વાર્તા ૧૦૫
ફાગણ વદ ૦)) અમાસને રોજ સવારે સાડા ત્રણ વાગે વહેલાં ઊઠી, નાહી, પૂજા કરી બાપાશ્રી સૌને મળ્યા. અને જય સ્વામિનારાયણ કરી આસને આવ્યા. પછી સદ્ગુરુ આદિ સંતોને કહ્યું કે, સ્વામી ! જુઓને ! અહીં કેવો દિવ્ય સત્સંગ ફૂલી રહ્યો છે ! સૌનાં હેત નવીન ને નવીન. પંદર દિવસ થયા પણ જાણે પાંચ દિવસે થયા નથી. સવાર-સાંજ સભા ઊભરાતી જ રહે છે. નાના-મોટા સર્વે મહારાજને તથા મોટાને રાજી કરવા ઘણો ખટકો રાખે છે.
પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, બાપા ! દિવ્ય સત્સંગ કેમ જણાય ? ત્યારે બાપાશ્રી કીર્તનની ટૂંક બોલ્યા જે, “સ્વામિનારાયણ દિવ્ય મૂર્તિ, સંતન કો વિશ્રામ” એમ ભગવાનને દિવ્ય જાણે એટલે મૂર્તિને પામેલા સર્વે દિવ્ય. ત્યારે સ્વામીશ્રી કહે, બાપા ! સંત મૂર્તિમાં વિશ્રામ કરીને રહે તેને દેખાય કોણ ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મૂર્તિમાં રહ્યા હોય તેને તો શ્રીજીમહારાજ દેખાય. એમ કહીને વાત કરવા લાગ્યા જે, આપણે ભગવાન ભજી લેવા ને સત્સંગ દિવ્ય સમજવો. મોટા મુક્તનો ખપ કરવો, એમને ઓળખવા. પછી વળી સ્વામીશ્રીએ પૂછ્યું જે, બાપા ! મોટા ઓળખાય કેમ ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મોટાને તો એક ભગવાન જીવન હોય, એટલે ખપવાળાને ભગવાનની દયાએ મોટા જરૂર ઓળખાય. મોટા અનાદિ ને મહારાજ એ તો ભેગા જ રહે છે. એવા અનંત મુક્ત સાકાર થકા મૂર્તિમાં રહીને મૂર્તિનાં સુખ ભોગવે છે. જેમ સમુદ્રમાં અનંત માછલાં કિલ્લોલ કરતાં થકાં રહ્યાં છે, તેમ મૂર્તિમાંથી મુક્ત સુખ લીધાં જ કરે છે. આ લોકના દૃષ્ટાંતમાં મળતું ન આવે એટલે બીજું શું કહેવું ? એ સુખ તો મહા અલૌકિક છે, દિવ્ય છે. એ સુખની આગળ કોઈ સુખ ગણતરીમાં ન આવે. આપણે ધ્યાન, ભજન, કથા, વાર્તા, સેવા-ભક્તિ કરીએ, પણ સુખ તો મહારાજ આપે ત્યારે જ આવે અને ટાઢું પણ ત્યારે જ થાય. મહારાજની મૂર્તિમાંથી તેજ ફરર ફરર છૂટે છે. “શીતળ શાંત છે રે, તેજની ઉપમા નવ દેવાય” એ સુખ આગ્રહથી નથી મળતું; પ્રસન્નતાથી સાવ સોંઘું છે. આગ્રહથી તો લાડકીબાઈના જેવું થાય. તે એને એવું શીતળ તેજ ન ખમાણું, ને ચીસો પાડવા માંડી ને કહ્યું જે, ‘હું બળું છું’, તે પછી ગણપતિ ને વિષ્ણુનાં સ્થાનક દેખાડતાં દેખાડતાં પોતાનું સ્વરૂપ સમજાવ્યું ત્યારે શાંતિ થઈ. એમ ત્રણ દેહના ભાવ મેલ્યા વિના શાંતિ થાય નહીં. આપણે એકાંતિક, પરમએકાંતિક ને અનાદિ, તેમાં કયા મંડળમાં રહેવું છે, તેનો તપાસ કરવો. આ લોકનાં દ્રવ્ય, સ્ત્રી, પુત્રાદિક કોઈ કામ નહિ આવે. સ્વામિનારાયણ ભગવાન એક જ કામ આવે એવા છે. એ મૂર્તિ જ અલૌકિક છે, દિવ્ય છે, સનાતન છે. એમના થયા એટલે બધી વાત સમજાણી. એ મૂર્તિમાં જોડાઈ જઈએ તો કામ જબરું થઈ જાય. ચમક લોઢાને ખેંચે તેમ મહારાજ પોતાના થયા હોય તેને પોતાની મૂર્તિમાં ખેંચી લે છે. મહારાજે એટલા સારુ સમ ખાધા છે. આ વાતો પણ ચમત્કારી છે, આ સભામાં બધુંય છે. જુઓને ! રાજાભાઈએ મહારાજના રાજીપા સારુ પર્વતભાઈનું સાંતી બાર વરસ ચલાવ્યું. પછી બોલ્યા જે, સદ્. ગોપાળાનંદ સ્વામી કેવા સમર્થ ! તેમના શિષ્ય સ્વામી નિર્ગુણદાસજી