વાર્તા ૧૫૬

અષાડ સુદ ૮ને રોજ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતમંડળ બાપાશ્રીના અંતર્ધાન થયાના ખબર મળવાથી કચ્છમાં ગયા. ત્યારે બાપાશ્રીના પુત્ર કાનજીભાઈ, મનજીભાઈ તથા રામપુરવાળા દેવરાજભાઈ આદિ બાપાશ્રીનાં કાર્ય નિમિત્તે ત્યાંના સંતો તથા હરિભક્તો સાથે મળી નિર્ણય કરવા ભૂજમાં આવેલા, ત્યાં સ્વામીશ્રી આદિ મળ્યા. ઠાકોરજીનાં દર્શન કરી બાપાશ્રીના અંતર્ધાન સંબંધી હકીકત પૂછી, એટલે હરિભક્તોએ સર્વે સમાચાર કહ્યા. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પોતાને મર્મ વચનો કહી બે મહિના રાખવાની તાણ બતાવી હતી વગેરે વાત કરી તથા મહારાજની મરજી હોય તેમ આપણે રાજી રહેવું; એમ કહી સૌને ધીરજ આપી. પછી કાર્ય કેમ કરવું તે વાત થતાં સદ્‌ગુરુઓ કહે, બાપાશ્રીનાં કાર્ય નિમિત્તે પારાયણ બેસારવી. તેમાં કચ્છ દેશ તથા દેશોદેશથી સર્વે સત્સંગ તેડાવવો ને મોટો યજ્ઞ કરવો. ત્યારે સંત-હરિભક્તોએ કહ્યું કે, બહુ સારું. એવી રીતે નિર્ણય કરી સર્વે ઠેકાણે કાગળો લખ્યા. પછી ભૂજના હરિભક્તો સાથે સ્વામીશ્રી આદિ સંતો વૃષપુર આવ્યા, ત્યાં બાપાશ્રીનાં પ્રત્યક્ષપણે દર્શન ન થતાં જોઈ સૌને દિલગીરી થઈ, પણ બાપાશ્રીએ અનાદિમુક્તની સ્થિતિ કરાવવા પોતાનું પ્રગટપણું જણાવેલું હોવાથી એ સ્થિતિમાં મહારાજ તથા અનાદિમુક્તનું સદાય પ્રગટપણું રહે છે એવા વિચારે શોક સમાવી દીધો. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ ત્યાંના અરજણ ગોવિંદ તથા બીજા સેવા કરવામાં તત્પર રહેલા હરિભક્તો પાસે યજ્ઞનો સામાન મંગાવ્યો ને બીજી જોઈતી સામગ્રી તૈયારી કરાવી. મંદિરમાં ઠાકોરજીની સમીપે ‘સત્સંગિજીવન’ની પારાયણ બેસારી. તે પારાયણ પ્રસંગે ગામોગામના હરિભક્તો આવેલા હોવાથી મંદિરમાં સભા ઠસોઠસ ભરાઈ જતી. શ્રીજીમહારાજની મૂર્તિ પાસે બાપાશ્રીનાં દર્શન થતાં હતાં, તેથી એમની કૃપામય દૃષ્ટિ સર્વે સભા ઉપર પડતી હતી. સંત-હરિભક્તો બાપાશ્રીના બોલાવવા તથા મળવાની અને જમવા-જમાડવાની સર્વે ચેષ્ટા આગળની રીતે બાપાશ્રીએ બંધ કરી, ને આમ મૂર્તિ રૂપે દર્શન દે છે એ વિચારે મનમાં ને મનમાં એ સુખને સંભારતા, કથાનું શ્રવણ કરતા હતા. સૌનાં મુખ ઉપર બાપાશ્રીના અંતર્ધાન થયાનો ભાવ સહેજે જણાઈ આવતો. વૃષપુરમાં બાપાશ્રીએ ઘણા યજ્ઞ કર્યા અને તે પ્રસંગે લાખો સંત-હરિભક્તો આવી ગયા, પણ દરેક યજ્ઞમાં સૌ આનંદમાં ને આનંદમાં કિલ્લોલ કરતા. ત્યારે આ પારાયણમાં કથા-વાર્તા સમયે તથા જમવા જતાં પંક્તિ વખતે સૌ શાંત દેખાતા હતા. બાપાશ્રીના પુત્ર-પૌત્રાદિક કુટુંબીજનો તો જેમ સત્ત્વ વિનાના પદાર્થ હોય તેવા એ વખતે બની રહ્યા હતા. બંને સદ્‌ગુરુઓ સવાર-સાંજ સૌને ધીરજ આપવા સભામાં વાતો કરતા જે, “જેમ શ્રીજીમહારાજ અખંડ છે તેમ બાપાશ્રી પણ મૂર્તિમાં રસબસ રહ્યા થકા અખંડ છે. તથા અનંત મહામુક્તોની સભા જ્યાં મહારાજ બિરાજે છે ત્યાં છે, છે ને છે જ. આપણા ઉપર તો બાપાશ્રીએ અપાર દયા કરી છે. શ્રીજીમહારાજની મૂર્તિમાં રસબસ રાખવા એ જ એમનું કામ હતું. બાપાશ્રી તો અનાદિમુક્તની સ્થિતિ કરાવવાને અર્થે જ દૃષ્ટિગોચર વર્તતા હતા. તેમની વાતોમાં એ જ સાર હતો કે મહારાજની મૂર્તિમાં રહેવું, બીજે રોગી વાની ઊડે છે. બ્રહ્મકોટિ, અક્ષરકોટિ આદિકમાં ક્યાંય અટકવું નહીં. શ્રીજીમહારાજ, અક્ષરધામ તથા અનાદિમુક્ત, પરમએકાંતિક, એકાંતિક આદિનાં સ્વરૂપ તથા સામર્થ્યનું વર્ણન સત્સંગમાં લક્ષાવધિ મનુષ્યના સમાસને અર્થે કરતા, પણ મુખ્ય તો એટલું જ રાખતા જે ‘રસબસ હોઈ રહી રસિયા સંગ, જ્યું મિસરી પયમાંહી ભળી.’ એ રીતે એક મૂર્તિ, મૂર્તિ ને મૂર્તિ જ આપવાનો તેમનો ઠરાવ હતો. અમને પણ અંતર્ધાન વખતે પ્રત્યક્ષ મેળાપ ન થયો તોપણ અમે એમ જાણીએ છીએ કે, જેવી શ્રીજીમહારાજ તથા બાપાશ્રીની મરજી. તેમની મરજીમાં આપણને સુખ છે. તમારે પણ એ જ  રીતે હિંમત રાખવી. જ્યાં શ્રીજીમહારાજ છે ત્યાં જ અનંત અનાદિમુક્ત છે; પરમએકાંતિકની ફરતી સભા છે. આપણે દિવ્યભાવે એવાં દર્શન કરીએ તો બાપાશ્રી જરાય છેટા નથી, તેમ ક્યાંય ન હોય તેમ પણ નથી.” આવી રીતે સદ્‌ગુરુઓ નવીન નવીન વાતો કરતાં તેથી હરિભક્તોને બાહ્યદૃષ્ટિએ થયેલ શોક અને વિરહનું દુઃખ નિવૃત્ત થયું. એ રીતે ‘સત્સંગિજીવન’ની કથા પ્રસંગે દિવ્યભાવની વાતો થતાં સૌ હરિભક્તો શાંતિ પામ્યા હતા. જ્યારે પારાયણની સમાપ્તિનો દિવસ આવ્યો ત્યારે બાપાશ્રીના દીકરા કાનજીભાઈ તથા મનજીભાઈએ પુસ્તકની તથા પુરાણીની પૂજા કરી શ્રીજીમહારાજની આરતી ઉતારી; ઠાકોરજીને વસ્ત્રાદિક ભેટ કરી સંતોને વસ્ત્ર ઓઢાડ્યાં. તે વખતે પણ એક કલાક બંને સદ્‌ગુરુઓએ વાતો કરી. બાપાશ્રીના પ્રતાપ અને અતિ અપાર કરેલા ઉપકારો વર્ણવ્યા. પછી સૌને એમ કહ્યું જે, હવે આપણે બાપાશ્રીને દિવ્યભાવે જોવાના રહ્યા. હેત કરી બોલાવવું, મળવું, માથે હાથ મૂકવા, કંઠથી ઉતારી હાર આપવા; એ સર્વે દુર્લભ થયું. અતિ હેતવાળાને તો એ એમ ને એમ સુખ આપવાનાં. આ તો આ રીતે દેખાવાનો સંકલ્પ બંધ કર્યો એટલું જ. શ્રીજીમહારાજ અંતર્ધાન થયા પછી દાદાખાચરે અતિ હેતે સંભાર્યા ત્યારે સભાએ સહિત મહારાજે તરત જ દર્શન આપ્યાં તથા અ.મુ. ગોપાળાનંદ સ્વામી જેવા મહામોટા શ્રીજીમહારાજના લાડીલા મુક્ત સંતો તથા પર્વતભાઈ જેવા અનાદિમુક્તને પણ અતિ હેતે સંભારે તેને હજી પણ દર્શન આપે છે તેમ બાપાશ્રી પણ સૌને દર્શન દેશે. વર્તમાનકાળે શ્રીજીમહારાજની સાથે અંત સમયે બાપાશ્રી ઘણાને દર્શન દે છે અને દેશે. એમની દયાનો કાંઈ પાર જ નથી. બાપાશ્રીએ આ લોકમાં ચોરાસી વરસ દર્શન આપ્યાં. તેમાં પ્રગટ થયા ત્યારથી આજ દિવસ સુધી જે જે પ્રકારે પોતે સુખ આપ્યાં તેમાં દિન-પ્રતિદિન નવીન ને નવીન જ હતું. કેટલાક તો એમની આવી દિવ્ય ચેષ્ટા ન જાણી શકતા, તેથી એમ બોલતા જે, જુઓને ! આ ગાંડા થઈને બાપા વાંસે ફરે છે. એમ કહેનાર જો અમારી પાસે આવે તેને અમે એમ કહીએ કે એમનો મહિમા સમજનાર તો ગાંડા મટીને ડાહ્યા થયા છે ત્યારે જ આવા મહાસમર્થ અનાદિમુક્તને ઓળખ્યા. તમે પણ ડાહ્યા થઈ બાપાશ્રીનો મહિમા જાણી મહારાજની પ્રસન્નતાનો લાભ લો. આ દેશમાં પણ કોઈ કોઈ એમ બોલતા જણાય છે. કેટલાક પાસે રહેનારામાં પણ એવો ભાવ રહેતો હોય એમ જ જણાય છે. પણ અમે તો સૌને કહીએ છીએ કે, કોઈ મહિમાએ રહિત જાદવની પેઠે ભાગ્ય વિનાના થશો નહીં. આ દેશમાં બાપાશ્રી પોતાનું ઘર માની રહ્યા તેથી અહીં તો કોઈને સુખ આપવામાં જરાય કસર રાખી નથી. તેમની છાયામાં રહેનારા તમે સૌ તેમના કરેલા ઉપકાર ભૂલશો નહીં. ને કોઈ અવગુણની વાતો કરે તે હૈયે ધરશો નહીં. સૌ બાપાશ્રીને દિવ્યભાવે સંભારજો. અમે તથા કેટલાક દૂર દેશના હરિભક્તો દરિયા ઊતરીને બાપાશ્રીનાં દર્શનની ને સેવાની તાણે આવતા. હવે તો જે આવનારા હશે તે પણ આમ દોડી દોડીને નહિ આવે. સત્સંગમાં અત્યારે કચ્છનો સત્સંગ દિવ્ય ગણાઈ ગયો છે. એમ સદાય દિવ્ય ને દિવ્ય રાખજો. પરસ્પર હેત રાખી સૌ મૂર્તિનાં સુખ ભોગવજો. કથા, વાર્તા