SMVS































































































































































































































































































વાર્તા ૧૩૧

ચૈત્ર સુદ ૭ને રોજ સવારે બાપાશ્રી નિત્યવિધિ કરી સભામાં આવ્યા. ત્યારે સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી તથા પુરાણી કેશવપ્રિયદાસજી આદિ સંતો યજ્ઞ સંબંધી વાતો કરતા હતા. તે વખતે બાપાશ્રી બોલ્યા જે, સ્વામી ! આપણે આ યજ્ઞ કરવો છે તેમાં જે કોઈ આવે તેને મૂર્તિમાં મૂકી દેવા છે. શ્રીજીમહારાજની મરજી આ યજ્ઞમાં એવી છે એમ જાણજો. તમે ટાણે આવી ગયા તે બહુ સારું કર્યું. તમે મહારાજના સંકલ્પથી દર્શન આપો છો તેથી બધુંય જાણો, પણ તમે તમારું સામર્થ્ય ઢાંકીને ફરો છો. મોટા મોટા અક્ષરાદિક અવતારોને આ સભા દુર્લભ છે. આ સભામાં તમે ન આવ્યા હોય ત્યાં સુધી સૌ વાટ જુએ. અમે આ યજ્ઞ કરવાની વાત સર્વે હરિભક્તોને ભેળા કરીને જણાવી ત્યારે ઝીણાભાઈ તથા મૂળજીભાઈ આદિ સૌ કહે કે, બાપા ! તમે સંકલ્પ કરશો એટલે જેવો ધારશો તેવો યજ્ઞ કરશો, પણ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ મંડળને બોલાવો તો ઠીક; કેમ જે, એ સદ્‌ગુરુઓ વિના કોઈની એવી નજર નહિ પહોંચે; એમ કહ્યું એટલે અમે તમને તેડાવ્યા, તે તમો તરત આવ્યા. હવે યજ્ઞની સામગ્રી સર્વે તૈયાર કરો. જે જે માલ ખપે તે બધો આગળથી મંગાવી લો, ગોદડાં તથા તાડપત્રીના કોસનું નક્કી કરો. ગૉળ, ઘી તો અમે લઈ રાખ્યાં છે. ઘઉં તથા ચોખા, દાળ વગેરે બધુંય તૈયાર છે. ઉતારાની સગવડ પણ કરી છે. વધુ કરાવવા જેવું લાગે તો કરાવીએ. શીરાના હોજ કરવાનું અથવા રસોડામાં જેમ જેમ ગોઠવણ કરાવવી હોય તેમ કરાવો. અમારે તો તમે આવ્યા એટલે બધુંય કામ પૂરું થયું. મહારાજને સંભારીને આ યજ્ઞમાં સૌને સુખિયા કરો. અમે તો જે જે હરિભક્તો આવશે તેને મૂર્તિના સુખની વાતો કરશું. અમારા છોકરા કહે, બાપા ! સ્વામીને પહેલાં તેડાવજો, પણ અમને ખાતરી હતી જે તમને એક કાગળ લખશું કે તમે આવી પહોંચશો. જેથી તમને વહેલા તેડાવ્યા નહિ, કેમ કે તમારે મંદિરનાં કામકાજ હોય. તે ઉપરાંત જે જે ગામમાં જાઓ ત્યાં હરિભક્તોને મૂર્તિના સુખે સુખિયા કરો તેથી ટાણે તેડાવ્યા. આ યજ્ઞમાં કોઈ વાતની કસર રાખવી નથી. અમે ત્રણે સદ્‌ગુરુઓ પર અતિ પ્રસન્નતા જણાવી.

ચૈત્ર સુદ ૧૧ને રોજ બાપાશ્રીએ સ્વામીશ્રી આદિ સંતોને વાત કરી જે, આજ સર્વે હરિભક્તો બેઠા છે તેથી તમો સર્વેને ભલામણ કરો જે, યજ્ઞની સેવા સૌ ખબડદાર થઈને કરે. આ યજ્ઞમાં મહારાજની ઘણી પ્રસન્નતા છે, એમ કહી સંતોને કહ્યું જે, તમો પણ તમારાથી થાય તે બધી સેવા કરજો. પરમ દિવસે પારાયણનો આરંભ થશે જેથી ચોકમાં ચંદની બંધાવો, વચ્ચે કથામંડપ સારો શણગારી મહારાજ પધરાવજો. પુરાણી તો આપણા કેશવપ્રિયદાસજી તથા બીજા ઉત્તમપ્રિયદાસજી છે તે મૂર્તિ ધારીને કથા કરશે. આ સભામાં શ્રીજીમહારાજ તથા અનંત મુક્ત બિરાજશે, માટે તેમને રાજી કરવાનું સૌ તાન રાખજો. પછી દેશોદેશથી જે જે હરિભક્તો આવે તેની સરભરા કરવાની જેને જેને આજ્ઞા કરવાની હતી તેને કરી. આ રીતે યજ્ઞમાં કામકાજની ગોઠવણ ઉપરાંત સવારે, બપોરે, રાત્રે કથા-વાર્તા થાય. પણ સૌ ચૈત્ર સુદ ૧૩ને સોમવારની સવાર ક્યારે આવે તે વાટ જોતા હતા. આગલે દિવસે કેળના સ્તંભથી સુશોભિત કથામંડપ શણગાર્યો તથા ચંદની બંધાઈ. હરિભક્તો ઘણા ગામના આવવા લાગ્યા. સૌ ઉમંગભર્યા શ્રીજીમહારાજ તથા બાપાશ્રી અને સંતોનાં દર્શન કરે, તેથી સૌનાં અંતરમાં આનંદ આનંદ થઈ રહ્યો હતો. ।। ૧૩૧ ।।