વાર્તા ૪૭

બાપાશ્રી વાત કરી રહ્યા ત્યારે નારાયણપુરવાળા ધનજીભાઈએ સભામાં ઊભા થઈ બે હાથ જોડી પ્રાર્થના કરી કે, બાપાશ્રી તથા સદ્‌ગુરુ સ્વામી આદિ સંતો ફૂલડોલના દિવસે અહીં પધાર્યા, તેથી અહીંના સર્વે મુક્તોએ અતિ હેતભર્યા ફૂલડોલનો સમૈયો કર્યો, શ્રીજીમહારાજનો પ્રસાદીરંગ હરિભક્તોએ બાપાશ્રી પર નાખ્યો ને બાપાશ્રીએ પણ સૌ હરિભક્તો પર પ્રસાદીરંગ નાખ્યો ને કીર્તન બોલાણાં. હું પાછળથી બીજી આગબોટમાં આવ્યો જેથી મારે એવાં દિવ્ય દર્શન થયાં નહીં. આવું ટાણું ફેર વળી ક્યારે આવે ? માટે મારી બે હાથ જોડી આ સભાને પ્રાર્થના છે કે, આજ પાંચમ છે તે મારી વતી બાપાશ્રીને સૌ પ્રાર્થના કરો જે, ઠાકોરજી પાસે ફૂલડોલના દિવસની પેઠે બે કીર્તન ઉત્સવનાં બોલાવી પ્રસાદીનો રંગ બાપાશ્રી સૌ પર નાખે ને ગરબી ગવાય તો એ દિવ્ય અલૌકિક દર્શનનો સંકલ્પ મારે રહી ન જાય. મેં અહીંના ફૂલડોલનું વર્ણન સાંભળ્યું જે, બાપાશ્રી પધાર્યા ત્યારે શું હરિભક્તોનો સમૂહ ! ને શું ઠાકોરજીનાં રંગભર્યાં વસ્ત્ર ! ને ઉત્સવમાં હરિભક્તોનાં શું હરખ ! એ તો ટાણું બહુ ભારે બની ગયું. આમ વાત સાંભળી છે ત્યાંથી ઊઠતાં-બેસતાં એ તાણ ઊંડી રહી જાય છે. અમારે કચ્છમાં રંગ પાંચમ કહેવાય છે, તો આજે અહીં પણ સૌ મારા પર દયા કરો, તેથી રંગ પાંચમનું સંભારણું થાય. તમે સૌ રાજી હો તો મારી આ પ્રાર્થનામાં ભેળા ભળો ને મારો મનોરથ પૂરો કરાવો. તે વખતે સભામાં લાલુભાઈ, મહાદેવભાઈ, હરિભાઈ, મોહનભાઈ, હીરાભાઈ, અમીચંદભાઈ, ગોવિંદભાઈ, સોમચંદભાઈ આદિ હરિભક્તોએ ધનજીભાઈની તાણ પૂરી કરવા પ્રાર્થના કરી. ત્યારે બાપાશ્રી કહે, ભલે કરો સમૈયો, બોલો કીર્તન ને ગાઓ ગરબી. એવાં વચન સાંભળી હરિભક્તો ઠાકોરજી પાસે ઉમંગભર્યા ઉત્સવ કરવા લાગ્યા. સભામાં આવાં અલૌકિક દર્શન કરવા સૌ આતુર બન્યા. થોડી વારમાં રંગ તૈયાર થયો, ઠાકોરજી પાસે પ્રસાદી કરાવી, હરિભક્તો હેતભર્યા આવ્યા ને ગરબી ગાવા તૈયારી કરી. વચમાં બાપાશ્રીને એક ખુરશી પર બેસાર્યા. હરિભક્તો કીર્તન બોલવા લાગ્યા જે, “મારે આનંદનો દિન આજ રે, પ્રભુ પ્રગટ્યા કલ્યાણને કાજ રે.” તથા “પ્રગટ હરિ મુજને મળ્યા રે લોલ, કાંઈ કહ્યામાં ના’વે