વાર્તા ૧૩
કારતક વદ રને રોજ સભામાં પ્રથમ પ્રકરણનું ૩૭મું વચનામૃત વંચાતું હતું. તેમાં પોતાના સાથળને વિષે ઝાડનો ખાંપો લાગ્યો હતો એ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ સ્વામી વૃંદાવનદાસજીને ભારાસરમાં મંદવાડ આવ્યો હતો; તે જ્યારે નારાયણપુર જવા નીકળ્યા ત્યારે મટી ગયો.
ત્યારે કરસન હરજીએ પૂછ્યું જે, બાપા ! સ્વામીને શું મંદવાડ હતો ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજની આજ્ઞા એવી છે કે, ત્યાગી હોય તેને પોતાની જન્મભૂમિમાં ન જાવું. તેથી સ્વામી ભારાસરમાં જતા નહીં. પણ હરિભક્તોએ અમને બહુ પ્રાર્થના કરી જે, દયા કરીને સ્વામી સહુને દર્શન દેવા પધારે તો ઠીક. ત્યારે અમે આજ્ઞા કરીને ભેગા લીધા. અમારા વચને આવ્યા તો ખરા, પણ રુચિ નહિ; તેથી શરીરમાં મંદવાડ હોય એમ જણાવ્યું. તે જ્યારે ભારાસરથી ચાલ્યા અને નારાયણપુર આવ્યા ત્યારે સાજા થયા હોય એમ લાગ્યું. આમ મોટા સંત રુચિ જણાવે, તે તો બીજાના સમાસને અર્થે હોય. એમ ઘણીક વાતો કરીને સમાપ્તિ કરી. તે વખતે વાંટાવદરથી સોમચંદભાઈ, અમૃતલાલભાઈ તથા શિવલાલ આદિ દર્શને આવ્યા, સાથે ભૂરાભાઈ તથા મનસુખભાઈનો કાગળ લાવ્યા હતા. તે સ્વામીએ બાપાશ્રી પાસે વાંચ્યો, તેમાં શિવલાલને શરણે લેવાની પ્રાર્થના હતી તે સ્વીકારી. પછી બંને સદ્ગુરુઓએ સહિત તેનો હાથ ઝાલી વર્તમાન ધરાવી, તેના ગુના માફ કર્યા અને તેનું કાંડું ઝાલીને બોલ્યા જે, અનંતકોટિ બ્રહ્માંડમાં સ્વામિનારાયણ ભગવાન વિના આમ ગુના માફ કરનાર કોઈ છે ? પછી સોમચંદભાઈની પ્રશંસા કરી જે, આ પંડ્યો અમે પ્રમાણ કર્યો છે, તે ઠાવકો પંડ્યો છે. એમ કહીને બોલ્યા જે, આ પંડ્યાનો ને લાલુભાઈનો જોગ કરજે અને મહારાજની આજ્ઞામાં રહેજે. પછી એ ત્રણે હરિભક્તોએ બાપાશ્રીની પૂજા કરી મગફળી, ટોપરા, ખારેકોના હાર પહેરાવ્યા અને હથેળીમાં કુંકુમ લઈને ભાલમાં મોટો ચાંદલો કર્યો. તે વખતે બાપાશ્રીનું નવીન દર્શન થતું હતું. તેથી સ્વામી વૃંદાવનદાસજી રમૂજે યુક્ત વચન બોલ્યા જે, અબધૂત જોગી કહાં સે આયે હો ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘સૌને વશ કરું રે, સૌનો કારણ હું ભગવાન.’ યહાં સે આયે હે. યહ મૂર્તિ હમેરે ખાવંદ હે. થોડી વાર પછી તડકે આવી ખુરશી પર બેઠા. ત્યાં સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી વૃંદાવનદાસજી આવ્યા. પછી સ્વામી વૃંદાવનદાસજી પાસે બેસી શિક્ષાપત્રીનો પાઠ કરવા મંડ્યા. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સ્વામી ! વાંચો. ત્યારે સ્વામીશ્રી એક શ્લોક બોલીને અર્થ કરવા લાગ્યા. પછી બાપાશ્રી બોલ્યા જે, આ શિક્ષાપત્રી તે અમારુ પકડ છે, આ પકડથી તમને પકડાય. આમાંની કઈ આજ્ઞા પળાય છે તે ખબર પડે. તરબી જાણું, ઢબબી જાણું, ઓસાણ નહિ આયા, તે આ ઓસાણ છે. કોઈક શાસ્ત્રી આવ્યો હોય તો તેને કહીએ કે આ તમે પાળો છો કે નહીં ? એમ પકડીએ. પછી સર્વેને પ્રસાદી વહેંચીને બોલ્યા જે, લો લો. એમ કહીને પ્રસાદી આપતા કીર્તનની ટૂંક બોલ્યા જે, “નહિ આવે ફેરી, નહિ આવે ફેરી; આ અવસર નહિ આવે ફેરી.” પછી બપોરના બે વાગે સંત-હરિજનો સહિત બાપાશ્રી નાહવા ગયા, ત્યાં ધરામાં સંત-હરિભક્તોએ સહિત નાહી પરસ્પર મળ્યા ને ત્યાં બેસી સર્વેએ માનસીપૂજા કરી. પછી નારાયણપુરના હરિભક્તોની પ્રાર્થનાથી પરબાર્યા સંત-હરિજનોએ સહિત બાપાશ્રી નારાયણપુર પધાર્યા. ।। ૧૩ ।।