વાર્તા ૧૨૮

બીજે દિવસે ફાગણ વદ ૯ને રોજ ધનજીભાઈ જાગ્રત થયા ને પાસે બેઠેલાં, ઘરનાં માણસોને જય સ્વામિનારાયણ કહ્યા. ત્યારે તેમના દીકરાઓએ કહ્યું કે, બાપાશ્રીને તેડી આવીએ ? ત્યારે ધનજીભાઈ કહે, તમે મારી રાત-દિવસ સેવા કરો છો. વળી વચનામૃતની પારાયણ વાંચી ભક્તચિંતામણિની કથા કરી તોય તમે બાપાશ્રીને તેડી આવીએ એમ કેમ કહો છો ? બાપાશ્રી તો આ રહ્યા. મહારાજ તથા અનંત મુક્ત પણ આ બેઠા. જુઓને ! આ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આદિ અનેક સંતો બેઠા છે. સર્વે તેજોમય છે, તોપણ તમે આમ કેમ બોલો છો ? એમ એ વખતે ધનજીભાઈને મહારાજ તથા બાપાશ્રી આદિ અનેક મુક્તોનાં દર્શન થયાં. પછી સૌને જય સ્વામિનારાયણ કહી, ધનજીભાઈએ દેહ મૂક્યો. તે વાત વૃષપુરમાં બાપાશ્રીએ હરિભક્તોને કહી, પછી પોતે નારાયણપુર જવા નીકળ્યા. ધનજીભાઈને પાલખીમાં બેસારી હરિભક્તો ઉત્સવ કરતાં કરતાં અગ્નિદાહ દેવા જતા હતા. તે ઝાંપામાં બાપાશ્રી સામા મળ્યા. પછી હરિભક્તોએ પાલખી ઉતારી દંડવત કર્યા. ત્યારે બાપાશ્રી ધનજીભાઈ ઉપર હાથ ફેરવીને બોલ્યા જે, ધનજી બચ્ચા ! જા, અમે આવીએ છીએ; એમ કહીને પોતે એક કોરું વસ્ત્ર તેમના પર ઓઢાડ્યું. પછી હરિભક્તોને પાલખી લેવા કહ્યું. જ્યારે પાલખી લઈને સૌ ચાલ્યા ત્યારે ગુલાલની ધોખડ થઈ રહી અને બહુ સુગંધી આવવા માંડી, તેથી બધા ઊંચું જોવા લાગ્યા જે, આટલો બધો ગુલાલ અને આટલી બધી સુગંધ, ક્યાંથી આવે છે ? પછી તેમને દેન દેવા માટે નદીને ધરે લઈ ગયા. ત્યાં અગ્નિસંસ્કાર કર્યો, ત્યારે પણ બાપાશ્રી સૌની સાથે હતા. તે વખતે બોલ્યા જે, નારાયણપુરમાં આજે કાળ પડ્યો અને કચ્છમાં તથા સાજા સત્સંગમાં કાળ પડ્યો, પડ્યો અને પડ્યો; એમ સમજી લેજો. એવી રીતે પોતાને અંતર્ધાન થવાની વાત મર્મમાં જણાવી.

ફાગણ વદ ૧૨ને રોજ ધનજીભાઈના ખરખરે કણબીની નાતના માણસો આવેલા, ત્યારે પણ બાપાશ્રી તે સર્વે પ્રત્યે એમ બોલ્યા જે, ધનજી ગયો તે ખાલું પડ્યું; તે આ લોકની દૃષ્ટિએ બહુ ખોટું થયું. અમો પણ મહેમાન છીએ, જાવાની તૈયારીમાં છીએ. આવું સાંભળીને હરિભક્તોને અંતરમાં બહુ દુઃખ થયું. તેથી સૌએ પ્રાર્થના કરી જે, બાપા ! તમે કેમ વારેવારે ઉદાસી જણાવો છો ? ત્યારે બાપાશ્રી કહે, મહારાજની મરજી હશે તે પ્રમાણે બોલાતું હશે. આપણે તો ધનજીભાઈની પેઠે મૂર્તિમાં જોડાઈ જવું ને સુખિયા થાવું. એમ કહી સૌને ધીરજ આપી. ।। ૧૨૮ ।।