ભેળાં મળી કરજો. બાપાશ્રીએ મૂર્તિમાં રાખવાના આશીર્વાદ આપ્યા છે તે વિસારશો નહીં. શ્રીજીમહારાજ તથા બાપાશ્રીની સત્સંગ ઉપર અપાર દયા છે. અનંત મુક્તો મૂર્તિમાં સદાય રસબસ રહ્યા છે પણ જે વખતે જે મુક્ત શ્રીજીમહારાજના સંકલ્પથી દૃષ્ટિગોચર વર્તતા હોય તે થકી આત્યંતિક મોક્ષ સહેજમાં થાય છે. અક્ષરધામમાં અનંતકોટિ મુક્ત છે એમ આપણે સૌએ સાંભળ્યું છે, પણ સત્સંગમાં પાંચસો પરમહંસ ઉપરાંત ઘણા સંતો, હજારો હરિભક્તો એથી વધુ લાખો કહીએ પણ જો એક કરોડ (કોટિ) કહીએ તો ઘણા વર્ણવ્યા ગણાય. એવા અનંતકોટિ મુક્ત મહારાજની મૂર્તિમાં રસબસ રહ્યા છે, તેમના આકાર શ્રીજીમહારાજના જેવા જ દિવ્ય છે. એવા મુક્તોમાંથી જેટલા મુક્ત મહારાજે અહીં દેખાડ્યા, તેટલા આપણે જોયા. તેવા મહામુક્તને દર્શને, સ્પર્શે તથા સેવાએ અનંત જીવોના આત્યંતિક મોક્ષ થયા. કોઈ અન્ય અવતારોમાં મહારાજના અનાદિમુક્તની પેઠે દર્શને, સ્પર્શે આમ સહેજમાં આત્યંતિક મોક્ષ થયા લખાણા નથી. આજ તો મહાપ્રભુએ અગમ તે સુગમ કર્યું છે. આપણાં દરેક શાસ્ત્રમાં એ વાત લખાણી છે. વર્તમાનકાળે બાપાશ્રીએ ચોરાસી વરસમાં અસંખ્ય ઉદ્ધાર્યા ને છેલ્લી પ્રાપ્તિ અનાદિમુક્તની સ્થિતિ કરાવી. જે જે પોતાની દૃષ્ટિમાં આવ્યા, હાથ જોડ્યા, એટલામાં જ તેમને મૂર્તિમાં રાખવાના કોલ આપતા. આવી અપાર દયાને સદાય સંભારજો. બાપાશ્રીનો કોઈને અયોગ્ય ઘાટ-સંકલ્પ કે મન, કર્મ, વચને અપરાધ થઈ ગયો હોય તે પણ આ સભામાં મૂર્તિ પાસે માફી માગી લેજો અને હવેથી સદાય દિવ્યભાવે જોવાનું દૃઢ કરી રાખજો. આવી ઘણીક વાતો કરી. તે વખતે મંદિરમાં સભા ઠસોઠસ ભરાયેલી હતી. મંદિરની ઓસરીમાં પણ હરિભક્તો ઊભા ઊભા સમાતા ન હતા. તે વખતે જામનગરવાળા રતિલાલભાઈએ સભામાં ઊભા થઈ બાપાશ્રીના દિવ્યભાવની, અદ્‌ભુત પ્રતાપની વાતો કરી. સૌને બાપાશ્રીએ કરેલા ઉપકારો ન ભૂલવાની ભલામણ કરી હતી. આ પ્રસંગે ટપ્પરવાળા ફોજદાર રામજીભાઈ આવેલા, તેમણે સભામાં પોતે ઊભા થઈ સદ્‌ગુરુઓને પ્રાર્થના કરી કહ્યું કે, સ્વામી ! આ સભામાં મને બે વચન બોલવાની આજ્ઞા આપો. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, ભલે બોલો. ત્યાર પછી તેમણે સભાને હાથ જોડીને કહ્યું કે, સંતો ! હરિભક્તો ! હું અહીં આ ફેરે દર્શને આવ્યો છું, ને પ્રથમ પણ જ્યારે જ્યારે આવતો ત્યારે શ્રીજીમહારાજની મૂર્તિનાં તથા બાપાશ્રીનાં દર્શન કરતો, તે વખતે શ્રીજીમહારાજની મૂર્તિ તથા બાપાશ્રીના દેખાવમાં, જેમ સગા બે ભાઈ હોય અને એકબીજાનાં મુખ મળતાં આવતાં હોય તેમ એવો ભાવ મને મુખનો જણાતો. પણ મારા મનમાં એમ થતું જે ભગવાનને ભાઈ હોય કે ન હોય ! આવા વિચારોને હું મનમાં ને મનમાં સમાવી રાખતો, પણ બાપાશ્રી જ્યારે મંદિરમાં હોય ત્યારે તો ખાસ કરીને શ્રીજીમહારાજ તથા બાપાશ્રીના મુખ સામું ઘણી ઘણી વાર જોયા કરતો. અમારું કામ એવું છે કે અમે બે વરસનું છોકરું નાનપણમાં જોયું હોય પછી તેને ચાલીસ-પચાસ વરસ થાય તોપણ મોઢા ઉપરથી પારખી શકીએ કે આ નાનપણમાં જે જોયેલ તે જ છે. તેમ બાપાશ્રીના અને મહારાજની મૂર્તિના મુખારવિંદના ભાવમાં મળતાપણું દેખાતાં મને આશ્ચર્ય થતું તે હું આજ કહું છું. હમણાં આ સ્વામીએ વાતોમાં કહ્યું કે, મહારાજની મૂર્તિમાં અનંત મુક્ત રસબસ રહ્યા છે. તેમના આકાર મહારાજના જેવા જ દિવ્ય છે તેથી મને તો એમ જ થયું કે આ બાપાશ્રી પણ મૂર્તિમાં રહેલા સ્વતંત્ર અનાદિમુક્ત જ છે. મારે સત્સંગનો અનુભવ થોડો પણ બાપાશ્રી તથા સંત-હરિભક્તોની કૃપાનો લાભ મળે એમ જાણી આ પ્રસંગે મારા મનના વિચારો સભા સમક્ષ કહ્યા, તેથી સૌ મારા ઉપર રાજી રહેજો ને બાપાશ્રીના કરેલા ઉપકારોને આ સ્વામીશ્રી કહે છે તે પ્રમાણે ભૂલશો નહિ એમ કહ્યું, તે વખતે સૌ સહજાનંદ સ્વામી મહારાજની જય બોલાવી સમાપ્તિ કરી કીર્તન બોલ્યા. પછી સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજીએ રામજીભાઈ ઉપર પ્રસન્ન થઈને પાઘડી બંધાવીને રહસ્યાર્થ પ્રદીપિકા ટીકાવાળું વચનામૃત તથા એક મૂર્તિ ભેટ આપી તેથી તે ઘણા રાજી થયા. સમય થયો એટલે સૌ હરિભક્તો ઠાકોરજી જમાડવા ગયા. બપોરે પણ સદ્‌ગુરુઓએ સભામાં શ્રીજીમહારાજ તથા બાપાશ્રીના મહિમાની ઘણી વાતો કરી સૌને રાજી કર્યા. પછી કાર્યની સમાપ્તિ થયે બંને સદ્‌ગુરુ આદિ સંતોની પ્રસન્નતા માગી સૌ હરિભક્તો પોતપોતાને ગામ ગયા. એવી રીતે બાપાશ્રીના કાર્યમાં આવેલા દેશોદેશના અને કચ્છના ગામોગામના હરિભક્તોને આ બ્રહ્મયજ્ઞનાં દર્શન થયાં. તે પ્રસંગે બાપાશ્રીએ ઘણાક હરિભક્તોને તથા સંતોને દિવ્ય રૂપે દર્શન આપેલાં; એવી બાપાશ્રીની સત્સંગ ઉપર અપાર દયા છે. ।। ૧૫૬ ।।