વાર્તા ૮

કારતક સુદ ૧૧ને રોજ શ્રી નારાયણપુરના મંદિરમાં સભામાં પ્રથમ પ્રકરણનું ૧લું વચનામૃત વંચાતું હતું. તેમાં તીર્થક્ષેત્રની વાત આવી. ત્યારે બાપાશ્રી અન્યક્ષેત્રે કૃતં પાપમ્‌ એ શ્લોક બોલ્યા અને કહ્યું જે, આ તીર્થક્ષેત્ર. અહીં આવીને જે મહારાજનો અને અનાદિમુક્તની સભાનો અવગુણ લે તે તીર્થક્ષેત્રનું પાપ છે તે વજ્રલેપ થાય, પછી તેનો ક્યાંય પત્તો લાગે નહીં. જેને આ વાતની ખબર ન હોય તે અવગુણ લે. અ.મુ. સદ્‌. શ્રી ગોપાળાનંદ સ્વામી ઠેઠ મૂર્તિમાં ગતિ કરે, કરાવે અને મૂર્તિમાં રમે; એવા  મોટા, તેમને મંદવાડ આવ્યો, ત્યારે બે સાધુ બાવડાં ઝાલે, તે ઊમરો આવ્યો ત્યારે અટકી રહ્યા. ત્યારે સાધુ કહે, સ્વામી ! કેમ પગ ઉપાડતા નથી ? વાતો તો ઠેઠ અક્ષરધામ અને તેથી પર મૂર્તિમાં રસબસ રહેવાની કરો છો, કેટલાયને મૂર્તિમાં મૂકી દ્યો છો અને પગ તો ઊપડતો નથી; એમ બોલ્યા. પણ મોટા તો હજારો જીવોના આત્યંતિક કલ્યાણ માટે મંદવાડ ગ્રહણ કરે છે. સાજા હોય તો તુંબડી પણ હાથે ભરે પણ કોઈને ભરવા ન દે. આ તો મંદવાડ ગ્રહણ કરીને સેવા અંગીકાર કરે છે. માટે મોટાના મંદવાડ એવા છે. પણ એ તો મૂર્તિમાં રસબસ રહેતા હોય તેની ખબર ન હોય, પણ મંદવાડ જણાવે ત્યારે એમ જ હોય. અમારે પણ મંદવાડનું આ વર્ષમાં એવું થયું  છે. મોટા મંદવાડ ગ્રહણ ન કરે તો એમની સેવા ક્યાંથી મળે ? એટલા સારુ આ મંદવાડ ગ્રહણ કર્યો છે. આ દેહ એવો જ છે, પણ મહિમા સમજાય તો કાંઈનાં કાંઈ કામ થઈ જાય. અમને ધનજીભાઈએ આગ્રહ કર્યો, પણ મંદવાડને લઈને ઘેર જવાણું નહીં. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, આપને ક્યાં દેહ છે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સમજવાનું તો એમ જ છે. મહારાજ ને મોટા તો સદા દિવ્ય જ છે. શ્રીજીમહારાજે અમદાવાદની ચોરાસી કરીને પ્રવૃત્તિને ટાળવા ઠેઠ ગણેશ ધોળકાની રાણ્યોમાં રહ્યા, તે અધિક કે ઉત્સવ-સમૈયા કરવા તે અધિક ? ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે, સમૈયા તો સાધારણ મુમુક્ષુના સમાસને અર્થે છે, મૂર્તિમાં તો અનાદિમુક્ત પહોંચાડે; સમૈયામાં તો વૃત્તિ ફેલાઈ જાય.

પછી પુરાણી કેશવપ્રિયદાસજીએ પૂછ્યું જે, પામર, વિષયી તથા મુમુક્ષુને મૂર્તિમાં કોણ લઈ જાય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અનાદિમુક્ત લઈ જાય. અ.મુ. સદ્‌. ગોપાળાનંદ સ્વામીએ ગઢડાના મંદિર ઉપર ચડીને સંકલ્પ કર્યો જે, પ્રલય કેમ થાતો હશે ! ત્યાં તો ઝાડ અને ઘર ધબોધબ પડવા લાગ્યાં, તેથી સ્વામીશ્રીએ તુરત સંકલ્પ બંધ કર્યો, એવા મહા સમર્થ હતા. એવાની સાથે જીવ જોડે તો તે મૂર્તિમાં લઈ જાય. ।। ૮ ।।