SMVS































































































































































































































































































પરચા - ૧૮

સંવત ૧૯૫૮ની સાલમાં સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો ગુજરાતમાંથી કચ્છમાં જતાં, મોરબીથી નવલખીએ જઈને આગબોટમાં બેઠા. આગબોટ ચાલતી થઈ ને આગળ જતાં સામું વહાણ આવ્યું, તે વહાણનો શઢ આગબોટના થાંભલામાં ભરાયો તે આગબોટને આડી પાડી દીધી, તેથી તેનો થાંભલો ભાંગી ગયો. પછી આગબોટ સમી થઈ ગઈ અને ચાલી તે ખારીરોલે ઊતર્યા. ત્યાં એક ઘેલાભાઈ પુરુષોત્તમ નામે ભાટિયા અંજારના રહીશ હતા. તેમણે સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતોને પોતાના સિગરામમાં બેસાર્યા  તેને સ્વામીશ્રીએ પૂછ્યું જે, તમે સત્સંગી છો ? ત્યારે તેણે કહ્યું જે હું સત્સંગી તો નથી, પણ શેઠ કરમશીભાઈ દામજી તમારા સત્સંગી છે, તેમનો મિત્ર છું. તે હું મુંબઈથી નીકળ્યો ત્યારે વિચાર કર્યો જે બૈરાં-છોકરાં અને બધી કમાણી સાથે છે. તે ખાડીમાં જઈએ તો હરકત ન આવે. એમ જાણી મુંબઈથી પાધરો આગબોટમાં ન આવ્યો ને અહીં આવ્યો. ત્યારે અહીં પણ ડૂબવાનું થયું, તેમાંથી ઊગર્યા. એથી મને વિચાર થયો જે, આ સ્વામિનારાયણના સાધુ બહુ ધર્મવાળા છે, તેમના પ્રતાપે આગબોટ બચી. એમ જાણી તમને સિગરામમાં બેસાર્યા છે. પછી અંજાર ગયા. ત્યાં એમણે માણસ મોકલી પુછાવ્યું કે, તમારે સીધું કેટલું જોઈએ ? ત્યારે સ્વામીએ કહેરાવ્યું જે, આજ તો આગબોટમાં બેઠા છીએ, માટે જમાય નહીં. પછી બીજે દિવસે ગાડું મળ્યું, તેમાં બેસીને ભૂજ ગયા ને તેમણે સીધું મંદિરમાં મોકલાવ્યું, ત્યાં તો સ્વામીશ્રી આદિ નહોતા. પછી તે ઘોડાગાડી લઈને ભૂજ ગયા અને રસોઈ આપી, ધોતિયાં ઓઢાડ્યાં. પછી તેને સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, જેના પ્રતાપે થાંભલો ભાંગ્યો ને આગબોટ બચી છે તેમના દર્શને અમે જઈએ છીએ. પછી તે સાથે ગયા ને બાપાશ્રી વૃષપુરના મંદિરમાં પગથિયેથી ઊતરતા હતા ત્યાં સામા મળ્યા ને સ્વામીશ્રી આદિ સંતોને મળીને બોલ્યા જે, થાંભલો ન ભાંગ્યો હોય તો તમે ક્યાં હોત ? ત્યારે સ્વામીશ્રીએ કહ્યું જે, તમારા ભેળા હોત. પછી બાપાશ્રી બોલ્યા જે, તમને ઉગારવાને માટે અમે થાંભલો ભાંગીને આગબોટ બચાવી અને એ થાંભલો ગોઠવીને મૂક્યો તે કોઈને વાગવા દીધો નહિ એમ બોલ્યા. તે સાંભળીને શેઠને ઘણું આશ્ચર્ય થયું. અને પ્રાર્થના કરી જે, આપ મહાસમર્થ છો, તેથી આપને પ્રતાપે મારો મોક્ષ કરજો; એમ પ્રાર્થના કરી પોતાને ગામ ગયા. પછી બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, તમને કમળી થઈ છે તેથી દેહ મૂકવાનો સંકલ્પ કરીને અહીં આવ્યા છો પણ તમને મરવા દેવા નથી. એમ કહીને બાજરાનો રોટલો જમવાનું કહ્યું. ત્યારે સ્વામીશ્રીએ કહ્યું જે, મને કાંઈ ભાવતું નથી. પછી બાપાશ્રી કહે, જમજો, હવે ભાવશે. પછી ઠાકોરજીના થાળ થઈ રહ્યા એટલે પાસે બેસીને બાજરાનો રોટલો ચોથા ભાગનો સ્વામી ઈશ્વરચરણદાસજીને જમાડ્યો. એવી રીતે છ દિવસ સુધી સેવા-સમાગમથી સુખિયા કરીને કહ્યું જે, તમે હવે જેતલપુર જાઓ અને ભૂજ, મૂળી, અમદાવાદ ક્યાંય રોકાશો નહીં. પછી સ્વામીશ્રી આદિ સંતો ભૂજ ગયા. ત્યાં માનકુવાના હરિભક્ત સંતોને તેડવા ગાડા લઈને આવ્યા હતા. ત્યાં પારાયણ થવાની હતી, તેથી સ્વામીશ્રી અક્ષરજીવનદાસજી તથા હરિભક્તો આગ્રહ કરીને માનકુવે લઈ ગયા. ત્યાં બાપાશ્રી આવ્યા ને મળીને બોલ્યા જે, તમને જેતલપુર જવાનું કહ્યું હતું અને અહીં કેમ આવ્યા ? ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, સંતોના ને હરિભક્તોના આગ્રહથી આવવું થયું. હવે આ કથા થઈ રહેશે ત્યારે જવાનું કરશું. પછી બોલ્યા જે, હવે તો આપણે વૃષપુર જઈશું, કેમ જે તમારી સાથે સ્વામી ભગવત્ચરણદાસજીના નવા સાધુ બળદેવચરણદાસજી છે તે માંદા પડવાના હતા તેની તમારે ચાકરી કરવી પડે એટલા સારુ તમને રજા આપી હતી, પણ હવે તો નહિ જવાય અને કાલે સ્વામી વૃંદાવનદાસજી તથા ધોળકાના મહંત બળદેવચરણદાસજી તથા કાણોતરના બાપુભાઈ તથા રનોડાના પીતાંબરભાઈ આદિ હરિભક્તો આવશે, એટલે સેવાની ફિકર નહિ રહે. પછી બીજે દિવસે સ્વામી વૃંદાવનદાસજી આદિ સૌ આવ્યા અને કથાની સમાપ્તિ સાત દિવસે થઈ રહી. પછી સ્વામીશ્રી આદિ સૌ વૃષપુર ગયા, ત્યાં તે સાધુ માંદા પડ્યા તેને મંદવાડમાં વાસના સ્ફુરી આવી. તેને દેહ મૂકવા સમયે બાપાશ્રીએ સ્વામી વૃંદાવનદાસજીને તથા સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, આ સાધુનો દેહ આજે પડશે, માટે તેને ઉપદેશ કરીને મૂર્તિમાં વૃત્તિ રખાવો. પછી બંને સદ્‌ગુરુઓએ ઘણો ઉપદેશ કર્યો પણ તેમને કાંઈ સમજાય નહિ અને વાસના પણ મૂકી નહીં. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ સ્થાનમાં દેહ મૂકે ને ભૂત થઈને ઘેર જઈને ધૂણે તો અમારી આબરૂ જાય, માટે એનું અધૂરું રહેવા દેશું નહીં. પછી બાપાશ્રી તથા સંતો એની પાસે ગયા અને ખાટલો ઓરડામાં હતો તે ઓસરીમાં લાવ્યા ને બાપાશ્રીએ મહારાજનાં દર્શન કરાવીને દેહની વિસ્મૃતિ કરાવી દીધી. ને સ્વામીશ્રી આદિ સંતોને કહ્યું જે, તમો ઠાકોરજીને થાળ કરીને જમાડો. પછી સંતોએ થાળ જમાડીને કહ્યું જે, હવે એને દેહ મુકાવો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મહારાજને પોઢવું છે પછી લઈ જશે. પછી દોઢ વાગ્યો ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, હવે મહારાજ જાગ્યા હશે. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, તમે નાહી આવો. પછી સ્વામીશ્રી આદિ સંતો નાહી આવ્યા ને કહ્યું જે, હવે તેડી જાઓ. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, મહારાજને કીર્તન સાંભળવાં છે તે કીર્તન બોલો. પછી સંતો કીર્તન બોલ્યાં. તે વખતે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, હવે ત્રણ વાગ્યા અને સાંજ પડશે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મહારાજ કહે છે કે, અમને ભૂખ લાગી છે તે કાંઈ જમાડો તો પછી લઈ જઈએ. પછી સ્વામીશ્રીએ કહ્યું જે, સુખડી કરી દઉં ? ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, એટલી વાર તો ખમે તેમ નથી, માટે કાંઈક ફળ જમાડીએ. એમ કહીને પોતે જામફળી ઉપર ચઢીને ફળ ઉતારી લાવ્યા. તે સ્વામી ઈશ્વરચરણદાસજી પાસે સુધરાવીને પોતે મહારાજની મૂર્તિને જમાડતા હતા, ત્યારે સ્વામીશ્રી પાસે ઊભા હતા, તેમને કહ્યું જે, મહારાજ તો થાળ જમી રહ્યા ને સાધુને તેડવા ગયા. તમે જાઓ નહિ તો ગોદડાં અભડાશે. પછી સ્વામીશ્રી ઈશ્વરચરણદાસજી ઉતાવળા ગયા ને સાધુને હેઠે ઉતાર્યા કે તરત દેહ મૂકી દીધો. બીજે દિવસે સભામાં બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, તમે માંદા હતા ને તમારો વિચાર અહીં આવીને દેહ મૂકવાનો હતો, પણ તમે તો સાજા થઈ ગયા ને બીજા સાધુ દેહ મૂકી ગયા, માટે તમને હમણાં રાખવા છે. પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, એ સાધુને ક્યાં મૂક્યા ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સ્વામી ઈશ્વરચરણદાસજીને બદલે લઈ ગયા, માટે બીજે ક્યાં મુકાય ? શ્રીજીમહારાજની મૂર્તિમાં મૂકી દીધા, એમ બોલ્યા. ।। ૧૮ ।।