વાર્તા ૩૭
સાંજે સભામાં બાપાશ્રીએ વાત કરી જે, શ્રીજીમહારાજ નરનારાયણને મિષે પ્રગટ થયા તેથી મહારાજને નરનારાયણ કહ્યા હોય ત્યારે નર તે મુક્ત અને નારાયણ તે મહારાજ એમ જાણવું. મહારાજ અને અનાદિમુક્તને જુદાપણું નથી, રસબસ છે, તાણાવાણાની પેઠે છે. બીજા અવતાર તો પોતે પોતાના ધામ બાંધીને બેઠા છે, માટે નોખા છે ને અતિશે ન્યૂન છે અને ઐશ્વર્યાર્થી છે. આવું જેને મહારાજનું મહાત્મ્ય સમજાણું હોય તેને પ્રકૃતિપુરુષથી લઈને અક્ષર પર્યંત સર્વે તુચ્છ થઈ જાય. જેમ નઠારી વસ્તુને ફેર સંભારતા નથી એવું માયાનું કાર્ય થઈ જાય. મહારાજ અણુ અણુ પ્રત્યે અંતર્યામી શક્તિએ રહ્યા છે અને સત્સંગમાં સાક્ષાત્ રહ્યા છે. પણ જીવને એવું જણાતું નથી, કેમ જે મનુષ્યની મર્યાદા રહે છે એટલી પણ મહારાજની મર્યાદા રહેતી નથી. એટલું છાનું નાસ્તિકપણું છે. મહારાજ અને મોટાની મોટ્યપ માયિક દૃષ્ટાંતે કરીને કહેવી પડે છે તે તો કેવું છે તો ચક્રવર્તી રાજાને રાંકની ઉપમા દીધા જેવું છે. અનાદિમુક્તને મતે એક મૂર્તિ વિના બીજું કોઈ ધામ કે કાંઈ નથી. એવા મોટાને વિષે જેને આત્મબુદ્ધિ થઈ તેને સર્વે પ્રાપ્તિ થઈ રહી છે એમ જાણવું. અભક્ત હોય તે મોટા અનાદિને ઓળખે નહિ અને આસુરી જીવ હોય તે તો ઊલટો દ્રોહ કરે. અ.મુ. સદ્. ગોપાળાનંદ સ્વામીને અને ગુણાતીતાનંદ સ્વામીને ખૂણિયા જ્ઞાનવાળા કહેતા, એ સત્સંગમાં કુસંગ કહેવાય. તેને મોટાના સમાગમવાળા જાણે જે આ બિચારા પામર છે, તે એને ગૉળ-ખોળની ખબર નથી. જેણે જેણે ભગવાનના મુક્ત સાથે કપટ કર્યું હશે તે સુખિયા થયા નથી અને થશે પણ નહિ, સામા વધુ દુઃખિયા થશે; તે ઊંડા ઊતરીને જુએ તો માલમ પડે. આપણે તો મહારાજના મોટા અનાદિમુક્તનો જોગ કરી લેવો, કેમ જે શ્રીજીમહારાજ કલ્યાણ તથા પોતાનું સુખ તે મુક્ત પાસે અપાવે છે. માટે સાધનદશાવાળા મોક્ષાર્થીને મુક્તને શરણે થયા વિના પોતાને બળે તે સુખ પમાતું નથી અને મહારાજના સુખમાં પહોંચ્યા પછી કોઈ મુક્તની અપેક્ષા રહેતી નથી. મહારાજે કહ્યું જે, નાથ ભક્તના હજાર રૂપિયા અને ઝીંઝુવાડાનું કાસીદું કરી આવ્યો જે બ્રાહ્મણ તેનો એક રૂપિયો તે બેય સરખું છે. કેમ જે નાથ ભક્ત પાસે હજાર રૂપિયા હતા તેથી તેણે ઘેબરની રસોઈ આપી ને એ બ્રાહ્મણ પાસે એક રૂપિયો હતો તે મહારાજને અર્પણ કર્યો, માટે