વાર્તા ૧૫૫

અષાડ સુદ ૫ને રોજ બાપાશ્રીએ સ્વતંત્ર થકા શ્રીજીમહારાજના સંકલ્પથી ૮૪ વરસ આ લોકમાં દર્શન દઈ, અનેકને મહારાજની મૂર્તિના સુખભોક્તા કરી આજ પોતાનું પ્રત્યક્ષ દર્શન અદૃશ્ય કર્યું, તેથી પોતાના પુત્ર-પૌત્રાદિક તથા પાસે રહેનારા હરિભક્તોને આ દુઃખ અસહ્ય થયું. પણ શ્રીજીમહારાજની મરજી આમ હશે એમ જાણી સૌએ ધીરજ રાખી. પછી ચોવીસે ગામના હરિભક્તોને સાઇકલો, ઘોડાઓ તથા માણસો મોકલી બાપાશ્રીના અંતર્ધાન થવાના ખબર મોકલાવ્યા. કેટલેક ઠેકાણે તો તે વખતે પોતે પ્રત્યક્ષ દર્શન આપ્યા. લાલશંકરભાઈ બાપાશ્રીની ગાડી લઈને ભોગીલાલભાઈ વગેરેને ખબર આપવા તથા સુખડ લેવા ભૂજ ગયા. તે વખતે ભોગીલાલભાઈ ઘેર જાગતા હતા. તેમને લાલશંકરભાઈએ બાપાશ્રીનાં અંતર્ધાન થયાના સમાચાર કહ્યા. ત્યારે ભોગીલાલભાઈએ પૂછ્યું જે, બાપાશ્રી કેટલા વાગે અંતર્ધાન થયા ? ત્યારે તેમણે કહ્યું કે, એક વાગ્યે. ત્યારે ભોગીલાલભાઈએ કહ્યું જે, બાપાશ્રીએ મને હમણાં હાથ ઝાલી ઉઠાડ્યો ને માથે હાથ મૂકી અતિ પ્રસન્નતા જણાવી મળ્યા ને કહ્યું જે, હવે અમે જઈએ છીએ; એમ કહી અદૃશ્ય થઈ ગયા. તે વખતે મેં ઊઠીને જોયું તો એક વાગ્યો હતો. ત્યારથી હું એ જ  વિચાર કરું છું કે આ શું થયું ? ત્યાં તો તમે આવીને આ સમાચાર આપ્યા. પછી ધનજીભાઈ આદિક સૌ હરિભક્તોને ખબર આપી સુખડ લઈને સર્વે વૃષપુર આવ્યા. તે વખતે બાપાશ્રીને માટે પાસે રહેલાં હરિભક્તો પાલખી તૈયાર કરતા હતા. દિવસ ઊગ્યા પહેલાં તો ચોવીસે ગામની મંડળીઓ તથા હરિભક્તો જ્યાં જેને ખબર પડી ત્યાંથી ગાંડા-ઘેલાની માફક ઉતાવળા ઉતાવળા આવ્યા. દિવસ ઊગ્યા સમયે તો આઠ-દસ હજાર માણસ ભેગું થઈ ગયું. તે સર્વેના હાથમાં ઘીનો લોટો તથા નાળિયેર એવી રીતના સૌએ આવી બાપાશ્રીનાં દર્શન કર્યાં. તે વખતે બાપાશ્રીના પુત્રોએ તથા પાસે રહેનારા હરિભક્તોએ તૈયાર કરેલી પાલખીમાં બાપાશ્રીને પધરાવ્યા. પછી ચંદન, કુંકુમ તથા પુષ્પના હાર અને ગુલાલથી પૂજા કરી. હરિભક્તો દર્શન કરવા લાગ્યા ને ગુલાલ ઉડાડતાં, વાજતે-ગાજતે વિરહનાં કીર્તન બોલતાં બાપાશ્રીની પાલખી લીધી. તે વખતે સૌને એમ જણાતું હતું જે, જેમ હંમેશાં બાપાશ્રી દર્શન આપતા તેમ ને તેમ જ અત્યારે પણ બેઠા છે ને જાણે હમણાં બોલાવશે. હરિભક્તોનો તો જાણે સમુદ્ર ઊલટ્યો હોય તેમ કોઈ ગાડીથી તો કોઈ ઘોડા ઉપર, કોઈ સાઇકલથી તો કેટલાક પગે દોડતાં, પડતાં, આખડતાં આવ્યા. પાલખીમાં બાપાશ્રી સામું સૌ એક નજરે