વાર્તા ૫૦

રાત્રે મેડા ઉપર આસને પૂરું થયું ક્યારે કહેવાય ? એ પ્રસંગ ચાલતો હતો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ખોટાને ખોટું કરીએ, તેમાં કાંઈ પૂરું થયું ન કહેવાય. જેમ જળ પોતે ઊંડું લઈ જાય છે, તેમ પુરુષોત્તમનારાયણની ખુશ્બો છે તે ખેંચે છે. સાધન ઉપર તાન હોય તોપણ ભગવાનને અને મુક્તને સાથે રાખીને કરવાં. અનાદિ વસ્તુ ઓળખવી બહુ કઠણ છે. સોની હોય તે સોનાને ઓળખે તેમ આ સભા અક્ષરધામની છે તેને ચૂંથી ન નાંખવી. માથકવાળા કલ્યાણસંગજીને અમે રામપુરમાં મહારાજની મૂર્તિ સિંહાસનમાં બતાવીને કહ્યું કે, આ મૂર્તિને શું  કહેશો ? ત્યારે તે કહે કે, સાક્ષાત્ મહારાજ, એ મૂર્તિને બીજું શું કહે ? આપણે તો મહારાજની સભા અને મૂર્તિ એ બે જોઈએ. આગળના સાધુ તો જુઓ ! લોકનાથાનંદ સ્વામી તથા બદરિનાથાનંદ સ્વામી જેવા મોટા સંત અહીં આવતા, તેમને વાટમાં વાડી આવે છે ત્યાં કેરીયું ઘોળી-ઘોળીને ખવરાવી છે. અમારે તો કાંઈ મોટપ જોઈતી નથી. આપણે એક સ્વામિનારાયણ ખપે. જેને દોષ જોવાનો સ્વભાવ થયો હોય તેને તો શ્રીજીમહારાજમાંય દોષ દેખાય. આપણે તો અધમ જેવા જીવને પણ ઉદ્ધારવા પડશે. આપણે ઘેર વસ્તુ સાચી છે તે શીદ વંજાવવી જોઈએ. મોટા મુક્તના અપરાધ થઈ જાય તેને તો બધુંય બળી જાય; એ જાળવવું. મહારાજ કહે કે, ત્રણ ગુણ કાઢી નાખવા. એ ગુણ હોય ત્યાં સુધી સત્સંગમાં સુખ આવવા દે નહીં. તેમાં તમોગુણ તો બધાનું ખાઈને અભડાઈ આવે એવો છે. નબળા માણસ સત્સંગમાં ન ખપે, ભગવાન ભજવામાં એ કામ ન આવે, બી સાચું ખપે; સાચું બી રાખશો તો ઊગી આવશે. આ નિયમ નથી પાળતા, આ ધર્મ નથી પાળતા એમ જે જાણે તેનું ઠીકરું ફૂટ્યું. માટે નિર્વાસનિક થઈને ભગવાન ને ભગવાનના ભક્ત સાથે એકતા કરવી. અનાદિ તો કોઈના દોષ દેખતા નથી, શાથી ? કે બિચારો એ જીવ દુઃખિયો થઈ જશે. અધમ જેવા જીવ હોય તેને ઉદ્ધારે તો મહારાજ ઘણા રાજી થાય. શ્રીજીમહારાજને સંભારશો તો સદ્‌ગુરુ થાશો અને મૂકશો તો કોઈ ભાવ નહિ પૂછે. સર્વેના આધાર, સર્વેના કર્તા, સર્વેના નિયંતા, સર્વે દિવ્યના