વાર્તા ૧૫૪

અષાડ સુદ ૪ને રોજ સવારે બાપાશ્રીએ નાહવાની ઇચ્છા જણાવી પણ શરીરમાં  અશક્તિ જણાતાં ઊઠી શકાયું નહીં. તે વખતે બાપાશ્રીના પુત્રો કાનજીભાઈ તથા મનજીભાઈ આવ્યા ને પૂછ્યું જે, બાપા ! આ ટાણે કેમ છે ? નાહવા ઊઠશો ? પણ બાપાશ્રીએ તો કાંઈ વાત જ કરી નહિ; ને સેવક પ્રેમજીના મુખ ઉપર અતિ ઉદાસીપણું જોઈ તે બંનેએ પૂછ્યું જે, પ્રેમજી ! તું આમ કેમ થઈ ગયો છું ? તને કાંઈ કસર છે કે શું ? ત્યારે પ્રેમજી કહે, મને કસર ઘણી છે પણ કાંઈ કહેવાતું નથી. પછી કહ્યું જે, હમણાં બાપાશ્રીએ નાહવાનું કહ્યું હતું, પણ અશક્તિ વધારે જણાવે છે તેથી ઊઠ્યા નહીં. ત્યારે કાનજીભાઈએ કહ્યું જે, બાપા ! માંચી લાવીએ ? ત્યારે હા કહી. પછી સેવકો ઓરડા પાસે માંચી લાવ્યા, તેમાં બાપાશ્રીને બેસાડ્યા ને દાતણ આપ્યું. ત્યારે ઊલટી થઈ તેથી સેવકે કોગળા કરાવ્યા. તે વખતે કેટલાક હરિભક્તો પાસે ઊભા હતા. ત્યારે પોતે એમ બોલ્યા જે, પ્રેમજી ! જાદવા ! આપણે કયા સ્થાનમાં છીએ ? ત્યારે કાનજીભાઈ કહે, આપણે આ મંદિરના ચોકમાં છીએ. ત્યારે બાપાશ્રી એમ બોલ્યા જે, આપણે તો બધા અક્ષરધામમાં છીએ. આ મહારાજ ને આ અનંત મુક્તો રહ્યા. એમ કહી હાથ જોડ્યા ને કહ્યું જે, દંડવત કરો. તેથી સૌ દંડવત કરવા લાગ્યા. તે વખતે સૌને એમ થયું જે બાપાશ્રી આ બધું દિવ્યભાવમાં બોલે છે. સેવકોએ નવરાવ્યા, પણ કાંઈ બોલ્યા નહીં. તેથી સૌને ઉદાસી થઈ. પછી વસ્ત્ર બદલાવી પૂજાનાં દર્શન કરાવ્યાં ને એમ ને એમ માંચીમાં બેસાડી હરિભક્તો મંદિરમાં લઈ ગયા. ત્યારે પોતે મૂર્તિ ઉપર હાથ ફેરવી પગે લાગ્યા ને ઝાઝી વાર મૂર્તિ સામું જોઈ રહ્યા. પછી ઓરડામાં લાવી સુવાર્યા, તે વખતે મનજીભાઈએ કહ્યું જે, બાપા ! કાંઈ જમશો ? જે જમવાની રુચિ થાય તે ઘેરથી કરાવી લાવું. ત્યારે તેમના માથા ઉપર હાથ મૂકીને બોલ્યા જે, મનજી ! હું તો સદાય મૂર્તિના સુખરૂપ દિવ્ય ભોજન જમું છું, એમ કહી કાંઈ પણ બોલ્યા નહીં. થોડી વારે બાપાશ્રીના પૌત્ર માવજી ઘેરથી સાકર નાખીને કઢેલું દૂધ મહારાજને ધરાવીને લાવ્યા ને બહુ પ્રાર્થના કરી તેથી થોડુંક પીધું ને બોલ્યા જે, હવે મને કોઈ જમવાનું પૂછશો નહીં. તે સમયે જાદવજીભાઈ તથા હીરજીભાઈ આવ્યા ને દંડવત કરીને પૂછ્યું