જુએ, પાછા પગે ચાલે, તેમાં કોઈ પડે, કાંટા-કાંકરા વાગે તેનું પણ કોઈને ભાન રહે નહીં. હરિભક્તો તો આવ્યા જ કરે. ગુલાલના ગોટા આકાશમાં ઊડે, નીચે પૃથ્વી ઉપર પણ ગુલાલ જણાય. તે વખતે હરિભક્તો તથા ઉત્સવિયા “આવું નહોતું કરવું નાથજી રે, ચાલ્યા મારગડામાં મેલી.” તથા “સજની શ્રીજી મુજને સાંભરિયા રે” એવાં વિરહનાં કીર્તન બોલતાં ચાલતા હતા. વાંસે હરિભક્તો ઝીલતા આવે. સૌની વૃત્તિ બાપાશ્રી સામી જણાતી. કેટલાક તો ઊંચે સ્વરે સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ધૂન કરતા, કોઈ દિલગીર થઈ રુદન કરતા, કોઈ સમજણે કરી શોક સમાવતા જણાતા હતા, કોઈકને તો પોતાના દેહનું ભાન ન રહેતું. એ રીતે બાપાશ્રીનાં દર્શન કરતાં કરતાં સૌ ચાલ્યા આવે; એમ પાંચ કલાકે છત્રીના વંડા પાસે પહોંચ્યા, ત્યાં બહાર પાલખી પધરાવી. એ સમયે હરિભક્તો દર્શન માટે અધીરા થઈ ગયા. સૌ દંડવત કરી હાથ જોડી પગે લાગે, પ્રાર્થના કરે, એમ જ્યારે સૌને દર્શન થઈ રહ્યા ત્યારે શાંતિ પામ્યા. પછી ભોગીલાલભાઈ તથા મોતીભાઈએ કહ્યું જે, બાપાશ્રીએ મર્મમાં એક વખત કહ્યું હતું જે, અમારા દેહનો છેલ્લો વિધિ (અગ્નિસંસ્કાર) છત્રીની દક્ષણાદિ બાજુએ કરજો; એમ વાત કરી તે સૌને ઠીક લાગ્યું. પછી સંતો-હરિભક્તોએ બાપાશ્રીની ચંદન-પુષ્પહારથી પૂજા કરી આરતી ઉતારી. પછી સુખડ તથા નાળિયેરથી ‘ચે’ રચી તે વખતે છેલ્લાં દર્શનની તાણે હરિભક્તો ઉપરાઉપરી પડવા લાગ્યા. તેમને ભોગીલાલભાઈ તથા લાલશંકરભાઈ આદિકે હાથ જોડી, વિનય કરી સમજાવી શાંત પાડ્યા. એમ બાપાશ્રીની દેહક્રિયા સમયે સૌ ઉદાસ ને શોકાતુર થઈ રહ્યા હતા, તે હરિભક્તોના સમૂહમાં સૌને શાંતિ પમાડી ધીરજ આપવા ભોગીલાલભાઈ વાતો કરવા લાગ્યા, “આપણે શ્રીજીમહારાજને સંભારી સૌ સંત-હરિભક્તોએ ધીરજ રાખવાની છે. આપણે એમ જાણવું જે, બાપાશ્રી જાય તેવા નથી; સદાય આપણી સાથે જ છે, છે ને છે. આપણામાંથી જે પાસે હતાં તે કહે છે કે, બાપાશ્રી કાંઈ બોલ્યા નહીં. પણ આપણે જાણવું જોઈએ કે બાપાશ્રી તો બોલતા જ હતા અને મર્મમાં ઘણી વાર જણાવતા, પણ આપણે સમજી શક્યા નહીં. એમણે તો એક એક જણને એક એક વાત લાખ લાખ વાર સમજાવી છે અને અંતર્ધાન થવાની ઇચ્છા તો ઘણી વાર જણાવી હતી. જ્યારે જ્યારે બાપાશ્રીએ મંદવાડ ગ્રહણ કરેલા, ત્યારે આપણને તો એમ જ લાગે જે, આ ફેરે બાપાશ્રી અંતર્ધાન થઈ જશે, પણ સંત-હરિભક્તોનાં હેત જુએ એટલે સંકલ્પ ફેરવી નાખે. એવું બહુ વાર જોયું છે.

