પરચા - ૧૨
છપૈયામાં એક વખત રાત્રિએ સૂતી વખતે નારાયણપુરના પ્રેમજી ભક્તને સંકલ્પ થયો જે, કચ્છમાંથી બાપાશ્રી અહીં આવવા નીકળ્યા ત્યારે અમદાવાદ જઈને પાછા કચ્છ તરફ વળવાનો વિચાર હતો અને અહીં આવવાનું થયું તેથી દિવસ વધારે લાગશે. વળી છોકરાને ભલામણ કરી નથી તે ખેતીનું કામ શી રીતે ચલાવશે ? તે વખતે બાપાશ્રીએ એમને કહ્યું જે, ઊઠો, નાહવા જવું છે. પછી તે ઊઠ્યા ને બાપાશ્રી દરવાજા તરફ ચાલ્યા. ત્યારે પ્રેમજીભાઈ બોલ્યા જે દરવાજો બંધ છે. માટે માંહીલે કૂવે નાહવા પધારો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તમે આંખો મીંચો. એટલે એમણે આંખો મીંચી. પછી કહ્યું જે, હવે ઉઘાડો; ત્યારે ઉઘાડી તે નારાયણ સરના કાંઠા ઉપર આવ્યા એમ દેખ્યું. પછી બાપાશ્રીને કહ્યું જે, આપ વસ્ત્ર બદલો, હું પાણીનો લોટો ભરી લાવું. ત્યારે બાપાશ્રી કહે જે, હમણાં બેસો, હવા સારી આવે છે. એટલાકમાં તો આકાશમાંથી હમહમાટ કરતું વિમાન આવ્યું ને કાંઠા ઉપર ઊભું રહ્યું. પછી બાપાશ્રી માંહી બેસી ગયા અને પ્રેમજીભાઈને કહ્યું જે, તમે બેસો. પછી તે પણ બેઠા. પછી વિમાન ઊડ્યું, તે બે મિનિટમાં નારાયણપુરમાં પોતાની વાડીએ આવ્યા. ત્યાં તેમના દીકરાઓએ બાપાશ્રીને દંડવત કર્યા અને મળ્યા. તે પ્રેમજીભાઈ ઊભા ઊભા જોતા હતા. તે વખતે બાપાશ્રીએ પ્રેમજીભાઈના દીકરાઓને કહ્યું જે, આ વર્ષમાં કાળ પડવાનો છે. માટે વાડી સિવાય બીજાં ખેતરો વાવશો નહીં. એમ કહીને વિમાનમાં બેસી એક મિનિટમાં પાછા છપૈયાના મંદિરમાં ચોકમાં આવ્યા ને વિમાનમાંથી ઊતર્યા કે તરત વિમાન અદૃશ્ય થઈ ગયું. પછી આસને આવીને સૂતા ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, કેમ ! તમારો સંકલ્પ સિદ્ધ થયો કે નહીં ? ત્યારે પ્રેમજીભાઈ બોલ્યા જે, હા બાપા ! તમે સત્ય કર્યો. પછી જ્યારે છપૈયેથી કચ્છમાં આવ્યા ત્યારે પ્રેમજીભાઈને એમના દીકરાઓએ કહ્યું જે, તમે ને બાપાશ્રી બેય પંદર દિવસ પહેલાં રાત્રિએ આપણી વાડીએ આવ્યા હતા ને પાછા ફેર ક્યાં ગયા હતા ? ત્યારે પ્રેમજીભાઈએ કહ્યું જે, એ તો બાપાશ્રી એમની સામર્થીએ કરીને લાવ્યા હતા. ।। ૧૨ ।।