વાર્તા ૪૫
રાત્રે સભામાં લોયાનું ૧૦મું વચનામૃત વંચાતું હતું. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, બાપા, આ વચનામૃતમાં કહ્યું છે જે, પરમાત્મા છે તે તો સર્વાત્મા બ્રહ્મના આત્મા છે અને અક્ષરના પણ આત્મા છે તે કોને જાણવા ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ ઠેકાણે સર્વાત્મા બ્રહ્મ અનાદિમુક્તને જાણવા, અક્ષર તે મૂર્તિના તેજરૂપ ધામને જાણવું, મુક્ત તે પરમએકાંતિકને જાણવા અને મહારાજ તે સર્વના આત્મા છે એટલે મૂર્તિમાન થકા આધાર છે અને સુખદાતા છે એમ સમજવું. આ પરભાવનો અર્થ છે.
પછી સ્વામીએ પૂછ્યું જે, એક તો આત્માને વિષે તેજોમય મૂર્તિ દેખે છે અને એકને તો અનંતકોટિ બ્રહ્માંડના જીવ-ઈશ્વરો મળીને નિશ્ચયમાંથી ડગાવી શકે નહિ એવા દિવ્યભાવે સહિત મનુષ્ય રૂપે ભગવાન વિચરતા હોય તે મૂર્તિને દિવ્ય જાણે તે બેયને સરખા જાણવા કે કેમ ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જો બરાબર જાણે તો બેય સરખા પણ જો બરાબર ન જાણે તો એને કુસંગનો જોગ થાય તો ધક્કો લાગે, તેથી મહારાજને મૂકીને પરા જાતું રહેવાય. આ લોકનાં સગાંસંબંધી, નાત-જાતમાં, ક્યાંય હેત રાખવું નહીં. એક મૂર્તિમાં જોડાઈ જવું, એ સાધન કર્યા વિના પાર ન આવે, તે આવા મોટાનો જોગ કરતાં સમજાય, જો સત્સંગમાં ટકાય તો. અખંડવૃત્તિ જોડીને અખંડ મહારાજના સ્વરૂપમાં જોડાઈ જાવું, એ તો બહુ જબરી વાત છે. આજ પ્રત્યક્ષ શ્રીજીમહારાજ સત્સંગમાં બિરાજે છે, તેમને મળેલાનો જોગ-સમાગમ કરવો. કથા-વાર્તા, રમવું-જમવું વગેરે કરવું, પણ જડ માયામાં લેવાઈને એમના જોગથી જુદા ન પડવું. આજ મોટા મુક્ત મૂર્તિમાં રમ્યા કરે છે. એ જોગ ને એ ટાણું મળ્યું છે; કહેનારા સારા છે, આવા કોઈને મળે નહીં. જેવા મહારાજ અને મુક્તને જાણશો તેવા થાશો. એકલાં સાધન ઉપર તાન ન રાખવું. રસનામાં અને રસિક માર્ગમાં વૃત્તિ તણાઈ જાય તે સાચવવું, મોટાની વૃત્તિ તો શ્રીજીમહારાજ વિના બીજે હોય જ નહિ, પણ અજ્ઞાની અને વિષયી જીવ એવા મોટાને પણ ઓળખે નહિ, તેથી પોતા જેવા ભાવ પરઠે; માટે મોટા મુક્તને વિષે સદાય દિવ્યભાવ રાખવો. અક્ષર પર્યંત તો સર્વે ખોટું છે તેને ખોટું જાણીને શ્રીજીમહારાજની મૂર્તિનું અનુભવજ્ઞાન થાય તો સાક્ષાત્ મૂર્તિમાંથી તેજ ઝળળળ ઝળળળ નીકળે છે તે દેખાય અને મૂર્તિમાં લઈ જાય. આજ મોટા અનાદિમુક્ત જીવને લેવા આવ્યા છે તેમનાં દર્શન થાય, દૃષ્ટિ પડે, વાયુ ભૂટકાઈને અડે તેનાં કલ્યાણ થાય છે.
