પરચા - ૮
સંવત ૧૯૫૩ની સાલમાં ધ.ધુ. આચાર્યશ્રી પુરુષોત્તમપ્રસાદજી મહારાજ કચ્છમાં પધાર્યા હતા. તે જ્યારે કેરા ગામમાં પધાર્યા, ત્યારે બાપાશ્રી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સૌ સંત તથા વૃષપુરના હરિભક્તો કેરામાં દર્શને ગયા હતા. ત્યાં બાપાશ્રીને પોતાના તંબુમાં તેડાવીને કહ્યું જે, તમને શ્રીજીમહારાજે જીવોના ઉદ્ધાર કરવા સારુ મોકલ્યા છે; એમ અમે સદ્. નિર્ગુણદાસજી સ્વામીના કહેવાથી જાણીએ છીએ, માટે અમને તમારી પેઠે મૂર્તિનું સુખ આવે એવા આશીર્વાદ આપો. તમને મારે અમદાવાદ તેડાવી બે મહિના રાખીને જોગ કરવો છે. પછી બાપાશ્રીએ કહ્યું જે, બહુ સારું મહારાજ. પછી વ્યવહારિક વાત પૂછી જે, અમારાથી અબડાસામાં જવાણું નહિ તેથી તે દેશ ફર્યા વિનાનો રહી ગયો અને મિસ્ત્રીઓનાં ગામોમાં પણ ઝાઝું રોકાવાનું કહે છે, માટે ત્યાં રોકાઈએ તો શ્રી હરિનવમીએ અમદાવાદ પહોંચાય નહિ, માટે તે સમૈયો અહીં ભૂજ કરીએ કે અમદાવાદ કરીએ ? પછી બાપાશ્રીએ કહ્યું જે, એ સમૈયો તો અમદાવાદ કરવો. ત્યારે મહારાજશ્રીએ કહ્યું જે, તમે મિસ્ત્રીઓનાં ગામોમાં ભેળા આવીને તેમને સમજાવીને વહેલી રજા અપાવો તો અમદાવાદ પહોંચાય. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ભલે અમે ભેળા આવીને સમજાવશું. તમે કચ્છ મૂકીને ગુજરાત તરફ ચાલશો ને ધ્રાંગધ્રે પહોંચશો ત્યારે અમદાવાદથી કાગળ આવશે જે પ્લેગના રોગથી સમૈયો સરકારે બંધ કરાવ્યો છે માટે અહીં પેસવા દેશે નહીં. અને ધ્રાંગધ્રાના રાજા શ્રી માનસિંહજી બે મહિના સુધી રોકાવાનો આગ્રહ કરશે અને તમારા ભેળા મોટા મોટા સંત છે તે પણ ત્યાં રોકાવાનું કહેશે, પણ રોકાશો નહીં. સમૈયા નજીક અમદાવાદ ઢૂકડા થઈ જજો. પછી ફેર કાગળ આવશે કે સમૈયાની છૂટી થઈ છે, એટલે અમદાવાદ પધારશો. એમ વાત કરીને પછી રાત્રિએ બાપાશ્રી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો વૃષપુર ગયા. બીજે દિવસે મહારાજશ્રી વૃષપુર પધાર્યા. ત્યાં બે દિવસ રહીને પછી મિસ્ત્રીઓનાં ગામોમાં જવા નીકળ્યા. તેમના ભેળા બાપાશ્રી ચાલીસ-પચાસ હરિભક્તોને લઈને ગયા. તે મિસ્ત્રીઓને સમજાવીને સત્તર રસોઈઓ હતી તે ભેળી કરાવીને ત્રણ દિવસમાં રજા અપાવી ને રસોઈઓને બદલે બીજી સેવા કરાવરાવી. પછી કુંભારિયેથી ચાલ્યા તે દેવળિયા, સિનોગરા થઈને અંજાર સુધી વળાવીને ત્યાંથી પાછા વળ્યા. ત્યારે ગોવાભાઈએ બાપાશ્રીને કહ્યું જે, કુંભારિયે પધારો. પછી કુંભારિયે ચાલ્યા તે ચાલતાં માર્ગમાં એક ઉંદર દરમાંથી બહાર નીકળ્યો તેને સમળીએ ઝપટ નાખી પણ સમીપે ઘણાં મનુષ્ય જોઈને ઉંદરને પકડ્યા વિના ઊડી ગઈ. પણ પાંખની ઝાપટ લાગવાથી ઉંદરને કળ ચડી ને તરફડવા લાગ્યો. તેના ઉપર બાપાશ્રીએ ધૂળની ચપટી નાખીને વર્તમાન ધરાવ્યાં ને ઉંદરે દેહ મૂકી દીધો. ત્યારે સ્વામી અક્ષરજીવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતોએ તથા કેસરાભાઈ આદિક હરિભક્તોએ પૂછ્યું જે, એની શી ગતિ થઈ હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આત્યંતિક મોક્ષ થયો. પછી કુંભારિયે ગયા ને ત્યાં બે-ત્રણ દિવસ રહીને ભૂજના સંત હતા તે ભૂજ ગયા અને સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સૌ બાપાશ્રી ભેળા વૃષપુર ગયા. અને આચાર્ય મહારાજશ્રી તથા સર્વ સદ્ગુરુઓ અંજારથી ચાલ્યા તે ધ્રાંગધ્રે પહોંચ્યા ત્યાં અમદાવાદથી કાગળ આવ્યો જે અહીં સરકારે સમૈયાની બંધી કરી છે માટે અમદાવાદમાં પેસવા દેશે નહીં. ત્યાંના રાજાએ પણ બે માસ સુધી રોકાવાનો આગ્રહ કર્યો અને સદ્. વૃંદાવનદાસજી સ્વામી તથા સદ્. દેવચરણદાસજી સ્વામી તથા શાસ્ત્રી બાળમુકુંદાનંદજી બ્રહ્મચારી આદિ ઘણા સંતોએ પણ કહ્યું જે, અહીં આગ્રહ કરીને રોકે છે ને અમદાવાદમાં પેસવા દેશે નહિ, માટે રહીએ તો ઠીક. પણ મહારાજશ્રીએ કહ્યું જે, ચાલો, જેમ થનાર હશે તેમ થશે. પછી ત્યાંથી ચાલ્યા તે લીલાપુર આવ્યા. ત્યાં અમદાવાદથી કાગળ આવ્યો જે, સમૈયાની છૂટી થઈ છે માટે પધારો. પછી સર્વે અમદાવાદ આવ્યા અને સમૈયો થયો. ।। ૮ ।।