દિવ્ય ભગવાન આપણને મળ્યા છે, તેથી જેને અખંડ સોહાગી થાવું હોય તેને મોહ-નિદ્રામાંથી જાગી જાવું, દાસપણું રાખવું. શુદ્ધ પાત્ર થાય ત્યારે ભગવાન રહે. જેમ સિંહણનું દૂધ સોનાના પાત્રમાં જ રહે છે તેમ. જેને નિશ્ચયનું કાચું હોય તેની વાત તે જાણે. મહારાજ અને તેમના અનાદિ તો આ રહ્યા; પ્રત્યક્ષ છે. તેજોમય ફુવારા ઝળળળ ઝળળળ છૂટે છે. આપણે તો મહારાજ અને મહારાજના મુક્તને વળગી રહેવું. અમે બીજાં કોઈ ધામ, કે બીજા કોઈ લોક દેખ્યા નથી. અમને કોઈ કહે તો અમે શું જવાબ દઈએ ? ભગવાનના સુખ આગળ ને ભગવાનની મૂર્તિ આગળ બીજું શું જોવું ! અમારો સિદ્ધાંત તો એવો છે કે મૂર્તિ અને મુક્ત વિના બીજી કોઈ વાત જ નથી. આપણે આમ વારંવાર મૂર્તિની જ વાતો કરીએ છીએ તેમાં જેની નજર ન પહોંચે તે એમ જાણે જે, આ તો એનું એ વર્ણન કરે છે, બીજી વાત જ કરતા નથી. જેમ ઘાંચીનો બળદિયો ઘાણીએ ફરે તેને એ જ ઘર ને એ જ ઘાણી, જરાય પંથ ખૂટે નહીં. મહારાજે બીજાં સાધન શું કરવા કર્યાં હશે ? આમ બોલે. પણ, તેને એમ ખબર નથી, જે ભગવાનની મૂર્તિ ધાર્યા જેવું કોઈ સાધન નથી. ઘાંચીનો બળદિયો ઘાણીએ ફરે અને પંથ ન ખૂટે, પણ સાંજે તેલનું કુડલું એ ભરી દે અને બીજો સૂઝે એટલું ચાલે, સૂઝે એટલો પંથ કાપે પણ તેથી તેલનું કુડલું તો શું પણ તેલની ચીકાશ પણ ન  ભાળે. માટે મૂર્તિની વાતો કરવાથી જ સર્વે પ્રાપ્તિ થાય. કેમ જે મૂર્તિ છે તે ચિંતામણિ છે, કલ્પતરુ છે, મહા મોંઘી વસ્તુ છે. તેને મોટા મુક્ત પારખે છે. જેવા તેવાનું આમાં કામ નથી. માટે આપણે તો મૂર્તિ, મૂર્તિ ને મૂર્તિ જ રાખવી. ક્ષર-અક્ષરથી પર પુરુષોત્તમનારાયણની મૂર્તિ તેને બાઝવું. મૂર્તિમાંથી અનુભવજ્ઞાનની ખુશ્બોના ગોટા આવે તે લેવા. માનકુવાના મૂળજી તથા કૃષ્ણજીને કાઢ્યા તે ઘેલાને કાંઠે બેઠા, તેને પાળાઓ પાણા મારે તોપણ જાય નહીં. અક્ષરઓરડીમાં મહારાજ બેસે, ઊઠે ને એમ કહે કે, કચ્છના એ વિમુખ મને બેસવા દેતા નથી. એમ મહારાજની મૂર્તિની ખુશ્બોથી એ આઘા જઈ શકતા નહિ અને મહારાજ વિમુખ કહેતા પણ તેમને વિસારતા નહીં.