અને એ સ્વામીના શિષ્ય આ ઈશ્વરબાવો, તે આવા મોટાના જોગથી મૂર્તિમાં સળંગ જોડાઈ ગયા. આપણે પણ મૂર્તિ રાખવી, એ સાચી વસ્તુ છે. “શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું” એવું કરવું. ખોટામાં ખોટી થઈએ એટલા બાળકિયા સ્વભાવ કહેવાય. ખોટી વસ્તુ સાચી થાય તેમ નથી. “માયા જગ ઠગણી” - ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય એ આપણે ભગવાનની લીલા જાણવી. “જ્ઞાની મારો આત્મા, મેં જ્ઞાની કો પ્રાણ” આવા મોટા અનાદિનો જોગ દુર્લભ છે. આ તો ઠેઠ મૂર્તિમાં જોડી દે તેવા સંત છે, તે ઓળખાય ને જીવ દેવાય તો બધાંય કામ પૂરાં થઈ જાય. આ તડાકા-ફડાકા નથી. આ તો મુદ્દાની વાતો છે. હીરાભાઈ તથા સાંવલદાસભાઈ સામું જોઈને કહ્યું કે, તમને આવા સંત મળ્યા છે, તે વાત બહુ જબરી થઈ છે. અખતરડાહ્યા આવી દિવ્ય સભામાંથી ખોંચું કાઢે, પોતામાં તો કોઈ માલ ન હોય પણ આ સભાનો તોલ કરવા બેસે, એને શું ખબર પડે ? આ સંત મૂર્તિમાં રહ્યા થકા દેખાય છે. આ સભા મહા અલૌકિક છે. એમ અતિ પ્રસન્નતા જણાવીને બોલ્યા જે, “મૈં હૂં આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ” એ ટૂંક બોલીને કહ્યું જે, મહારાજની મૂર્તિમાં જોડાઈ રહેનારાને બીજું બધું મૂકી દીધા જેવું છે. એટલું સમજ્યા તો સર્વે વાત સમજાણી. શ્રીજીમહારાજ અનંતકોટિ બ્રહ્માંડના રાજાધિરાજ છે. સર્વના કારણ છે, સર્વના કર્તા-હર્તા છે, સર્વના નિયંતા છે, સર્વોપરી છે, અકળ મૂર્તિ છે. તે આ સભામાં પ્રગટ બિરાજે છે. આ સભા એ ભગવાનની છે. આ મુક્ત સર્વે એ મૂર્તિના સુખભોક્તા છે. આ સભાનો મહિમા બહુ જબરો છે. શિવ-પાર્વતી ચાલ્યા જતાં હતાં, ચાલતાં ચાલતાં માર્ગમાં આંબલીની ઘાટી છાયા આવી ત્યારે શિવજીએ રજ લઈને માથે ચડાવી. ત્યારે પાર્વતીએ પૂછ્યું કે, આમ શું કરો છો ? ત્યારે કહે જે, મોટાપુરુષ અને ભગવાન આ ઠેકાણે ચાલ્યા છે. તેથી આ ભૂમિનાં હું શું ભાગ્ય કહું ! ત્યારે પાર્વતીને એ વાત સમજાણી. અને એક મકોડો ઇંદ્રના સિંહાસન ઉપર ચડતો હતો, તે જોઈને ઇંદ્રને હસવું આવ્યું. તે સમે મકોડાને વાચા આવી ને બોલ્યો કે હું ઇકોતેર વખત ઇંદ્ર થયો છું. એમ મહિમાની વાતો જાણવાની છે. બીજું સુખ-વૈભવ દુર્લભ નથી. ભગવાન ને સંત બે જ દુર્લભ છે. તે આજ સુલભ થયા છે. જીવને જાણવાનું ગજું નહિ, તેથી દયા કરી અગમ સુગમ થાય; તોય જીવને મહિમા નહિ, તેથી જાણી ન શકે. શિવજીએ મહિમા જાણ્યો ને પાર્વતીએ પૂછ્યું તો ખબર પડી. તેમ આપણામાં શિવ કોણ ? માયાથી જે પરના હોય ને મૂર્તિમાં રહ્યા હોય એ અનાદિમુક્ત આપણા શિવ. એમાંથી મનુષ્યભાવ કાઢી નાખવો. નકરો દિવ્યભાવ રાખવો. પછી એમ બોલ્યા જે, આપણે રંગરાગમાં ન લેવાવું. જુઓને ! મહારાજે અમદાવાદની ચોરાસી કરી, પછી તે પ્રવૃત્તિ વિસારવા સારુ ગણેશ ધોળકાની રાણ્યોમાં જઈને તે પ્રવૃત્તિ વિસારી દેવાનું શીખવ્યું. કાર્ય તો ગમે તેટલું હોય પણ કારણને લઈને છે. એમ જાણી આપણે તો કારણ મૂર્તિ એક શ્રીજીમહારાજ રાખવા, એટલે કાંઈ આવરણ ન નડે. કાચાંને આવરણ ઘણાં છે; માટે બીજી પ્રવૃત્તિ પડી મેલવી. આવો જોગ બહુ દુર્લભ છે, મળે તેવો નથી. ।। ૧૦૫ ।।