જે, બાપા ! આપને શું જણાય છે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મને સાંજે ટાઢ બહુ હતી ને આ ટાણે ગરમી બહુ થાય છે. તેથી તમે મને વાડીએ લઈ ચાલો તો ઠંડક થાય. આવી બાપાશ્રીની રુચિ જાણી જાદવજી ગાડી લેવા ગયા. ત્યારે વળી બીજી વાર ઊલટી થઈ એટલે સેવકે કોગળા કરાવી પાણી પાયું. તે વખતે કાનજીભાઈએ કહ્યું જે, બાપા ! તમારે શરીરે અશક્તિ છે ને ઊલટી થાય છે તેથી વાડીએ ન જાઓ તો ? ત્યારે બાપાશ્રી કહે, મને ગરમી બહુ થાય છે માટે વાડીએ જવું છે. પછી ગાડી આવી એટલે હરિભક્તોએ ગાડીમાં બેસાર્યા. તે વખતે પોતાના પુત્ર કાનજીભાઈ તથા મનજીભાઈ એ બંનેને પોતાની પાસે બોલાવીને કહ્યું જે, હવે મારા દેહનો નિરધાર નથી. તેથી તમે સૌ ખબડદાર રહેજો. તમે મારો ચીલો રાખજો. મૂર્તિથી ક્યારેય જુદા રહેશો નહિ; ધ્યાન, ભજન, કથા, વાર્તા નિરંતર કર્યા કરજો; હવે તમને હું વધુ કહીશ નહિ, તમે મૂંઝાશો મા, હું જાઉં તેવો નથી, સત્સંગમાં અખંડ રહ્યો છું, મૂર્તિથી ક્યારેય જુદો રહેતો નથી, પણ તમે હવે આમ નહિ દેખો. આવાં વચન સાંભળી કાનજીભાઈ, મનજીભાઈ, માવજી, જાદવજી, સેવક પ્રેમજી, હીરજીભાઈ, જાદવજીભાઈ, નારાયણપુરવાળા ખીમજીભાઈ આદિક પાસે ઊભેલા સૌ અતિ ઉદાસ થઈ ગયા અને સૌનાં નેત્રમાંથી જળ પડવા લાગ્યાં. તે સર્વેને બાપાશ્રીએ કહ્યું જે, તમે કોઈ દિલગીર મ થાઓ. તમને સૌને મૂર્તિમાં રાખ્યા છે, તેથી આપણે સદાય ભેળા જ છીએ. એમ કહીને કાનજીભાઈ તથા મનજીભાઈને બહુ ઉદાસી જોઈ બોલ્યા જે, સ્વામી ઈશ્વરચરણદાસજી આવશે ત્યારે તમને બધુંય ઠીક કરી દેશે. એમ ધીરજ આપી વાડીએ પધાર્યા. ત્યાં પાસે રહેનારા સેવકોને કહ્યું જે, મને કૂવાના થાળામાં બેસારી મારા ઉપર ખૂબ પાણી રેડો તો મને ગરમી મટે. તે વખતે સૌએ પ્રાર્થના કરી જે, બાપા ! આપને ઠીક નથી ને શરીર ઉપર પાણી નાખીએ તે કરતાં વાયરો નાખીએ તો ? ત્યારે બાપાશ્રી કહે, હું કહું તેમ કરો. એમ કહી ઘણી વાર શરીર પર પાણી રેડાવ્યું. પછી ખીમજીભાઈએ પ્રાર્થના કરી જે, બાપા ! હવે રાખો તો ઠીક. ત્યારે કહે ભલે. એમ કહી ધોતિયું  બદલાવી ખાટલા પર આવીને સૂતા. તે વખતે નારાયણપુરથી હરિભક્તો દર્શને આવેલ તેમણે ઘેરથી લાવેલ થાળમાંથી જમવા પ્રાર્થના કરી, પણ પોતે રુચિ જણાવી નહીં. તોપણ બહુ તાણ કરી તેથી એક ગ્રાસ જમ્યા ને બોલ્યા જે, હવે મને કાંઈ જમવાની રુચિ જ થતી નથી. તે વખતે હરિભક્તો હાર લાવેલા તે પહેરાવ્યા, તેમના માથે હાથ મૂકીને બોલ્યા જે, આમ ને આમ મૂર્તિમાં રહી સુખ ભોગવજો. એમ કહી પોતે ઊઠવા લાગ્યા. ત્યારે સેવકે કહ્યું જે, બાપા ! કેમ ઊઠો છો ? તો કહે, મારે લઘુ કરવા જવું છે તે મારો હાથ ઝાલો. પછી થોડેક છેટે લઘુ કરી આગળ ચાલવા મંડ્યા. ત્યારે મનજીભાઈ કહે, બાપા ! આમ ક્યાં જશો ? ત્યારે બાપાશ્રી કહે કે, હજી મારે નહાવું છે. તે વખતે ઘણી પ્રાર્થના કરી તોપણ નાહવાની રુચિ જણાવી. એ રીતે થોડી વાર નવરાવી પાછા ખાટલા ઉપર સુવાર્યા. તે સમયે બાપાશ્રીનું શરીર ટાઢું બહુ જણાયાથી સૌ મૂંઝાયા. મનજીભાઈ ઘેર ગયા. ત્યાં રામપુરથી હરિભક્ત દર્શને આવેલ તેમણે તથા ઘરના સૌએ સમાચાર પૂછતાં બધી હકીકત કહી, તેથી સૌ ઉદાસ થઈ ગયા ને હરિભક્તોને માંચી લઈને મોકલ્યા, તેમાં બેસારી બાપાશ્રીને ઘેર તેડી લાવ્યા. પછી બહુ નાહ્યાથી ઠંડક થઈ ગઈ છે એમ જાણી પાતળી રાબ કરી બાપાશ્રીને પાવા સારુ લાવ્યા ને કહ્યું જે, બાપા ! થોડી રાબ પીઓ ! ત્યારે બાપાશ્રી કહે, હવે મને એક મૂર્તિના સુખ વિના બીજું કાંઈ રુચતું નથી, માટે કોઈ જમવાનું પૂછશો નહીં. એમ કહી પોઢી ગયા. બાપાશ્રીના પુત્ર-પૌત્રાદિક કોઈને કાંઈ સૂઝે નહિ; તેથી ભૂજ, રામપુર આદિ ગામોમાં ખબર મોકલાવ્યા. લાલશંકરભાઈ, મોતીભાઈ, મગનભાઈ વગેરે ભૂજથી આવ્યા, તે સૌએ દંડવત કરી જય સ્વામિનારાયણ કર્યા, પણ બાપાશ્રી બોલ્યા નહીં. તેથી પ્રાર્થના કરી. ત્યારે નેત્ર ઉઘાડી સૌની સામું જોઈ તરત જ નેત્ર મીંચી ગયા. ઘરમાં સમાચાર પૂછતાં બાપાશ્રીએ સવારથી આ મંદવાડ વધુ જણાવ્યો છે તે વાત કરી. થોડી વારે રામપુરથી દેવરાજભાઈ પણ આવ્યા. તેમણે દંડવત કરી પ્રાર્થના બહુ કરી પણ બોલ્યા નહિ, તેથી જાણ્યું જે બાપાશ્રી ઊંડા ઊતરી ગયા છે તે બોલશે નહીં. એમ જાણી અંતર્વૃત્તિએ પ્રાર્થના કરતા હતા, બીજું શું કરે ! બાપાશ્રી લઘુ કરવા ઊઠતા ત્યારે સેવક લઘુ કરાવતા ને પાણી પીવું હોય ત્યારે સાન કરે એટલે સેવક પાણી પાતા, પણ કોઈ સાથે વાત ન કરે. તેમ બહુ નેત્ર પણ ઉઘાડે નહીં. કોઈ પ્રાર્થના કરે ત્યારે સામું જોઈ નેત્ર મીંચી