બેયને બરાબર કહ્યા. ભગવાન અને સંત ધીરે ધીરે બહુ કામ કરે છે, પણ તુરત સુખ દેખાડી દેતા નથી. જ્યારે પ્રગટ સુખ મળે ત્યારે તો એ મૂર્તિના સુખ વિના બીજું કાંઈ રહે જ નહીં. મોટા મુક્ત તો જેમ ઘડામાં ઘી થીજી જાય તેમ મૂર્તિમાં થીજી ગયા છે અને જીવને એવી જ રીતે મૂર્તિમાં સુખિયા કરે છે. આપણે તો નાના-મોટા જે સ્વામિનારાયણના આશ્રિત છે એ સર્વે અક્ષરધામમાં મહાપ્રભુની સભામાં જે છે તે જ આ છે એમ જાણવું, પણ અણુમાત્ર ન્યૂન નથી. જેમ રાજાને ઘેર કુંવર જન્મે તે રાજા જ કહેવાય. તેમ જેને સ્વામિનારાયણનો આશરો છે, તે સ્વામિનારાયણના દીકરા છે. તે અક્ષરધામમાં અનાદિમુક્ત છે તે જેવા જ થશે; માટે આજથી આપણે તેમને મુક્ત જાણવા. શ્રીજીમહારાજ પોતાના સર્વે આશ્રિતોને સરખું સુખ આપે છે. જેમ આ લોકમાં એક બાપને ત્રણ દીકરા હોય તેમાં એક ગાંડો હોય ને એક વ્યવહાર ચલાવતો હોય ને એક નિત્ય પચાસ રૂપિયા કમાઈ લાવતો હોય, પણ તે સર્વેના ઉપર બાપ સરખા પ્રસન્ન રહે છે. તેમાં જે ગાંડો હોય તેની ખબર પોતે રાખે છે તેમ મહારાજ પણ નિજ આશ્રિતોની ખબર રાખે છે. જેમ નંદાસણથી ભુલા ભક્ત ગઢડે મહારાજનાં દર્શન કરવા ગયા, ત્યારે મહારાજે માર્ગમાં રક્ષા કરી તેમ સહાય કરે છે. અનાદિમુક્તની તો વાત જ જુદી છે. માટે અનાદિમુક્તનો જોગ કરવો. તો અનાદિમુક્ત પોતાના જોગ કરનારને માયા, દેહ, વિષય, રાગ એ આદિક સર્વે થકી ત્યાગી કરી મૂકે. એવા મુક્ત તો સરવાણી પાણી જેવા છે. તેને શબ્દની કિંમત નથી, પ્રકૃતિપુરુષ ને તેના કાર્યની કિંમત નથી, તે તો સદા મૂર્તિના સુખે સુખિયા છે ને સદા મૂર્તિમાં જ રસબસ છે. તે મૂર્તિ સર્વોપરી છે, બીજા કોઈ અવતારની એને ઉપમા દેવાય નહીં. મહારાજે લોયાના ૧૪મા વચનામૃતમાં કહ્યું છે જે, અમો અવતાર-અવતારી ભેદમાં નથી, એ સર્વેથી ન્યારા છીએ. એ વાત અનાદિમુક્તના જોગથી સમજાય છે, તે અનાદિના જોગથી નિષ્કામ એટલે અનાદિ થાય. એક પારસથી પારસ બને તે પારસ ઉત્તમ છે તેમ પોતા જેવા કરે તે અનાદિમુક્ત છે. ઉત્તમ રુચિવાળાને મહારાજ જરૂર એવો જોગ મેળવે. આપણે તો મહારાજને સદાય સાથે રાખવા, દાસપણું રાખવું. સત્સંગમાં દાસપણું હોય એ જ ઊંચે દરજ્જે ચડે છે. આ લોકમાં અપમાન થાય તોય સહન કરવું, તો ઘણો લાભ થાય. સત્સંગમાં કુસંગ કીયો ? તો, મહારાજને હાથમાં આવવા દે