વાર્તા ૧૦૪

બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, શ્રીજીમહારાજની મૂર્તિમાં અખંડવૃત્તિ રાખવાથી બહુ મોટું કામ થાય છે અને મહારાજના આકારે થઈ જાય છે તેને ભાગવતીતનુ કહે છે. એટલે મહારાજ પોતાની મૂર્તિમાં રાખે છે અને અપરિમ્‌ અપરિમ્‌ સુખ આપે છે. એ મુક્તને મૂર્તિમાં આવરણ નથી. સાકાર થતાં મૂર્તિમાં રહ્યા છે. તે મુક્ત, મુક્તમાં સોંસરા ચાલ્યા જાય છે. જેમ સંતદાસજી ભીંત સોંસરા ચાલતા, તેમ મુક્ત મુક્તને એકબીજાનું આવરણ નથી. આવા મહારાજ અને અનાદિમુક્ત મળ્યા, એવા જોગમાં હારી જવું નહીં. તે હારી જવું એ શું ? તો આવા સંતમાં મનુષ્યભાવ રહે ને મૂર્તિઓમાં મનુષ્યભાવ રહે, તથા ચિત્રભાવ, ધાતુભાવ રહે કે દોષ પરઠાય તો હારી જવાય, માટે પાત્ર થવું. તે પાત્ર ક્યારે થવાય ? તો કામ, ક્રોધ, માન, ઈર્ષ્યા, કપટ એ સર્વેનો ત્યાગ કરી મોટા અનાદિમુક્તને વિષે આત્મબુદ્ધિ કરે. જેમ મોટી નદીમાં પાણીનો લોટો નાખે તે સમુદ્રમાં પહોંચે છે, તેમ મોટાને વિષે હેત હોય ને તેમને જીવ સોંપે તો મોટા પાત્ર કરીને ધક્કો મારીને ધામમાં લઈ જાય; એમ જાણી હિંમત રાખી મંડવું જોઈએ. આપણે શ્રીજીમહારાજ તથા દિવ્ય સભા, એ ભેળું રહેવું; પણ જુદા રહેવું નહીં. અનુભવજ્ઞાન થાય તો બધુંય દેખાય છે, કેમ કે મહારાજ તથા મોટાને પોતાનાં સુખમાં જીવને લઈ જવા છે, ને પોતાના જેવા કરવા છે. માટે પુરુષપ્રયત્ને કરીને જડ-ચૈતન્ય માયાનો ત્યાગ કરવો. હમણાં એ માયાએ તો ડોકું કાઢ્યું છે, તેથી આજ્ઞામાં ખબડદાર રહેવું. અને વૈરાગ્ય, આત્મનિષ્ઠા, શ્રદ્ધા, અહિંસાધર્મ અને બ્રહ્મચર્ય એ પાંચ સાધને યુક્ત થાય ત્યારે મહારાજની કૃપા થાય, ત્યારે તે ભગવાનના તુલ્યપણાને પામે ને શુભ-અશુભ કર્મથી બંધાય નહીં. એમ સ્વતંત્ર થાય છે. ને મૂર્તિમાં લીન એટલે મહારાજનાં અંગોઅંગમાં રસબસ રહે છે. એવા મુક્તની સામર્થી  મહારાજે રોકી રાખી છે તેથી જાણતા થકા અજાણતા રહે છે, પણ એ સર્વત્ર જાણે છે. તમને તમારી સામર્થીની ખબર નથી. આ સભા સર્વે ચૈતન્યની મૂર્તિઓ છે. તે મુક્ત ને મહારાજ જ્યાં હોય ત્યાં માયા રહે જ નહિ, મરી જાય; ગોતી હાથ ન આવે. મોટા મુક્તના સંબંધને જે જે પામે છે તે નિર્ગુણ થાય છે. તેવા નિર્ગુણના ગુણ મહારાજ પણ ગાય છે. “નિર્ગુણના ગુણ ગાય ધર્મસૂત લાડીલો” માટે આપણે આપણું કરવું. મહારાજ અને આવી દિવ્ય સભાથી બહાર નીકળવું નહીં. પોતાના ઘરમાં રહેવું, એટલે મૂર્તિમાં જ રહેવું. પછી એમ બોલ્યા જે, આ વખતે કરાંચીમાં આઠ દિવસ રહેવા ધારેલ, પણ હરિભક્તોના હેતને લીધે પંદર દિવસ થઈ ગયા. નાના-મોટા સૌ હરિભક્તોએ લાભ લીધો. સર્વેને સરખી ને સરખી તાણ છે. સત્સંગમાં ચડતો રંગ છે તે શ્રીજીમહારાજનો પ્રતાપ છે. અહીંના સર્વે હરિભક્તોની તાણ એવી છે જે હજી ચાર મહિના રહીએ તોપણ તૃપ્ત ન થાય. પણ સ્વામી ! અમારે દેશમાં જવું ખપે. એમ કહીને બંને સદ્‌ગુરુઓ તથા પુરાણી આદિ સંતોને કહ્યું જે, તમો હવે સૂઈ જાઓ. પછી પોતાની સાથે આવેલા હરિભક્તો તથા પોતાના પૌત્રાદિકને કહ્યું જે, તમારા સામાન બાંધી રાખજો. આ હરિભક્તોનાં હેત ઝાલ્યાં રહે તેવાં નથી. તમને તો કાલે માર્ગ નહિ જડે, આગબોટના ટાણે પહોંચાય ત્યારે પહોંચ્યા. એમ કહીને બાપાશ્રી પોઢી ગયા. ।। ૧૦૪ ।।