વાર્તા ૨૯
આસો વદ ૧૧ને રોજ સવારે વચનામૃતની કથા થતી હતી તે વખતે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, બાપા ! શ્રીજીમહારાજ છપૈયે પ્રગટ થયા ને ગઢપુરમાં અંતર્ધાન થયા એ બે ધામમાં અધિક કયું જાણવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મૂળીવાળા સદ્. હરિનારાયણદાસજી સ્વામીની છપૈયે બદલી થઈ હતી ને ઘનશ્યામ મહારાજની સેવા કરતા. ત્યાં તેમણે બધાં વચનામૃત કંઠે કર્યાં હતાં. તેમને એવો સંકલ્પ રહેતો કે છપૈયા અધિક કે ગઢપુર અધિક ? પછી શ્રીજીમહારાજે રાત્રિએ સ્વપ્નમાં દર્શન આપ્યાં તે સાથે અયોધ્યાપ્રસાદજી મહારાજ, રઘુવીરજી મહારાજ તથા મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિક ઘણા સંતોની મોટી સભા થઈ. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, તમારે શું પૂછવું છે ? પૂછવાનું હોય તે પૂછો. ત્યારે તેમણે આ બે ધામમાં અધિક ધામ કયું ? એમ પૂછ્યું. ત્યારે રઘુવીરજી મહારાજ બોલ્યા જે, ગઢપુર અધિક. પછી નિત્યાનંદ સ્વામી બોલ્યા જે, એમાં તમે ન જાણો, આ છપૈયા અધિક. કેમ જે, ભગવાનનો પ્રાદુર્ભાવ જ્યાં થયો હોય તે ધામ તુલ્ય બીજું ન કહેવાય. પછી શ્રીજીમહારાજે ઊભા થઈને સ્વામી હરિનારાયણદાસજીને કહ્યું જે, ચાલો, અમારું જન્મસ્થાન બતાવીએ. પછી સભામાંથી બંને ઊઠીને ચાલ્યા તે આગળ શ્રીજીમહારાજ ને પાછળ સ્વામી ચાલ્યા; તે જ્યાં પોતે પ્રગટ થયા હતા ત્યાં ઊભા રહીને કહ્યું કે, આ સ્થાને અમે પ્રગટ થયા હતા. આ સ્થળે ધૂળની ઢગલી કરો અને આ જગ્યાએ અમારું જન્મસ્થાન કરાવજો. એમ કહીને મહારાજ તથા સંતની સભા અદૃશ્ય થઈ ગઈ. એમ વાત કરી. પછી જેતલપુરનું ૧લું વચનામૃત વાંચ્યું તેમાં એમ આવ્યું જે, સો મનુષ્ય માને, હજાર મનુષ્ય માને, લાખ મનુષ્ય માને, ક્યારેક બ્રહ્મા જેવો, શિવ જેવો, ઇંદ્ર જેવો થાય તેણે કરીને મોટપ માને નહીં. આત્મા વડે અને સંતના સમાગમે કરીને મોટપ છે એમ આવ્યું, પછી સંતની મોટપ આવી. ત્યારે પુરાણી કેશવપ્રિયદાસજીએ પૂછ્યું જે, પહેલી આત્મા વડે કરીને મોટપ કહી તે આત્મા કયો જાણવો ? પછી સંતની આત્મનિષ્ઠાએ કરીને મોટપ છે, એમ કહ્યું તે આત્મનિષ્ઠા કઈ જાણવી ? પછી બાપાશ્રી બોલ્યા જે, પહેલી સાધનદશાવાળાને આત્મા વડે કરીને મોટપ કહી. તે પોતાને શ્રીજીમહારાજના તેજરૂપ માનવું, તે આત્મા જાણવો અને સંતને આત્મનિષ્ઠા કહી તે આત્મા જે શ્રીજીમહારાજ તે શ્રીજીમહારાજમાં નિષ્ઠા કહેતાં સ્થિતિ તે આત્મનિષ્ઠા જાણવી. પછી વાત કરી જે, તમે સર્વે મહારાજની મૂર્તિમાં રહ્યા છો. માટે મૂર્તિમાં રહ્યા છીએ અને ક્રિયા મૂર્તિ જ કરે છે, એમ જાણજો. ।। ૨૯ ।।