પછી બાપાશ્રી બોલ્યા જે, ખોટો માર્ગ છે ત્યાં સુધી ગરુડ ઊડ્યો અને સાચા માર્ગમાં મહારાજ કહે, અમે ઊડ્યા, એટલે એક મહારાજ રહે એ સાચો માર્ગ છે. એ મૂર્તિના સુખભોક્તા અનાદિમુક્ત છે. એ આપણી નાત ને એ જ આપણાં સગાંવહાલાં. આપણે એ સરત રાખવી. કોઈ અભરાના સંગ ન કરવા. એ સભાના ઘરાક થાવું. ખૂબ કેડ બાંધીને તેમને સંભારવા તો અક્ષરધામમાં કડેડાટ ચાલ્યા જઈએ. મોટાની દયા તો અપાર છે. જેમ એકને છ દીકરા હોય, તેમાં એક દીકરો અકર્મી હોય તોપણ તેને માર્યાનો સંકલ્પ થતો નથી; તેમ મહારાજ તથા મોટા મુક્તને છે, તે અધમ જેવા જીવને વિષે પણ સારો સંકલ્પ કરે છે. ખરો ઝવેરી હોય તે આવા હીરાનું પારખું કરે. અક્ષરધામનું સુખ અને મોટાની ગતિની બીજાને શું ખબર પડે ? એ તો સંકલ્પ કરે એટલામાં અનંત જીવનાં આવરણ ટળી જાય અને અહીં બેઠે થકે અક્ષરધામમાં અનંત મુક્તે સહિત મહાપ્રભુનાં દર્શન કરાવે. તે ઉપર વાત કરી જે, કાંકરિયાથી દક્ષિણ દિશા તરફ આંબલીમાં જ્યાં હાલ ઓટો છે ત્યાં મહારાજ આંબલી તળે ઢોલિયા ઉપર આંબલીની ડાળખી ઝાલીને બોલ્યા જે, ચાર સદ્‌ગુરુને બોલાવો. પછી તેમને બોલાવ્યા ને ઢોલિયા ઉપર ચાર પાયે બેસાર્યા અને સર્વે હરિજનોની પૂજા અંગીકાર કરી. તે વખતે મહારાજ તે સદ્‌ગુરુઓ પ્રત્યે બોલ્યા જે, તમો આગળ જઈને માયાનું આવરણ ભેદો, એટલે આ હરિજનોને અક્ષરધામનું સુખ તથા અમારી પૂજાનું ફળ તે નજરે જોવામાં આવે. પછી આવરણ ભેદ્યાં, તેથી કેટલાક હરિજનોને દિવ્ય ચક્ષુ આવ્યાં, તે અહીં જેવી રીતે પૂજાઓ થઈ તેવી જ રીતે અક્ષરધામમાં દર્શન થયાં; એમ મહા મુક્તની સામર્થી અપાર છે. મહારાજને અને એવા મહા અનાદિને સદાય એકતા છે, તોપણ ક્યારેક મનુષ્યભાવ જણાવે તેણે કરીને મૂંઝાવું નહિ અને એવી સમજણ દૃઢ કરવી જે, એવા મોટા અનાદિ તો કર્તા થકા અકર્તા છે. એમને તો શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ જ છે; બીજું કાંઈ નથી. એવું ન જાણ્યું હોય તો મૂંઝાઈ જવાય. તે ઉપર વાત કરી જે, સુરતમાં જીવરામને મહારાજના અંતર્ધાન થયાની પોતાને ઘેર બેઠાં ખબર પડી. પછી તે જીવરામ ઘણા આકુળ-વ્યાકુળ ને ઉદાસ થઈ ગયા ને ઘણું રુદન કર્યું, તેથી મૂર્છા આવી ગઈ. પછી તો તે ગઢપુર ગયા. ત્યાં ઘણું ગાંડપણ તથા ઉદાસીપણું થઈ ગયેલ જોઈને અનાદિ મુક્તરાજ સદ્‌. શ્રી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું જે, “કેમ ગાંડિયો થઈ ગયો ?” તે શબ્દ તેને શ્રીજીમહારાજના જેવો જ લાગ્યો; તે સાંભળી બહુ જ રાજી થયા ને ચિત્ત ઠેકાણે આવી