વાર્તા ૩૫
સવારની સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, જેને મહારાજની મૂર્તિનું સુખ જોઈતું હોય તેને સત્સંગમાં દાસાનુદાસ થઈ રહેવું. ભગવાનના ભક્ત સાથે મીન સ્નેહી જળ તેવું હેત રાખવું. નિર્માનીપણું રાખવું. મહારાજનું અખંડ ભજન કરવું તો મહારાજ તથા મોટા રાજી થાય. જ્યારે મહારાજ આપણું પ્રારબ્ધ છે ત્યારે આપણે કોઈને ગાળ દેતાં પણ વિચાર કરવો, કારણ કે સુખ-દુઃખ શ્રીજીમહારાજની ઇચ્છાથી જ આવે છે. જો આપણે કોઈનું અનિષ્ટ ઇચ્છીએ તો શ્રીજીમહારાજના નિશ્ચયમાં ફેર છે અને મહારાજને સર્વ કર્તા જાણતા નથી. જુવાન દીકરાનું મરણ થાય તોપણ એમ સમજવું કે મહારાજની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયની લીલા છે. ઇંદ્ર, બ્રહ્માદિક દેવ જે કાંઈ કરે છે તે પણ શ્રીજીમહારાજની આજ્ઞાનુસાર થાય છે એમ માનવાનું છે. કોઈને મંદવાડ આવ્યો ને દવા કરી તો એમ ન માનવું જે દવાએ સાજો કર્યો, એ તો જ્યારે મહારાજ ભળે છે ત્યારે જ સાજા થવાય છે. એવી રીતે દરેક કાર્યમાં શ્રીજીમહારાજને જ કર્તા જાણવા, પણ મહારાજનું કર્તાપણું લેશમાત્ર ઓછું થવા દેવું નહીં. તે વિના કોઈથી સૂકું પાંદડું પણ તોડાતું નથી, માટે દેહના સુખ સારુ શ્રીજીમહારાજનું વચન લોપવું નહીં. તો મહારાજ તથા મોટા મુક્ત અતિ પ્રસન્ન થાય છે. મહારાજના મુક્ત છે તે તો અમૃતના ઝાડની પેઠે છે, તે જ્યાંથી ઉપયોગમાં લો ત્યાંથી અમૃત; તેની સેવા, સ્પર્શ વગેરે અમૃત છે. પંચભૂતનો દેહ છે તે તો ઝેરનું ઝાડવું છે, તે જ્યાંથી અડો ત્યાંથી ઝેર ચડે, તે ખાધામાં ઝેર, પીધામાં ઝેર, દરેક ઉપયોગમાં ઝેર. માટે તેને ફગાવીને ત્રણ દેહથી પર પોતાના સ્વરૂપને મહારાજના તેજરૂપ માનીને તેમાં મહારાજની મૂર્તિ પધરાવે તો સુખિયું થવાય. મહારાજની મૂર્તિ સિવાય ક્યાંય સુખ નથી. એ મૂર્તિમાંથી તેજ ફરર ફરર છૂટે છે. તેને પામે તો જીવ સુખિયો થઈ જાય; બાકી અક્ષર સુધી ક્યાંય સુખ નથી. માટે મૂર્તિ સિવાય કાંઈ ઇચ્છવું નહીં. જીવને પરોક્ષનો મહિમા, પણ પ્રત્યક્ષનો નહીં. મથુરા, ગોકુળ જાય, તો ત્યાંની તલાવડીની માટી તિલક કરવા માટે લઈ આવે એવું મહાત્મ્ય. પણ અમારે ભૂજના હમીરસર તળાવની માટી કોઈ લઈ જાય નહીં. નહિ તો જુઓને ! તેમાં મહારાજ નાહ્યા છે, સંતદાસજી નાહ્યા છે, મોટા મોટા મુક્ત નાહ્યા છે, પણ એવું સમજાય છે ? પછી એમ બોલ્યા જે, એવા મોટા અનાદિની સેવા કાંઈ થોડે ભાગ્યે મળતી નથી અને તેથી બીજી કોઈ મોટી પ્રાપ્તિ નથી; માટે મોટાની ક્રિયામાં સંશય કરવો નહીં. મોટા ઊંઘે ત્યારે નસકોરાં બોલતાં હોય એમ જણાય પણ તે તો મહારાજની મૂર્તિમાં ગુંજારવ કરતા હોય. ભગવાનનો નિશ્ચય કરવો તે કારણ મૂર્તિ ઓળખીને કરવો. જે કાર્ય ઉપરથી