સંવત ૧૯૪૮ના વૈશાખ-જેઠમાં બાપાશ્રીએ મંદવાડ ગ્રહણ કર્યો હતો ત્યારે સદ્‌. શ્રી નિર્ગુણદાસજી સ્વામીની ભલામણથી ભૂજના સંતો સેવામાં રહ્યા હતા. તે વખતે કેટલાય દિવસ જમ્યા ન હતા તેથી સૌને એમ જે બાપાશ્રી અંતર્ધાન થઈ જશે. પણ સદ્‌. નિર્ગુણદાસજી સ્વામીએ શ્રીજીમહારાજની પ્રાર્થના કરેલી, તેથી મહારાજે આપણા ઉપર દયા કરી બાપાશ્રીને રાખ્યા.

સંવત ૧૯૭૫માં પણ મંદવાડની રીત એવી જ હતી. છેલ્લી વ્યવસ્થા પણ કરેલી જે, બધાં મંદિરોમાં રસોઈ આપવી તથા થાળ કરવા, આટલી કોરીની આમ સેવા કરવી, આટલી કોરી અહીં વાપરવી એમ લખત કરી, સૌને રાજી કરી રજા માગી તૈયાર થયેલા; પણ તે વખતે આપણા બ્રહ્મચારી નિર્ગુણાનંદજી તથા પુરાણી કેશવપ્રિયદાસજી તથા બંને સદ્‌ગુરુઓ અને ઘણા સાધુઓ પાસે હતા, તે એમ ને એમ સૌ ઠાકોરજીના થાળ કર્યા વિના ઉદાસ થઈ બેસી રહેલા, બ્રહ્મચારી તો જાણે ઉપશમ અવસ્થા ગ્રહણ કરી હોય તેમ બોલે જ નહીં. દેવરાજભાઈ જેવા પણ પાસે હતા. મહામુક્ત ધનબાઈ પણ રામપુરથી આવ્યા ને બાપાશ્રીની જવાની તૈયારી જોઈ દિલગીર થઈ ગયાં ને શ્રીજીમહારાજને પ્રાર્થના કરવા લાગ્યાં. તે સર્વેની આવી સ્થિતિ જોઈ બાપાશ્રીએ પોતાના ઠરાવ ફેરવી નાખ્યા.

એક વખત શરીરમાં ‘વા’ બહુ જણાવેલ ને સાથે પડખામાં શૂળ બહુ આવે. જેથી આ કાનજીભાઈ, મનજીભાઈ આવે ને જાય. હીરજીભાઈ, જાદવજીભાઈ તથા નાનાં છોકરાં બાપા ! બાપા ! કરે, ઘડીમાં મેથી ને ઘડીકમાં તીખા લાવે, પણ એ ઓસડ કાંઈ બાપાને હોય ! આ તો દિવ્ય મૂર્તિ ! પણ આપણને જ્યારે મનુષ્યભાવ વર્તે ત્યારે પોતે પણ બરાબર મનુષ્ય જેવા જ થઈ જાય. એવો મને પણ કેટલોક અનુભવ થયો છે. એક વખત મંદવાડમાં હું અને ધનજીભાઈ બાપાશ્રીને જોવા નિમિત્તે આવેલા, એટલે તો એ મંદવાડનું જ વર્ણન કરે ને, મને પાસે ખુરસી પર બેસાર્યો ને તરત મારી સાથે લીલા આદરી. ભોગીલાલભાઈ, હું બહુ માંદો થઈ ગયો છું, નથી મને ખાધાની ખબર રહેતી કે નથી ઉઠાતું-બેસાતું, ઘરમાં મને ફાવે નહિ તેથી મંદિરમાં ખાટલો રાખ્યો છે. આવતાં-જતાં હરિભક્તોને જોઈને દિવસ કાઢું છું. કેમ ભોગીલાલભાઈ ! મંદવાડ છે ને ? તે વખતે મેં કહ્યું જે, બાપા ! આપ તો જેમ છો તેમ ને તેમ જ છો. ત્યારે બોલ્યા જે, તો તો ઠીક. તોપણ આપણને એવે વખતે એમ થઈ જાય જે આજ બાપાને શરદી છે, આજ ગરમી છે, આજ શરીરે સારું નથી, આજ આમ છે તેમ છે. પણ જે દિવ્યભાવ સમજવાનો છે તે ન સમજાય.

એક વખત એવું નિમિત્ત કર્યું હતું જે પોતે ઘોડી ઉપરથી પડી ગયા. પાસે કોઈ નહીં. તેથી માર્ગમાં કોઈક ગાડાવાળાને ખબર પડી કે આ કોણ ? પાસે જઈને જોયું, ત્યાં તો આ બાપા ! પછી બેઠા કરી ગાડે બેસાડી ઘેર લઈ આવ્યા. તે વખતે પણ સૌ સમાચાર પૂછે, શેક કરે, કોઈ ચાંપે, તેનું કારણ ? મનુષ્યપણાના ભાવ. તેમાં ભલભલા પણ ભૂલ ખાઈ જાય. મોટા મોટા સંતોનાં તથા પર્વતભાઈ, દાદાખાચર જેવાનાં લખાણો આપણે વાંચ્યાં છે, પણ ટાણે યાદ ન આવે.

એક વખત બાપાશ્રીને કાનનો દુઃખાવો ઊપડ્યો તે જાણે રહેવાય જ નહીં. તે વખતે સ્વામી ઈશ્વરચરણદાસજી પાસે હતા. તે પણ આપણી પેઠે સમાચાર પૂછે, શેક કરે. એક વખત સ્વામી પાછલી રાતના સૂતેલા, એમના સાધુને બાપાશ્રી કહે, મને કાનની પીડા બહુ ઊપડી છે તેથી સ્વામીને જગાડો. સાધુએ જાણ્યું જે, સ્વામી હમણાં સૂતા છે તે ઉઠાડવા કે નહિ તે વિચાર કરતા હતા, ત્યાં તો પોતે સાદ પાડી જગાડ્યા ને કહ્યું જે, સ્વામી ! મને પીડા થાય છે ને તમને કેમ ઊંઘ આવે છે ? મને શેકો. ત્યારે સ્વામીશ્રીએ શેક કર્યો. તે વખતે પોતે એમ બોલ્યા જે, આ તમારા સેવક જાણે સ્વામી હમણાં સૂતા છે તે જગાડવા કે કેમ ! પણ અમે જગાડવા ધારીએ તો મોટા રાજાને પણ એક ચપટી વગાડી જગાડી દઈએ. એમ કહીને બોલ્યા જે, તમે શેક કર્યો તેથી પીડા મટી ગઈ. વળી સવારે બોકાની વાળી સભામાં આવ્યા. એમ તે કાનની પીડા લાંબી ચલાવી. આપણે અહીં એક ડૉક્ટર છે તેને આ વાતની ખબર પડી તેથી તે દર્શને આવ્યા ને કહ્યું જે, બાપા ! પિચકારી મારવા દો તો પીડા મટી જાય. તેની પ્રાર્થનાથી બાપાશ્રીએ કાન ધોવરાવ્યો ને સાજા થઈ ગયા. પણ મને તો એમ લાગ્યું જે કાન દ્વારે એ ડૉક્ટરનું કલ્યાણ કરવું હશે.

