વાર્તા ૮૪

બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, ભગવાનનો ભક્ત ખટકો રાખી કથા-વાર્તા, સાધુ-સમાગમ, સેવા-ભક્તિ આદિક કરે તો આ ને આ દેહે પૂરું થઈ જાય. જીવને તો કાંઈ કરવું નહિ ને કૃપાસાધ્ય ગોતે, પણ ક્રિયાસાધ્ય નહીં. કેમ જે તેમાં કારસો આવે; માટે ઢીલા ન રહેવું. મહારાજને રાજી કરવા તત્પર થવું. મહારાજ સાચા ભાવવાળા ઉપર તરત પ્રસન્ન થઈ જાય છે. તે ઉપર વાત કરી જે દંઢાવ્ય દેશમાં એક ડોસી મહામુક્ત હતાં તે હાથ જોડીને કહે, મહારાજ ! હું તમારો થાળ કરું ? એમ કહીને મહારાજનો થાળ કરે. પછી રસોઈ સારી થવા માટે માંહીથી જરા ચાખી જુએ ને એક એક ગટ્ટો ભરે. પછી એ વાતની ભગુજીને ખબર પડી ત્યારે કહ્યું જે, મહારાજ ! તમને આ ડોસી આવો થાળ જમાડે છે. ત્યારે મહારાજે પરીક્ષા લેવા કહ્યું જે, એમ કરતાં હોય તો તમે જઈને તેને મારો. તે મારવાની તો આજ્ઞા થઈ, પણ ડોસી ખરેખરાં મહિમાવાળાં; તેથી રેંટિયો ફેરવતાં ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ...’ એમ બોલે , ત્યારે વિચાર્યું જે આવા ભક્તને કેમ મરાય ? પછી તે વાત બ્રહ્માનંદ સ્વામીને કહી, ત્યારે તેમણે મહારાજને કહ્યું કે, મહારાજ ! તમે આવું વચન કીધું છે, પણ તે બહુ આકરું છે; કેમ જે ડોસી મહામુક્ત છે. ત્યારે શ્રીજીમહારાજ કહે, આવું વચન તો અમારું પણ ન માનવું એમ કહીને તે રાજબાઈની પ્રશંસા કરી. માટે સાચાભાવથી જે થાય તે ઠેઠ પૂગે ને મહારાજ રાજી થાય. જેને સર્વદેશી સમજણ હોય તે તો ક્યાંય અટકે નહીં. મોક્ષ તો શ્રીજીમહારાજ કૃપાએ કરીને કરે છે.

પછી એમ વાત કરી જે, મહારાજના અનાદિમુક્તનો મહિમા બહુ ભારે છે. એવા મોટાને જમાડે તો અનંતકોટિ બ્રહ્માંડને જમાડે તેટલું ફળ થાય છે. તે ઉપર વાત કરી જે, એક વખતે રાજબાઈએ પાંચસો સાધુને જમાડવાની રસોઈ કરાવી, તે તૈયાર થયા પછી શ્રીજીમહારાજે મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિ ચાર સંતને જમવા મોકલ્યા. આ સંતો તો ત્યાં જઈને પાંચસો સાધુની રસોઈ જમી ગયા, તેવી આ બાઈને ખબર પડી જેથી દિલગીર થઈ રોવા લાગ્યાં જે, હવે આટલા સંતને હું શું જમાડીશ ! એમ કહીને બીજી રસોઈ કરાવી. તે પણ એ ચાર સદ્‌ગુરુઓ એવી જ રીતે જમી ગયા. ત્યારે એ બાઈ ઉદાસ થઈને મહારાજ પાસે ગયાં અને મહારાજને આ વાત કરી. ત્યારે મહારાજે એ ચારે સદ્‌ગુરુને બોલાવીને બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું જે, તમે કેટલું જમ્યા ? ત્યારે સ્વામી કહે, મહારાજ ! હું તો એક નવટાંક જમ્યો છું અને બીજા સંતો પણ નવટાંક-નવટાંક જેટલું માંડ જમ્યા હશે, બીજું તો સર્વે ધામના મુક્તોને જમાડી દીધું. તે અનંતકોટિ મુક્ત જમ્યા. આ વાત સાંભળીને એ બાઈ કૂદવા માંડ્યાં ને બહુ જ પ્રસન્ન થયાં. આવા મોટા મુક્તને ઓળખવા ને તેમની સેવા કરવી ને રાજી કરવા એટલે ભેગા મહાપ્રભુજી પણ રાજી થાય. આ રીતની ખબર ન હોય તેને સાચા-ખોટાની વાત જાણ્યામાં ન આવે. સર્વેના કારણ શ્રીજીમહારાજ છે, ને તેમનું કાર્ય અનંત અવતાર, ઐશ્વર્ય, વિભૂતિ છે. માટે તે કાર્ય-કારણરૂપ શ્રીજીમહારાજની સમૃદ્ધિ ને સામર્થી જોઈ મહારાજનો મહિમાએ સહિત નિશ્ચય રાખીને દિવ્ય મૂર્તિનું ધ્યાન કરવું. મહારાજ તથા મોટાને વિષે સદાય દિવ્યભાવ રાખવો. મોટાની અનુવૃત્તિમાં સુખ છે. મહારાજની મૂર્તિમાં રસબસ રહેવું. પ્રગટ ભગવાન, પ્રગટ મુક્ત, પ્રગટ સંત હોય ત્યારે માણસને સમજાય નહિ, પણ પછી આવા મળે નહિ; માટે મહિમા બહુ સમજવો. ભગવાન અને મોટા મુક્તના રાજીપા વિના વાસના ટળતી નથી. તે ઉપર એક કણબીની વાત કરી જે, તેને અંત સમે રાબ ખાવાની વાસના થઈ. પછી રાબ કરતાં જરા વાર લાગી ત્યાં તો તેનો દેહ પડી ગયો, પણ રાબમાં વૃત્તિ રહેલ તેથી મરીને તે ભૂત થયો. માટે મહારાજની મૂર્તિ વિના ક્યાંય વાસના રાખવી નહીં. મહારાજની તથા મોટાની અનુવૃત્તિમાં રહે અને મૂર્તિમાં રસબસ જોડાઈ જાય તો આ દેહે જ જાણે અક્ષરધામમાં બેઠો છે અને તે જ છેલ્લો જન્મ છે, ને તેનો જ આત્યંતિક મોક્ષ થયો જાણવો. છ મહિના સુધી સત્સંગ અહોરાત્રિ કરીએ તેટલું કામ, જો મોટા મુક્તનો વિશ્વાસ હોય તો એક દિવસમાં મોટા પૂરું કરી આપે. આ વખત ફરી મળે તેવો નથી. સત્સંગનો નિશ્ચય ક્યારે કહેવાય ? કે મહારાજ તથા મોટા મુક્ત સિવાય બીજે ક્યાંય પ્રતીતિ આવે નહીં. કોઈ દેવ-દેવલાંનો તેને ભાર રહે નહીં. આંબાના વૃક્ષનો એક વખત જાણીને નિશ્ચય કર્યો, જે આ આંબો છે, તે પછી રાત્રિ હોય કે દિવસ હોય કે ગમે તે આવીને કહે જે, આ આંબો નથી ને લીમડો છે; પણ જાણનારને આંબા સિવાય બીજો નિશ્ચય થાય નહીં. તેમ ભગવાન તો એક પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ જ છે, તે સિવાય બીજા કોઈ ભગવાન નથી અને તેમના મુક્ત તથા સંત તે પણ એ મૂર્તિરૂપ જ છે. એમ દૃઢ નિશ્ચય કરવો.  ।। ૮૪ ।।