વાર્તા ૧૧૭
કારતક વદ ૨ને રોજ સવારમાં વચનામૃતની કથા થતી હતી ત્યારે બાપાશ્રીએ વાત કરી જે, મહારાજ ને મોટા રાજી થાય તો જરાક વારમાં કામ થઈ જાય, તે વિના નકરાં સાધનથી લાખો-કરોડો જન્મે કામ થાય નહીં. મોટા અનાદિની વાત નોખી છે; એ તો મૂર્તિમાં સળંગ રહ્યા છે, તોપણ મહારાજે માયાનું બળવાનપણું કહ્યું, ત્યારે મુક્તાનંદ સ્વામી જેવાને પણ એના પ્રસંગે ઠેકાણું રહે કે ન રહે એવું એનું પ્રધાનપણું જીવોને સમજાવવા કહ્યું છે. પણ મોટા તો સદાય નિર્લેપ છે. કેમ કે કાળ, કર્મ ને માયાનો ભગવાનના ભક્તને માથે હુકમ નથી તો આ તો મૂર્તિમાં રસબસ રહેનારા અનાદિમુક્ત તેને શું હોય ? પણ જ્યારે જીવોને એવી વાત સમજાવવી હોય ત્યારે મહારાજ મોટા મોટા મુક્તનાં નામ લઈને વાત કરતા એમ જાણવું. મોટાની છાયામાં રહે તેને પણ માયા નડી શકે નહિ તો એવા મોટાની તો વાત જ શી કહેવી ? જીવને ઘાટ-સંકલ્પ નડતા હોય તો મહિમાએ સહિત ગદ્ગદ કંઠે થઈને મહારાજ તથા મોટા મુક્તને પ્રાર્થના કરે તો ટળી જાય. જેમ નોળિયો નોળવેલ સૂંઘી આવે તો સર્પનું ઝેર ઊતરી જાય છે, તેમ આ લોકમાં મોટપ, સારપ, કામ, ક્રોધ આદિ કોઈ વસ્તુ જ નથી. મોટપ ને સારપ તો એક મહારાજની મૂર્તિમાં જ છે. શીતળતા વગેરે ગુણ પણ એમાં જ છે; પણ જેને મહિમા હોય તેને ખબર પડે. શ્રીજીમહારાજ તથા મૂર્તિમાં રહેનારા મુક્ત એ બે અનાદિ છે. મહારાજની વ્યતિરેક સાક્ષાત્ મૂર્તિનું સુખ આપણને મળ્યું છે. તે એવા અનાદિમુક્તની કૃપાએ મળ્યું છે. તપથી કે સાધનથી એ સુખ મળે તેવું નથી. આ કાંઈ થોડી વાત ન કહેવાય. મોટાને પ્રતાપે આપણો તો ખરેખરો આત્યંતિક મોક્ષ થઈ ગયો છે એમ જાણી મૂર્તિમાં સળંગ જોડાય તો સુખની ધારાઓ છૂટે. “અમૃતના સિંધુ ઊલટ્યા, રંગડાની વાળી છે રેલ પુરુષોત્તમ પ્રગટી” એવું છે. આ તો દિવ્ય મૂર્તિ ને અલૌકિક પ્રાપ્તિ છે. માટે એ મૂર્તિને મૂકીને શાસ્ત્ર ભણે, કથા-કીર્તન કરે તોપણ મોટા સંતે દિનકઢણી કહી છે.
પછી એમ બોલ્યા જે, પાણો હોય તે અગ્નિથી શેકાઈ જાય છે ને પાણી અડે એટલે ચૂરેચૂરા થઈ જાય છે અને ઔષધિમાં પણ એવો ચમત્કાર છે, જે સોના આદિક વસ્તુને ગાળીને શુદ્ધ કરી નાખે છે. તો આ તો સર્વોપરી ભગવાન અને સર્વોપરી મુક્ત મળ્યા છે. તોપણ અંતર ગળતું નથી, તેનું કારણ જે મહારાજનો તથા અનાદિમુક્તનો જેવો છે તેવો મહિમા જાણ્યામાં આવ્યો નથી. ને સર્વોપરી ભગવાન તથા મૂર્તિના સુખની પ્રાપ્તિ કરાવનારા અનાદિમુક્ત તેમની ઓળખાણ થઈ નથી. કદાપિ ઓળખાણ થઈ છે તો તે સંગાથે જીવ જોડ્યો નથી. તે જો મન, કર્મ, વચને જીવ જોડે તો કાંઈ ખામી રહે નહીં. જેટલી ખામી રહે છે તેટલી જીવ જોડવામાં તથા આજ્ઞા પાળવામાં કસર છે તેથી અંતર ગળતું નથી. કેમ કે અગ્નિ તથા ઔષધિ તે તો જડ છે તોય સોના આદિકનો મેલ મુકાવી દે છે. તો આ તો દિવ્ય મહારાજ ને દિવ્ય મુક્ત તે શું ન કરે ? પણ અંતરાય રહે છે તેથી જેમ છે તેમ સમજાતું નથી, માટે સાચે ભાવે જોડાવું. પછી એમ બોલ્યા જે, સાંખ્ય ને યોગ તે શું ? તો શ્રીજીમહારાજ વિના સર્વે ખોટું જાણવું તે સાંખ્ય અને મહારાજની મૂર્તિમાં રસબસ રહેવું તે યોગ. ।। ૧૧૭ ।।