વાર્તા ૬૬

બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, આપણે તો બધો દિવ્યભાવ સમજવો. મોટા અનાદિમુક્ત મળ્યા છે તે ધક્કા મારીને ધામમાં લઈ જાય તેવા છે તે શું ? તો માયાનાં આવરણ બધાં તોડીને, સામ્યાવસ્થા ભેદાવીને અક્ષરધામમાં પહોંચાડે એવા અનાદિમુક્ત આ રહ્યા. આ સભા સર્વે દિવ્ય છે. આ ટાણે જમ્યા તે પણ દિવ્ય છે. જીવને મોટા મળ્યા એટલે સોંઘા થઈ ગયા એમ જાણવું. પરોક્ષ હોત તો મોંઘા હોત, આ લોકમાં એક ને એક વસ્તુનું નામ લે તો ગાંડો કહેવાય અને ઘણી વસ્તુનું નામ દે તો ડાહ્યો કહેવાય. તેમ આ લોક-પરલોકનાં દૃષ્ટાંત-સિદ્ધાંત, અવતાર-અવતારીનાં દૃષ્ટાંત-સિદ્ધાંત એ બધી વાત કરે અને તે વિશેષ પ્રમાણ કરે એ લાંબા ફેરનો રસ્તો છે. આમ સમજ્યા વિના મહારાજને, ધામને તથા મોટાને વગોવ્યા; એમ દહાડો નીકળી ગયો એવું થયું. શ્રીજીમહારાજ તથા મોટાએ તો પરબાર્યો રસ્તો કર્યો છે. એ ખરી વાત જીવમાં પેસે તો ગાંડા થઈ જવાય, પણ ગાંડા થવાતું નથી એટલી નિશ્ચયમાં કસર છે તથા શ્રદ્ધામાં  કસર છે. મહારાજની સાક્ષાત્‌ વ્યતિરેક મૂર્તિનું સુખ આપણને મળ્યું છે. સાધનથી કાંઈ પૂરું થાય તેમ નથી. માટે જળ અને મીનના જેવું મોટાને વિષે હેત રાખવું. શ્રીજીમહારાજના લાડીલા છે તે ત્રણે અવસ્થામાં મૂર્તિને ભેળી જ રાખે છે પણ મહિમા નથી કે આ ક્યાંના આવેલા છે ! આ કાંઈ થોડી વાત નથી. મોટા મુક્ત ભેળા બેસીને વાત કરે છે ને સુખ આપે છે, તે જીવમાં કસ આપે છે. ને તેજ, સામર્થી  અને સુખ આપે છે પણ સમાગમ વિના એવું સમજાતું નથી. “રસબસ હોઈ રહી રસિયા સંગ, જ્યું મિસરી પયમાંહી ભળી.” તેમ મહારાજ અને મોટા સાથે રસબસ થઈ રહેવું, એટલે આપણો ખરેખરો આત્યંતિક મોક્ષ થઈ ગયો. ખરો મુદ્દો અને ખરા ખેવટિયા હાથ આવ્યા છે, તે મનવારો ભરી ભરીને જીવને અક્ષરધામમાં લઈ જાય છે, તે વિષે મનવારની વાત કરી. એવી લાખો મનવારો ભરીને મહારાજ અને મોટા અનાદિ જીવને લઈ જાય છે, કાંઈ એક-બેનું કલ્યાણ કરે એવાં નથી પણ નજરે ચડ્યા એ બધાયનું કલ્યાણ છે. માટે પરિપક્વ નિશ્ચય જોઈએ. સમુદ્રમાં પડે, કૂવામાં પડે, અગ્નિમાં બળી જાય, વીજળી પડે અને મરે; પણ જેને મોટા મળ્યા હોય તેને આત્યંતિક કલ્યાણમાં સંશય નહીં. મોટા અનાદિને વિષે આત્મબુદ્ધિ રાખતાં કલ્યાણમાં ફેર રહે તો મોટાને માથે જોખમદારી છે. ભૂત સર્વત્ર દેખાય છે, ત્યારે મોટા અને મહારાજની મૂર્તિ સર્વત્ર કેમ ન દેખાય ? મૂર્તિનો મહિમા ખરેખરો સમજાય ત્યારે આ લોકની તુચ્છતા થઈ જાય માટે આ વાતનો કેફ રાખવો કે કલ્યાણ થઈ જ ગયું છે. આ તીર્થમાં નાહ્યા તેનો કેટલો મહિમા છે. બધાય રસબસ નાહ્યા તેમાં શું બાકી કહેવાય ! અનંત બ્રહ્મહત્યાઓ, પંચમહાપાપ સર્વે નાશ પામી ગયાં. પછી પોતાને કોઈ પાપી માને એ અણવિશ્વાસ કહેવાય; જો વિશ્વાસ હોય તો અનંત જન્મનાં પાપ બળી જાય. એ વાતમાં સંશય નથી. આવી વાત હાથ ન આવી હોય અને ભૂત, ભવિષ્ય ને વર્તમાનની વાતો કરે, ઐશ્વર્ય-ચમત્કાર જણાવે, તોય શું ! એ બધુંય મહારાજની મૂર્તિ વિના વિઘ્નકર્તા છે. માટે આપણે તો એક મૂર્તિમાં ખેંચાવું ને એ મૂર્તિમાં રહ્યા હોય તેમની સાથે દૃઢ હેત કરવું. ।। ૬૬ ।।