વાર્તા ૧૪૪
વૈશાખ સુદ ૫ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, શ્રીજીમહારાજ અથવા મોટા મુક્ત જ્યારે આ પૃથ્વી ઉપર દયા કરીને દર્શન આપે, ત્યારે જે જીવ સંતસમાગમે કરીને તેમનો આશરો કરે, દિવ્યભાવ રાખે અને અનુવૃત્તિમાં રહે એટલે મોક્ષ થાય; કેમ જે ભોમિયા હોય તે જ માર્ગ બતાવે. તેમ એ મુક્ત મૂર્તિના સુખભોક્તા છે તેથી એ દિવ્ય સુખમાં પહોંચાડે. તે વિના કોટિ ઉપાયે એ સુખ પમાય નહીં. જેવડા શ્રીજીમહારાજને જાણી શકો તેવડા જાણો તોય મહારાજ તો સર્વેને અપાર ને અપાર રહે છે. મહિમા તો ઘણો સમજવાનો છે, પણ જેમ છે તેમ કહીએ તો ખમાય નહીં. જે વાતની જેને ખબર ન હોય તે શું જાણે ! મહારાજની મૂર્તિમાં તો અપરંપાર તેજ છે. એ મૂર્તિમાં અનાદિમુક્ત રસબસ રહ્યા છે. અહીં તો મૃત્યુલોકના જેવા ભાવ દેખાય, પણ બધુંય દિવ્ય છે. મહારાજ કહે છે કે,“મારી મૂર્તિ રે મારા લોક, ભોગ ને મુક્ત; સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયાની છે જુક્ત.” એ બધુંય કારણ મૂર્તિનું અપારપણું છે, એમ વાત કરી. પછી સ્વામી ઘનશ્યામજીવનદાસજીને કહ્યું જે, સ્વામી ! આપણે તો શ્રીજીમહારાજની મૂર્તિમાં જોડાવું અને વચનામૃતમાંથી પરભાવ જાણવા ને શીખવા.
સાંજે સભામાં મધ્ય પ્રકરણનું ૧૨મું વચનામૃત વંચાતું હતું, તેમાં કાયાનગરને વિષે જીવ રાજા છે. તે જેમ રાજા રાજનીતિ ભણીને રાજ્ય ચલાવે છે, તેમ કાયાનગરને વિષે સર્વે ઇન્દ્રિયોને નિયમમાં રાખીને વર્તાવે તો જીવને મૂર્તિનું સુખ આવે ને સુખિયો થાય, એમ આવ્યું. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, કાયાનગરને વિષે જીવ કાને કરીને નબળા શબ્દ સાંભળે નહિ, નેત્રે કરીને ભગવાન વિના બીજું રૂપ જુએ નહિ, નાકે કરીને ભગવાનની પ્રસાદી વિના બીજી અત્તર-ચંદનાદિકની સુગંધી ન લે, જિહ્વાએ કરીને ભગવાનની પ્રસાદી વિના બીજો રસ ન લે. એવી રીતે દસ ઇન્દ્રિયો, તથા ચાર અંતઃકરણ એ સૌને વશ કરીને ભગવાન સંબંધી ક્રિયા કરાવે તો સુખિયો થાય એટલે મહારાજની મૂર્તિને દેખે. એવું આવા સંત હોય ત્યાં થાય. આ સંત નૈમિષારણ્ય ક્ષેત્ર છે. ત્યાં દશ ઇન્દ્રિયોની ધારા બુઠ્ઠીઓ થઈ જાય. મનોમય ચક્ર તે મન છે અને દસ ઇન્દ્રિયો તે મનની ધારા છે. તે આવા સંતના સમાગમથી બુઠ્ઠીયું થાય. જીવરૂપી રાજા ગાંડો થાય તો મોક્ષના માર્ગથી પડી જાય, નહિ તો પોતે રાજ્ય કરે એવો છે; માટે ઇન્દ્રિયોને નિયમમાં રાખવી. પછી કથાની સમાપ્તિ થઈ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, સંતો ! બોલો ગોડી, તે મહારાજ આવે દોડી. ।। ૧૪૪ ।।