પરચા - ૭
સંવત ૧૯૫૧ની સાલમાં બાપાશ્રી કચ્છથી મોટો સંઘ લઈને અમદાવાદ તરફ આવતાં મૂળી, લખતર આદિ ગામોમાં થઈને ઉપરદળ આવ્યા. ત્યારે રામજીભાઈએ બાપાશ્રીને પૂછ્યું જે, હું ગયે વર્ષે આપની પાસેથી આ દેશમાં આવતો હતો ત્યારે માર્ગમાં તેજ દેખાણું તે શું હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તમે અમારાં આપેલાં વચનની પરીક્ષા લેવાનો સંકલ્પ કર્યો હતો, તેથી મહારાજે અને અમે પરીક્ષા આપી હતી. તે સાંભળી રામજીભાઈ વિસ્મિત થયા. એવી રીતે તેમને આપેલાં બધાંય વરદાન સત્ય કર્યાં. પછી બાપાશ્રી સંઘે સહિત ભાયલા, કેસરડી આદિ ગામોમાં થઈ ધોળકે ગયા, ત્યાંથી જેતલપુર દર્શન કરીને ચૈત્ર સુદ ૮ને રોજ અમદાવાદ પધાર્યા. ઠાકોરજીનાં દર્શન કરી સંઘે સહિત કાંકરિયામાં નાહવા ગયા હતા. ત્યાં ઈશ્વરલાલભાઈ કાંકરિયા તરફ ઘોડાગાડીએ બેસીને હવા ખાવા ગયેલા તે ભેળા થયા, એટલે બાપાશ્રીને બહુ વિનંતી કરીને પોતાની ગાડીમાં બેસારીને મંદિરમાં લાવ્યા. પછી જ્યાં સુધી સંઘ રહ્યો ત્યાં સુધી બાપાશ્રીનો સમાગમ કર્યો. અને જ્યારે સંઘ કચ્છ તરફ જવા નીકળ્યો ત્યારે ઈશ્વરલાલભાઈ મંદિરમાં આવ્યા ને કચ્છના હરિભક્તોને દેખ્યા નહીં. પછી સાધુને પૂછ્યું જે, કચ્છના હરિભક્ત ક્યાં ગયા ? ત્યારે તેમણે કહ્યું જે, એ તો સ્ટેશને ગયા. પછી પોતે સ્ટેશન પર આવીને, સમય થઈ ગયો હતો તોપણ ગાર્ડ પાસે ગાડી ઊભી રખાવીને, બાપાશ્રીને ઘણા હાર પહેરાવ્યા અને દંડવત કરીને પ્રાર્થના કરી જે, સદ્. નિર્ગુણદાસજી સ્વામીએ આપની ઓળખાણ કરાવીને મારો હાથ આપના હાથમાં આપ્યો છે, ત્યારથી હું આપનો છું ને મારો મોક્ષ આપના હાથમાં છે. મેં કંઈ પણ સાધન કર્યાં નથી, માટે તમે તમારા પ્રતાપથી મારું આત્યંતિક કલ્યાણ કરજો. હું આપની પાસે મારા મોક્ષ માટે આવ્યો છું, એમ ઘણીક પ્રાર્થના કરી. ત્યારે બાપાશ્રીએ માથે હાથ મૂકીને કહ્યું જે, તમારું કલ્યાણ અમે કરશું. તમે કાંઈ ફિકર રાખશો નહિ; આજથી તમે મહારાજની મૂર્તિમાં રહ્યા છો, પણ આ લોકમાં કે આ દેહમાં નથી રહ્યા, એમ જાણજો. એવો આશીર્વાદ આપી બાપાશ્રી સંઘે સહિત કચ્છમાં પધાર્યા. પછી પંદર દિવસે સદ્. નિર્ગુણદાસજી સ્વામીના આસને સદ્. પુરાણી દેવચરણદાસજી સ્વામી તથા સંત-હરિભક્તોની સભામાં ઈશ્વરલાલભાઈ આવીને બેઠા કે તરત દેહ પડી ગયો ને બાપાશ્રીએ મૂર્તિના સુખમાં મૂકી દીધા. ।। ૭ ।।