વાર્તા ૪૦

બપોરે મંદિરના બગીચામાં બાપાશ્રી નાહવા પધારેલા ત્યાં લાલુભાઈ, હીરાભાઈ, હરિભાઈ, સાંવલદાસભાઈ, સોમચંદભાઈ, ગોવિંદભાઈ, લાલજીભાઈ આદિ હરિભક્તો પાસે ઊભા હતા. તેમને બાપાશ્રીએ કહ્યું જે, બેય સદ્‌ગુરુઓને ખૂબ રાજી કરજો. આ સંતો તો મહા સમર્થ છે. તમોએ પારાયણનો સંકલ્પ કર્યો તે બહુ સારું કર્યું છે. અમારે તો કચ્છમાં કથા-વાર્તાના મોટા મોટા યજ્ઞ થાય ત્યાં સંતો આવે, સૌ દર્શન-સેવા-સમાગમ કરે, પણ તમારે તો ઘેર બેઠા ટાણું આવી ગયું. સંતો ચાલીને ઘેર આવે એવાં તમારાં સૌનાં હેત છે. કરાંચીમાં તમે રહ્યા છો પણ અહીં તો આ સ્થાન અક્ષરધામ તુલ્ય થઈ ગયું છે. મહારાજ ને મોટા મુક્ત જ્યાં વિચરે ત્યાં ભૂમિકા નિર્ગુણ. આ સંત તો જંગમ તીર્થ છે. “ભવ બ્રહ્માદિકને નિશ્ચે મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્ય જો.” એવા મહારાજ ને તે મૂર્તિના સુખભોક્તા આ સંત તે ક્યાંથી મળે ! અમે પણ એવા મોટા સંતોના જોગે આનંદ કરીએ છીએ. આ ફેરે આવવું નહોતું પણ તમારા હેતે ખેંચ્યા. એમ કહીને મેડા ઉપર આસને પધાર્યા. ત્યાં પ્રથમ પ્રકરણનું ૬૦મું વચનામૃત વંચાતું હતું, તેમાં વાસના ટાળવાની વાત આવી. ત્યારે સાધુ મુક્તવલ્લભદાસજીએ પૂછ્યું જે, બાપા ! આવો જોગ મળ્યો તેને વાસના ટળી જાય કે નહીં ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અનુભવજ્ઞાન-સાક્ષાત્કાર થાય તો વાસના બળે, નહિ તો બળે એવી નથી.

પછી એમ બોલ્યા જે, સત્સંગમાં સિદ્ધિઓ હાજર છે. તે ‘આવો, જમો, બેસો, ભાતાં, પોતાં’ એ બધી સિદ્ધિ જાણવી. સ્વામી નિર્ગુણદાસજી પાસે વસ્તુ આવતી તે કોઠારમાં નાખે, કાં તો સંતને વહેંચી દે; પોતાના સાધુને તો અવશ્યનું જ આપે. મોટેરા સાધુ હોય તેને તો ગાડાં ભરાય એટલું આવે અને નાના હોય તેને ન આવે તોપણ મોટેરાને એ સિદ્ધિઓ ન ભોગવવી. ભૂજમાં અક્ષરજીવનદાસજી સ્વામી હતા ત્યારે એક સાધુની ઝોળીમાંથી કંઈક વસ્તુ નીકળી તેથી તે સાધુને સ્વામીશ્રીએ ઉપવાસ કરાવ્યો. હવે તો મહારાજ કરે તે ખરું. સંગ્રહ ન કરવો, એમાં સુખી રહેવાય. જડ માયાનો સંગ્રહ કરનારા આ બ્રહ્માંડમાં ભટક્યા કરે છે. (તેનો મોક્ષ થતો નથી.) આ સત્સંગમાં રહી એવું પાપ રાખે તે પાપની કેમ ગણતરી થાય ! જડ માયા એટલે દ્રવ્ય. એ દ્રવ્ય કાળા નાગ જેવું છે, તે નાગ માંહી પેસી જાય તો ચસકા કરાવે. માટે ત્યાગીને માંહી-બહાર સરખું રહેવું. તે વિના આચાર્ય, સદ્‌ગુરુ કોઈ કામ નહિ કરી દે. શ્રીજીમહારાજને આગળ રાખી બરાબર વર્તવું ને વર્તાવવું. આ જોગ, સમાગમ સારો છે. પુરુષોત્તમની મૂર્તિમાં અનુભવજ્ઞાન વિના જોડાવાય નહીં. અમદાવાદમાં અમે ૧૭ની સાલમાં ગયા હતા ત્યારે અયોધ્યાપ્રસાદજી મહારાજ વગેરે હતા, તે કેવા ! અને આજ જુઓ ! આ બધા સંગદોષ છે. તે દિવસ કેવી સભા! જાણે અક્ષરધામની સભા બેઠી હોય ને શું ! હજી સભા ઠીક છે, પણ જોઈને સમાસ થાય તેમ ન મળે. પગથિયે ચડતાં જઈએ તો સુખી રહેવાય. તે વિના સુખિયા ક્યાંથી થવાય ! કેટલાક અધિકાર સારુ વલખાં મારે છે, પણ અધિકાર તો કૂટણું છે. મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તે, વર્તાવે તો વાંધો નહીં. પણ એ વિના અધિકાર છે તેમાં તો નુકસાન છે. તેથી પરલોક બગડે. કર્યા વિનાનું ન ચાલે પણ વિચાર જોઈએ. આપણને વસ્તુ બહુ સારી મળી છે. શ્રીજીમહારાજ ને આવા મોટા સંત હરકોઈ બ્રહ્માંડમાંથી ખોળી લાવે તો ઇનામ દઈએ. પણ મળે જ નહીં. તે તો સત્સંગમાં છે. આજ શ્રીજીમહારાજ સત્સંગમાં બિરાજે છે તે આપણે ન દેખીએ પણ દિવ્ય ચક્ષુવાળા દેખે. આ બધી માંહીની રમત છે. જડમાં હેત છે, તેવું શ્રીજીમહારાજમાં થાય તો શું વાંધો રહે ? આપણે હીરો હાથ આવ્યો છે તે વંજાવવો નહીં. અમારે તો સૌનું સારું કરવું છે પણ મોહરૂપી અંધે ઘોડે ચડે તે જ્ઞાન કે વાત સાંભળે નહિ અને છેટેથી ભડકી મરે છે. આજ આપણે મોહ કાઢવો છે તે કાઢીએ તો અખંડ સોહાગ થાય. પાંચ વખત માનસીપૂજા કરવી, ધ્યાન કરવું, તે સૂતાં, બેઠાં, ચાલતાં સર્વે ક્રિયામાં ધ્યાન કરવું. સ્મૃતિ રાખવી, મૂર્તિને ક્ષણમાત્ર વિસારવી નહીં. એક દોર રાખે તો બીજું દીઠું ન ગમે. નહિ તો માયાનું બળ બહુ છે. સત્‌યુગમાં આત્મનિષ્ઠા કેવી હતી તો કાનમાં સીસાં ઊનાં રેડે તથા લોઢાના ગજ આંખમાં ઘાલે અને દાંત સાણસીથી કાઢી નાખે તોપણ ગણતા નહીં. તેમ આજ કળીમાં ખૂંદ્યું ખમે. “નાખે અદાવત દીયે ગાળ્યું, તેને ભક્ત સમજે દયાળુ” એમ ગુણ લે પણ તપે નહીં. ધૂળ નાખે, કચરો નાખે તોય સાધુને સમભાવ રહે, એ આત્મનિષ્ઠા જાણવી. કોઈ આંગળી ચીંધી ન શકે એવો શાંત અને સરળ સ્વભાવ રાખવો. આપણે તો પ્રકૃતિના કાર્યથી બહાર છીએ તો દુઃખ ન લગાડવું. જો દુઃખ લાગે તો પ્રકૃતિના કાર્યમાં રહ્યા કહેવાઈએ. વચનામૃતમાં નિત્ય પાંચ ખાસડાં મારવાનું કહ્યું છે, તે જો જરામાં શોકવાન થઈ જાય તો એ ખાસડાં કેમ ખમાય ! જો શ્રીજીમહારાજને રાજી કરવા તત્પર થાય તો એનાથી બધુંય થાય. ।। ૪૦ ।।