ગયું ને એમ જાણ્યું જે, શ્રીજીમહારાજ સ્વધામ ગયા નથી. સદાય છે, છે ને છે જ; એ રીતે મહારાજ તથા અનાદિમુક્તને એકતા છે. મોટા અનાદિ શબ્દ બોલે તે ભગવાન જેવો શબ્દ મરજી પ્રમાણે બોલે; જેમ મોટા મંદિરમાં પડછંદા બોલે છે તે બોલનારાના જેવા જ જણાય છે. માટે એવા મોટા જેને મળે તેમનાં દર્શને કરીને, સ્પર્શે કરીને તથા તેમની જ્ઞાનવાર્તા સાંભળવે કરીને મનમાં રાજી રહેવું, પણ એમ ન ધારવું જે કેમ ચમત્કાર જણાવતા નથી. મોટા મુક્ત જે કરે છે તે સમજીને કરતા હશે. જીવ જેમ જેમ પાત્ર થતા જાય તેમ તેમ ચમત્કારની વાતો કરતા જાય. પાત્ર વિના જીરવી શકાય નહિ ને મૂળગું પોતાની ગાંઠનું ખોઈને ચાલ્યા જાય. માટે ધીરે ધીરે જોગ કરતાં ઘણા દિવસે મોટાની દયાએ કચાશ ટળે. આપણે તો એક પ્રસન્નતાનાં સાધન કરવાં, કાંઈ જોવા ઇચ્છવું નહિ કે કાંઈ માગવું નહીં. મૂર્તિનું સુખ માગવું એ પણ સકામ. ભગવાન પાસે સુખના ઢગલે ઢગલા છે, તેથી માગીએ તો મૂર્ખ કહેવાઈએ. મૂર્તિના અપાર સુખનો પાર કોણ લહે ! હાથ જોડીને વિનંતી કરીએ એટલે સુખિયા કરી દે, જો માગે તો સભા હસે કે મહારાજ નહિ જાણતા હોય; આ સિદ્ધાંત વાત છે. માટે પ્રસન્નતા માગવી અને પ્રસન્નતા થાય એવી ક્રિયા કરવી. સંતનો મહિમા તો મહારાજ પોતે કહે છે જે, “તેના પગની રજને તો અમે પણ માથે ચડાવીએ છીએ.”

ગઢડામાં મહારાજે સંતોને જમાડીને તેમનાં પત્તર ધોઈને એ જળ પોતે પીધું, એમ મહિમા દેખાડ્યો. “કીડી કુંજરનો મેળાપ જીવન જાણું છું, ક્યાં અમે અને ક્યાં આપ જીવન જાણું છું.” એવી વાત છે. મહારાજનો ખરેખરો મહિમા તો અનાદિમુક્ત જ જાણે. એવા મોટા મુક્તને જે ઓળખે અને વળગે તેને તો અમે માયામાંથી બચાવી લઈએ અને મૂર્તિના સુખમાં મૂકી દઈએ. અમારી નજર સદાય એવી જ છે. એમ કહીને લાલુભાઈ, હીરાભાઈ, મહાદેવભાઈ, હરિભાઈ, મોહનભાઈ, અમીચંદભાઈ, સોમચંદભાઈ, ગોરધનભાઈ, ગોવિંદભાઈ આદિક હરિભક્તોને કહ્યું જે, આજે તમે અમારા ધનજીભાઈને બહુ રાજી કર્યા. તમારાં હેત જોઈને મહારાજ પણ ઘણા રાજી થયા. ત્યારે લાલુભાઈ કહે કે, બાપા ! આપ કૃપા કરીને સુખ આપવા પધાર્યા છો તે સુખિયા કરો છો. મહારાજની મૂર્તિનાં નવાં નવાં સુખ ભોગવાવો છો, આપની દયાનો પાર નથી; આપને જોઈને હજારો મનુષ્યનાં મન ખેંચાય છે એ બધો પ્રતાપ શ્રીજીમહારાજનો છે. ત્યારે બાપાશ્રી કહે કે લાલુભાઈ ! મહારાજ આજ અનંત જીવને મૂર્તિમાં રાખે છે, શરણાગતને ન્યાલ કરે છે, પણ દેહાભિમાનીને આ વાત હાથ ન આવે. આવી દિવ્ય સભાનો જોગ કરે તો તુરત કામ થઈ જાય. ।। ૫૦ ।।