લે. આ રીતે બાપાશ્રીના મંદવાડની જેને જેને ખબર પડતી ગઈ તેમ તેમ હરિભક્તો દર્શને આવવા લાગ્યા. સૌ હાથ જોડે, પ્રાર્થના કરે, ત્યારે સહેજે નેત્ર ઉઘાડી સામું જુએ, પણ બોલે નહિ તેથી ઘરમાં સૌ મૂંઝાયા. આવા સમાચાર સાંભળી ભૂજના સંતો તથા ભોગીલાલભાઈ, ધનજીભાઈ, ઘેલાભાઈ વગેરે હેતવાળા હરિભક્તો પણ આવ્યા. સૌએ મંદિરમાં દર્શન કરી ઘેર આવી બાપાશ્રીને દંડવત કરી જય સ્વામિનારાયણ કર્યા, પણ બાપાશ્રી કાંઈ બોલે નહીં. પછી સંતો, હરિભક્તો કીર્તન બોલ્યા અને વચનામૃત વાંચી ઘણી વાર ધૂન કરી, તોપણ બાપાશ્રી કાંઈ બોલ્યા નહીં. એમ ભૂજથી તથા ગામડાંમાંથી હરિભક્તો આવી દર્શન કરવા લાગ્યા. સાંજના સંતો તથા ભોગીલાલ આદિક કેટલાક હરિભક્તો પાછા ગયા. પણ કોઈને કાંઈ ચેન પડે નહીં. પછી રાત્રિએ ઘણી પ્રાર્થના કરી બાપાશ્રીને દૂધ પાયું, તે થોડું પીધું ને જાગ્રત થઈ અમૃત નજરે કૃપા કરી સૌના સામું જોયું. તે સમયે જે સંત, હરિભક્તો પાસે હતા, તેમણે બાપાશ્રીની અતિ પ્રસન્નતા જોઈ ચંદન, કુંકુમ તથા પુષ્પથી પૂજા કરવા ઇચ્છા કરી. શ્રીજીમહારાજની મૂર્તિ આગળ ઘીનો દીવો તથા અગરબત્તીનો ધૂપ કરી મૂર્તિને હાર પહેરાવ્યા. પછી બાપાશ્રીને પણ ચંદન ચર્ચી, કુંકુમના ચાંદલા કરી, પુષ્પના હાર પહેરાવ્યા. પછી આરતી ઉતારી સૌએ દંડવત કર્યા. તે સમયે બાપાશ્રીએ સૌના ઉપર પ્રસન્નતા જણાવી હોય તેમ સામું જોઈ રહ્યા. સૌએ પ્રાર્થના કરી તોપણ કાંઈ બોલ્યા નહિ, નેત્ર મીંચી દીધાં તે જાણે સમાધિ થઈ હોય ને શું ! તેમ ઘણી વાર દર્શન આપ્યાં, જેથી કોઈ સમજી શક્યા નહિ કે બાપાશ્રીએ શું કરવા ધાર્યું છે ? બાપાશ્રી તો સ્વતંત્ર છે, એમની મરજી આપણે જાણી શકીએ નહીં. એમણે તો અનેકને મૂર્તિના સુખમાં મૂકી દીધા છે, ઘણી વાર આશીર્વાદ આપ્યા છે; કોઈને સુખ આપવામાં મણા રાખી નથી, હવે એ જેમ રાજી રહે તેમ આપણે રાજી રહેવું. એમ પરસ્પર વિચાર કરતાં સૌ એક નજરે બાપાશ્રી સામું જોઈ ઊંચે સ્વરે ધૂન કરવા લાગ્યા. તે વખતે બાપાશ્રીએ પણ લીલા-વિગ્રહ બંધ કર્યો. એમ બાપાશ્રી આ લોકમાંથી અષાડ સુદ ૪ની રાત્રિએ એક વાગ્યે અંતર્ધાન થયા. તે વખતે બાપાશ્રીએ બધાયનાં નાડી-પ્રાણ આકર્ષણ કરી એવી તો ધીરજ પ્રેરી કે કોઈ વિલાપ કરી શક્યા નહીં. ।। ૧૫૪ ।।