વાર્તા ૧૪૬

વૈશાખ સુદ ૧૨ને રોજ બાપાશ્રીએ અરજણભાઈના દીકરા રામજીને સદ્‌ગુરુ આદિ સંતોને પાછા તેડી લાવવા માટે મોકલ્યા. તેમણે ભૂજ આવીને વાત કરી જે, તમને બાપાશ્રીએ તેડાવ્યા છે તેથી તમો સર્વે સંતો વૃષપુર આવો. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, બહુ સારું; પછી સંતો સુદ ૧૩ને રોજ વિઠ્ઠલજીભાઈની રસોઈ હતી, તે ઠાકોરજીને થાળ જમાડીને વૃષપુર આવ્યા. તે વખતે બાપાશ્રી ચોકમાં સૂતા હતા, તે સંતોને જોઈને બોલ્યા જે, અમે તમારી વાટ જોઈ રહ્યા હતા. તમો આવ્યા તે બહુ સારું કર્યું. એમ કહી ઊઠીને સર્વે સંતોને મળ્યા. પછી એમ બોલ્યા જે, તમારા વિના સૂનું દેખીને મનમાં એમ થયું જે, “સખી સૂનાં સર્વે લોક ચડે મારી નજરે”, “મારે એક ન રહ્યો આધાર ક્યાં જઈ ઊભીયે.”, “સખી પિયુ રિઝાવ્યાની રીત એકે મુને ન જડી” એમ તમને ન દેખીને અમે ઉદાસ થઈ ગયા હતા, તે તમે આવ્યા તેથી બહુ આનંદ થયો. પછી સ્વામી ઘનશ્યામજીવનદાસજીને કહ્યું જે, તમારે જવું હતું અને અહીં આવવાનું નહોતું પણ અમે પાછા વાળ્યા. અમે તમને નેવળ બાંધીને રાખીએ એવા છીએ. તે આગળ ફરી વળ્યા ને પાછા વાળી લાવ્યા. હવે જવાના સંકલ્પ કરતા નહીં.

પછી સાંજના પ્રથમ પ્રકરણનું ૬૩મું વચનામૃત વંચાતું હતું. તેમાં એમ આવ્યું જે, તત્ત્વે કરીને ભગવાનને ઓળખવા. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તત્ત્વે કરીને ભગવાનને જાણે એટલે મૂર્તિનું સુખ યથાર્થ આવે, એમ મહારાજ કહે છે. માટે આવા અનાદિમુક્તનો તથા આવા સંતનો જોગ-સમાગમ કરી મહારાજને જેવા છે તેવા જાણી પોતાનું પૂરું કરી લેવું. આવો જોગ ફેર આવવો બહુ દુર્લભ છે. અહીં હાલ વિવાહ ચાલે છે, તે લોકો ગાંડા જેવા થઈ ગયા છે. આપણે તો પુરુષોત્તમ વિવાહ કર્યો હતો, એવો વિવાહ તો મોટા રાજાથી પણ બની શકે નહીં. આપણે તો “સાહેબ સરીખા શેઠિયા, વસે નગર કે માંહી; તાકું ધન કી ક્યા કમી, જ્યા કી હૂંડી ચલે નવ ખંડ માંહી” એવું હતું. અહીં તો સર્વે મહિમાએ સહિત સેવા કરે પણ સૌની નજર મૂર્તિમાં હોય. બીજું કાંઈ દેખેય નહિ, તેમ બીજું કાંઈ પેસેય નહિ, સૌની એક જ વૃત્તિ. એવી મહિમાએ સહિત સેવા કરતાં દેહને તો ગણતા જ નહીં. આ રીતે પુરુષોત્તમ વિવાહ થાય.

પછી દેવરાજભાઈએ પૂછ્યું જે, મૂર્તિમાં મુક્ત રહ્યા છે તે મૂર્તિ જેવડા જ મૂર્તિમાન છે, એમ મોટા સંતો કહે છે તે બધા કેવી રીતે રહ્યા હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ વાત આ લોકના દૃષ્ટાંતથી સમજાય તેવી નથી. એ તો સાક્ષાત્કારવાળા જેમ છે તેમ જાણે અથવા મહારાજ દયા કરીને બતાવે તે દેખે. મૂર્તિમાં મુક્ત સર્વે સાકાર થકા રસબસભાવે સળંગ મૂર્તિમાં રહ્યા છે. મહારાજની મૂર્તિમાં એવું જ અલૌકિક ઐશ્વર્ય છે. જેમ ચિંતામણિમાંથી બ્રહ્માંડ ભરાઈ જાય એટલા પદાર્થ નીકળે તોપણ ચિંતામણિ દૂબળી પડતી નથી અને એ બધું એમાં પાછું સમાઈ જાય તેણે કરીને પુષ્ટ પણ થતી નથી. એ તો જેવી હોય તેવી ને તેવી જ રહે છે. એવું સામર્થ્ય જેના પ્રતાપથી જડ વસ્તુમાં છે તો પોતાને વિષે અલૌકિક સામર્થ્ય હોય તેમાં શું કહેવું ? એ તો હોય જ. માટે મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ ભોગવવું. પછી એમ પૂછ્યું જે, બાપા ! મૂર્તિમાં અનંત મુક્ત રહ્યા છે તે સર્વેને સુખ સરખું આવતું હશે કે અધિક-ન્યૂન આવતું હશે ? ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, સર્વે મુક્તને એકસરખું જ સુખ આવે છે. અધિક-ન્યૂન આવે તે તો સાધકની સ્થિતિના ભેદ છે, સાધનકાળમાં અધિક-ન્યૂન ખરું, પણ સિદ્ધકાળમાં તો અધિક-ન્યૂન કહેવાય નહીં.

પછી વળી પૂછ્યું જે, ધ્યાનની લટક તો સન્મુખપણાની હોય અને સમજણ તો મૂર્તિમાં રહેવાની હોય તેને કેવી પ્રાપ્તિ થાય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જેવી સમજણ છે તેવી પ્રાપ્તિ થાય. જેને મૂર્તિમાં રહેવાની સમજણ છે તેને મહારાજ મૂર્તિમાં જ રાખે, પણ કાંઈ બાકી રહે નહીં. તે વખતે વળી દેવરાજભાઈએ પૂછ્યું જે, મૂર્તિઓને વિષે દિવ્યભાવ હોય જે, આ મૂર્તિઓ તે પ્રત્યક્ષ ભગવાન છે, પણ મનુષ્ય રૂપે મહારાજ તથા મુક્ત વિચરતા હોય તેમને ઓળખે નહિ તેનું શું કારણ ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મહારાજ અને મુક્ત મનુષ્ય રૂપે વિચરતા હોય તેમને ઓળખે નહિ તેણે મૂર્તિઓને વિષે પૂરો દિવ્યભાવ જાણ્યો નથી; તે તો મુખેથી કહેવામાત્ર જ છે. પણ જો મૂર્તિઓને દિવ્ય જાણી હોય તો તે મનુષ્ય રૂપે મહારાજ ને મુક્ત વિચરતા હોય તેમને જરૂર ઓળખે. એમને જે ન ઓળખે તેમને તો મૂર્તિઓને વિષે દિવ્યભાવ છે જ નહીં. ।। ૧૪૬ ।।