વાર્તા ૨૪
આસો સુદ ૭ને રોજ શ્રી વૃષપુર મધ્યે સંતો બાપાશ્રી પાસે મૂર્તિઓ લાવ્યા; તેને જોઈને પોતાની પ્રસન્નતા જણાવી અને તે મૂર્તિઓ સંતને આપી.
પછી પુરાણી કેશવપ્રિયદાસજીએ પૂછ્યું જે, પુસ્તકમાં વાત મૂર્તિમાં જવાની આવે છે અને આપના મુખ થકી મૂર્તિમાં આવવાની વાત થાય છે, તેનું કેમ સમજવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આમાંથી અને એમાંથી બધેય મૂર્તિમાં આવવાની વાત આવે છે. જેમ નદીઓ બધી સમુદ્રમાં આવે છે તેમ. એમ કહીને પછી બોલ્યા જે, દાંત પડી ગયા છે પણ અમારે કોઈ જીવને પડવા દેવા નથી. જીવના સ્વભાવ ચટણા છે, તેથી ભમી જાય છે. પણ અમારે તો કોઈને ભમવાય દેવા નથી. સર્વેને મહારાજની મૂર્તિમાં રાખવા છે. પછી સંતોએ બાપાશ્રીને ચંદન ચર્ચ્યું, તે વખતે એમ બોલ્યા જે, આ ચાંદલો છે તે કારણ છે, તે બગાડવાનો નહીં. “સૌને વશ કરું રે, સૌનો કારણ હું ભગવાન” એ કારણ મૂર્તિનો ચાંદલો છે, માટે આપણે કારણ મૂર્તિ રાખવી. પછી હરિભક્તો સામું જોઈને બોલ્યા જે, આવો ! સંતોની પૂજા કરો. કોઈ પૂજા કર્યા વિના રહી જશો નહિ, એમ કહીને બાપાશ્રીએ પોતે સૌ સંતોની તેમજ હરિભક્તોની ચંદનથી પૂજા કરી. તે વખતે કૃપા કરીને બોલ્યા જે, આ અક્ષરધામમાં દિવ્ય ચંદન ચર્ચાય છે, આ ચર્ચનાર અક્ષરધામના ધામી શ્રીજીમહારાજની મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત છે. આ ટાણું ને આ જોગ બહુ ભારે આવી ગયો. ત્યારપછી પોતાનું આસન લાંબું હતું તે ટૂંકું કરાવીને બોલ્યા જે, ટૂંકા થાવું. જીવ કાળો, ગોરો, લાંબો અને છેવટે મૂર્તિમાં રહ્યો ત્યારે ટૂંકો. માટે ટૂંકા થાવું તે શ્રેષ્ઠ છે. પછી કેરાવાળા જાદવજીભાઈ ચંદન ઉતારીને લાવ્યા હતા, તે સંતોએ બાપાશ્રીને ચર્ચ્યું. પછી બાપાશ્રીએ પણ સંતોની તથા હરિભક્તોની પૂજા કરી. તે વખતે બોલ્યા જે, નારાયણપુરથી અને કેરાથી હરિજનો ચંદન ઉતારીને લાવે છે પણ આંહીંના કોઈને એ કરવાનું સૂઝતું નથી તે કોણ જાણે શું સમજતા હશે ? પછી કથા ચાલુ થઈ તેમાં સમાધિમાં આકાશ લીન થઈ જાય છે, એ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આકાશ તમોગુણમાંથી થયો તે લીન થઈ જાય, પણ જેને શ્રીજીમહારાજ કૃપા કરીને સમાધિ કરાવે તેને તો આ લૌકિક આકાશ ન દેખાય તે લીન સમજવો. ચિદાકાશ દેખાય તે ચિદાકાશની ઉત્પત્તિ જાણવી. પાછો દેહમાં શ્રીજીમહારાજ લાવે ત્યારે ભૌતિક આકાશ ઉત્પન્ન થયો કહેવાય અને ચિદાકાશ ન દેખાય તે ચિદાકાશ લીન થયો કહેવાય; પણ છે તો જેમ છે તેમ જ. આ વાત કરી તે વખતે સ્વામી વૃંદાવનદાસજીને એવી રીતે અંતર્વૃત્તિએ દેખાડ્યું. પછી ગામ સુખપરના કરસન ભક્ત જે ધમડકે રહેવા ગયેલા તે ધમડકેથી દર્શને આવ્યા. તેમણે બાપાશ્રીને એક પાંચિયો ભેટ મૂકીને વાત કરી કે, આ પાંચિયો બે મહિના ઉપર આપ શ્રીજીમહારાજે સહિત ધમડકે ખીમા કુંભારના છોકરા વીરજીને સોનાનો રથ અને સુવર્ણમય ઘોડા જોડીને તેડવા આવ્યા હતા. તે વખતે એ છોકરો બોલ્યો જે, મહારાજ અને બાપા આ રથમાં બેઠા છે અને મને કહે છે કે ચાલ, અમે તને અમારા ધામમાં લઈ જઈએ. અહીં તો ગધેડાં ચારવાં પડશે, માટે ચાલ અક્ષરધામમાં, ત્યાં બહુ સુખ છે, એમ કહે છે માટે હું જઈશ. પછી એના બાપે કહ્યું જે, મહારાજ ને બાપા ક્યાં છે ? ત્યારે છોકરે કહ્યું જે, આ ઊભા, દેખોને ! પછી તેને પણ એ છોકરે જેવા કહ્યા એવાં જ દર્શન થયાં. ત્યારે તેણે રથમાં એક પાંચિયો નાખ્યો તે રથમાં ન પડતાં પૃથ્વી ઉપર પડી ગયો. પછી તો મહારાજ ને આપ એ છોકરાને તેડી ગયા. પછી તેના બાપે કહ્યું જે, આ પાંચિયો બાપાશ્રીને પહોંચાડવાનો છે. તેણે એ પાંચિયો રાખી મૂકેલો, તે હું આપને દર્શને આવતો હતો એવી ખબર પડવાથી મને એ કુંભારે આપ્યો, તે હું આપની પાસે લાવ્યો છું એમ વાત કરી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ ખીમા કુંભારને કહેજે કે, તારા છોકરા વીરાને અમે મહારાજની મૂર્તિને સુખે સુખિયો કર્યો છે અને અનાદિમુક્તની પંક્તિમાં રાખ્યો છે. ।। ૨૪ ।।