નહિ તે. મૂર્તિ સિદ્ધ કરી હોય તોપણ તેને પરમએકાંતિક તથા અનાદિનો જોગ જોઈએ કેમ કે, ભોમિયા તો એ જ છે. તે મહારાજનો દિવ્યભાવ સમજાવે, મહિમા જણાવે, જ્ઞાનનો પાર પમાડે ને સુખની પ્રાપ્તિ કરાવે. જેના અંતરમાં મહારાજનું સુખ છે તેને ત્રણેય અવસ્થામાં સાક્ષાત્કાર થઈ ગયો છે તે જુદા પડતા નથી. જેમ દેહ ને જીવ જુદા પડતા નથી તેમ એ કારણ મૂર્તિ હાથ આવે તેને કાર્યની જરૂર રહેતી નથી. જ્યારે તેજમાં મૂર્તિ દેખાય ત્યારે તે કારણ મૂર્તિ છે એમ જાણવું. તે મૂર્તિ શ્વેત છે, તેજોમય છે. તે મૂર્તિ વિના પોતાનો દેહ આદિક કાંઈ વ્હાલું ન હોય, ત્યારે જાણીએ જે પૂરું થયું. મૂર્તિ વિના બીજું પ્રધાન જણાય એટલું અધૂરું જાણવું. અંતર્વૃત્તિએ અને સાંખ્ય વિચારે કરીને દાખડો કરતો જાય તેમ તેમ દિવ્યભાવ જણાતો જાય ને સુખ આવતું જાય. એમ કરતાં કરતાં જ્યારે શુદ્ધ પાત્ર થાય ત્યારે પ્રતિમાનાં દર્શન સાક્ષાત્કાર જેવા થાય અને સર્વે મનોરથ પૂર્ણ કરે. પછી તેની સાથે બોલે, વાતો કરે, જો દિવ્યભાવ આવે તો. પણ જીવ માયાને આધીન થઈ ગયો છે, તે સાધુ, બ્રહ્મચારી, હરિજનોની ગણતરી નહિ; એવો એકદેશી થઈ ગયો છે. તેથી માયાપ્રધાન રહે છે ને મૂર્તિનો, સાધુનો અને હરિજનનો ભાર નથી આવતો. એને ક્યાંથી સુખ આવે ! મૂર્તિ અને મુક્તને ભૂલીને વિદ્યા, સાધન એ આદિકને સંભારવા, એ હલર-વલર કહેવાય, ત્યારે મહારાજ ને મોટા એમ જાણે જે આ બાળકિયા સ્વભાવ કરે છે. માટે કાર્યથી જુદો પડીને મૂર્તિ પકડે તો સદા સુખિયો થઈ જાય. મોટાનો જોગ કરીને ધ્યાન સિદ્ધ કરીને મૂર્તિ પામવી. તો જોગ કર્યાનું ફળ મળ્યું જાણવું. જેમ શાળ ઉપર ફોતરું હોય છે તેણે કરીને દાણા પાકે છે. તેમ સાધને કરીને મૂર્તિ સિદ્ધ કરવી. મૂર્તિ સિદ્ધ થયા પછી સાધન પૂરાં થયાં જાણવાં, માટે એક મૂર્તિ રાખવી. પદાર્થ પોતે ભેળા કરીને તેણે કરીને ઉત્સવ સમૈયા કરે ને તેને સંભારીને રાજી થાય તે કાર્ય કહેવાય, પણ મૂર્તિ વિના એણે કરીને સુખ ન થાય. મૂર્તિ ભૂલીને એકલું કાર્ય સંભારે તો તે કણ ફગાવીને કુશકા રાખ્યા જેવું છે. ઘેર ઘેર આવા મુક્ત ન હોય. માટે આ અવસરે ચેતી લેવું. એક ક્ષણવાર મૂર્તિ ભૂલવી નહીં. મોટાના જોગનો પારખું થાય અને મોટા કહે તેમ કરે ને આ લોકના સુખથી લૂખો થઈ મહારાજના સુખમાં જોડાઈ જાય; અવયવ ન ફરે તો આ લોકમાંથી લૂખો થાય નહીં. માટે આ લોકમાંથી લૂખા થઈને મહારાજની મૂર્તિમાં જોડાઈ જાય તો અવયવ ફર્યા કહેવાય. પ્રાયશ્ચિત્ત કરે તો દેહની શુદ્ધિ થાય અને સેવા, માળા, ધ્યાન આદિકે જીવની શુદ્ધિ થાય છે. ખરેખરો થઈને મંડે તો મહારાજ અને મોટા સહાયમાં ઊભા છે, કોઈ દિવસ જુદા છે જ નહીં. હું જે જે ઘાટ-સંકલ્પ કરું છું તે સર્વે મહારાજ ને મોટા જાણે છે એવી મર્યાદા રાખીને ખરી આતુરતાથી મંડે તો મહાસુખિયો બ્રહ્મરૂપ કરી મૂકે. બ્રહ્મમય દેહ એટલે બ્રહ્મ જે ભગવાન તે મય એટલે તે રૂપ થાય છે; ત્યારે મૂર્તિને પામે છે. જેમ હજૂરી રાજાનો માણસ છે અને થાણદાર પણ રાજાનો મનુષ્ય છે, પણ હજૂરી તેડવા આવે તો રાજા પાસે બેસારે અને થાણદાર તેડવા આવે તો કેદમાં પૂરે. તેમ અનાદિમુક્ત મળે તો શ્રીજીની મૂર્તિમાં લઈ જાય અને તે વિનાના તો બીજા ધામમાં લઈ જાય. મહારાજ અને મોટા અનાદિનો મહિમા સમજાય ત્યારે શ્રદ્ધા વધે, દેહના ઘસારાને પણ ન ગણે, માન-અપમાનને પણ ન ગણે; એને તો એક મૂર્તિનું જ તાન હોય. એ જેવો તેવો હોય તોપણ અમને ગમે છે. જેવો તેવો એટલે મૂર્તિમાં જોડાઈ જાય તેથી નાવા-ધોવાની કે કોઈને અડી જવાની એવી ક્રિયા કદાપિ ન કરી શકે. જેમ ગોરધનભાઈ દાતણ પડ્યું મૂકીને નાહ્યા વિના જમવા મંડ્યા અને મહારાજની પૂજા કરવાનું ચંદન ડબામાં હતું તેમાં પગ બોળ્યો, એમ થઈ જાય તોપણ મહારાજને ગમે છે. એવા મુક્તને બાધ નથી, જેમ રાજાનો કુંવર રાજ્યમાં ચાહે ત્યાં હરે-ફરે, પણ કોઈથી એને દુઃખ દઈ શકાય નહીં. તેમ એવા મુક્તને માથે કાળ, માયા, પુરુષ, બ્રહ્મ, અક્ષર આદિ કોઈનો હુકમ નથી ને એ સર્વે રાજી કરવા ઇચ્છે છે. આમ ન સમજાય ને એકલી વિદ્યાને નોરે ચડી જવાય એમાં તો કુસંગ કહેવાય. માટે વિદ્યાની શુદ્ધિ પણ મોટાનો જોગ હોય ત્યારે જ થાય છે અને ત્યારે જ ભગવાનમાં વૃત્તિ રહે છે. શ્રીજીમહારાજે પ્રથમ પ્રકરણના ૪૯મા વચનામૃતમાં કહ્યું છે જે, ભગવાનના સ્વરૂપમાં જેની વૃત્તિ ન રહે તે ભગવાનનો ભક્ત નહીં. માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તો જ ભક્ત કહેવાય. જ્યાં સુધી ભગવાનની મૂર્તિમાં અખંડ વૃત્તિ ન રહે ત્યાં સુધી માયાના ગુણ ટળે નહિ અને દુઃખિયો મટે નહીં. પણ મૂર્તિમાં વૃત્તિ રાખતાં રાખતાં જ્યારે માયા છે જ નહિ એવું થાય ત્યારે સુખિયો. ।। ૩૭ ।।