પછી એમ બોલ્યા જે, સિદ્ધિઓ પરિપક્વ નિશ્ચયવાળાને મળે તે પરિપક્વ નિશ્ચયવાળો કયો ? તો કોઠાર, ભંડાર, મહંતાઈ ચલાવે તે નહીં. સ્વામી નિર્ગુણદાસજી આવે કે સાકરનાં અને ધોતિયાંનાં ગાડાં ભરાઈ જાય, તે કોઠારમાં નાખતા અને સંતના મંડળને વહેંચી આપતા. હવે તો કેટલાક પટારા ભરે છે ને જડમાં લોભાઈ જાય છે. જડ-ચૈતન્યના તો હરામ ખાવા જોઈએ. કોઈ ઝેર પીએ ? જડ-ચૈતન્ય તો ઝેર જેવાં છે. આપણે તે ગરવા ન દેવું... ન દેવું !! એ સામી દૃષ્ટિ જ ન કરવી. ચીંથરાં ભેળાં ન કરવાં. ચીંથરાં ભેળાં કરી રાખે ને આજ્ઞા પ્રમાણે વર્તે નહિ તે ચીંથરાં ભેળાં કર્યાં કહેવાય. એ ભેળાં નહિ આવે. માલપૂઆ, બિરંજ, કેરીની રસોઈ દે છે. તે સિદ્ધિઓ પરિપક્વ નિશ્ચયવાળાને આવે છે તેમાં લોભાવું નહીં. બાળકિયા સ્વભાવ ન રાખવા અને ન કરવા. મૂર્તિ બહાર નીકળવું નહિ અને વૈભવમાં હાથ ન ઘાલવા. એણે તો મોટા મોટાને વગોવી નાખ્યા છે. મહિમા જાણીને જે આવો જોગ કર્યા કરે છે તે સુખિયા થશે. ખરેખરા વાદી હોય તેને નાગ ન ચડે, તેમ ખરેખરા હોય તે જડ-ચૈતન્યમાં ન લેવાય. પોતાના જાણીને કહીએ છીએ. ગૃહસ્થ સગાંસંબંધી માટે કરે છે તો પણ જાણે છે જે, એ ખોટું છે. અમારે તો સાચાં સગાં આ સંત છે, પણ બીજા નથી; તે ત્રણે અવસ્થામાં મૂર્તિમાં રહેતા હશે એ જાણતા હશે.
પછી વાત કરી જે, આજ્ઞા લોપતો હોય તેની વાત વાચ્યાર્થ હોય, તે સાંભળનારાની બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખે અને તે હલકારો બહુ કરતો હોય. પણ જે મૂર્તિમાં રહીને બોલતા હોય તે તો મૂર્તિમાં રહીને ધીમું ધીમું બોલે પણ ધડાકા ન કરે. એની વાતોથી સમાસ બહુ થાય. એમ વાત કરતા થકા હીરાભાઈ તથા સાંવલદાસભાઈ સામું જોઈને બોલ્યા જે, તમે બ્રહ્મયજ્ઞ સારો કર્યો. વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાની પારાયણ કરાવી તેમાં વક્તા સારા લાવ્યા. સદ્ગુરુ બેય મૂર્તિના સુખભોક્તા. તે વચનામૃત વાંચવા માંડે છે, ત્યારે સુખના ફુવારા છૂટે છે ને વચન બધાંય મૂર્તિમાન થઈ જાય છે. આ તો પ્રગટ શાસ્ત્ર, પ્રગટ મહારાજ, પ્રગટ સંત, પ્રગટ સભા, કલ્યાણ પણ પ્રગટ. પછી સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું કે, તમે પ્રગટ પ્રતાપ બહુ જણાવ્યો; એમ કહીને અતિ પ્રસન્નતા જણાવી. ।। ૪૫ ।।