પરચા - ૬૫

સંવત ૧૯૭૦ની સાલમાં કરાંચીના લાલુભાઈના ઘરનાં ગંગાબાઈ માંદાં થઈ જવાથી બે દિવસ અવાચક રહ્યાં. પછી ઓચિંતાં ઊઠીને સિંધી ભાષામાં બોલવા લાગ્યાં જે, મહારાજ મુખે સદ કરીંતા ચવિંતા જે હલો. (મહારાજ મને કહે છે  જે ચાલો.) ત્યારે લાલુભાઈ પૂછવા લાગ્યા જે, મહારાજ કીઘે આંઈન આઉં તો નથો ડીસાં. (મહારાજ ક્યાં છે, હું તો નથી દેખતો.) ત્યારે એ બાઈએ કહ્યું જે, મથે વિમાન મેં બીઠા આંઈન મંજ બાપા આહે. (માથે વિમાનમાં બેઠા છે, માંહી બાપા છે.) મુખે ચવંતા જલ્દ સ્નાન કર તૈયાર થી. (કહે છે કે જલ્દી નાહીને તૈયાર થાઓ.) ત્યારે લાલુભાઈએ પોતાની સાસુ અને વૈદને કહ્યું જે, મહારાજ ને બાપા આને તેડવા આવ્યા છે, તે ભલે તેડી જાય, હવે એને નવરાવીએ. ત્યારે વૈદે તથા તેમની સાસુએ કહ્યું જે, હાણે હીતો ગાલાઈંતા હાણે હીતો ચંગા ભલા થયા ઈન જો સ્નાન કરાંઇંધા તો બીમારી બધી વેંધી સ્નાન ન કરાયો. (હવે તો વાતો કરે છે, તે સાજાં થઈ ગયાં છે અને જો નવરાવશો તો બીમારી વધી જશે માટે નવરાવશો નહીં.) પછી લાલુભાઈએ કહ્યું જે, મહારાજ તથા બાપાશ્રી તેડવા આવ્યા છે તો નવરાવો, ભલે તેડી જાય પણ બંનેએ માન્યું નહીં. ત્યારે વળી તે બોલ્યા જે, બાપા ચવીંતા જે, જલદી તૈયાર થીયો; હાણે અધ કલાકજી દેર આહે મુખે સ્નાન કરાયો. (બાપા કહે છે જે, જલ્દી તૈયાર થાઓ, અડધી કલાકની વાર છે માટે મને નવરાવો.) પછી લાલુભાઈએ એ બાઈને કહ્યું જે, મહારાજ કે વંજી પ્રાર્થના કરીઓ જે મુંજા શરીર તે કપડાં અંઈન સે મીડે પવીતર આંઈન હાણે મુખે હેતાં જ વઠી હલો. (મહારાજને પ્રાર્થના કરો જે, લૂગડાં છે તે પવિત્ર છે માટે અહીંથી જ તેડી ચાલો.) ત્યારે તેમણે મહારાજની એવી રીતે પ્રાર્થના કરી. ત્યારે મહારાજે કહ્યું જે, તું સબનીખાં મોકલ વઠ તો આઉં તોખે કોઠી હલાં (તમે બધાયની રજા લો તો તેડી જાઉં). પછી એ બાઈએ સર્વેને હાથ જોડ્યા જે, મુખે ચયો-ચવાયો તેંજી માફ કીજા મુખે મોકલ દયો આઉં હાણે વંજાતી. (બોલ્યુંચાલ્યું માફ કરજો; હવે હું જાઉં છું.) એમ કહીને સર્વની પાસે માફી માગી રજા લીધી એટલે બાપાશ્રી કહે, હવે મહારાજની મૂર્તિ સામું જોઈ રહો. ત્યારે તેમણે એકતાર વૃત્તિ મૂર્તિમાં જોડી દીધી ને મૂર્તિના સુખમાં ઊતરી ગયાં. આવાં દર્શનથી તેમનાં સગાંવહાલાંએ મહારાજ તથા બાપાશ્રીનો બહુ પ્રતાપ જાણ્યો. ।। ૬૫ ।।