઃખદાયી તથા કોટિ કલ્પ લગી માયામાં ભમાડે એવા માયિક પદાર્થ સારુ કેટલું બધું થાય છે. ભગવાનના ભક્તને એવું ન જોઈએ. ભગવાનના ભક્ત તો મહારાજની આજ્ઞાનુસાર મહારાજની મૂર્તિ રાખીને વ્યવહાર કરે, તે પણ ખોટો જાણીને કરે અને તેને તો એવી સમજણ હોય જે, ભગવાન સારુ રામપત્તર લઈને માગવું પડે તોય શું ! પણ રાજી રાજી રહે. માથું જાતા પણ ભગવાન ને ભગવાનના મુક્ત મળે તોય બહુ જ સોંઘા મળ્યા છે, એમ જાણે. તે ઉપર કીર્તનની ટૂંક બોલ્યા જે, “સો સો માથાં જાતાં રે સોંઘા છોગાળા” - ભગવાનના ભક્તની એવી સમજણ હોય. તેથી વ્યાવહારિક પદાર્થની હાણ-વૃદ્ધિએ કરીને હર્ષ-શોકને ન પામે અને તે પદાર્થ મેળવવાના પ્રયત્નમાં મંડ્યો ન રહે. મહારાજની અને મોટાની આજ્ઞાનુસાર વ્યવહાર કરે. તે વ્યવહાર મહારાજ અને મોટા મુકાવે તો તરત મૂકી દે, પણ કોઈ પ્રકૃતિ આડી આવે નહિ અને મૂંઝાય પણ નહિ, તો તેનો મહારાજના સુખમાં મોટા મુક્ત ભાગ રાખે છે. જેમ નબળો ખેડુ હોય તે સારા ધનાઢ્ય ખેડુ સાથે સહિયારો ભાગ કરે, પછી પોતાના બળદો નબળા હોય અને તે ખેડુના તો મોટા જબરા હોય પણ મોલ પાકે ને વહેંચે ત્યારે જેટલું સારાને આવે તેટલું નબળાને આવે; પણ જો દાડી કરી હોય તો ભાગ વહેંચાય નહિ ને દાડીના જેટલા પૈસા મળે. તેમ આપણે મોટા મુક્ત સાથે ભાગ કરવો પણ દાડીઓ કરવી નહીં. પછી એમ વાત કરી જે, આપણે ઘેર કોઈ વ્યાવહારિક સંબંધવાળા આવે તેને મહેમાન કહેવા, પણ સત્સંગી આવે તેને મહેમાન કહેવા નહિ ને મહેમાન જાણવા નહીં. કારણ કે દેહનાં સગાંસંબંધી તો એક-બે દિવસ રહે ત્યાં સુધી ભેગાં રહે છે અને પછી નોખા પડે છે. તેમ સત્સંગી તો કોઈ દિવસ નોખાં પડવાના નથી. ત્યારે મહેમાન કેમ કહેવાય ? આ સમયે મહારાજનો અને મોટા મુક્તનો પ્રતાપ બહુ જબરો છે. એમની દૃષ્ટિએ જે જે પશુ, ઝાડ, પહાડ વગેરે પડે છે તે તે સર્વેનું બીજબળ થાય છે અને સર્વે સંસ્કારી થાય છે. વળી જેણે જેણે મોટા મુક્તનો જાણે-અજાણે સ્પર્શ કર્યો, અગર જે જે મોટાના ઉપયોગમાં આવ્યા તે તે સર્વે અહોભાગ્યવાળા છે અને તેમનું કલ્યાણ થાય છે. જ્યાં જ્યાં મોટા મુક્ત વિચરે છે તે તે સર્વે સ્થાન પ્રસાદીના તીર્થરૂપ થાય છે અને દિવ્ય થાય છે. મોટા મુક્તના જોગમાં જડ-ચૈતન્ય જે કોઈ આવે છે તે નિર્ગુણ થઈ જાય છે, તે સર્વેને પવિત્ર કરે છે એટલે એ મોક્ષને આપવાવાળા થઈ જાય છે. એવો મોટા મુક્તના સંબંધનો પ્રતાપ છે, કેમ કે એ મહારાજની મૂર્તિ વિના ક્યારેય એકલા રહેતા નથી. એવા મોટા મુક્ત માયાને ટાળવાનો કવાજ શિખવાડે, એટલે માયા એની મેળે જ છેટી રહે. મોટા અનાદિ તો જીવને પુરુષોત્તમ ભગવાન સન્મુખ કરે છે. તેથી માયા વાંસે ગોથાં ખાતી રહે પણ તેનું કાંઈ ચાલતું નથી, માટે મુક્ત સાથે અતિશે હેત કરવું. તે હેત રૂપે કરીને, સ્વાર્થે કરીને, ભયે કરીને અને ગુણે કરીને થાય છે. તેમાં ગુણે કરીને જે હેત થાય છે તે સર્વેથી ઉત્તમ છે. માટે સ્નેહ કરવો તે બીજા સર્વને મૂકીને ગુણે કરીને જ કરવો. આવા મોટા અનાદિને વિષે વિશ્વાસ લાવવો અને એમ જાણવું જે, એ જ્યાં છે ત્યાં મહારાજ પ્રત્યક્ષ બિરાજે છે. તે જેને આવા સત્સંગની જરાકેય પ્રતીતિ હશે ને વિશ્વાસ હશે તેને તો તુરત જ હા પડશે. પણ જેને સત્સંગની ઠામૂકી પ્રતીતિ નહિ હોય ને નાસ્તિકભાવ હશે તથા જે સત્સંગને કલ્પિત જાણતા હશે તેની તો વાત નથી કહેવી. કેમ જે મોટા અનાદિ છે તેમનાં દર્શનને તો મોટા મોટા અવતારાદિક ઇચ્છે છે તે ઉપર દૃષ્ટિ રહે તો એ વાત સમજ્યામાં આવે. કેટલાક પરની ને અવરની વાતો તથા નવાં નવાં ઐશ્વર્ય તેને જાણવા ઇચ્છે પણ તેમાં કાંઈ માલ નથી. એ તો જેમ દ્રવ્ય સાચવે એવો દીકરો થાય પછી તેનો બાપ તેને સામટી ભંડારની કૂંચી સોંપી દે છે તેમ ઠીક. એ રીતે જ્યારે અવસર આવે ત્યારે મહારાજ અને મોટા મુક્ત તેમ કરી દે, પછી તે સમે તેને કોઈની કશી ધ્રા (બીક) નહીં. પણ જો મોટા મુક્તમાં મનુષ્યભાવ પરઠીને લગારેક અવગુણ લે તો એ જીવનું તૈયાર થઈ ગયેલું કામ બગડી જાય છે. જેમ કોઈએ પ્રથમ વાઢ કરેલો હોય તે શેરડી પાક્યા પછી તેને પીલીને રસ ઉકાળીને ભીલીયું તૈયાર થઈ ગઈ હોય પણ તે રાત્રે તેના ઉપર મેહ બહુ વરસે તો ગૉળનું પાણી થઈ જાય. પછી તે ગૉળને ફરીવાર ઉકાળી ભીલીયું કરવા માંડે તો ભીલીયું થાય નહિ અને કાળો રગડા જેવો નઠારો ગોળ થઈ જાય. તેમ આપણે ગૉળની ભીલીયું તૈયાર થઈ ગયેલી છે, તેથી જાળવવા જેવું ખરું. તે શું ? તો કોઈનો અવગુણ ન આવે એમ વર્તવું. ।। ૮૦ ।।