સંવત ૧૯૮૨ના ભાદરવા માસમાં બાપાશ્રીએ મોટો મંદવાડ ગ્રહણ કરેલો. ત્યારે પણ સૌને એમ થયું જે આ ફેરે તો બાપાશ્રી નક્કી અંતર્ધાન થવાના. એ વરસમાં વરસાદ બહુ થયો હતો ને બાપાશ્રીને પણ મંદવાડ બહુ અને ગામોગામમાં પણ એવી જ રીત હતી. જેમ પિંડ-બ્રહ્માંડની એકતા જણાવી હોય તેમ સર્વત્ર મંદવાડ જણાતો હતો. તે વખતે સદ્‌ગુરુઓ આવ્યા ને ગામોગામથી હેતવાળા હરિભક્તો પણ આવી પહોંચ્યા. તે સર્વેને જોઈ બાપાશ્રીને દયા આવી ગઈ, તેથી આજ સુધી આપણને દર્શન આપી સુખ આપ્યાં.

એવી રીતે જે જે વખતે લીલા-વિગ્રહ સંકેલવા ઇચ્છા કરી હશે તે તે સમયે સંત-હરિભક્તોની હેતભરી પ્રાર્થનાથી દયા લાવી રહી ગયા. આ વખતે તો જાણે કોઈને કાંઈ કહેવું જ નહિ એવું નક્કી કરીને સૂતા હોય ને શું ? તેમ બોલવાનું જ બંધ રાખ્યું. માંદગી પણ પૂરી બે દિવસ રાખી નહીં. અમે નજીક હતા તો પણ છેલ્લો મેળાપ અમને ન થયો, એટલે તે સમયે પોતે જ દયા કરી દર્શન આપ્યાં. આ મંદવાડમાં તો બોલવાનો ઠરાવ જ ન હતો. તે વાત મને આ પ્રેમજીએ હમણાં કરી જે, બાપાશ્રીએ મને અંતર્ધાન થવાનું જણાવ્યું હતું. પણ કોઈને કહેવાની ના પાડી હતી ને કહ્યું હતું જે, હમણાં તું કોઈને કહીશ તો હું તારા ઉપર રાજી નહિ થાઉં. સ્વામીશ્રીને ખબર આપવાનું પૂછ્યું, તોપણ ના પાડીને બોલ્યા જે, તેમને મેં મારો છેલ્લો મેળાપ કરવા ભૂજથી પાછા બોલાવી સુખિયા કર્યા છે. હવે હું બોલીશ નહીં. મહારાજની મરજી આવી છે, વગેરે કહ્યું હતું. માટે જે કાંઈ બાપાશ્રીએ કર્યું તેમાં આપણે રાજી રહેવું. હમણાં આ યજ્ઞ કર્યો તેમાં પણ સૌને લખાવ્યું હતું જે આ અમારો છેલ્લો યજ્ઞ છે માટે સૌ કામકાજ મૂકીને આવજો, કોઈ રહી જશો નહીં. તેથી સર્વે હેતરુચિવાળા હરિભક્તો આવી પહોંચ્યા હતા. તે સૌને બાપાશ્રીએ અદ્‌ભુત પ્રતાપ જણાવી મૂર્તિના સુખની વાતો કરી, જમાડી અલૌકિક સુખ આપ્યાં હતાં. હમણાં ભૂજમાં આવી સૌ હરિભક્તોને સુખિયા કર્યા. માધાપુરમાં પણ આઠ દિવસ રહી સૌને રાજી કર્યા. કરાંચી જેવા દૂર દેશમાં પણ હરિભક્તોના પ્રેમને આધીન થઈને ત્યાં પણ તેડાવ્યા તેટલી વખત ગયા. ત્યાં પંદર પંદર દિવસ રહીને મૂર્તિના સુખની અલૌકિક વાતો કરી હરિભક્તોને બહુ સુખિયા કર્યા. એવી જ રીતે દેશો-દેશમાં ઘણે ઠેકાણે ફરીને સત્સંગમાં બહુ સુખ આપ્યાં. શ્રીજીમહારાજના સ્વરૂપને જેમ છે તેમ સમજાવવાની ઘણી વાતો કરી, કંઈકને એ દિવ્ય મૂર્તિના સુખમાં મૂકી દીધા. એમ સત્સંગમાં બાપાશ્રીએ ઘણો સમાસ કર્યો. આપણને તો દરેક વાતની પાછળથી ખબર પડે. એ તો અગાઉથી સર્વે વાત જણાવતા હોય. તે સ્વામી ઈશ્વરચરણદાસજીને આ ફેરે મર્મમાં ઘણાં વચનો કહેલાં કે, સ્વામી ! અમને એમ થાય છે જે તમ જેવા સંત ભેળા બે મહિના રહેવાય તો ઠીક, તમે પણ એમ જાણો તો રહો. તમને જવા દેવાની મારી ઇચ્છા જ થતી નથી. જો રહો તો આપણે ભૂજ, માધાપર જઈશું ને બ્રહ્મયજ્ઞ કરશું. આ ફેરે બે મહિના રહો તો ઠીક, અમે તમને અષાડ માસમાં છૂટા કરશું. એમ ઘણુંય સૂચવ્યું હતું, તેથી તેમને પણ જવું જ ન હતું, રહેવાની માંગણી બહુ કરી, પણ બીજા સંતો રહ્યા નહિ એટલે એમને પણ રજા આપી કે તમે પણ સાથે જાઓ, જુદા પડી રહેવાય નહીં. એમ આજ્ઞા થવાથી તે ગયા હતા. એવા મોટા સંતોને પણ આ વખતે પાસે રાખવા માટે રોક્યા નહિ, તો આપણે પાસે નહોતા, કાંઈ બોલ્યા નહિ, એમ જાણી દિલગીર થઈએ કે શોક કરીએ તે કરતાં શ્રીજીમહારાજની મરજી પ્રમાણે એમણે જે કર્યું તે ખરું, એમ જાણી ધીરજ રાખીએ તે ઠીક. આપણને જે બાપાશ્રીની ખોટ પડી છે તે કોઈ રીતે પુરાય એવી નથી. આમ, પ્રત્યક્ષ સાક્ષાત્કાર સુખ ભોગવાવતા, લાડ લડાવતા, હાર આપે, પ્રસાદી આપે, માથે હાથ મૂકે, બાથમાં ઘાલીને મળે, જ્ઞાનવાર્તાઓ કરી મૂર્તિનો સાક્ષાત્કાર કરાવી છતે દેહે મૂર્તિનું સુખ પમાડતા; એ હવે આ રીતે બંધ થયું. ગાયો પિયાવા ઉપરથી પાછી વળશે, સહેજમાં મળતું મોક્ષનું સદાવ્રત સુગમ હતું તે આજ અગમ થયું. આપણને તો અક્ષયપાત્ર આપ્યું છે, તેમાંથી લઈ લઈને જમશું. આ સમયમાં શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ અપાવવાનું બાપાશ્રીએ બહુ સુગમ કર્યું. આવી રીતે જ્ઞાન-દાન આપી મૂર્તિનો સાક્ષાત્કાર કરાવવો એ કાંઈ થોડી દયા ન કહેવાય. આ તો બધુંય મૂર્તિમાન થયું. શ્રીજીમહારાજ અને તેમના અનાદિ મહામુક્તોની અપાર દયાનો સાક્ષાત્કાર અનુભવ જેમણે સાંભળ્યો હતો, પણ નજરે દેખ્યો નહોતો તેમને પોતાના વર્તનથી મૂર્તિના સુખનું સુગમપણું કરીને અનેક સંત-હરિભક્તોને મહારાજની મૂર્તિના સુખે સુખિયા કરવાનો અનુભવ કરી દેખાડ્યો. કોઈને એમ થાય જે મૂર્તિમાં રહેલા અનાદિમુક્ત કેવા હશે ? તો