વાત.” એ કીર્તન બોલતા હતા ને ફરતા હરિભક્તો પર બાપાશ્રી રંગ નાખતા હતા. સૌ ઉપર ગુલાલ નાખ્યો તે વખતે અતિ હેતમાં ધનજીભાઈએ બાપાશ્રી પર રંગ નાખ્યો. પછી તો લાલુભાઈ, મહાદેવભાઈ, હીરાભાઈ, સાંવલદાસભાઈ, શિવજીભાઈ, અમીચંદભાઈ આદિક મોટા તથા નાના હરિભક્તોએ થોડો થોડો રંગ તથા ગુલાલ બાપાશ્રી પર નાખી સહજાનંદ સ્વામી મહારાજની જય બોલાવી. સૌ રંગ ભરેલા બાપાશ્રીને ભેટ્યા. બાપાશ્રી ના પાડતા હતા કે થોડો રંગ નાખો પણ અતિ હેતના ભર્યા સૌ હરિભક્તોએ એક પછી એક થોડો થોડો રંગ નાખી લ્હાવ લીધો. તે વખતે બાપાશ્રી પ્રસન્ન થકા બોલ્યા જે, આ રંગ પાંચમ ધનજીભાઈની. કેમ કે એની તાણને લઈને આ સમૈયો ફરીવાર થયો. પછી સૌને કહ્યું કે, તમો બધાય ધનજીભાઈને ભેટજો. એમ કહી પોતે નાહી વસ્ત્ર બદલી મેડા પર આસને પધાર્યા. ત્યાં સૌ હરિભક્તો આવ્યા તેમને દ્રાક્ષ તથા કાજુની પ્રસાદી વહેંચી. પછી સદ્‌ગુરુ આદિક સંતોની તાણે સર્વે સંતોને બાપાશ્રી મળ્યા ને અતિ કૃપા કરીને આશીર્વાદ આપ્યો જે, શ્રીજીમહારાજની મૂર્તિમાં સૌ આમ ને આમ સુખ ભોગવજો. આ ટાણે મહારાજ ને મુક્ત કૃપાસાધ્ય છે તે જેવાં માગે ને ઇચ્છે તેવાં સુખ મળે છે, વખત બહુ સારો છે, જોગ જબરો મળ્યો છે. એમ કહીને ધનજીભાઈની ઘણી પ્રશંસા કરીને કહ્યું જે, આ બહુ શૂરવીર છે. જુઓને ! કીર્તન બોલે છે ત્યારે હેત તો ઊભરાઈ જાય છે. નિયમ, નિશ્ચય ને પક્ષ ત્રણે માથા સાટે. જાદવજીભાઈ એમના પિતા મહામુક્ત હતા. તેમનું નામ એમણે રાખ્યું, ઘર બધુંયે એવું. નાના-મોટા સહુ વચનમાં વર્તનારા. નારાયણપુરમાં એમણે સત્સંગનો રંગ ચડતો ને ચડતો રાખ્યો છે. પછી લાલુભાઈને કહે કે, જોયા અમારા ધનજીભાઈ ! એમ પ્રશંસા કરીને કહ્યું જે, અહીંના નાના-મોટા હરિભક્તો પણ બધાય બળિયા છે. કથા-વાર્તામાં, કીર્તન ને સેવા-ભક્તિમાં જ્યાં જુઓ ત્યાં તૈયાર; આવા દેશમાં સત્સંગનો રંગ ચડતો ને ચડતો રાખી રહ્યા છે. એમને મહારાજને રાજી કરતાં આવડે છે; અમે પણ સૌનાં હેત જોઈને ઘણા રાજી થઈએ છીએ. સત્સંગે કરીને મહારાજને અને મોટા મુક્તને રાજી કરવા, એ કરવાનું છે; તે આ સર્વેને કરતાં આવડે છે; એમ કહીને સૌને મૂર્તિમાં રાખવાનો આશીર્વાદ આપ્યો. ।। ૪૭ ।।