વાર્તા ૧૧૯
કારતક વદ ૩ને રોજ સવારે સભામાં બાપાશ્રીએ વાત કરી જે, મહારાજની આજ્ઞામાં જે ખબડદાર ન રહે ને ઉપર ઉપરથી મોટા મુક્ત પાસે આવે-જાય ને પ્રાર્થના કરે તેથી તેનું કામ થાય નહીં. એ તો જ્યારે મહારાજને તથા મોટા અનાદિને અંતર્યામી જાણી તેમનાં વચન સામી સૂરત રાખે તો મોક્ષ થતાં કાંઈ વાર ન લાગે. નહિ તો સો ગાઉ સામો ચાલીને આવે તોપણ મૂર્તિનું સુખ તેને મળતું નથી; માટે દેખાવનો સત્સંગ ન કરવો. મહારાજ તથા મોટાનાં વચન પ્રમાણે નિયમ, ધર્મ પાળ્યા વિના ચાલે નહીં. મોટા અનાદિમુક્ત તો બહુ દયાળુ હોય, તેથી મહારાજનાં વચનમાં વર્તે તેને તરત મૂર્તિમાં મૂકી દે છે. જીવને મોટાના સંબંધનું ફળ જતું નથી, પણ જેવું તેમના ગમતા પ્રમાણે રહે ને ફળ મળે તેવું ઉપરના દેખાવથી મળે નહિ. મોટાને વિષે હેત કરવું તેમાં પણ કોઈ વાતનો અંતરાય ન રાખે ને કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષ્યા, કપટ એ સર્વેને મૂકીને દાસભાવે વર્તે તેને તો મહારાજ તથા મોટા અનાદિ પળમાં ન્યાલ કરી મૂકે. કેમ જે શ્રીજીમહારાજ ન્યાલકરણ છે, તેથી જીવના વાંક-ગુના સામું જોતા નથી, એવા દયાળુ છે, પણ મહારાજને તથા મોટા મુક્તને જીવ સોંપવો જોઈએ. તે વિના ત્રણ દેહનું આવરણ ઉલ્લંઘાય તેવું નથી. આવી વાતનો નામામેળ કરવો જોઈએ. મહારાજના તથા મોટા મુક્તના પ્રતાપે જ જીવોનો મોક્ષ થાય છે, તે વાતમાં કાંઈ સંશય નથી. તેથી મોટા મુક્તોએ શાસ્ત્રમાં લખ્યું જે, હરિ કાં હરિના મળેલાંનો ખપ કરવો જોઈએ. બહારદૃષ્ટિએ વર્તે ને સાધન ઘણાં કરે, પણ સમાસ થાય નહીં. અક્ષરધામ અંતર્વૃત્તિએ આ રહ્યું. બહારવૃત્તિએ લાખ મણ લોઢાનો ગોળો વાયુએ કરીને ઘસાઈ જાય એટલું છેટું કહ્યું છે, તેથી સાધને પાર ન આવે. માટે મૂર્તિ આકારે વૃત્તિ થાય ત્યારે અણુ જેટલું છેટું નહીં. એમ આજ શ્રીજીમહારાજ તથા મોટાને આશરે વધુ સુગમ છે. “ગાજવીજ ને વરસવું રે, અગમ સુગમ કર્યું સોય પુરુષોત્તમ પ્રગટી રે. સૌ જનને સુખ આપિયું રે, દુઃખી રહ્યું નહિ કોય... પુરુષોત્તમ પ્રગટી રે” એવું છે. શ્રીજીમહારાજ તથા મોટા મુક્તોએ અક્ષરધામમાંથી દયા કરી દર્શન આપ્યાં, એટલે જીવને આવો જોગ થયો. માટે એવા મોટાને ઓળખીને તેમની સાથે હેત કરીને વચનમાં વર્તે તથા અંતર્યામી જાણે અને તેમની ક્રિયા અલૌકિક સમજે તો મોક્ષ થતાં જરાય વાર નથી. આવી વાત જો ખરેખરી મનાય તો ટૂક ટૂક થઈ જવાય. માટે પાત્ર થઈને મહારાજ તથા અનાદિને રાજી કરવા ને પોતાને કરવાનું છે તેમાં કસર ન રાખવી. કેટલાકને આજ્ઞા-નિયમનો પત્તો હોય નહિ, ને આસુરી જીવ જેવી ક્રિયા કરતા હોય તેવા પણ ઉપરનો અટાટોપ રાખી આજ્ઞા પાળવાની બીજાને વાતો કરે. એવાને બહુ મોટી ખોટ આવે, માટે કોઈએ એવું ન કરવું. કેટલાક તો દ્રોહને માર્ગે ચડી જાય છે તે કોઈના સમજાવ્યા પણ સમજે નહિ, એવા જીવને મોક્ષમાર્ગમાં બહુ વિઘ્ન થાય. ફેર આવો જોગ મળવો દુર્લભ. અ.મુ. ગુણાતીતાનંદ સ્વામી એમ કહે છે કે, મંદિર સોનાનાં થશે, પણ આવા કહેનારા નહિ મળે. તેમ કહેવાનું કારણ, એવા મોટા મુક્ત દુર્લભ છે. તેથી તેમની પ્રસન્નતા થાય એ માર્ગે ચાલવું. જો પ્રસન્નતા ન લઈ શકાય તોપણ અપરાધને માર્ગે ચાલી મોટા કચવાય એવું તો કરવું જ નહીં. જેમ વહાણ કાંઠે આવ્યું હોય, તેમ મહારાજ ને મોટા મળ્યા તેને એવું થયું છે. માટે આ ટાણે મોક્ષ સુધારી લેવો. ।। ૧૧૯ ।।