તેને બાપાશ્રીનાં દર્શન કરવાથી સાક્ષાત્કાર અનુભવ થતો, એટલું જ નહિ પણ બાપાશ્રીનાં દર્શનથી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, ઉપશમ, નિર્વિકલ્પ સમાધિ, સ્થિતપ્રજ્ઞપણું વગેરેનો સાક્ષાત્કાર અનુભવ થતો. સંતનાં બત્રીસ લક્ષણ તથા કલ્યાણકારી ઓગણચાલીસ ગુણ બાપાશ્રીમાં પ્રત્યક્ષ દેખાતા. બાપાશ્રીએ જન્મથી આરંભી દેહોત્સવ પર્યંત પોતાનું અણિશુદ્ધ વર્તન રાખ્યું ને દરેક ક્રિયાની પણ એવી જ શુદ્ધિ રાખી હતી. કોઈને આ ને આ જન્મે ખરા ભાવથી પોતાનો આત્યંતિક મોક્ષ કરી લેવાની અતિ તીવ્ર ત્વરા થાય તો સહેલામાં સહેલો અને સુગમમાં સુગમ રસ્તો બતાવનાર બાપાશ્રી હતા. તેમની સેવા, સમાગમ, દર્શન, સ્પર્શ, પ્રસન્નતા વગેરેથી કેટલાયને પોતાનો આત્યંતિક મોક્ષ એટલે મૂર્તિનો સાક્ષાત્કાર થઈ ગયો. એવી રીતે અનેકને પૂર્ણકામપણું અને કૃતાર્થપણું મનાવી મૂર્તિના સુખની પ્રાપ્તિ કરાવવારૂપ સદાવ્રત હવે પોતે કરેલ વચનામૃત-રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા તથા તેમની કરેલી વાતોથી મળ્યા કરશે. આપણને આમ અંતર્ધાનપણું દેખાડ્યું તે તો બાપાશ્રીની મરજી. હવે તો તેમનાં વચન મુજબ વર્તવાની આપણી સૌની ફરજ છે. એવી ઘણીક વાતો કરી સૌને ધીરજ આપી. પછી બાપાશ્રીને ઘૃતથી નવરાવી, અગ્નિસંસ્કાર વિધિ કર્યો. ત્યારે પણ હરિભક્તો નાળિયેર તથા ઘી હોમવા સારુ અધીરા થઈ વ્યાકુળ થયા અને વિરહની વેદના સમાય નહીં. તે વખતે બાપાશ્રીએ સર્વેને ધીરજ પ્રેરી એટલે સર્વે શાંત થઈ ઊંચે સ્વરે સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ધૂન કરવા લાગ્યા. એમ અગ્નિસંસ્કાર થઈ રહ્યા પછી સર્વે સ્નાનવિધિ કરી વિરહનાં કીર્તન બોલતાં બોલતાં બાપાશ્રીને ઘેર આવી, મંદિરમાં દર્શન કરી શ્રીજીમહારાજને સંભારતાં અને બાપાશ્રીએ આપેલાં સુખ તથા તેમના ગુણોનું વર્ણન કરતાં કરતાં સૌ પોત-પોતાને ગામ ગયા. ત્યારપછી બાપાશ્રીના પુત્ર કાનજીભાઈ તથા મનજીભાઈ અને ભૂજના ભોગીલાલભાઈ તથા મોતીભાઈ આદિક તથા રામપુરવાળા દેવરાજભાઈ વગેરે હરિભક્તોએ મળી સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતોને તાર કરી બાપાશ્રી અંતર્ધાન થયાના ખબર આપ્યા, બીજા હેતવાળા સંત-હરિભક્તોને પણ તારથી તથા કાગળોથી ખબર મોકલાવ્યા. ।। ૧૫૫ ।।