વાર્તા ૧૩૫
બીજે દિવસે સવારે સભામાં એવી જ રીતે મહારાજની તથા પુરાણી આદિ સંતોની પૂજા કરી આસને બેઠા. થોડી વારે કથામાં વાતોનો પ્રસંગ ચાલ્યો. તે વખતે બાપાશ્રીએ વાત કરી જે, જુઓ તો ખરા ! આ સંતની સભામાં મહારાજ પ્રત્યક્ષ બિરાજે છે. અનંત મુક્તો એ મૂર્તિ સામું જોઈ રહ્યા છે. આ દિવ્ય સભામાંથી તેજ ફરર ફરર નીકળે છે. અનંતકોટિ બ્રહ્માંડમાં આવા સંત અને આવી દિવ્ય સભા હોય તો શોધી લાવો ! આ તો બ્રહ્મની મૂર્તિઓ છે. આ બધાયનાં તેજ શ્રીજીમહારાજે ઢાંકી રાખ્યાં છે. આ રીતે વાતો કરતાં સવાર અને સાંજ સંત-હરિભક્તોથી મંદિર ઊભરાઈ જતું હતું. કથા વાંચનાર બંને પુરાણી મૂર્તિ ધારીને કથા વાંચતા હતા અને શ્રોતાજનો પણ મૂર્તિમાં વૃત્તિ રાખી સાંભળતા હતા. સાંજે હરિભક્તોની પંક્તિ થાય તે વખતે પણ બાપાશ્રી વાડીમાં ફરીને સૌને દર્શન આપી સુખિયા કરતા. એક દિવસ સવારે સભામાં બાપાશ્રીએ વાત કરી જે, મહારાજે આ સમે જીવો પર બહુ દયા કરી છે, તેથી શરણે આવે તેનાં જન્મમરણનાં ખાતાં વાળી નાખે છે. આવા બ્રહ્મયજ્ઞમાં શ્રીજીમહારાજ દિવ્ય રૂપે દર્શન દઈ અનેકને પોતાની મૂર્તિનું સુખ આપે છે. મોટા મુક્ત દ્વારે પોતાનો મહિમા સમજાવે છે. આવા સંતો પણ જીવને ઉગારવા ભાતાં બાંધીને ઘેર ઘેર ફરે છે. વાંક-ગુના માફ કરી દે છે. મહારાજે અનેક પ્રકારનાં લીલા-ચરિત્રો કર્યાં તથા અનાદિ મહામુક્તોએ જે જે કર્યું તેમાં એ એક જ તાન છે; પણ જીવને એ વાતની શી ખબર પડે ? આ તો “અનંત જીવ ઉદ્ધારવાને આવિયા રે લોલ, બ્રહ્મમોહોલવાસી હરિરાય” એવું છે. ક્યાં જીવ ને ક્યાં જીવન ! આ તો મહાપ્રભુએ અતિ કરુણા કરી છે. મોટા મુક્તોએ એ મૂર્તિનો અપાર મહિમા વર્ણવ્યો છે જે, સદા સાકાર, નિર્ગુણ મૂર્તિ સ્વતંત્ર થકા પોતાના તેજે અનંત બ્રહ્માંડને તથા અનંત ઐશ્વર્યાર્થી ઓને પ્રકાશના દાતા, સુખમય મૂર્તિ, સર્વના આધાર પરમએકાંતિક તથા અનાદિ મહામુક્તોએ સેવ્યાં છે ચરણકમળ જેમનાં, એવા અને એ મુક્તોને રસબસભાવે સળંગ પોતાની મૂર્તિનું નવીન નવીન સુખ પમાડનાર, સુખના ધામ, મનોહર મૂર્તિ, અક્ષરબ્રહ્મના આધાર, અક્ષરના આત્મા, દિવ્ય મૂર્તિ, અનંત બ્રહ્માંડમાં અન્વયશક્તિ વડે પ્રકાશના કરનારા, સર્વના કારણ શ્રીહરિ, એ જેવા એ એક; એમ શાસ્ત્રમાં લખ્યા એવા અખંડ અવિનાશી મહારાજ તેમની પ્રાપ્તિ આપણને થઈ છે, તેની ખુમારી રાખવી. એ મહાપ્રભુ આ સભામાં અખંડ બિરાજે છે. સભા સામું અમૃત નજરે જોઈ રહ્યા છે, માટે આપણે પોતાનાં અહોભાગ્ય માની કૃતાર્થપણું માનવું. જીવને વિષે નાદારપણું તો રાખવું જ નહીં. આવી દિવ્યસભાનો મહિમા અતિશે જાણવો. “ભવ બ્રહ્માદિકને નિશ્ચે મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્ય જો” એવી પ્રાપ્તિ આપણને થઈ છે એમ જાણવું. શ્રીજીમહારાજે કૃપા કરી આ જોગ આપ્યો, તેથી જ તેમના આવા અનાદિ મહામુક્ત ઓળખાણા છે. માટે આપણે પોતાનું અહોભાગ્ય માનવું ને સદાય આનંદમાં રહેવું. ।। ૧૩૫ ।।