નિશ્ચય કરે છે, તેના નિશ્ચયમાં ડગમગાટ રહે છે. તે કાર્ય શું ? તો, આવા સાધુ, આવો ધર્મ, આવો ત્યાગ, આવા મોટા યજ્ઞ, આવી પ્રથા એ ઉપરથી કરેલો નિશ્ચય. પણ જો શ્રીજીમહારાજની મૂતિનાં સુખ, ઐશ્વર્ય, મહિમા જાણીને નિશ્ચય કર્યો હોય તે નિશ્ચય કોઈ કાળે ફરતો જ નથી. એવો દિવ્યભાવે નિશ્ચય કરી મોટા અનાદિને ઓળખી, તેમને મન સોંપી દે તો એક ક્ષણમાં કલ્યાણ કરે. નહિ તો છ માસ ભેળો રહે તોપણ શું ? તે મન સોંપી દીધું ક્યારે કહેવાય ? તો પોતાનું મનગમતું મૂકીને મોટા કહે તેમ કરવું તે. આવા દિવ્ય સત્સંગમાં કોઈનો અવગુણ ન આવવો જોઈએ. કદાપિ કાંઈક વિક્ષેપ જેવું જણાતું હોય તોપણ સમજણ એમ રાખવી જે સામા પક્ષવાળા વિક્ષેપમાં રહીને પણ ભજન કરે છે તેથી તેને ધન્ય છે. આપણે તો એક ચિંતામણિરૂપ મહારાજની મૂર્તિ રાખવી ને અનાદિમુક્તનો જોગ રાખવો. આવા મુક્તના પ્રસંગ સિવાય મહારાજની મૂર્તિ દેખાતી નથી. શ્રીજીમહારાજે કહ્યું છે, “તે મૂર્તિને અમે પ્રગટ પ્રમાણ હમણાં પણ દેખીએ છીએ અને સત્સંગમાં નહોતા આવ્યા ત્યારે પણ દેખતા અને માતાના ગર્ભમાં હતા તે દિવસે પણ દેખતા અને ગર્ભમાં આવ્યા મોર પણ દેખતા.” તે અનાદિમુક્તની સ્થિતિ છે.
પછી એમ બોલ્યા જે, જીવનું કારણ શરીર વજ્રસાર જેવું છે, પણ શ્રીજીમહારાજનો જરાક ઝબકારો જીવમાં આવે કે તુરત કારણ શરીર બળી જાય છે. જેમ જરાક અગ્નિનો તણખો બાળી મૂકે છે તેમ. માટે કારણ મૂર્તિને પામવા કારણરૂપ એવા અનાદિમુક્તનો જોગ-સમાગમ કરી મહિમા જાણવો. મોટા મુક્તનો મહિમા સ્વામી-સેવકભાવ રાખીને જેટલો કહેવો હોય તેટલો કહેવાય. તે એવી રીતે કે મહારાજ સુખદાતા છે ને મુક્ત સુખભોક્તા છે. એવા મુક્તની કૃપા ક્યારે થાય ? તો પુરુષપ્રયત્ને કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ સિદ્ધ કરે તો. મોટાની કૃપા વિના મહારાજના સુખમાં કે મૂર્તિમાં કોઈ પણ પ્રકારે જીવની દૃષ્ટિ પહોંચતી નથી. જુઓને ! ભગવાન કેવડા મોટા છે ! તો તેમના મુક્ત પણ કેવડા હોવા જોઈએ ! વચનામૃતમાં મહારાજ તથા મોટા મુક્તનો મહિમા બહુ લખ્યો છે, પણ મોટાના જોગ વિના એના અર્થ સમજાય નહીં. તે અર્થ કયા ? તો, એક પરોક્ષભાવ, બીજો પ્રત્યક્ષભાવ, ત્રીજો પરભાવ. તેમાં કેટલેક ઠેકાણે એકાંતિકની, કેટલેક ઠેકાણે પરમએકાંતિકની અને કેટલેક ઠેકાણે અનાદિની સ્થિતિની વાત કરી છે. એ શબ્દછળ મોટા ઓળખે ને તેનો જોગ કરે ત્યારે સમજાય, નહિ તો ન સમજાય. તે ઉપર જારના છોડનો દાખલો દીધો. તે સાંઠો ઢોર ખાય છે ને કણ મનુષ્ય ખાય છે. પછી એમ બોલ્યા જે, સિદ્ધમુક્તને મતે તો અણુ અણુ પ્રત્યે ભગવાન રહ્યા છે. ક્યાં ભગવાન નથી ? બધે ભગવાન છે. કેમ જે એમની દૃષ્ટિ મૂર્તિ આકારે છે એમને તો મૂર્તિ વિના બીજું કાંઈ છે જ નહીં. જેમ મીંચેલી આંખ ઉઘાડીએ તો અજવાળું દૂર નથી; તેમ અજ્ઞાન આંખ ઊઘડે (અજ્ઞાને કરીને આંખ મીંચાયેલી છે તે જ્ઞાને કરીને ઊઘડે) કે મહારાજ ને મુક્ત આ રહ્યા. ત્રણે અવસ્થામાં મહારાજની મૂર્તિ ધારે તેનો તો વાયરો ભટકાઈને કોઈ જીવ મરતો હોય તેને અડે તો તેનું પણ કલ્યાણ થાય. આ વખત બહુ સારો છે, કલ્યાણ સોંઘું છે, સંત સોંઘા છે. માટે મન-ઇન્દ્રિયોને વશ થઈને મહારાજની મર્યાદા લોપવી નહિ અને કોઈ સંત-હરિજનની સ્વાભાવિક ક્રિયા જોઈને તેનો અવગુણ લેવો નહીં. તેનો જીવ કેવો હોય તેની આપણને ખબર કેમ પડે ! માટે જેટલો લેવો હોય તેટલો પોતાનો અવગુણ લેવો. મોટા તો ગમે તે ક્રિયા કરે પણ મૂર્તિ ભૂલે નહીં. આપણે તો કથા-વાર્તા કરતા હોઈએ, ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતા હોઈએ, પણ કોઈ ઢાલ-તરવાર બાંધીને આવે તો તરત આપણી વૃત્તિ ત્યાં ખેંચાઈ જાય; એવી વૃત્તિ ભગવાનમાં રહે નહીં. મહારાજે એક સંતને પૂછ્યું કે, તમને સંકલ્પ કેવા થાય છે ? ત્યારે તે કહે કે, મુઠ્ઠીમાં રેતી રાખીને ખરર ખરર રેડીએ તેવા થાય છે. ત્યારે મહારાજ કહે, મને તો એક પણ સંકલ્પ ઊપજતો નથી. એમ કહ્યું તે મોટા મુક્તની વાત છે. આવા મહારાજ ને આવા મુક્ત પ્રત્યક્ષ છે, માટે જે કરો તે થાય. આવો વખત ભૂલવો નહિ અને સત્સંગની લટક રાખવી. લટક તે શું ? તો મહારાજની મૂર્તિનું તાન રહે તેવા ગુણ દરેકમાંથી લેવા. જેમ ભમરી મધ કરે છે તે અશુદ્ધ વસ્તુમાંથી પણ રસ ગ્રહણ કરે છે એવો તેની દાઢમાં ગુણ છે, તેમ આપણે પણ એવી જ લટક રાખવી ને સર્વેનો ગુણ જ લેવો. પોતાના જીવાત્માને ત્રણ દેહથી નોખો માનીને મૂર્તિમાં જોડાવું. એ મૂર્તિમાંથી જળસ્ જળસ્ તેજ નીકળે છે. તે તેજ શીતળ, શાંત, બાળે તેવું નહિ, તેમજ ઠારે તેવું નહિ; એવું તેજ છે, એવો મહારાજની મૂર્તિમાં માલ છે, માટે સર્વ ક્રિયામાં મૂર્તિમાં જોડાવું, તેના સામું જોઈ રહેવું, તેનો વિચાર કરવો. આવા સંત મળ્યા છે, આવો જોગ મળ્યો છે. આ વખતે નહિ કરીએ ત્યારે ક્યારે કરશું ? વસમી વેળાએ વહાર કરનારા આ મુક્ત છે તે અત્યારે જણાય નહીં. અત્યારે આપણી સાથે વાત કરતા હોય અને કેટલાકને અક્ષરધામમાં મૂકી આવતા હોય. એવા મુક્ત ઓળખાય નહિ તો મોટી ખોટ આવે. તેથી મુક્ત ઓળખવા જોઈએ. મુક્તના તો સંકલ્પ ચાલે છે. ગુજરાતમાં એક હરિભક્તને એક લાખ ગોપાળાનંદ સ્વામી દેખાણા ત્યારે તેણે પૂછ્યું જે, સ્વામી તો એક છે અને આટલા અનેક કેમ ? ત્યારે તે બોલ્યા કે, અમે ગોપાળાનંદ સ્વામીના સંકલ્પ છીએ. એવા મોટાને અતિ હેતે સંભારવા ને મૂર્તિમાં જોડાઈ રહેવું. દેહ મૂકતી વખતે મહારાજ ને લાખો મુક્ત તેડવા આવશે, ત્યારે મહારાજ ને આવા અનાદિનો ખરેખરો મહિમા સમજાશે. ।। ૩૫ ।।