વાર્તા ૧૧૦
સંવત ૧૯૮૪ના કારતક સુદ ૩ને રોજ સવારે નારાયણપુરના મંદિરમાં બાપાશ્રી નિત્યવિધિ કરીને ધનજીભાઈને ઘેર પધાર્યા. ત્યાં તેમના અતિ આગ્રહથી ઠાકોરજીને જમાડ્યા. તે વખતે કેટલાક હરિભક્તોની પ્રાર્થનાથી હેતવાળા હરિભક્તોને ઘેર ઘેર પધારી દર્શન આપી રાજી કર્યા. પછી મંદિરમાં આવીને થોડી વાર પોઢ્યા. બપોરે બાપાશ્રી નાહવા પધારે છે, એમ ખબર પડવાથી ગામના નાના-મોટા હરિભક્તો સડક પર નદીના ધરામાં જ્યાં પાણી ખળખળાટ કરતું વહે છે, તે ઠેકાણે સૌ ગયા. બાપાશ્રી પણ નિત્યે નહાતા તે ઠેકાણે ગાડીમાં બેસીને આવ્યા. પછી સૌ સાથે નાહ્યા. તે વખતે બાપાશ્રી એમ બોલ્યા જે, કોઈ મૂર્તિની સ્મૃતિ વિના ન્હાશો નહિ; અનંત મુક્તે સહિત મહારાજને નવરાવજો. તે વખતે હરિભક્તો કીર્તન બોલ્યા જે,“આજ મેં તો દીઠા વાલાને વાટ વહેતા.” સૌ હરિભક્તો કીર્તન બોલી રહ્યા એટલે બાપાશ્રી પાણીમાં સર્વેને મળ્યા. પછી વસ્ત્ર બદલી રેતીમાં બેઠા ને માનસીપૂજા કરી. હરિભક્તો ચંદન, કુંકુમ તથા ફૂલના હાર લાવેલા તે ચંદન ચર્ચી ચાંદલા કરી હાર પહેરાવ્યા. બાપાશ્રીએ પણ સર્વેને ચંદન ચર્ચ્યું. હરિભક્તો પોપૈયાં તથા કેળાં લાવેલાં તે સુધારી ઠાકોરજીને જમાડી સર્વેને પ્રસાદી વહેંચી. પછી બાપાશ્રી એમ બોલ્યા જે, આવા બ્રહ્મયજ્ઞમાં ઉદ્ઘોષ કાંઈ ન મળે, પણ મૂર્તિનું સુખ ઘણું આવે. જીવને કાર્યમાં તાન તેથી આ વાતની ખબર પડે નહીં. આવી દિવ્ય સભામાં બધુંય છે. મહારાજે આ સમે બહુ દયા વાપરી છે તેથી અનાદિમુક્ત રસબસ રહ્યા થકા અનેકને મૂર્તિમાં ખેંચી લે છે. તેમનાં દર્શન-સેવા, સ્પર્શ ક્યાંથી મળે ? આ તો શ્રીજીમહારાજે દયા કરી છે, તેથી આ લાભ મળ્યો છે, આ ટાણું ને આ જોગ બહુ ભારે છે. જુઓને ! મહારાજ કચ્છમાં ઘેર ઘેર ફર્યા. તેથી ભૂમિ સર્વે પાવન થઈ. આ દેશનાં ભાગ્ય કેવડાં ! મોટા મોટા મુક્ત પણ એવા જ પ્રતાપી. આપણે આવા સ્થાનમાં બેઠા છીએ તે કેવી શાંતિ વર્તે છે. મોટાં શહેરમાં તો રાત ને દિવસ જ્યાં જોઈએ ત્યાં જંપ મળે નહીં. એટલા સારુ મહારાજ કહે, અમને વન, પર્વત ને જંગલ બહુ ગમે છે. એવી રુચિ આપણે રાખવી જોઈએ. આવા સ્થાનમાં જે કરીએ તે અનંતગણું થાય. આપણને મહારાજે પોતાના કર્યા છે, તેથી કૃતાર્થપણું માનવું. આવા મોટાના જોગમાં મહારાજનો તથા મૂર્તિના સુખભોક્તાનો દિવ્યભાવ વધતો ને વધતો જાય છે, એમ જાણવું ને સદાય આનંદમાં રહેવું. મહારાજ આપણા સામું જોઈ રહ્યા છે. એમની સાજા સત્સંગ ઉપર એવી ને એવી દયા છે, નહિ તો જીવનું ગજું શું ! જે મહારાજ તથા મોટાને ઓળખે. આ તો મહાપ્રભુ અઢળક ઢળ્યા છે. આપણે એ મૂર્તિને તથા મોટા અનાદિને વિષે ક્યારેય મનુષ્યભાવ ન પરઠવો. લાખો વરસ તપ કરે તોય મહારાજ ને મુક્ત મળવા કઠણ, તે આજ ઘેર બેઠાં મળે છે. પાત્ર-કુપાત્ર જોતા નથી ને સૌને દર્શન દે છે એ કેવડી મોટી વાત કહેવાય ! એમ કહી સહજાનંદ સ્વામી મહારાજની જય બોલાવી, ગાડીમાં બેસી હરિભક્તોએ સહિત ધનજીભાઈની પ્રાર્થનાથી તેમને ઘેર ગયા. ત્યાં નવી મેડી પર પાથરેલ આસન પર બાપાશ્રી બેઠા. આખો ઓરડો હરિભક્તોથી ભરાઈ ગયો, તે વખતે ધનજીભાઈ તથા તેમના પુત્ર રામજીભાઈ, લાલજીભાઈ અને હરજીભાઈએ બાપાશ્રીની ચંદન-પુષ્પહારથી પૂજા કરી, દંડવત કર્યા ને પ્રાર્થના કરી જે, બાપા ! અમે સૌ આપનાં બાળક છીએ. તમે અમારાં પર કૃપાદૃષ્ટિ રાખો છો તેવી સદાય રાખજો. આપને રાજી કરતાં અમને આવડતું નથી, પણ આપ દયા કરી પોતાના જાણો છો તેથી આવા ને આવા રાજી રહેજો. આપને વિષે ક્યારેય મનુષ્યભાવ ન આવે તથા મહારાજના આશ્રિત સંત-હરિભક્ત સૌનો અમારા પર રાજીપો રહે એવી દયા કરજો. ત્યારે બાપાશ્રી કહે, તમારા ઉપર અમો ઘણા રાજી છીએ, કેમ જે તમારાં હેત એવાં છે. તમને અમારા રાજીપાની તાણ ઘણી છે, તેથી સૌને મહારાજની મૂર્તિમાં રાખ્યા છે એ વાત ભૂલશો મા. નાના-મોટા સંપ સંપીને રહેજો. સત્સંગમાં પરસ્પર હેત હોય તો મૂર્તિ ભુલાય નહીં. એમ વાત કરતા હતા તે વખતે લાલશંકરભાઈએ બાપાશ્રીને ચંદન ચર્ચ્યું ને માથે પાઘડી બંધાવી પ્રાર્થના કરી. ત્યારે બાપાશ્રી કહે, તમે આ શું કર્યું ? ત્યારે ધનજીભાઈ કહે, બાપા ! આ જગ્યામાં લાલશંકરભાઈ એક મહિનો રહ્યા હતા. તે વખતે આપને અહીં તેડાવી પૂજા કરવાનો તેમનો સંકલ્પ હતો તે આજ આપે દયા કરીને પૂરો કર્યો. તે સાંભળી બાપાશ્રી પ્રસન્ન થઈને તેમને તથા સૌ હરિભક્તોને મળ્યા, પછી મંદિરમાં પધાર્યા. સભામાં કથા પ્રસંગે બાપાશ્રીએ વાત કરી જે, મહારાજની મૂર્તિને આપણે ઘડીએ મૂકવી નહિ એટલે સાધનમાત્ર પૂરાં થયાં. તે વિના તો બધુંય કાર્ય છે; તેનો અંત નથી. માટે આપણે તો એક મૂર્તિને સુખે સુખિયા રહેવું. આ લોકમાં બીજું કાંઈ જોયા જેવું નથી. જોયા જેવા તો એક શ્રીજીમહારાજ છે. દોયલી વેળાનાં દામ અને ખરી વેળાનો ખજીનો પણ એ છે ને એ જ જીવનમૂડી છે. માટે બીજી વાતમાં મન ન દેવું ને મૂર્તિમાં રહી મૂર્તિનું સુખ લેવું. આવો જોગ અક્ષરકોટિ સુધી મળે નહિ; તે આજ હરતાં-ફરતાં દર્શન થાય છે એ મહાપ્રભુની દયા છે. ।। ૧૧૦ ।।